Saturday, May 18, 2024
More
  હોમપેજમંતવ્યપાચનતંત્ર માટે શ્રેષ્ઠ એવી છાશ બની ગઈ હાસ્યતંત્ર માટે બેસ્ટ! – સોશિયલ...

  પાચનતંત્ર માટે શ્રેષ્ઠ એવી છાશ બની ગઈ હાસ્યતંત્ર માટે બેસ્ટ! – સોશિયલ મીડિયામાં જ્યાં જુઓ ત્યાં છાશ જ છાશ

  સામાન્ય રીતે છાશને સહુથી સસ્તી ‘વાનગી’ ગણવામાં આવતી હોય છે, પરંતુ આ બીલમાં સહુથી વધુ રકમ છાશની જ છે અને આ કારણસર છાશનું આ બીલ સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે.

  - Advertisement -

  ગુજરાતીઓની ખાનપાનની આદતોમાં જો કોઈ ચીજ સહુથી સરળતાથી ભળી ગઈ હોય તો તે છે છાશ. છાશ એ પોષકતત્વોથી ભરપૂર હોવા ઉપરાંત તે હલકી છે અને પાચનતંત્રને અન્ય ખોરાક પચાવવામાં ખૂબ મદદ પણ કરતી હોય છે. છાશની મહત્તા ગુજરાતીઓ ખૂબ સમજે છે અને આથીજ તેમનાં રોજના ખોરાકમાં તે સામેલ હોય જ છે. સૌરાષ્ટ્રમાં તો છાશનું અનેરું મહત્વ છે અને બિનગુજરાતી મુંબઈગરાઓ પાસેથી છાશને ‘કચ્છી બીયરના’ હુલામણા નામે ઘણીવાર સંબોધન પામતાં આપણે સાંભળી હશે.

  હવે આ જ છાશ સોશિયલ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બની છે. બન્યું છે એવું કે ગુજરાતનું અનેરું આકર્ષણ અને ટ્રાવેલ ડેસ્ટીનેશન બની ચૂકેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી (SOU) પાસે આવેલા ગરુડેશ્વરમાં ગુજરાતની જાણીતી ફૂડ જોઈન્ટનું એક બીલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગયું છે. આ બીલમાં કુલ સાત વાનગી અને તેના ચૂકવવાપાત્ર નાણાની વિગતો આપી છે. પરંતુ જે વાત આ બીલમાં ઉડીને આંખે વળગે તેવી છે એ છે છાશ!

  સામાન્ય રીતે છાશને સહુથી સસ્તી ‘વાનગી’ ગણવામાં આવતી હોય છે, પરંતુ આ બીલમાં સહુથી વધુ રકમ છાશની જ છે. ગરુડેશ્વરના આ ફૂડ જોઈન્ટમાં જમવા ગયેલા 6 લોકોએ 200 રૂપિયાની એક એવી 6 છાશ મંગાવી અને આ રીતે એમણે કરેલા ભોજનમાં સહુથી વધુ કિંમત છાશની એટલેકે 1200 રૂપિયા થઇ ગઈ. બસ! આ જ વિચિત્રતામાંથી તેમજ છાશની આટલી મોંઘી કિંમત હોવાને લીધે હાસ્ય સર્જાયું અને સોશિયલ મીડિયામાં છાશ ટ્રેન્ડ થવા લાગી. એટલુંજ નહીં વોટ્સએપ પર પણ આ બાબતને લગતાં મેસેજ ફોરવર્ડ થવા લાગ્યા હતાં.

  - Advertisement -

  તો ચાલો જોઈએ કે સોશિયલ મીડિયા પર છાશના આ મોંઘા બીલને કેવી રીતે જોવામાં આવ્યું અને કેવી રીતે તેના પર હાસ્યની છોળો ઉડવા લાગી હતી.

  જમકુડી નામની યુઝરે ફિર હેરાફેરી ફિલ્મના અક્ષય કુમારના એક સંવાદનું મિમ ટ્વીટ કરીને કહ્યું છે કે જે લોકોને આટલી મોંઘી છાશ પરવડતી હશે એ લોકો કઈક આમ કહેતા હશે.

  તો રૂપલ બુચે શાહરૂખ ખાનની પ્રખ્યાત ફિલ્મનો એક સંવાદ ટાંકીને કહ્યું છે કે એક ગ્લાસ છાશ કી કિંમત તુમ ક્યા જાનો ગુજ્જુ બાબુ!

  સેમસંગ જેવું નામ ધરાવતા એક યુઝરે ચિંતા વ્યક્ત કરી છે કે તેની પાસે અમુક લીટર છાશનો જથ્થો છે તો હવે તેણે તેની સુરક્ષા માટે કોઈ સુરક્ષા એજન્સીની મદદ લેવી પડશે.

  ગુજરાતના પ્રખ્યાત હ્યુમરીસ્ટ અધીર અમદાવાદીએ તેમનાં આગવા અંદાજમાં છાશ વિષે એક શાયરી પણ લખી નાખી છે, તમે પણ મમળાવો!

  બીજ્જ્લરોમ નામના વ્યક્તિ પોતે દિવસમાં પાંચ વાટકા છાશ પીવે છે તો એમની લાઈફ કેટલી રોયલ છે એ ગણતરી માંડી રહ્યાં છે.

  સનેડો મિલ્કમેન એવું કહી રહ્યાં છે કે તેમણે મેકડોનાલ્ડ્સમાં છાશ માંગી તો એ લોકો એમને વિચિત્ર નજરે કેમ જોઈ રહ્યાં છે?

  છેલ્લે સોશિયલ મીડિયામાં પોતાની હ્યુમરને કારણે કાયમ ધમાલ મચાવતા વ્યવસ્થિત લઘરવઘર અમદાવાદીએ પણ છાશ પીનાર વ્યક્તિનું દેશની જુદીજુદી એજન્સીઓ કેવી રીતે સન્માન કરે છે એ તેમની ટ્વીટમાં જણાવ્યું છે.

  તો આ રીતે ગુજરાતનું અમૃત એવી છાશ તેના પૌષ્ટિક સ્વભાવને લીધે નહીં પરંતુ તેની ઉંચી કિંમતને કારણે છેલ્લા ચોવીસ કલાકમાં આખા ગુજરાતમાં પ્રખ્યાત થઇ ગઈ! એટલું જ નહીં લોકોને પાચનમાં મદદ કરતાં આ પ્રવાહીએ લોકોને હસવામાં પણ મદદ કરીને એમનો દિવસ પણ સુધારી દીધો એમ જરૂર કહી શકાય.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં