Saturday, April 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘ગરીબી મેં આટા ગિલા’: પાકિસ્તાનમાં લોટનો ભાવ પ્રતિ પેકેટ 3100 રૂપિયા, કામધંધા...

    ‘ગરીબી મેં આટા ગિલા’: પાકિસ્તાનમાં લોટનો ભાવ પ્રતિ પેકેટ 3100 રૂપિયા, કામધંધા છોડી લોકો લોટ લેવા લાઈનમાં લાગ્યા, પડાપડીમાં એકનો જીવ ગયો

    સરકારી સબસીડાઈઝડ લોટ કરતાં બજારમાં લોટ 2 થી 3 ગણી કિંમતે મળી રહ્યો છે. હવે પરિસ્થિતી એટલી ગંભીર છે કે સબસીડીમાં મળતો સરકારી લોટ પણ ખતમ થઈ ગયો છે.

    - Advertisement -

    પાડોશી દેશ પાકિસ્તનમાં મોંધવારી બધા જ રેકોર્ડ તોડી રહી છે. સામાન્ય ઘરવપરાશની ચીજવસ્તુઓના ભાવ પણ આસમાન આંબી રહ્યા છે. દરમ્યાન, જાણવા મળ્યું છે કે પાકિસ્તાનમાં એક પેકેટ લોટની કિંમત 3100 રૂપિયાએ પહોંચી છે. લોટના આટલા ભાવ થઈ જતા હવે લોકોને ભોજન માટે ફાંફાં પડી રહ્યાં છે. મોંઘવારીથી ગરીબો અને મધ્યમ વર્ગ ત્રાહિમામ પોકારી રહ્યા છે. અત્યારે પાકિસ્તાનમાં બે ટંક રોટલીનો જુગાડ કરવો પણ સામાન્ય માણસ માટે મોટી મુશ્કેલી બની છે.

    પાકિસ્તાનની સરકાર ગરીબોની સબસીડીવાળો લોટ અડધી કિંમતે હાલ આપી રહી છે અને ત્યાં મર્યાદિત સ્ટોક હોવાથી લોકો પોતાનો કામ ધંધો છોડી સરકારી લોટ લેવા લાઈનમાં લાગ્યા છે. સરકારી સબસીડાઈઝડ લોટ કરતાં બજારમાં લોટ 2 થી 3 ગણી કિંમતે મળી રહ્યો છે. હવે પરિસ્થિતી એટલી ગંભીર છે કે સબસીડીમાં મળતો સરકારી લોટ પણ ખતમ થઈ ગયો છે એટલે ત્યાંની પ્રજાએ ફરજીયાત બજારમાંથી મોંઘો લોટ લેવો પડશે અથવા ભૂખ્યા રહેવું પડશે. સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે હવે સરકારે નાગરિકોને ઓછી કિંમતે સબસિડીવાળો લોટ ઉપલબ્ધ કરાવવા ખાનગી દુકાનદારોને પહેલ કરવી પડી છે.

    રિપોર્ટ્સ અનુસાર, પાકિસ્તાનમાં ઘઉંની કિંમત 5 હજાર રૂપિયા પર પહોંચી છે. રાવલપિંડીમાં બજારમાં લોટનો ભાવ 150 રૂપિયા કિલો પર પહોંચ્યો છે. પંજાબ પ્રાંતના શહેરોમાં 15 કિલો ઘઉંની બેગ 2,250 રૂપિયામાં વેચાઈ રહી છે. જ્યારે સબસીડીવાળા લોટથી લોકોને રાહત મળતી હતી, તેનો પણ ભાવ 3100 રૂપિયા પર પહોંચ્યો છે. 

    - Advertisement -

    રવિવારે પાકિસ્તાનના વિવિધ ભાગોમાં સામાન્ય નાગરિકોને બજાર કરતાં ઓછી કિંમતે સરકારી સબસિડીવાળા લોટના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું. આ મેળવવા માટે પણ લોકો ઉમટી પડ્યા હતા અને દેશમાં ત્રણ અકસ્માતો થયા હતા જેમાં સબસિડીવાળા લોટના પેકેટ મેળવવાનો પ્રયાસ કરતા ભીડને કારણે ઘણા લોકો ઘાયલ થયા હતા. આ પહેલાં પાકિસ્તાનના પ્રધાનમંત્રી કહી ચૂક્યા છે કે લોકોને સસ્તો લોટ મળી રહે તે માટે તેઓ પોતાનાં કપડાં પણ વેચી નાંખશે.

    પાકિસ્તાનમાં લોટના વધેલા ભાવને કારણે કેવી સ્થિતિ બની છે, તે ત્રણ ઘટનાઓ પરથી સમજી શકાય છે. સિંધ પ્રાંતમાં સબસિડીવાળા લોટનું પેકેટ લેવાના પ્રયાસમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો. સિંધના મીરપુર ખાસમાં કેટલાક લોકો વાહન પર સસ્તા લોટના પેકેટ લઈને પહોંચ્યા હતા. ઓછી કિંમતે લોટના પેકેટ મેળવવાનો પ્રયાસ કરતા લોકો મોટી સંખ્યામાં આવી પહોંચ્યા હતા અને તે વાહનની પાછળ દોડતા નજરે પડ્યા હતા. આ ભાગદોડમાં પણ એક વ્યક્તિએ પોતાન જીવ ગુમાવવો પડ્યો હતો. એવું કહેવાય છે કે મૃતકની ઉંમર 45 વર્ષ હતી અને તેને છ બાળકો છે. તે તેના પરિવાર માટે ઓછી કિંમતે લોટ મેળવવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને તે જ પ્રયાસમાં તેણે પોતાનો જીવ ગુમાવ્યો હતો.

    પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા અને બલૂચિસ્તાન પ્રાંતોમાં સબસિડીવાળા લોટનો સ્ટોક સમાપ્ત થઈ ગયો હોવાના અહેવાલ છે. અહીં લોટના 20 કિલો પેકેટની કિંમત 3100 રૂપિયા સુધી પહોંચી છે જ્યારે સબસીડીવાળા લોટના પેકેટની કિંમત 1200 રૂપિયાની આસપાસ છે.

    વધતા ભાવનો દોષ સરકાર પર લગાવવામાં આવી રહ્યો છે. અનાજની અછત અને ઘઉંના વધતા ભાવના કારણે આ સ્થિતિ સર્જાઈ હોવાનું કહેવાય રહ્યું છે. સિંધ, ખૈબર-પખ્તુન્વા, બલૂચિસ્તાનમાં મોકલવામાં આવતા સરકારી ઘઉંનું પ્રમાણ બહુ ઓછું હતું અને બજારમાં માંગ પ્રમાણે પૂરતું અનાજ પહોંચાડવામાં આવી રહ્યું નથી, જેના કારણે આ સ્થિતિ ઉભી થઇ છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં