Saturday, June 22, 2024
More
  હોમપેજવગેરે...ધર્મ/સંસ્કૃતિજે બ્રહ્મનો જ્ઞાતા છે તે 'બ્રાહ્મણ' છે, જન્મથી નહીં પરંતુ કર્મથી ધારણ...

  જે બ્રહ્મનો જ્ઞાતા છે તે ‘બ્રાહ્મણ’ છે, જન્મથી નહીં પરંતુ કર્મથી ધારણ કરી શકાય છે બ્રાહ્મણત્વ: વિશ્વ બ્રાહ્મણ દિવસ પર જાણો કોણ છે બ્રાહ્મણ, શું છે તેની વૈદિક પરિભાષા

  બ્રાહ્મણનો ખરો અર્થ જ એ છે કે, જે સમાજને એક કરે, રાષ્ટ્રને એક કરે અને જાતિગત ભેદભાવો દૂર કરે. આજે જન્મની સાથે 'બ્રાહ્મણવાદ'નું વર્ચસ્વ થોડાઘણા અંશે જોવા મળે છે. પરંતુ તેનો સનાતન વૈદિક ધર્મ સાથે કોઈ સંબંધ નથી.

  - Advertisement -

  હિંદુ સનાતન વૈદિક ધર્મની ફિલોસોફી અને અધ્યાત્મમાં ‘બ્રહ્મ’ અને ‘બ્રાહ્મણ’ શબ્દનો વારંવાર ઉલ્લેખ આવે છે. સમજણ અને જ્ઞાનના અભાવના કારણે આપણે બ્રાહ્મણને એક જ્ઞાતિ સાથે જોડીએ છીએ. હિંદુ ધર્મમાં જે કોઈ પણ વર્ગ કે વસ્તુની ઉત્પત્તિ થઈ છે અથવા તો નિર્માણ થયું છે, તે ગહન વિજ્ઞાન આધારિત થયું છે. સામાન્યતઃ આપણે બ્રાહ્મણ તેને કહેતા હોઈએ છીએ, જે મંદિરમાં પૂજાપાઠ કરે, કર્મકાંડ કરે, યજ્ઞ કરાવે અથવા તો લગ્ન-શ્રાદ્ધ કરાવે. પરંતુ આજે ‘વિશ્વ બ્રાહ્મણ દિવસ’ પર આપણે બ્રાહ્મણનો ખરો અર્થ સમજવા માટે પ્રયાસ કરીશું. આપણે તે જાણવા પ્રયાસ કરીશું કે, બ્રાહ્મણની પરિભાષા શું છે અને તેનો બ્રહ્મ સાથેનો સંબંધ શું છે.

  વર્ષ 2024માં 1 જૂનના રોજ ‘વિશ્વ બ્રાહ્મણ દિવસ’ ઉજવવામાં આવ્યો છે. સામાન્ય રીતે બ્રાહ્મણ દિવસ આચાર્ય ચાણક્યના જન્મદિવસના દિવસે ઉજવવામાં આવે છે. ચાણક્યના વિચારોથી પ્રેરાઈને સમાજમાં નવપરિવર્તન લાવવાના પ્રયાસને આ દિવસે સન્માનિત કરવામાં આવે છે. હાલમાં સમાજમાં એવી માન્યતા ફેલાયેલી છે કે, વિશ્વ બ્રાહ્મણ દિવસ માત્ર એક જ્ઞાતિ માટે છે. પરંતુ તેનું સત્ય અલગ છે. વિશ્વ બ્રાહ્મણ દિવસ તેવા લોકો માટે છે, જે સમાજમાં પરિવર્તન લાવવા માટે જીવન ખપાવી રહ્યા છે. સૌપ્રથમ તો ‘બ્રાહ્મણ’નો મૂળ અર્થ સમજવો ખૂબ જરૂરી છે.

  શું છે બ્રાહ્મણ?

  વૈદિક ગ્રંથોમાં સર્વશક્તિમાન, પરમપિતા ભગવાનને ‘બ્રહ્મ’ તરીકે ઓળખવામાં આવે છે. ઋગ્વેદમાં બ્રહ્મની વ્યાખ્યા પણ આપવામાં આવી છે. જગદગુરુ શંકરાચાર્યે નિર્વાણશતકમાં બ્રહ્મ અને આત્માના સંબંધ વિશે જણાવ્યું છે. બ્રહ્મની વ્યાખ્યા સામાન્ય રીતે એવી થાય છે કે, જે સર્વોપરી છે, જેનો કોઈ વિકલ્પ નથી, જેનો કોઈ આકાર નથી, જે નિરાકાર છે અને આખા બ્રહ્માંડનું સંચાલન કરે છે. સરળતાથી સમજીએ તો ઈશ્વરને જ બ્રહ્મ તરીકે સંબોધવામાં આવે છે. જે બ્રહ્મનો જ્ઞાતા છે, જે બ્રહ્મને જાણે છે, તેને ‘બ્રાહ્મણ’ કહેવામાં આવે છે. વૈદિક યુગમાં ‘બ્રાહ્મણ’ કોઈ જ્ઞાતિ નહોતી. બ્રાહ્મણ એવો વર્ગ છે, જે ઈશ્વરને જાણે છે, જે ઐશ્વરીય કાર્ય કરે છે અને સમાજમાં પરિવર્તન લાવવા માટે સતત પ્રયત્નશીલ રહે છે.

  - Advertisement -

  પ્રાચીનકાળમાં એવા અનેક ઋષિઓ હતા જેઓ જન્મથી બ્રાહ્મણ નહોતા પરંતુ કર્મથી બ્રાહ્મણ બન્યા હતા. તેમાં સૌથી પહેલું નામ મહર્ષિ વાલ્મીકિનું છે. જે વ્યક્તિ વેદોમાં નિપુણ છે અને વેદોના જ્ઞાનને સમાજ સુધી પહોંચાડે છે, તેને બ્રાહ્મણ કહેવામાં આવે છે. વેદોની પરિભાષા અનુસાર, “જેને પણ બ્રહ્મજ્ઞાન છે, તે બ્રાહ્મણ છે.” બ્રાહ્મણ કોઈ જ્ઞાતિ નથી. દરેક વ્યક્તિમાં બ્રાહ્મણના અંશ છે. હિંદુ ધર્મમાં કર્મના આધારે વર્ણવ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.

  શ્રીમદ ભગવદ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણએ સ્વયં કહ્યું છે કે, “હે પાર્થ, ગુણ અને કર્મના આધારે હું વર્ણવ્યવસ્થા ઊભી કરું છું.” એટલે કે, માણસ તેના ગુણ અને કર્મના આધારે જીવન જીવી શકે છે. કોઈ વ્યક્તિમાં અપાર શ્રદ્ધા અને બૌદ્ધિક ક્ષમતા છે. જે દરેક ગ્રંથોનું આંકલન કરી શકે છે, જે વેદોના દિવ્ય જ્ઞાનને સમાજ સુધી પહોંચાડી શકે છે, જે સમાજને શિક્ષિત અને સમાન ધોરણે આગળ લઈ જઈ શકે છે, તે બ્રાહ્મણ જ છે. તેમાં લેશમાત્ર પણ શંકા રહેતી નથી. બ્રાહ્મણનું સૌથી મહત્વનું અને મુખ્ય કાર્ય છે વેદાભ્યાસ. વેદનો અભ્યાસ કર્યા બાદ તે જ્ઞાન બ્રાહ્મણે સમાજ સુધી પહોંચાડવાનું હોય છે. તેથી જ અનેક બ્રાહ્મણ ગ્રંથોની પણ રચના થઈ હતી. પ્રાચીનકાળમાં બ્રાહ્મણ વર્ગ ભગવાનનું કાર્ય કરતો હતો. ભગવાનના વિચારોને સમાજ સુધી પહોંચાડતો હતો. તે ભારત ભ્રમણ કરીને સમાજ અને રાષ્ટ્રને જોડવાનું કાર્ય કરતો હતો. ઉદાહરણ તરીકે, આદિગુરુ શંકરાચાર્યે દેશની ચારે દિશામાં ચાર મઠની સ્થાપના કરી અને ઉત્તરાધિકારી તરીકે શંકરાચાર્યને નિયુક્ત કર્યા.

  વૈદિક યુગમાં બ્રાહ્મણો ગુરુકુળ પણ ચલાવતા હતા. જ્યાં આધુનિક શિક્ષણની સાથે વૈદિક શિક્ષણ પણ આપવામાં આવતું હતું. જ્યાં શસ્ત્રવિદ્યા પણ શીખવવામાં આવતી હતી. મહાન રાજાઓ પાછળ પણ એક બ્રાહ્મણનો હાથ રહેતો હતો. બ્રાહ્મણનું કાર્ય હતું એક મહાન શાસકને ઘડવાનું, નહીં કે શાસન કરવાનું. તેથી જ ઇતિહાસના મહાન શાસકોને ‘મહાન’ બનાવવા પાછળ એક બ્રાહ્મણનો પરિશ્રમ હતો. ઉદાહરણ તરીકે ચંદગુપ્ત મૌર્યને ચક્રવર્તી સમ્રાટ બનાવવા પાછળ આચાર્ય ચાણક્યની મહત્વની ભૂમિકા હતી. તેમ જ શિવાજી મહારાજને ‘છત્રપતિ શિવાજી મહારાજ’ બનાવવા પાછળ પણ સમર્થ રામદાસની વિશેષ ભૂમિકા હતી. ટૂંકમાં, બ્રાહ્મણ (જ્ઞાતિથી નહીં) ‘King’ નહીં પણ ‘King Maker’ની ભૂમિકા નિભાવતો હતો.

  જન્મથી નહીં, પરંતુ કર્મથી બની શકાય છે બ્રાહ્મણ

  અજ્ઞાનતા અને સમજણના અભાવના કારણે ઘણીવાર આપણે સત્ય સુધી પહોંચી શકતા નથી. આવું જ થયું છે આપણાં પ્રાચીન પુસ્તક ‘મનુસ્મૃતિ‘ સાથે. મનુસ્મૃતિમાં ‘બ્રાહ્મણ’ના ગુણગાન ગાવામાં આવ્યા હોવાના આરોપો લાગતાં રહે છે. પરંતુ આપણે ઉપરોક્ત જોયું તે મુજબ બ્રાહ્મણ કોઈ જ્ઞાતિ નથી. તેમ છતાં મનુસ્મૃતિમાં કહેવાયું છે કે, કોઈ જન્મથી મહાન નથી. મનુષ્ય તેના કર્મથી મહાન બની શકે છે. ખાસ વાત તો એ છે કે, મનુસ્મૃતિને દલિત વિરોધી ગણવામાં આવે છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે, મનુસ્મૃતિ કોઈપણ કુળના માણસને જીવવાનો અને યોગ્યતા મેળવવનો અધિકાર આપે છે.

  મનુસ્મૃતિના અધ્યાય 10ના 65માં શ્લોકમાં મહર્ષિ મનુ કહે છે કે, “शूद्रो ब्राह्मणतामेति ब्राह्मणश्चैति शूद्रताम |” અર્થાત, “કર્મ અનુસાર બ્રાહ્મણ (જે જન્મથી હતો) શુદ્રતાને પ્રાપ્ત કરે છે અને શુદ્ર (જન્મથી) બ્રાહ્મણત્વને પ્રાપ્ત કરે છે.” એટલે કર્મ અનુસાર માણસનો વર્ણ નક્કી કરવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ ઉચ્ચ બુદ્ધિક્ષમતા ધરાવે છે અને વેદોનું અધ્યયન અને અધ્યાપન કરે છે, તો તે બ્રાહ્મણ છે. પરંતુ તેનું સંતાન તેનાથી વિરુદ્ધ પ્રકૃતિનું છે તો તે ‘બ્રાહ્મણના ઘરે જન્મ્યું’ હોવા છતાં બ્રાહ્મણ કહી શકાતું નથી. જેમ કે લંકાપતિ રાવણ. બીજી તરફ કોઈ રાક્ષસના ઘરે જન્મ ધારણ કરીને પણ ઉચ્ચ ગુણો પ્રાપ્ત કરીને બ્રાહ્મણ બને છે. જેમ કે, પ્રહલાદ. આવા અનેકો ઉદાહરણો આપણી સામે હાજર છે.

  તે સિવાય સ્કંદપુરાણમાં પણ બ્રાહ્મણને વ્યાખ્યાયિત કરતો એક શ્લોક ઉપલબ્ધ છે. સ્કંદપુરાણ અનુસાર, “जन्मना जायते शूद्रः संस्कारात द्विज उच्यते |” અર્થાત, “જન્મની સાથે પ્રત્યેક વ્યક્તિ શુદ્ર જ હોય છે, માણસ તેના સંસ્કાર અને કર્મ દ્વારા બ્રાહ્મણત્વને પ્રાપ્ત કરે છે.” શ્લોકમાં દ્વિજનો અર્થ ‘બ્રાહ્મણ’ થાય છે. એટલે કે, જન્મતાની સાથે કોઈ મહાન બનતું નથી. તેના કર્મો જ તેને મહાન બનાવે છે. એટલે આપણાં વૈદિક ગ્રંથોમાં વર્ણવ્યવસ્થા પર ભાર આપવામાં આવ્યો છે, નહીં કે જાતિવ્યવસ્થા પર. માણસના ગુણ અને કર્મના આધારે તેનો વર્ણ નક્કી થાય છે અને તે મુજબ તેને કાર્ય કરવાનું રહે છે. આપણો વારસો એટલો ઉન્નત અને મહાન છે કે, તેમાં કોઈને જન્મથી વિશેષ અધિકારો આપવામાં આવ્યા નથી. સમય જતાં અંગ્રેજો અને મુગલોના કારણે જન્મથી મહાન હોવાનો ઢોંગ ચાલુ થયો હતો. જેનો વૈદિક ધર્મ સાથે કોઈપણ પ્રકારનો સંબંધ નથી.

  તેથી વિશ્વ બ્રાહ્મણ દિવસ કોઈ જ્ઞાતિ કે ચોક્કસ સમુદાય માટે જ નથી. દુનિયાના તે તમામ મહાન લોકો માટે છે, જેણે સમાજને પરિવર્તિત કરવામાં મહત્વની ભૂમિકા નિભાવી છે. બ્રાહ્મણનો ખરો અર્થ જ એ છે કે, જે સમાજને એક કરે, રાષ્ટ્રને એક કરે અને જાતિગત ભેદભાવો દૂર કરે. આજે જન્મની સાથે ‘બ્રાહ્મણવાદ’નું વર્ચસ્વ થોડાઘણા અંશે જોવા મળે છે. પરંતુ તેનો સનાતન વૈદિક ધર્મ સાથે કોઈ સંબંધ નથી. કથિત દલિત વ્યક્તિ પણ મહાન બ્રાહ્મણ હોવાના દાખલા આજે પણ છે. જેમ કે, સંત રવિદાસ. તેથી એ સ્પષ્ટ કરવું ખૂબ જરૂરી છે કે, બ્રાહ્મણ એ કોઈ જ્ઞાતિ નથી, તે ઐશ્વરીય અને ક્રાંતિકારી કાર્ય કરનારા લોકોનો એક વર્ગ છે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં