Tuesday, March 31, 2026
More
    હોમપેજરાજકારણબિહાર ચૂંટણી પહેલાં મહાગઠબંધનમાં મહાગડમથલ: સામસામે હથિયારો ખેંચી રહી છે પાર્ટીઓ, તો...

    બિહાર ચૂંટણી પહેલાં મહાગઠબંધનમાં મહાગડમથલ: સામસામે હથિયારો ખેંચી રહી છે પાર્ટીઓ, તો RJDના ખોળામાં બેસી સત્તાનો રસ્તો શોધી રહી છે કોંગ્રેસ

    જનતા આ બધું જોઈ રહી છે. જે પક્ષો પોતાની વચ્ચે તાલમેલ નથી રાખી શકતા, તેઓ રાજ્યને સ્થિર નેતૃત્વ કેવી રીતે આપશે? મહાગઠબંધનની આ આંતરિક ગડમથલ બિહારના મતદારો માટે અવિશ્વાસનું પ્રતીક બની ગઈ છે.

    - Advertisement -

    બિહાર વિધાનસભા ચૂંટણી 2025ની તૈયારીઓ ચાલી રહી છે. તમામ પાર્ટીઓ મહેનત કરી રહી છે. NDAના પક્ષો ચૂંટણીની તૈયારીમાં લાગ્યા છે તો બીજી તરફ મહાગઠબંધનમાં મહા-ગડમથલ ચાલી રહી છે. વિરોધ પક્ષોનું મહાગઠબંધન આંતરિક ડખામાં ફસાયેલું જોવા મળી રહ્યું છે. રાજ્યમાં સત્તા પરિવર્તનની આશા રાખનાર આ ગઠબંધન શાસક NDA સામે એક થઈને લડવામાં ફરી નિષ્ફળ થયું છે. આંતરિક ખેંચતાણ અને મૂંઝવણના કારણે નામાંકનની અંતિમ તારીખ (17 ઑક્ટોબર) સુધી સીટ વહેંચણી પર કોઈ સમજૂતી થઈ શકી નથી.

    રાજ્યની કુલ 243 વિધાનસભા બેઠકોમાંથી પ્રથમ તબક્કામાં 121 બેઠકો માટે નામાંકન ભરાયું છે. મહાગઠબંધનના સાથી પક્ષો- રાષ્ટ્રીય જનતા દળ (RJD), કોંગ્રેસ, વામપંથી પાર્ટીઓ અને VIPએ આ બેઠકો પર પોતાના ઉમેદવારો ઊભા રાખ્યા છે. બીજા તબક્કાની બેઠકો માટે નામાંકનની મુદત 20 ઑક્ટોબરે સમાપ્ત થશે. પરંતુ સમસ્યા એ છે કે ગઠબંધનના પક્ષો વચ્ચે બેઠકોની વહેંચણી અંગે કોઈ સ્પષ્ટતા નથી અને ઘણી બેઠકો પર તેઓ એકબીજા સામે શિંગડા ભરાવી રહ્યા છે.

    અંદરોઅંદર બાખડવાના મૂડના વિરોધ પક્ષો

    મહાગઠબંધનની આંતરિક ગડમથલ ત્યારે સામે આવી જ્યારે છ બેઠકો- બચ્છવાડા, વૈશાલી, ગૌડા બરામ, રોસેરા, લાલગંજ અને રાજપાકડ પર ગઠબંધનના પક્ષોએ એકબીજા વિરુદ્ધ ઉમેદવારો ઊભા રાખ્યા. વૈશાલી બેઠક પર કોંગ્રેસે સંજીવ સિંઘને ઉમેદવાર બનાવ્યા છે, જ્યારે RJDએ અભય કુશવાહાને ટિકિટ આપી છે. લાલગંજમાં કોંગ્રેસે આદિત્ય રાજને મેદાને ઉતાર્યા છે, જ્યારે RJDએ પૂર્વ ધારાસભ્ય મુન્ના શુક્લાની પુત્રી શિવાની સિંઘને ટિકિટ આપી છે. આવી જ રીતે કુટુંબા બેઠક પર પણ RJD અને કોંગ્રેસના ઉમેદવારો એકબીજા સામે લડી રહ્યા છે. બછવાડા અને રોસડા બેઠકો પર કોંગ્રેસ અને વામપંથીઓના ઉમેદવારો સામસામે છે.

    - Advertisement -

    કોંગ્રેસે 48 ઉમેદવારોની યાદી જાહેર કરીને કહલગાંવ, પ્રાણપુર, જલે, ચૈનપુર અને ગયા ટાઉન જેવી બેઠકો માટે ટિકિટો ફાળવી દીધી છે. કહલગાંવમાં RJD અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે સિદ્ધુ યુદ્ધ છે. CPIએ (એમએલ-લિબરેશન) પણ પોતાની રીતે 18 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. VIPના નેતા મુકેશ સહનીએ પોતાને નાયબ મુખ્યમંત્રી તરીકે રજૂ કરવાની માગ કરી છે અને 14 બેઠકો માટે નામાંકન ભર્યા છે, પરંતુ સીટ વહેંચણીની સમજૂતી ન થતાં તેમણે ચૂંટણી ન લડવાનો નિર્ણય જાહેર કર્યો છે.

    આ બધી મહા-ગડમથલ દર્શાવે છે કે મહાગઠબંધનમાં એકતા અને સમજૂતીનો સદંતર અભાવ છે. બીજી તરફ, NDAએ તમામ 243 બેઠકો માટે ઉમેદવારોની યાદી નક્કી કરી દીધી છે અને પૂરજોશમાં ચૂંટણી પ્રચાર પણ શરૂ કરી દીધો છે.

    મુખ્યમંત્રી ઉમેદવાર માટે પણ બખાળા

    સીટ વહેંચણી ઉપરાંત મહાગઠબંધનમાં મુખ્યમંત્રી ઉમેદવારને લઈને પણ મૂંઝવણ છે. લાંબી ચર્ચાઓ બાદ કોંગ્રેસે RJDના નેતા તેજસ્વી યાદવને મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે આગળ કરવાનો નિર્ણય લીધો છે. આ પહેલાં કોંગ્રેસના નેતાઓએ ગઠબંધનના મુખ્યમંત્રી ઉમેદવારના નામ પર સ્પષ્ટતા માગી હતી.

    RJD-કોંગ્રેસ વચ્ચે બેઠકોને લઈને રમખાણો

    મીડિયા અહેવાલો અનુસાર, કોંગ્રેસ 60 જેટલી બેઠકો પર દાવો કરી રહી છે, જેમાંથી કેટલીક બેઠકો પર RJDની પણ નજર છે. RJD કોંગ્રેસને 60-61 બેઠકો આપવા તૈયાર છે, પરંતુ કઈ બેઠકો કોને મળશે તેનો નિર્ણય નથી થયો. આ ડખો ફક્ત સંખ્યાનો નથી, પરંતુ રાજકીય પ્રભાવ બનાવવાનો પણ છે.

    કોંગ્રેસ ખાસ કરીને સીમાંચલ અને દલિત-મુસ્લિમ સમીકરણવાળી બેઠકો પર પોતાનો દાવો રજૂ કરી રહી છે, કારણ કે તે માને છે કે આ વિસ્તારોમાં તેનો સામાજિક આધાર મજબૂત છે. RJD ખબર છે કે જો તે આ બેઠકો કોંગ્રેસને આપશે તો ભવિષ્યમાં તેનો પ્રભાવ ઘટી શકે છે. કોંગ્રેસ RJDના સહારે બિહારમાં પોતાનો જૂનો જનાધાર પાછો મેળવવાના પ્રયાસમાં છે. જોકે, RJDની સરખામણીએ કોંગ્રેસનો પાયો બિહારમાં નબળો છે, છતાં રાષ્ટ્રીય પક્ષ તરીકે તે પોતાની તાકાત બતાવવા મથે છે. કોંગ્રેસનો દાવો છે કે રાહુલ ગાંધીની ‘વોટર અધિકાર યાત્રા’થી ચૂંટણીનું વાતાવરણ તેમના પક્ષમાં થયું છે.

    અડધો ડઝન બેઠકો પર ‘ફ્રેન્ડલી ફાઈટ’!

    અનેક બેઠકો પર મહાગઠબંધનના પક્ષો એકબીજા સામે લડી રહ્યા છે. કહલગાંવમાં RJDના રજનીશ યાદવ અને કોંગ્રેસના પ્રવીણ કુશવાહા વચ્ચે સીધી ટક્કર છે. તારાપુરમાં RJDના અરુણ શાહની લડાઈ VIPના સકલદેવ સિંઘ સાથે છે. બછવાડા, બિહારશરીફ, રોસડા અને રાજપાકર પર કોંગ્રેસ અને વામપંથી ઉમેદવારો એકબીજા સામે ઊભા છે.

    વૈશાલીમાં RJDના અજય કુશવાહા અને કોંગ્રેસના સંજીવ સિંઘ વચ્ચે લડાઈ છે. લાલગંજમાં RJDની શિવાની શુક્લા અને કોંગ્રેસના આદિત્ય કુમાર રાજા સામસામે છે. RJDના એક પૂર્વ પ્રવક્તાએ બીબીસીને નામ ન આપવાની શરતે જણાવ્યું છે કે લગભગ છથી સાત બેઠકો પર RJD અને કોંગ્રેસ વચ્ચે ‘ફ્રેન્ડલી ફાઈટ’ થશે.

    વિશ્વાસની ઉણપ, ગઠબંધનની નબળાઈ

    RJD અને કોંગ્રેસ એકબીજા સાથે દબાણની રાજનીતિ રમી રહ્યા છે. કોંગ્રેસ રાષ્ટ્રીય પક્ષ તરીકે પોતાની તાકાત બતાવવા ઝૂકવા તૈયાર નથી, જ્યારે RJD પોતાના પ્રાદેશિક પ્રભાવને જાળવી રાખવા મથે છે. આ કારણે ઘણી બેઠકો પર બંને પક્ષોના ઉમેદવારો એકબીજા સામે ઊભા છે. આ ડખો હવે માત્ર સીટ વહેંચણીનો નથી, પરંતુ મહાગઠબંધનની લડાઈની ક્ષમતા પર પણ સવાલ ઊભા કરી રહ્યો છે.

    જનતા આ બધું જોઈ રહી છે. જે પક્ષો પોતાની વચ્ચે તાલમેલ નથી રાખી શકતા, તેઓ રાજ્યને સ્થિર નેતૃત્વ કેવી રીતે આપશે? મહાગઠબંધનની આ આંતરિક ગડમથલ બિહારના મતદારો માટે અવિશ્વાસનું પ્રતીક બની ગઈ છે.

    બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાની 121 બેઠકો માટે 6 નવેમ્બર, 2025ના રોજ મતદાન થશે, જ્યારે બીજા તબક્કાની 122 બેઠકો માટે 11 નવેમ્બરે મતદાન થશે. ચૂંટણીના પરિણામો 14 નવેમ્બરે જાહેર થશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં