ગઈકાલે લખનૌમાં રમાઈ ગયેલી લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) વચ્ચેની મેચ દરેક રીતે આશ્ચર્ય, આંચકા અને આઘાત આપનારી બની રહી હતી. RCBની બેટિંગ પાવરહાઉસ ગણાતી ટીમ જે રીતે પોતાની 20 ઓવર્સમાં ફક્ત 126 રન બનાવી શકી હતી તેણે આશ્ચર્ય સર્જ્યું તો આટલા નાના સ્કોરનો LSG દ્વારા જે રીતે ઉતાવળો પીછો કરવામાં આવ્યો અને છેવટે તેઓ મેચ હારી ગયા તેણે આંચકો આપ્યો હતો. પરંતુ મેચ પત્યા બાદ કોહલી અને ગંભીર વચ્ચે જે બોલાચાલી થઇ તે કોઈ આઘાતથી ઓછું ન હતું.
આમ પણ કોહલી અને ગંભીર વચ્ચે વર્ષોથી છત્રીસનો આંકડો છે જ તેની આપણને ખબર છે. પરંતુ જ્યારે લખનૌ સુપર જાયન્ટ્સ બેંગ્લોર રમવા ગયા હતાં ત્યારે કોહલી અને ગંભીરના એકબીજાને ભેટી રહ્યાં હોય એવા ફોટોગ્રાફ્સ કોઇપણ ભારતીય ક્રિકેટ ફેનને રાહત પહોંચાડે એવા હતા. પરંતુ એ મેચમાં LSG એ RCBનાં મોઢામાં આવેલો વિજયનો કોળીયો છીનવી લીધો હતો અને તેનો બદલો લેવા ગઈકાલે RCB લખનૌમાં LSG સામે રમવા આવ્યા હતાં.
મેચમાં તો જે થયું એ થયું, એ બધી ટેક્નીકલ દલીલો હોઈ શકે છે કે કેમ RCB આટલી પાવરફુલ બેટિંગ ટીમ હોવા છતાં 150 રન પણ ન કરી શકી અને કેમ LSGએ સંભાળીને રમવાને બદલે એક પછી એક વિકેટો ફેંકી દીધી. આ બધું કદાચ નિયંત્રણમાં ન રાખી શકાય એમ હતું પરંતુ મેચ પત્યા બાદ ભારતના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને ભારતના જ પૂર્વ ડબલ વર્લ્ડ કપ વિજેતા અને સંસદ સભ્ય તેમજ LSGના મેન્ટર ગૌતમ ગંભીર વચ્ચે જે સામસામી બોલાચાલી થઇ એ કોઈ પણ શુદ્ધ ક્રિકેટ પ્રેમીને ખુંચે તેવું તેમજ દુઃખી કરનારું હતું.
વર્ષો અગાઉ જ્યારે ગંભીર કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન હતો અને વિરાટ કોહલી RCB તરફથી રમતો હતો ત્યારે પણ આ બંને વચ્ચે મેદાનમાં જ કોઈ બાબતે બોલાચાલી થઇ હતી. પરંતુ એ ઘટના બાદ ઘણા વર્ષો વીતી ગયા છે અને હવે આ બંને ખેલાડીઓનું કદ ઘણું વધી ગયું છે. એક ભારતનો પૂર્વ કેપ્ટન રહી ચુક્યો છે અને બીજો કોઈ એક ટીમનો મેન્ટર અને દેશની સંસદ શોભાવતો સભ્ય બની ગયો છે.
બીજા શબ્દોમાં કહીએ તો બંને પાસેથી ગઈગુજરી ભૂલી જઈને મેદાન પર તેમજ મેદાનની બહાર પરિપક્વ વર્તનની આશા હોય જ. પરંતુ આ બંને સતત એમ કરવામાં નિષ્ફળ ગયા છે. ગૌતમ ગંભીર તો જાણે સમગ્ર દુનિયાના ક્રિકેટનો બહાર એના ઉપર જ હોય એવું વર્તન મેચ દરમ્યાન ડગઆઉટમાં કરતો હોય છે. પંજાબ સામેની મેચમાં જ્યારે એની ટીમે 20 ઓવરમાં 250થી પણ ઉપરનો અધધધ સ્કોર કર્યો ત્યારે પણ તે માંડ માંડ સ્મિત લહેરાવતો જોવા મળ્યો હતો.
બીજી તરફ વિરાટ કોહલીને ખબર છે કે નહીં તેની આપણને ખબર નથી પરંતુ આક્રમકતા અને અતિ આક્રમકતા વચ્ચેનો ફરક ક્યાં પૂર્ણ થઇ જાય છે તેનું તેને ભાન નથી. ગઈકાલની મેચમાં જ જોઈએ તો RCBની લખનૌ સામેની પોતાના જ ઘરમાં થયેલી હાર બાદ ગંભીર દ્વારા બેંગલુરુના ક્રાઉડને ચૂપ રહેવાનો ઈશારો કરવાનો બદલો એ ક્યારે લે એની ઉતાવળ કોહલીને હોય એ સ્પષ્ટ દેખાતું હતું અને LSGની શરૂઆતની વિકેટ પડી કે તરતજ તેણે લખનૌના ક્રાઉડ સામે ચૂપ રહેવાનો ઈશારો કરી દીધો હતો. પરંતુ કદાચ ત્યારબાદ એને લાગ્યું કે અહીં તો લોકો એને રમતો જોવા માટે વધુ સંખ્યામાં આવ્યો છે એટલે ક્રાઉડને તે ઉત્સાહ આપતા ઈશારા કરતો જોવા મળ્યો હતો.
ત્યારબાદ LSGની દરેક વિકેટ બાદ વિરાટ કોહલી જાણે કે વર્લ્ડ કપ જીત્યો હોય એવા ઈશારા અને એવી અતિઆક્રમકતા દેખાડી રહ્યો હતો જે તદ્દન બિનજરૂરી હતી, જો કે એના કટ્ટર ફેન્સ એના આ જ બિનજરૂરી વર્તનના કાયલ છે. કદાચ કોહલીનું આ જ વર્તન ડગઆઉટમાં બેસેલા ગૌતમ ગંભીરના મગજના બાટલામાં ધીરેધીરે ગેસ ભરી રહ્યો હતો જે મેચ હાર્યા બાદ ફાટી પડ્યો હતો. પરંતુ ગંભીરને પણ એ સમજવું જોઈતું હતું કે એ અત્યારે કયા સ્થાને છે, એ કોઈ ટીમનો મેન્ટર એટલેકે માર્ગદર્શક છે અને જો તે પોતે જ આવું વર્તન કરશે અને કોઈના ચડાવે ચડી જશે તો એ તેની ટીમનાં સભ્યોને કયા પ્રકારનું માર્ગદર્શન આપશે?
આખી ઘટના જોઈએ તો દરેક મેચ પત્યા બાદ ગઈકાલે પણ બંને ટીમોના ખેલાડીઓ એકબીજા સાથે હાથ મેળવી રહ્યાં હતાં ત્યાર બાદ LSGનો કાય્લ મેયર્સ વિરાટ કોહલી સાથે કશીક વાત કરતો જણાતો હતો અને વગર કોઈ કારણે ગૌતમ ગંભીર તેને ત્યાંથી ખેંચીને લઇ ગયો. આ સમયે ગંભીર કોહલીને ઉદ્દેશીને કશુંક કહેતો દેખાયો હતો. બસ વિરાટને તો આટલુંજ જોઈતું હોય છે તેણે પણ વળતો જવાબ આપ્યો અને પછી કોહલી અને ગંભીર વચ્ચે તદ્દન ભદ્દી કક્ષાની બોલાચાલી ફાટી નીકળી હતી.
He fought with Ganguly He fought with Gambhir and Kumble too I won't be surprised if he fights with Sachin or Even Dhoni next
— Deepak Vashistha (@Deepak____V) May 1, 2023
Self obsessed, Arrogant player#RCBVSLSG #viratkholi #gautamgambhir #naveenulhaq pic.twitter.com/HmWYzSjyrh
આ બંનેમાંથી કોણ કઈ કક્ષાએ છે અને ભારતીય ક્રિકેટને આ બંનેનું કેટલું મોટું પ્રદાન છે એની વાત તો આપણે અગાઉ કરી ગયા, પરંતુ આ બંને એવા પ્રકારનું વ્યક્તિત્વ ધરાવે છે કે અત્યારે પણ તમે જો એમને ગઈ રાત્રીના એમનાં વર્તન વિષે પૂછશો તો બંનેમાંથી કોઈને પણ એ બાબતની જરાક જેટલી પણ શરમ નહીં હોય. ઉલટું આ બંને પોતાના એ ભદ્દા વર્તનનું સમર્થન કરતાં દલીલો કરવા લાગશે. ગૌતમ ગંભીરનું તો ઠીક છે કે તેણે વર્ષમાં એકાદ વખત ક્રિકેટ મેદાનમાં ઉતરવાનું છે અને એ પણ મેન્ટર તરીકે, પરંતુ વિરાટ કોહલી તો હજી પણ ક્રિકેટ રમે છે અને કદાચ બીજા ત્રણેક વર્ષ રમશે તેના માટે આ પ્રકારનું વર્તન તેના કદ અને તેની મહાનતાને ઓછી જરૂર કરશે.
આ જ IPLમાં દિલ્હી કેપિટલ્સ સામેની મેચ પત્યા બાદ જ્યારે વિરાટ કોહલી અને સૌરવ ગાંગુલી જે દિલ્હીના મેન્ટર છે એ હાથ મેળવવા આમનેસામને આવ્યા ત્યારે કોહલીએ ‘દાદા’ સામે જોયું પણ નહીં અને આગળ વધી ગયો. આ ઘટના પાછળનું બેકગ્રાઉન્ડ વિગતે ન જોતાં ટૂંકમાં પતાવીએ તો કોહલીને ફક્ત T20ની કપ્તાની છોડવી હતી પરંતુ બોર્ડના પ્રમુખ તરીકે ગાંગુલીએ ત્રણેય ફોરમેટની કપ્તાની છોડો અથવા ત્રણેયની કપ્તાની સંભાળો એ પ્રકારનો વીટો વાપર્યો હતો.
છેવટે કોહલીને ત્રણેય ફોરમેટની કપ્તાની છોડવી પડી હતી અને આથી દાદા અને તેની વચ્ચેના સંબંધો ખાટા થઇ ગયા હતાં. કોહલી જ્યારે નવોસવો ટીમ ઇન્ડિયાનો કપ્તાન બન્યો ત્યારે તેને તે સમયના કોચ અનીલ કુંબલે સાથે પણ વાંધો પડ્યો હતો અને કુંબલે ફક્ત એક જ વર્ષ બાદ પોતાનું કોચિંગ છોડી ગયા હતાં. જ્યારે તમને એકાદ વ્યક્તિ સાથે વાંધો હોય ત્યારે કદાચ સામેનાં વ્યક્તિનો વાંક માની શકાય પરંતુ જ્યારે તમને ત્રણ ચાર વ્યક્તિઓ સાથે અને પણ એવા વ્યક્તિઓ જેમણે તમારી જેમજ ભારતીય ક્રિકેટને ખૂબ આપ્યું છે ત્યારે કદાચ વાંક એ ત્રણેયનો ન હોય અને તમારો જ હોય એ શક્ય છે.
સૌરવ ગાંગુલી પણ આક્રમક હતા અને ટીમ ઇન્ડિયામાં મેચ ફિક્સિંગ કાંડ બાદ આક્રમકતા ભરવાનું તેમજ વિદેશની ધરતી પર વિજય મેળવવાનું કામ એમની કપ્તાનીમાં જ થયું હતું, પરંતુ ક્યારેય ગાંગુલીને મેચ પત્યા બાદ મેદાનની બહાર વિરોધી ટીમના કોઈ સભ્ય સાથે ભદ્દી રીતે વર્તન કરતાં જોયા હોવાનું ક્યાંય સાંભળ્યું, જોયું કે વાંચ્યું નથી. પરંતુ કોહલી તો કોહલી છે અને એની આ આક્રમકતા કોઈકવાર એને કદાચ વ્યક્તિગત ફાયદો કરાવતી હશે પરંતુ તેની ટીમને જરૂર નુકસાન કરાવે છે, કદાચ એટલેજ કોહલીની કપ્તાનીમાં ભારત ક્યારેય કોઇપણ ICC ટ્રોફી નથી જીત્યું.
ગઈકાલે કોહલી અને ગંભીર વચ્ચે જે થયું ત્યાર બાદ ખરેખરતો એ બંનેના ટીમ મેનેજમેન્ટે એ બંને વિરુદ્ધ શિક્ષાત્મક પગલાં લેવાની જરૂર છે અને જે સ્તરે તેઓ ભારતીય ક્રિકેટની ઈમેજ ગઈકાલે લઇ ગયા ત્યારબાદ એ બંનેને એક-એક મેચ માટે બહાર બેસાડી દેવાય એ જ યોગ્ય નિર્ણય હોઈ શકે છે. પરંતુ આવું નહીં જ થાય કારણકે વિરાટ અને ગંભીર બંને પોતપોતાની ટીમના લાડકા છોકરાઓ છે, અને આથી આગામી મેચોમાં પણ આ બંને જ્યારે પણ જરૂર પડશે કે જરૂર નહીં પણ પડે ત્યારે આ પ્રકારની ફેક આક્રમકતા દેખાડશે જ, પાક્કા લીખ લીજીયે!