Friday, September 20, 2024
More
    હોમપેજરાજકારણઆર્ટિકલ 370 ફરી લાવવાની વાત, UCCનો વિરોધ, વક્ફને મજબૂત કરવાનો વાયદો: ઘાતક...

    આર્ટિકલ 370 ફરી લાવવાની વાત, UCCનો વિરોધ, વક્ફને મજબૂત કરવાનો વાયદો: ઘાતક એજન્ડા સાથે ઉતરેલી નેશનલ કૉન્ફરન્સને કોંગ્રેસનો સાથ, ઇરાદો ચૂંટણી જીતવાનો કે કાશ્મીરને ફરી અસ્થિરતા તરફ ધકેલવાનો?

    રાષ્ટ્રીય સુરક્ષાના લીરેલીરા ઉડાવવા માટેનો આખો પ્લાન તૈયાર થયો છે અને તેમાં નેશનલ કૉન્ફરન્સની સાથે સામેલ છે ભારતની સૌથી મોટી વિપક્ષી પાર્ટી કોંગ્રેસ. માત્ર સત્તા પ્રાપ્ત કરવા માટે દેશની અખંડિતતા અને સુરક્ષાને નેવે મૂકી આવા કૃત્યોમાં સામેલ થઈ જવું કેટલા અંશે યોગ્ય ગણાય?

    - Advertisement -

    જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. ચૂંટણી પંચ અનુસાર, જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી ત્રણ તબક્કામાં 18 અને 25 સપ્ટેમ્બર તેમજ 1 ઑક્ટોબરના રોજ યોજાશે. 4 ઑક્ટોબરના રોજ પરિણામો જાહેર કરવામાં આવશે. કાશ્મીર વિધાનસભા ચૂંટણીને લઈને ફારૂક અબ્દુલ્લાની સ્થાનિક પાર્ટી ‘નેશનલ કૉન્ફરન્સ’ (NC) સાથે કોંગ્રેસે ગઠબંધન પણ કર્યું છે. જોકે, લોકસભાની ચૂંટણી વખતે પણ બંને વચ્ચે સાંઠગાંઠ હતી જ, પરંતુ કોંગ્રેસને તેમાં સફળતા મળી શકી નહોતી. ત્યારે હવે ફરી વખત વિધાનસભા માટે પણ NCને કોંગ્રેસનો સાથ મળ્યો છે. તાજેતરમાં NC પોતાના મેનિફેસ્ટોને લઈને ચર્ચામાં છે. મેનિફેસ્ટોના અમુક વાયદાઓ એવા છે, જે ખરેખર ચિંતા ઉપજાવે છે.

    નેશનલ કૉન્ફરન્સના ઘોષણપત્રમાં અનેક વિવાદિત મુદ્દાઓને સ્થાન આપવામાં આવ્યું છે. તેમાં અનુચ્છેદ 370 પરત લાવવાની વાતથી લઈને પાકિસ્તાન સાથેના સંબંધો સુધારવા સુધીના મુદ્દાઓને સ્થાન મળ્યું છે. મહત્વની વાત તો તે છે કે, દેશની સુરક્ષાને ઘણી રીતે હાનિ પહોંચાડતા આવા વિવાદિત મુદ્દા સાથે ચૂંટણી લડી રહેલી NCને ભારતની સૌથી મોટી વિપક્ષી પાર્ટી કોંગ્રેસનો સંપૂર્ણ સહકાર મળી રહ્યો છે. કલમ 370 હટ્યા બાદ કાશ્મીરમાં શું પરિવર્તન આવ્યું અને કેટલો વિકાસ થયો તે વિશે હવે આખી દુનિયા જાણે છે, તેમ છતાં દેશની સુરક્ષાને દાવ પર મૂકીને આવા વિવાદિત મુદ્દાઓ સાથે ચૂંટણી લડવા ઉતરેલી એક પાર્ટીને દેશની સૌથી મોટી વિપક્ષી પાર્ટી સમર્થન આપે, તે કેટલું યોગ્ય? શું કોંગ્રેસ એટલી લાચાર થઈ ગઈ છે કે, સત્તા માટે રાષ્ટ્રીય સુરક્ષાને પણ નેવે મૂકી દેશે? શું સત્તા પાછળની કોંગ્રેસની આંધળી દોટ દેશ માટે જોખમ રૂપ સાબિત નહીં થઈ શકે?

    NCના વાયદાઓ કાશ્મીરમાં ફરી સર્જી શકે છે અસ્થિરતા

    કાશ્મીર હજુ તો માંડ વિકાસના રસ્તા પર ડગ માંડવા બેઠું થઈ રહ્યું હતું, વિકાસની હરણફાળ ભરવાની તૈયારીઓ કરી રહ્યું હતું, પરંતુ હવે વિકાસ તો દૂર, ત્યાંના સ્થાનિક નેતાઓ સત્તા લાલસા અને રાષ્ટ્રવિરોધી એજન્ડાના કારણે ફરી કાશ્મીરને ઊંડા અંધકારમાં ધકેલવા મથી રહ્યા હોય તેમ લાગે છે છે. ફારુક અબ્દુલ્લાની પાર્ટી નેશનલ કૉન્ફરન્સે પોતાના મેનિફેસ્ટોમાં આવા જ અનેક વિવાદિત મુદ્દાઓને સ્થાન આપ્યું છે. મેનિફેસ્ટોમાં કહેવાયું છે કે, જો NC સત્તામાં આવશે તો કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપશે. જોકે, પૂર્ણ રાજ્યના દરજ્જા બાદ રાજ્ય સરકારો ‘સ્વચ્છંદી વ્યવહાર’ દ્વારા ‘પાકિસ્તાન પ્રેમ’ દર્શાવે તો તેમાં નવાઈ નહીં, કારણ કે, કાશ્મીરમાં પહેલાં પણ આવું થઈ ચૂક્યું છે. પક્ષો ભારત કરતાં પાકિસ્તાનના ગુણગાન ગાઈને સામાન્ય કાશ્મીરીઓને ગુમરાહ કરી રાષ્ટ્રવિરોધી ગતિવિધિઓ કરાવતા તે તો જગજાહેર છે.

    - Advertisement -

    તેવામાં સંપૂર્ણ રાજ્યના દરજ્જા સાથે રાજ્ય સરકાર પોતાની અસીમિત શક્તિઓનો ઉપયોગ રાષ્ટ્રીય સુરક્ષાને હાનિ પહોંચાડવામાં ન કરે તેની શું ગેરંટી? જોકે, NCએ તો મેનિફેસ્ટો જાહેર કરીને સ્પષ્ટતા પણ કરી દીધી છે કે, તેઓ આગળ જઈને શું કરવા માંગે છે. તે સિવાય મેનિફેસ્ટોમાં UCC લાગુ નહીં કરવા દેવાની વાત કરવામાં આવી છે. દેશના તમામ લોકો માટે સમાન કાયદા અને સમાન અધિકારો હોય તે અનિવાર્ય છે. UCC લાગુ થયા બાદ મહિલાઓ તથા બાળકોને પણ ઘણા અધિકારો મળી શકે છે. પરંતુ NCએ તે લાગુ ન કરવાની સ્પષ્ટ ઘોષણા કરી દીધી છે. તેઓ હજુ પણ ‘વિશેષ સમુદાય’ને ‘વિશેષ સુવિધા’ આપવાના ‘વિશેષ પ્રયાસો’ કરતાં થાકતા નથી.

    તે સિવાય મેનિફેસ્ટોમાં કહેવાયું છે કે, કાશ્મીરના જે સરકારી કર્મચારીઓને ફરજમુક્ત કરી દેવાયા છે, તેમને પરત લેવા પર પણ વિચાર કરવામાં આવશે. અહીં મહત્વની વાત એ છે કે, જે સરકારી કર્મચારીઓને હાંકી કઢાયા છે, તેઓ કઈ દૂધે ધોયેલા નહોતા. આતંકી પ્રવૃત્તિઓમાં સ્પષ્ટ સામેલ હોવાના કારણે તેમને હાંકી કાઢવામાં આવ્યા હતા. કોઈ આતંકવાદીઓને આશરો આપતા હતા તો કોઈ આતંકીઓને સ્થળ વિશેની માહિતી આપતા હતા. આવા અનેક સરકારી કર્મચારીઓને આતંકવાદીઓ સાથે મળેલા હોવાથી કાઢી નખાયા હતા. તેમાં હવે તે લોકોને પરત ફરજ પર હાજર કરવામાં આવશે તો કાશ્મીરમાં શું સ્થિતિ ઊભી થશે? કાશ્મીરને ફરી લોહિયાળ અને આતંકગ્રસ્ત બનાવવા માટે આવા લોકો ‘તનતોડ મહેનત’ કરી રહ્યા છે અને સ્થાનિક સરકાર પણ તેમને ‘ખુલ્લું સમર્થન’ આપશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી અને હવે તો કોંગ્રેસ પણ સમર્થનમાં આવી ગઈ છે.

    તે સિવાય મેનિફેસ્ટોમાં મુસ્લિમ વક્ફ બોર્ડને મજબૂત કરવા માટેની વાત પણ કરવામાં આવી છે. એક તરફ દેશભરમાં વક્ફ બોર્ડની અસીમિત સત્તાઓ પર અંકુશ મૂકવાની વાત થઈ રહી છે, તેવામાં NC તેને વધુ સત્તા આપીને હિંદુઓ અને રાજ્યના અન્ય લઘુમતીઓની સંપત્તિઓ પર સીધો દાવો ઠોકવા માટે આમંત્રણ આપી રહી છે અને કોંગ્રેસનું સમર્થન તો હંમેશા હોવાનું જ. કારણ કે, આખા દેશમાં વક્ફ બોર્ડને અસીમિત શક્તિઓ પ્રદાન કરવામાં કોંગ્રેસનું ‘ખૂબ મોટું યોગદાન’ છે, જેને યુગો-યુગો સુધી ભારતવર્ષના ઇતિહાસમાં ‘યાદ’ કરવામાં આવશે. દેશ માટે જે-જે મુદ્દાઓ હાનિકારક છે, તે-તે મુદ્દાઓ કોંગ્રેસ દેશમાં લાવવા માંગે છે. સત્તા માટે ભારતના જ નાગરિકોની એકતા તોડીને ‘ભાગલા પાડો અને રાજ કરો’ની અંગ્રેજોની નીતિને ‘નિષ્ઠાપૂર્વક’ કોંગ્રેસ આગળ વધારી રહી છે.

    તે સિવાય NCના મેનિફેસ્ટોમાં LOC પર વેપાર શરૂ કરવાની વાત કરવામાં આવી છે. LOC પર વેપાર શરૂ કરીને દેશની સુરક્ષામાં મસમોટું ગાબડું પાડવાનો ‘અતિઉમદા પ્રયાસ’ હોય અને કોંગ્રેસની સહમતી ના હોય, તેવું શક્ય જ નથી. વેપારના બહાને ભલે પછી પાકિસ્તાની આતંકીઓને ભારતમાં ઘૂસાડવા માટે માર્ગ મોકળો કરવો પડે. તે સિવાય મેનિફેસ્ટોમાં લોકોને થતી હેરાનગતિના બહાને સુરક્ષાદળો પર પણ નિયંત્રણ રાખવાની વાત કરવામાં આવી છે. જોકે, સુરક્ષાદળોએ પાકિસ્તાનની જેમ ક્યારેય ભારતના જ નાગરિકો એવા કાશ્મીરીઓ પર દમન નથી ગુજાર્યું. જ્યારે કાશ્મીરીઓ ‘પથ્થરમારાના યુગ’માં હતા, ત્યારે પણ સેનાએ ક્યારેય ‘હિંસાથી રાજ’ કરવાનું સ્વપ્ન જોયું નહોતું. આજે જ્યારે પોતાનો જીવ જોખમમાં નાખીને સામાન્ય કાશ્મીરીઓ અને દેશની રક્ષા માટે તેઓ સ્વતંત્ર રીતે કાર્ય કરી રહ્યા છે, તો તેના પર નિયંત્રણ થોપીને NC+કોંગ્રેસ શું સાબિત કરવા માંગે છે? શું ફરી કાશ્મીરમાં ‘ઉગ્ર આતંકવાદ’ની લહેર લાવવા માંગે છે? કે પછી પાકિસ્તાની આતંકીઓ પ્રત્યેની પોતાની ‘વફાદારી’ સાબિત કરવા માંગે છે?

    મોદી સરકારે કલમ 370 હટાવી, કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો આપ્યો અને પાકિસ્તાન તથા આતંકવાદ વિરુદ્ધ કડક વલણ દાખવ્યું, આ બધા કારણોસર આજે કાશ્મીરનો વિકાસ ઊડીને આંખે વળગી રહ્યો છે. દેશની જેમ કાશ્મીર પણ વિકાસના માર્ગ પર દોડી રહ્યું છે. અનેક અતિઆધુનિક કોલેજો અને હૉસ્પિટલોનું નિર્માણ થયું છે. આધુનિક ઇન્ફ્રાસ્ટ્રકચર, જે કાશ્મીરમાં માત્ર એક સ્વપ્ન જ હતું, તે આજે સત્ય સાબિત થયું છે. બધા જ ક્ષેત્રોમાં કાશ્મીર આજે દેશની સાથોસાથ આગળ વધી રહ્યું છે. મોદી સરકારના અથાગ પરિશ્રમ બાદ કાશ્મીર આગળ વધી રહ્યું છે અને શાંતિ સ્થપાય રહી છે, ત્યારે નેશનલ કૉન્ફરન્સ આવા વિવાદિત મુદ્દાઓ લઈને ચૂંટણીમાં ઉતરી છે. જે મુદ્દાઓને ડામવાથી જ આજે કાશ્મીર ખરેખર સ્વર્ગ બની રહ્યું છે, તે જ મુદ્દાઓને ફરી સ્થાપિત કરીને NC કાશ્મીરને ફરીવાર આતંકવાદનો ગઢ બનાવવા ઉતરી આવી છે. મહત્વની વાત તો તે છે કે, નેશનલ કૉન્ફરન્સને કોંગ્રેસનો પણ સાથ મળ્યો છે.

    સત્તા માટે રાષ્ટ્રીય સુરક્ષા દાવ પર મૂકશે કોંગ્રેસ?

    નેશનલ કૉન્ફરન્સના આ વાયદાઓ ન માત્ર કાશ્મીર પરંતુ આખા દેશની ચિંતામાં વધારો કરનારા છે. આ વાયદાઓ પાકિસ્તાનીઓ અને આતંકવાદીઓને ભારતમાં ઘૂસવા માટેનો એક માર્ગ તૈયાર કરી આપે છે. LOC પર વેપારના બહાને કાશ્મીરમાં આતંકવાદને પ્રોત્સાહન આપવાનો એક યોજનાબદ્ધ પ્રયાસ થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. જે વાયદા રાષ્ટ્ર અને કાશ્મીર માટે ઘાતક સાબિત થશે, તે જ વાયદા NCએ ઘોષણપત્રમાં કર્યા છે. રાષ્ટ્રીય સુરક્ષાના લીરેલીરા ઉડાવવા માટેનો આખો પ્લાન તૈયાર થયો છે અને તેમાં નેશનલ કૉન્ફરન્સની સાથે સામેલ છે ભારતની સૌથી મોટી વિપક્ષી પાર્ટી કોંગ્રેસ. માત્ર સત્તા પ્રાપ્ત કરવા માટે દેશની અખંડિતતા અને સુરક્ષાને નેવે મૂકી આવા કૃત્યોમાં સામેલ થઈ જવું કેટલા અંશે યોગ્ય ગણાય? શું કોંગ્રેસ જે કરી રહી છે, તે દેશને નુકશાન નહીં કરી શકે?

    પ્રશ્ન એ થઈ રહ્યા છે કે શું કોંગ્રેસ હવે આવી શક્તિઓ સાથે હાથ મિલાવીને ચૂંટણી લડશે? રાષ્ટ્રીય સુરક્ષાને નેવે મૂકીને માત્ર સત્તાના લોભે રાષ્ટ્રવિરોધી પગલું પણ ભરી લેશે? મહત્વનું છે કે, NCના વાયદા જો અમલમાં આવ્યા તો સૌથી વધુ જોખમ દેશને ભોગવવું પડશે. કાશ્મીર પણ દેશનું એક અભિન્ન અંગ છે. તેનો ઉપયોગ દેશની સુરક્ષાને હાનિ પહોંચાડવા નહીં, પરંતુ વિકાસમાં સહભાગી થવા કરવો જોઈએ. પરંતુ દેશવિરોધી એજન્ડા ચલાવનારી NCને હવે કોંગ્રેસનો સાથ પણ મળી ગયો છે. દેશની અખંડિતતા પર વારંવાર હુમલો કરવાનો પ્રયાસ હંમેશાથી કોંગ્રેસ કરતી જ આવી છે અને આ પ્રયાસ પણ તેવો જ છે. દેશના નાગરિકોની એકતા તોડીને તેમને ‘SC-ST, OBC અને સવર્ણ’માં વિભાજિત કરીને અંદરોઅંદર લડાઈ કરાવવાની હીન ભાવના પણ દાયકાઓની કોંગ્રેસી માનસિકતાનો જ એક ભાગ છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં