હજુ ગયા સોમવારે જ મેં (હવે ભાજપના પૂર્વ પ્રવક્તા બની ગયેલાં) નૂપુર શર્મા સાથે વાતચીત કરી હતી. ત્યારે તેમને એક સમુદાયના સભ્યો દ્વારા બળાત્કાર અને હત્યાની ધમકીઓ મળવાની શરૂ થઇ ગઈ હતી. યાદ રહે કે આ એક એવો સમુદાય છે જેઓ માત્ર ધમકી આપવામાં જ નહીં પણ તેનો અમલ કરવા અને અંજામ સુધી લઇ જવા માટે પણ જાણીતા છે. અમારી વાતચીત દરમિયાન (જે યુ-ટ્યુબ પર પણ ઉપલબ્ધ છે) ભલે મેં સામાન્ય દેખાવાનો પ્રયત્ન કર્યો હોય પરંતુ તેમ છતાં મારા ચહેરા પર ચિંતાનો ભાવ સ્પષ્ટપણે દેખાતો હતો.
ઑપઇન્ડિયા અને વ્યક્તિગત રીતે મેં પણ ‘ઇશનિંદાના કારણે થયેલી હિંસા’ના અનેક બનાવો કવર કર્યા છે. ખોટું નહીં કહું પરંતુ મારા મનમાં એક નાનકડો અવાજ આવ્યા કરતો હતો કે કમલેશ તિવારીની જેમ નૂપુર શર્માનું ભાવિ પણ સીલ થઇ ગયું છે. જેમની પહેલાં ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ ભાષણોના કારણે જ હત્યા કરી નાંખવામાં આવી હતી.
પરંતુ ઇન્ટરવ્યૂ દરમિયાન નૂપુર શર્માએ મને કહ્યું કે તેઓ સતત PMO (વડાપ્રધાન કાર્યાલય) અને HMO (ગૃહમંત્રાલય)ના સંપર્કમાં છે અને દેવેન્દ્ર ફડણવીસ જેવા નેતાઓએ પણ તેમનો સંપર્ક કરીને તેમને બળ આપ્યું હતું. અને તેમણે જ્યારે કહ્યું કે તેમની પાર્ટીને તેમની સુરક્ષાની ચિંતા છે ત્યારે મારી ચિંતાઓ અમુક હદ સુધી ઓછી થઇ ગઈ હતી. આમ તો જ્યારે બબ્બે વખત તમારી હત્યાનું એલાન કરી દેવામાં આવ્યું હોય ત્યારે કોઈ પણ પ્રકારની સુરક્ષાને પૂરતી માની શકાય નહીં, પરંતુ તેમ છતાં તે એક સાંત્વના જરૂર હતી. સત્તાએ આ બાબતનું સંજ્ઞાન લીધું હતું અને નૂપુરને એક સંસ્થાનું સમર્થન મળ્યું હતું, જેની તેમને આવા સમયમાં ખૂબ જરૂર હતી.
પરંતુ ઇન્ટરવ્યૂ બાદ થોડા દિવસો પછી સમાચાર મળ્યા કે નૂપુર શર્મા પાર્ટીની પ્રાથમિક સભ્યતામાંથી બરતરફ કરી દેવામાં આવ્યાં છે. પાર્ટીએ તેમને પાઠવેલા પત્રમાં તેમણે કેટલીક બાબતો મુદ્દે પાર્ટીના સ્ટેન્ડ વિરુદ્ધના મંતવ્યો વ્યક્ત કર્યાં હોવાનું કહેવામાં આવ્યું છે અને જે બાદ આગળની તપાસ પૂર્ણ થવા સુધી નૂપુર શર્માને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં.
પાર્ટી કોને પ્રવક્તા તરીકે પસંદ કરે તે બાબત સાથે પાર્ટીના સામાન્ય સમર્થકોને વ્યક્તિગત રીતે કોઈ લેવાદેવા નથી હોતી, તેમ છતાં નૂપુર શર્મા અંગે ભાજપના આ નિર્ણય બાદ સામાન્ય સમર્થકોમાં આક્રોશ અને ગુસ્સો સ્પષ્ટ દેખાતા હતા. સમાચાર જાણ્યા બાદ તરત મારા હૃદયને આંચકો લાગ્યો. જે સંસ્થાગત સમર્થનની નૂપુરને જરૂર હતી તે જ તેમની પાસેથી લઇ લેવામાં આવ્યું હતું. કોઈ એમ પણ કહી શકે છે કે એવી પૂરેપૂરી શક્યતા છે કે હજુ તેમને પૂરતું રક્ષણ આપવામાં આવ્યું હોય, પરંતુ તેમનું માથું વાઢી લેવા માટે ઇચ્છતા ઇસ્લામીઓ માટે આ નિર્ણયે ભૂખા સિંહના મોઢે લાગેલા લોહી જેવું કામ કરી દીધું છે. નૂપુરને અલગ કરીને, બદનામ કરીને તેમનો શિકાર થઇ જાય એ માટે જાણે ખુલ્લાં મૂકી દેવામાં આવ્યાં. તેમના લોહી માટે તરસતા ઇસ્લામીઓ માટે આ સરળ સંદેશ હતો કે- ભાજપ ઇસ્લામની ટીકાઓનું કે અહીં સુધી કે હદિસનું પઠન કરવાનું પણ સમર્થન કરતો નથી, કારણ કે તેનાથી અસહિષ્ણુ લઘુમતીઓ નારાજ થઇ જાય છે.
પાર્ટીને બિનશરતી સમર્થન આપનારા સમર્થકો કહે છે કે આ પગલું રાષ્ટ્રહિતમાં લેવામાં આવ્યું છે. જાણવા મળ્યું છે કે કેટલાક ઇસ્લામિક દેશોએ નૂપુર શર્મા દ્વારા કરવામાં આવેલ ટિપ્પણીઓ મામલે નિવેદનો આપીને તેમની વિરુદ્ધ કાર્યવાહી ન થાય તો ભારતીય ઉત્પાદનોના બહિષ્કારની ધમકી આપી હતી. ‘પયગંબર મોહમ્મદ વિરુદ્ધ’ ટિપ્પણીઓ મામલે માફીની માંગ કરતા કતરે ભારતીય રાજદૂતને પણ સમન્સ પાઠવ્યા હતા. કુવૈત, સાઉદી અરબ અને ઈરાને પણ નિવેદનો જારી કર્યાં. બીજી તરફ ઑલ્ટ ન્યૂઝના ઝુબૈરને પણ ઉજવણીનો અવસર મળી ગયો.
After Qatar, Kuwait and Iran, Now Saudi Arabia gives a statement https://t.co/65dXM5z0sD
— Mohammed Zubair (@zoo_bear) June 5, 2022
ભારતીય મુસ્લિમોને ન માત્ર ઉજવણી કરી પરંતુ દુનિયાભરના મુસ્લિમો અને ઇસ્લામિક રાષ્ટ્રોને પણ આ બાબતનું સંજ્ઞાન લેવા માટે ઉશ્કેર્યા પણ હતા. મોહમ્મ્દ ઝુબૈરે દોહા સ્થિત ભારતીય દૂતાવાસને ટેગ કરીને કહ્યું કે, હિંદુઓએ ‘અપમાનજનક ટિપ્પણીઓ’ કરી હોય તેવા અન્ય ટ્વિટ પણ આપી શકે છે. આ તત્વોના ટ્વિટમાં જીતનો સંકેત હતો. આતંકીઓનું પણ સમર્થન કરનારા લોકોએ જાહેર કરવા માંડ્યું કે પયગંબર મોહમ્મદનું અપમાન કરવા બદલ નૂપુરને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.
Correction: BJP suspends Nupur Sharma and Naveen Jindal from the party’s primary membership, days after @TimesNow‘s Anchor allowed her to insult Prophet Mohammad. pic.twitter.com/YJM2ZiTEgl
— Mohammed Zubair (@zoo_bear) June 5, 2022
એક તરફ આ શોરબકોર વચ્ચે નૂપુર શર્મા દ્વારા કરવામાં આવેલ વાસ્તવિક ટિપ્પણી દબાવી દેવામાં આવી. મારી સાથેના ઇન્ટરવ્યૂમાં પણ તેમણે સ્પષ્ટ કર્યું હતું કે તેમણે પયગંબર વિશે અભિપ્રાય નહતો આપ્યો પરંતુ તેમણે એ જ બાબતો કહી હતી જેનો ઉલ્લેખ મુસ્લિમોના જ હદીસમાં પણ કરવામાં આવ્યો છે. શિવલિંગ પરની ટિપ્પણીઓથી નારાજ થઈને તેમણે માત્ર એટલું જ પૂછ્યું હતું કે જે રીતે તેમની આસ્થાની મજાક ઉડાવવામાં આવે છે તે જ રીતે તેઓ પણ સામે તેમની આસ્થાની મજાક ઉડાવવાનું શરૂ કરી શકે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, જો કોઈ ઇસ્લામી વિદ્વાન તેમને ખોટાં ઠેરવી શકે તો તેઓ પોતાની ટિપ્પણી પરત ખેંચી લેશે. નૂપુર શર્મા કહે છે કે,“જો હું તથ્યાત્મક રીતે ખોટી હોઉં તો મને મારી ટિપ્પણીઓ પરત લેવામાં કોઈ વાંધો નથી.”
પરંતુ આ બધી બાબતોનો કોઈ ફેર પડતો નથી.
દુનિયાભરના ઇસ્લામવાદીઓ તથ્યો કે સબૂતો પર આધારિત રહેતા નથી. તેમને માત્ર કાનમાં ‘ઇશનિંદા’ કહેવામાં આવે તો અચાનક તેઓ બંને હાથ ફેલાવીને ચાવવા માટે માંસ અને તરસ છીપાવવા માટે લોહીની શોધમાં ફરતા અણસમજુ ઝોમ્બીમાં ફેરવાય જાય છે. બાંગ્લાદેશમાં આવો જ એક બનાવ બન્યો હતો, જ્યાં ઇકબાલ હુસૈન નામના વ્યક્તિએ દુર્ગા પૂજા મંડપમાં કુરાન મૂકી દીધું હતું અને જે બાદ હિંદુઓ વિરુદ્ધ વ્યાપક હિંસા શરૂ થઇ ગઈ હતી અને તેમના ધાર્મિક સ્થળોને પણ નુકસાન કરવામાં આવ્યું હતું.
પાકિસ્તાનના સિયાલકોટમાં પણ આવી જ ઘટના બની હતી, જ્યાં શ્રીલંકાના એક વ્યક્તિનું પહેલાં લિન્ચિંગ કરી ત્યારબાદ સળગાવી દેવામાં આવ્યો હતો. ઘટનાને નજરે જોનારાઓએ પણ કહ્યું હતું કે તેણે કોઈ ઇશનિંદા કરી ન હતી, પરંતુ તેનું લિન્ચિંગ કરી નાંખવા કે જીવતો સળગાવી દેવા માટે ભીડ પાસે માત્ર ઈશનિંદાનો આરોપ પૂરતો હતો.
એવા સમુદાય સામે જીતી શકાય નહીં જેમને માત્ર એમ લાગે કે કાફિરોએ ખોટો શ્વાસ લઇ લીધો છે તો તેઓ ગુસ્સે ભરાઈ જાય છે અને જીવ લેવા પર ઉતરી આવે છે. સાચું કહું તો મારું માનવું છે કે ઇશનિંદા એકમાત્ર બહાનું છે. તેઓ કાફિરોની હત્યા કરવા માંગે છે અને તેમના આ જાનલેવા સપનાંઓને સાકાર કરવા માટે એકાદ જૂઠી કાનભંભેરણી પણ બહુ સારું બહાનું માનવામાં આવે છે.
નૂપુર શર્મા આજે એ ઉન્માદી ભીડનો સામનો કરી રહ્યાં છે. તેમને ઇસ્લામીઓ દ્વારા કે લોહી તરસ્યા ઝોમ્બિઓ દ્વારા પહેલેથી જ ઈશનિંદા કરનાર જાહેર કરી દેવામાં આવ્યા છે. હવે તેઓ એ જ ચાહતા હતા કે તેમની પાસેથી સંસ્થાગત સમર્થન પણ ખેંચી લેવામાં આવે અને જે પાર્ટીએ ખરેખર રક્ષણ આપવું જોઈએ તેના દ્વારા જ તેમને ગુનેગાર ઘોષિત કરી દેવામાં આવે.
ભાજપનો બચાવ કરવા માંગતા લોકો એમ પણ કહી શકે છે કે પાર્ટીએ ખાડી દેશોના નિવેદનોના આધારે કાર્યવાહી કરવી પડી અને તેમણે નૂપુરને અધિકારીક રીતે સસ્પેન્ડ કર્યાં નથી પરંતુ તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. પરંતુ તપાસ શરૂ કરવામાં આવી હોવાનો કે એ તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી તેમને સસ્પેન્ડ કરવાનો નિર્ણય તેમને ગુનેગાર સાબિત કરે છે.
નૂપુરનું માથું વાઢી લેવા માગતા ઇસ્લામવાદીઓ હવે જાણી ગયા છે કે ભાજપ પણ આ નિવેદનને તપાસ કરવા લાયક માની રહ્યો છે અને માને છે કે આ નિવેદનથી ઇસ્લામનું અપમાન થઇ શક્યું હોત અને જો તેમ થાત તો તેમને પાર્ટીનું સમર્થન મળ્યું ન હોત. આ એક ત્વરિત પગલાથી ભાજપે ઇસ્લામ વિરુદ્ધ થતી તમામ પ્રકારની ટિપ્પણીઓ અને અહીં સુધી કે કુરાન અને હદીસને ટાંકીને કરવામાં આવેલ ટિપ્પણીઓને પણ ઇસ્લામવાદીઓની માફક ક્યારેય માફ ન થઇ શકે તેવી ઇશનિંદાની શ્રેણીમાં મૂકી દીધી છે. અને એટલે જ જ્યારે આજે અમુક લોકો કહી રહ્યા છે કે નૂપુરને ચાલતી બસ નીચે ફેંકી દેવામાં આવ્યાં છે, ત્યારે તેઓ સંપૂર્ણપણે ખોટા નથી.
હું જ્યારે બંગાળમાં હતી ત્યારે મને પણ અનેક ધમકીઓ મળી હતી અને ત્યારે મને ભાજપ નેતૃત્વ બહુ સારું સમર્થન મળ્યું હતું, પરંતુ કંઈ પણ ખોટું કહ્યું ન હોવા છતાં પોતાની જ વ્યક્તિને અલગ કરી દેવાના ભાજપના આ નિર્ણયથી વ્યક્તિગત રીતે હું દુઃખી, આક્રોશિત અને નિરાશ છું. તેમણે નૂપુરને આ હિંસકોની સામે ફેંકી દીધાં અને માત્ર તેમની વિરુદ્ધ જ નહીં પણ આપણા સૌની વિરુદ્ધ બર્બર હિંસાવાદીઓને એક રીતે બળ આપ્યું છે.
આ મુદ્દાને હવે ‘ભાજપે જે કર્યું તે ખોટું હતું’ની ચર્ચાથી આગળ લઇ જવાની જરૂર છે. ભારતીય મુસ્લિમો સાથે ઇસ્લામિક રાષ્ટ્રોના એકજૂથ થવાની આ ઘટના એ જ સાબિત કરે છે કે વૈશ્વિક મુસ્લિમ સમાજ સામે આપણે કેટલા શક્તિહીન છીએ. ઇસ્લામિક સમુદાય પાસે 50થી વધુ દેશો છે જેઓ પોતાના ઉદ્દેશ્ય માટે એકજૂથ થઇ જાય છે અને જેને તેઓ પોતાની આસ્થાના અપમાન તરીકે જુએ છે તેવી નાનામાં નાની ટિપ્પણી કે નાનામાં નાની ઘટનાને પણ પડકારે છે.
આની સરખામણીએ હિંદુઓ કંઈ જ નથી, અને હાલના સમયમાં તેમના સ્તર સુધી પહોંચીને તેમના અપપ્રચાર કે પ્રોપેગેંડાને પડકારી શકીએ એ બાબત અશક્ય જેવી લાગે છે. આપણે સમજવું પડશે કે ઇસ્લામવાદીઓ પાસે ગઠબંધન બનાવવા માટેના અનેક રસ્તાઓ છે. તેમનું પોતાનું ઉમ્માહ છે જે માને છે કે એક અલગ રાષ્ટ્રના રૂપમાં રહેતા મુસ્લિમો કાફિરો સાથે રહી શકે નહીં. તેમની પાસે વૈશ્વિક ડાબેરી સમુદાય છે જે કોઈ પણ સભ્યતાગત રાજ્ય વિરુદ્ધ તેનો નાશ કરવા માટે ઇસ્લામવાદીઓનો સહયોગ આપવા માટે તૈયાર હોય છે. બીજી બાજુ, હિંદુઓએ પોતાની રક્ષા સ્વયં કરવી પડશે. હિંદુઓ સંપૂર્ણપણે કોઈ સાથે રહીને લડી શકતા નથી. અહીં સુધી કે અબ્રાહમિક દ્રષ્ટિકોણ ધરાવતા પશ્ચિમી સમુદાય સાથે પણ તેઓ સંપૂર્ણપણે ગઠબંધન કરી શકે નહીં, કારણ કે હિંદુઓનો ભારતીય દ્રષ્ટિકોણ પશ્ચિમી જમણેરીઓના અબ્રાહમિક દ્રષ્ટિકોણથી મહદઅંશે ભિન્ન છે.
તેથી હિંદુઓની આ લડાઈ તદ્દન અસમાન છે. આ તલવારની લડાઈમાં પેન્સિલ લઈને જવા જેવી વાત છે. કારણ કે જ્યારે રાણા અયુબ, મોહમ્મ્દ ઝુબૈર વગેરે જેવા ઇસ્લામવાદીઓ આહવાન કરે ત્યારે તેમને કતર, ઈરાન, સાઉદી અરબ વગેરેનું કે પાકિસ્તાન અને અન્ય મુસ્લિમ દેશો સાથે વૈશ્વિક ડાબેરીઓનું પણ સમર્થન મળી રહે છે. જ્યારે હિંદુઓ આવી લડાઈમાં મારા જેવા લેખકો સાથે ફસાઈ જાય છે. જ્યાં મેદાન પણ નથી અને લડાઈ પણ બહુ અસમાન છે.
વિભાજન પહેલાં અમુક હદ સુધી હિંદુઓ બચી ગયા હતા તેનું કારણ એ હતું કે સભ્યતાગત લડાઈ ભૌગોલિક રીતે ભારત સુધી જ સીમિત હતી. અહીં સુધી કે મુસ્લિમો જયારે તૂર્કી વિરુદ્ધ ખિલાફતની લડાઈ લડી રહ્યા હતા ત્યારે તેમની આ લડાઈ પણ ભૌગોલિક રીતે સીમિત હતી. તેમણે આપણી જ સીમા હેઠળ નરસંહાર કર્યો અને જ્યાં સુધી હિંદુઓને મરવા દેવા માટે મોહનદાસ ગાંધી જેવા નેતાઓને દોષી ઠેરવીએ છે તોપણ આ એક એવી લડાઈ હતી જે ભારત પોતાના ઘરે લડી રહ્યું હતું.
પરંતુ આજે આ પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. આજે આપણે મોપલા મુસ્લિમો કે હિંદુઓનો નરસંહાર કરનાર કટ્ટર ઇસ્લામવાદીઓ સામે લડી રહ્યા નથી; આજે આપણે વૈશ્વિક ડાબેરીઓ, ઇસ્લામવાદીઓ, પેરિયારવાદીઓ અને આંબેડકરવાદીઓ જેવા અનેક સમૂહોના રૂપમાં રહેલા અદ્રશ્ય દુશ્મનો વિરુદ્ધ લડી રહ્યા છીએ.
પરંતુ તોપણ આજે બહુમતી લોકોએ મને આશાવાદી તરીકે સાંભળવું જરૂરી છે. મારે કહેવું જોઈએ કે આપણે ચૂપચાપ રહીને હાર નહીં માનીએ. હું હંમેશા કહું છું કે મને એવું લાગે છે કે દરરોજ આપણે આપણા અંતનું અને એક ભવ્ય, પ્રાચીન સભ્યતાના અંતનું દસ્તાવેજીકરણ કરી રહ્યા છીએ.
ખેર. આ નિરાશાની પેલે પાર મારી અપેક્ષાઓ બહુ સરળ છે. હિંદુઓએ જાગવાની અને એ જાણવાની જરૂર છે કે તેઓ એક રાજનીતિક પાર્ટીના લાભ માટે કોઈ નરેટિવની લડાઈ નથી લડી રહ્યા પરંતુ પોતાના જીવન માટે, પોતાના અસ્તિત્વની લડાઈ લડી રહ્યા છે. આજે આપણે એ સ્થિતિએ પહોંચી ગયા છીએ જે એક વાસ્તવિક દુનિયાના દ્રષ્ટિકોણથી પહેલાં અસંભવ લાગતું હતું.
બીજી તરફ, ક્યાંક આ બધી બાબતોથી અજાણ હિંદુઓ કહે છે કે “નૂપુર શર્માએ બિનજરૂરી ટિપ્પણી કરીને પયગંબરનું અપમાન કરવાની જરૂર ન હતી.” પરંતુ તેઓ એ નથી જાણતા કે તમે જો એક ઇંચ પણ ઝૂકશો તો તેનું એક માઈલ બનતા સમય નહીં લાગે.
આજે તમે કહી શકો છો કે ઇસ્લામ પર ટિપ્પણી કરવી અને ‘તેમને ઉશ્કેરવા’ બિનજરૂરી છે. એક વખત તમે હિંદુઓને આમ કરવાથી રોકશો તો કાલે તેઓ કહેશે કે તમારી મૂર્તિ પૂજા બિનજરૂરી છે, કારણ કે તે મુસલમાનોની ભાવનાને ઠેસ પહોંચાડે છે. આપણા મંદિરો, આપણા સંસ્કાર, આપણા રીતિ-રિવાજ, આપણી પરંપરાઓ અને આપણું અસ્તિત્વ એક બિનજરૂરી ઉત્તેજના તરીકે સમજવામાં આવશે. આ વલણ પરાજયવાદી છે. આ વલણ સાથે આપણે ધીમેધીમે યુદ્ધ હારવા તરફ ચાલતા જઈશું અને તેની કિંમત આપણા સભ્યતાગત મૃત્યુના રૂપમાં ચૂકવવી પડશે. આ વલણ આપણા અંત સુધી દોરી લઇ જશે અને આ જ વલણ આજે નૂપુર શર્માની દુર્દશાનું કારણ બન્યું છે.
(ગુજરાતીમાં મેઘલસિંહ પરમાર દ્વારા અનુવાદિત થયેલો આ લેખ મૂળ સ્વરૂપે અંગ્રેજીમાં નૂપુર જે શર્મા દ્વારા લખવામાં આવ્યો છે, જે અહીં ક્લિક કરીને વાંચી શકાશે.)