Friday, March 29, 2024
More
    હોમપેજમંતવ્યઅહમદ આબાદ નહીં કર્ણાવતી: 'અહમદાબાદ'ના સ્થાપના દિવસે અમદાવાદીઓની માંગ- 'અમારા શહેરનું મૂળ...

    અહમદ આબાદ નહીં કર્ણાવતી: ‘અહમદાબાદ’ના સ્થાપના દિવસે અમદાવાદીઓની માંગ- ‘અમારા શહેરનું મૂળ નામ પુનઃસ્થાપિત કરો’

    મહારાજ કર્ણદેવ દ્વારા સન 942માં સ્થાપિત શ્રી કર્ણમુક્તેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલી તક્તી આ બાબતની ઐતિહાસિક ગવાહી આપે છે કે 1411માં અહમદ શાહ આ શહેરમાં આવ્યો તેનાથી સદીઓ પહેલાથી આ શહેર સ્થાપિત હતું અને સમૃદ્ધ શહેર તરીકે નામના પામેલું હતું.

    - Advertisement -

    આજે, 26 ફેબ્રુઆરી 2023ના રોજ મોટાભાગના લોકો અમદાવાદ કે અહમદાબાદનો 612મોં સ્થાપના દિવસ ઉજવી રહ્યા છે. કહેવાય છે કે 26 ફેબ્રુઆરી 1411ના દિવસે ગુજરાતના તત્કાલીન સુલતાન અહમદ શાહે આ શહેરની સ્થાપના કરી હતી. જેથી તે અહમદાબાદ એટલે કે અહમદ આબાદ કહેવાયું હતું. પરંતુ હજુય એવા ઘણા અમદાવાદીઓ છે જે પોતાના મૂળને ભૂલ્યા નથી અને તેમને યાદ છે કે આ શહેર કોઈ અહમદ શાહે નહોતું બનાવ્યું પરંતુ તેના જન્મ કરતા સદીઓ પહેલાથી અસ્તિત્વમાં હતું.

    આ શહેરના નવા નામકરણ (Renaming)ની 612મી વર્ષગાંઠે લોકોએ સોશિયલ મીડિયા પર સૌને યાદ કરાવ્યું કે આ એ શહેર છે જેને મહારાજા કર્ણદેવનું ‘કર્ણાવતી’ કહેવાય છે અને આશા ભીલનું ‘આશાવલ’ અથવા ‘આશાપલ્લી’ કહેવાય છે.

    ઉલ્લેખનીય છે કે મહારાજ કર્ણદેવ દ્વારા સન 942માં સ્થાપિત શ્રી કર્ણમુક્તેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલી તક્તી આ બાબતની ઐતિહાસિક ગવાહી આપે છે કે 1411માં અહમદ શાહ આ શહેરમાં આવ્યો તેનાથી સદીઓ પહેલાથી આ શહેર સ્થાપિત હતું અને સમૃદ્ધ શહેર તરીકે નામના પામેલું હતું.

    - Advertisement -
    શ્રી કર્ણમુક્તેશ્વર મહાદેવ મંદિર પાસેની તકતી

    આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ની વેબસાઈટ પર પણ અમદાવાદના ઇતિહાસ વિષે સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે આ શહેરનો ઇતિહાસ 11મી સદીના સોલંકી વંશના રાજા કર્ણદેવ સાથે જોડાયેલો છે.

    નોંધનીય છે કે અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરવાની માંગ દાયકાઓથી ચાલી રહી છે અને આ માટેના પૂરતા કારણો અને પુરાવાઓ પણ છે. તાજેતરમાં આ વિષયને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે (ABVP)એ પોતાના એક સંમેલનમાં એક પ્રસ્તાવ પારીત કરીને કર્ણાવતી નામ માટે ઝૂંબેશ ઉપાડી હતી. આ બાબતે ઑપઇન્ડિયા સાથે ABVP ગુજરાત પ્રાંત મંત્રી યુતિ ગજરેએ ખાસ વાતચીત પણ કરી હતી.

    આ સિવાય પણ અનેક નાના મોટા સંગઠનો અને ખાસ કરીને હિંદુ સંગઠનો આ બાબતે કોઈકને કોઈક રહેતા હોય છે. ઉપરાંત કોર્પોરેશનથી લઈને લોકસભા સુધીના દરેક ઇલેક્શનમાં આ મુદ્દો છવાયેલો જ રહેતો હોય છે.

    ટ્વીટર પર છવાયું કર્ણાવતી

    તાજા દાખલ તરીકે આજે અહમદાબાદના (અહમદ આબાદ) નામકરણની 612મી વર્ષગાંઠના દિવસે શહેરવાસીઓએ મીડિયા પર પોતાના વિચાર મુક્યા હતા અને ફરી એકવાર શહેરનું મુળ નામ કર્ણાવતી પુનઃસ્થાપિત કરવાની માંગ કરી હતી.

    ટ્વીટર પર @MonarkMistry એ કર્ણમુક્તેશ્વર મહાદેવ મંદિર બહાર લાગેલ તક્તીના ફોટા સાથે લખ્યું હતું કે, “સારંગપુર દરવાજા પાસે આવેલ ઐતિહાસિક ૧૦૦૦ વર્ષ જૂનું મંદિર પુરાવા માટે ઘણું મોટું ઉદાહરણ છે. જે કર્ણ મુક્તેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે, આ મંદિર એક ઉદાહરણ છે કે અહમદ ના આવ્યા પેહલા પણ અહીંયા ભવ્ય વૈભવ નગર હતું. #WeWantKarnavati Karnavati #અહેમદ_આબાદ_નહીં_કર્ણાવતી

    શૈલેષ તેવરી નામના ટ્વીટર યુઝરે લખ્યું હતું, “અહમદાબાદ એ ગુજરાત સનાતન સંસ્કૃતિ પર ખીલેલું છે, તેનું નામ એક અસંસ્કારી ઇસ્લામિક આક્રાંતા પર રાખવામાં આવ્યું છે, જ્યાં મૂળ શહેર હિંદુ રાજા દ્વારા સ્થાપવામાં આવ્યું હતું તે ભીલ રાજા આશાવલ પરથી આશાવાલ અથવા આશાપલ્લી તરીકે ઓળખાતું હતું. કર્ણ, જે ચૌલુક્ય વંશનો રાજા હતો જેણે ભારતના ભાગો પર શાસન કર્યું, તેના પરથી કર્ણાવતી કહેવાયું.”

    @SutharVihan કહે કર્ણાવતી કેમ તેનું કારણ આપતા લખે છે, “કર્ણાવતી શા માટે? AMCની વેબસાઈટ મુજબ, રાજા કર્ણદેવે 11મી સદીમાં સાબરમતી નદીના કિનારે કર્ણાવતી શહેરની સ્થાપના કરી હતી. તે નામ બદલી રહ્યું નથી તે પુનઃસ્થાપિત કરી રહ્યું છે. #કર્ણાવતી #WeWantKarnavati”

    @PariPinkberry નામના યુઝર લખે છે કે, “અહેમદશાંએ જ જો અમદાવાદ સ્થાપ્યું હોત તો મહારાજ કર્ણદેવના કર્ણાવતી અને આશા ભીલના આશાવલીનું શું? નામ બદલવાને સ્થાપના ના કહેવાય. #Karnavati #Ahmedabad #Ahmedabadbirthday #અહેમદ_આબાદ_નહીં_કર્ણાવતી”

    @Mandeep_vyas13 નામના ટ્વીટર યુઝરે એક મીમ શેર કરીને માંગણી કરી કે “હવે અહમદાબાદને તેનું મુળનામ પાછું આપવાનો સમય આવી ગયો છે. #WeWantKarnavati #Karnavati #કર્ણાવતી #Ahmedabad

    આમ, અવારનવાર અમદાવાદને (અહમદ આબાદ) તેનું મૂળ નામ કર્ણાવતી પાછું આવવાની માંગણીઓ થતી રહેતી હોય છે. એમાં પણ કોઈ પણ ખૂણામાં આ રીતના કોઈ નામ બદલીને તેનું મૂળ નામ પુનઃસ્થાપિત કરવામાં આવે ત્યારે ત્યારે કર્ણાવતી માટેની માંગ ફરી સામે આવતી હોય છે. આ બાબતે હમણાં સુધી કોઈ ઉગ્ર ઘર્ષણ કે આંદોલન તો થયું નથી. પરંતુ શકયતા જરૂર છે કે ભવિષ્યમાં આ માંગણી સાથે લોકો રસ્તે ઉતરી શકે છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં