Wednesday, April 17, 2024
More
  હોમપેજગુજરાતઆજે હાર્દિક પટેલનો ભાજપ પ્રવેશ, પણ આગેવાનો અને સમર્થકોના સમર્થન વગર રાજકીય...

  આજે હાર્દિક પટેલનો ભાજપ પ્રવેશ, પણ આગેવાનો અને સમર્થકોના સમર્થન વગર રાજકીય ભવિષ્ય સુરક્ષિત રહેશે ખરું? 

  - Advertisement -

  આખરે કોંગ્રેસમાંથી નારાજ થઈને રાજીનામું આપી ચૂકેલા હાર્દિક પટેલ આજે વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે. આજે ગાંધીનગર સ્થિત ભાજપના મુખ્યમથક કમલમ્ ખાતે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ કેસરિયો ખેસ પહેરાવીને હાર્દિક પટેલનો ભાજપ પ્રવેશ કરાવશે. જેની ભાજપ અને હાર્દિક પટેલ, બંને પક્ષેથી પુષ્ટિ કરવામાં આવી ચૂકી છે.

  ભાજપમાં જોડાવા પહેલાં હાર્દિક પટેલે ટ્વિટ કરતાં કહ્યું કે, રાષ્ટ્રહિત, પ્રદેશહિત, જનહિત અને સમાજહિતની ભાવનાઓ સાથે આજે નવા અધ્યાયનો પ્રારંભ કરવા જઈ રહ્યો છું. તેઓ આગળ લખે છે કે, “ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં ચાલી રહેલા રાષ્ટ્ર સેવાના ભગીરથ કાર્યમાં નાનકડો સિપાઈ બનીને કામ કરીશ.”

  હાર્દિક પટેલે ગત 18 મેના રોજ કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. તે પહેલાં તેઓ અનેક વખત કોંગ્રેસ અને સ્થાનિક નેતૃત્વ પ્રત્યે નારાજગી જાહેર કરી ચૂક્યા હતા. એક અખબારને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે કોંગ્રેસ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી તો ભાજપના 370, રામમંદિર જેવા નિર્ણયોના વખાણ કર્યા હતા જેના કારણે તેઓ કોંગ્રેસ છોડશે અને હાર્દિક પટેલનો ભાજપ પ્રવેશ થશે તેવી અટકળો શરૂ થઇ ગઈ હતી. 

  - Advertisement -

  જે બાદ અવારનવાર હાર્દિક પટેલ કોંગ્રેસ પ્રત્યે નારાજગી દર્શાવી ચૂક્યા હતા તો હાઈકમાન્ડનો પણ સંપર્ક કરી ચૂક્યા હતા. જોકે, ત્યાંથી પણ મેળ નહીં પડતા આખરે હાર્દિકે પાર્ટી છોડવાનું જ મુનાસિબ માન્યું અને પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખીને પક્ષના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું ધરી દીધું હતું. 

  જોકે, પહેલાં આંદોલનો અને પછી કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈને પણ હાર્દિક પટેલ ગુજરાતમાં ભાજપનું ખાસ નુકસાન કરી શક્યા નથી કે તેને સત્તા પરથી હટાવવાના તેમના મનસૂબા સફળ થઇ શક્યા નથી. પાટીદાર અનામત આંદોલન છતાં 2017 ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીત થઇ હતી તો હાર્દિક પટેલ વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા બાદ ન તો તેઓ કોંગ્રેસને ઉપર લાવી શક્યા હતા કે નહીં કોઈ ચૂંટણીમાં ભાજપને હરાવવા માટે પાર્ટીને આગળ લાવી શક્યા હતા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને વિધાનસભા ચૂંટણીઓ તેનું ઉદાહરણ છે.

  એક તરફ ભાજપની સતત વધતી જતી લોકપ્રિયતાને અને કોંગ્રેસના સતત ઘટતા જતા ગ્રાફના કારણે આખરે હાર્દિક પટેલ હવે હાર માનીને એ જ પાર્ટીમાં જોડાઈ રહ્યા છે જે પાર્ટીના શીર્ષ નેતાઓ પ્રત્યે હંમેશા તેમણે બેફામ નિવેદનો આપ્યાં હતાં.

  પાર્ટી છોડ્યા બાદ હવે હાર્દિક પટેલ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. જોકે, તેમના ભૂતકાળના ભાજપના નિવેદનો અને ગતિવિધિઓના કારણે ભાજપના સમર્થકો હાર્દિકને સ્વીકારવા માટે તૈયાર નથી. ભાજપ સર્મથકો હજુ પણ તેમને તેમના જૂના નિવેદનો અને ટ્વિટ યાદ કરાવી રહ્યા છે તો કોઈ માને છે કે હાર્દિકની સ્થિતિ પણ એ જ થશે જે અલ્પેશ ઠાકોરની થઇ છે. 

  એક યુઝરે કહ્યું કે, ભાજપ વિચારધારાથી ભટકી ગયું છે અને તેમને આનું નુકસાન જશે. તેમણે હાર્દિકને મહત્વકાંક્ષી નેતા ગણાવ્યા હતા અને કહ્યું હતું કે તેઓ ભવિષ્યના સિદ્ધુ સાબિત થશે. વળી એક યુઝરે તેમની ઉપર રાજકારણ રમવાનો આરોપ લગાવત કહ્યું કે, પહેલાં જેમને ગાળો દેતા હતા હવે તેમની પાસે જ જઈ રહ્યા છે.

  જોકે, ભાજપનો એક વર્ગ એવો પણ છે જેઓ હાર્દિક પટેલને આવકારી રહ્યા છે.

  બીજી તરફ, જે કોંગ્રેસી સમર્થકો માટે આજ સુધી હાર્દિક પટેલ અગત્યના નેતા હતા તેઓ હવે હાર્દિકે પાર્ટી છોડી દીધા બાદ અને ખાસ કરીને ભાજપમાં જોડાવાની તૈયારી કરી રહ્યા બાદ તેમની મજાક ઉડાવી રહ્યા છે તો સોશિયલ મીડિયા ઉપર ગુસ્સો ઠાલવી રહ્યા છે.

  પાટીદાર અનામત આંદોલનના કારણે ઉપર આવેલા હાર્દિક પટેલે ભાજપનો જ વિરોધ કરી આખરે ભાજપનો ખેસ ધારણ કરતા યુઝરો તેને લઈને પણ પ્રતિક્રિયા આપી રહ્યા છે. 

  હાર્દિક પટેલના આવવાથી ભાજપને નુકસાન છે કે નહીં તે બાબત અનિશ્ચિત છે પરંતુ એક બાબત નિશ્ચિત છે કે હાર્દિક પટેલ માટે આગળ કપરાં ચઢાણ છે. કારણ કે જાણવા મળ્યા મુજબ તેઓ વિધાનસભા ચૂંટણીમાં ઝંપલાવી શકે છે. ભાજપની ટિકિટ મળવાથી તેમને ફાયદો તો થશે પરંતુ બીજી તરફ સમર્થકોની નારાજગી હાર્દિક પટેલને અસર કરી શકે છે. એ જ કારણ છે કે ઘણા માની રહ્યા છે કે હાર્દિક પટેલ પણ ભાજપમાં આવીને અલ્પેશ ઠાકોરની જેમ હાંસિયામાં ધકેલાઈ જશે. કારણ કે, અલ્પેશ ઠાકોર જે બેઠક પરથી ધારાસભ્ય હતા, તે જ બેઠક પર ફરી ચૂંટણી લડીને હાર્યા હતા.

  તો શું હાર્દિક પટેલનું પણ એમ જ થશે? હાર્દિકને આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ટીકીટ મળશે એ અત્યારે તો કોઇપણ કહી શકે તેમ નથી. વળી, હાર્દિક પટેલનું ગુજરાતમાં રાજકીય કદ હવે એટલું બધું પણ મોટું નથી કે તે ભાજપમાં જોડાવા પૂર્વે અન્ય દિગ્ગજ કોંગ્રેસી નેતાઓની જેમ ટીકીટની માંગણી કરી શકે. આમ, અત્યારે તો એવું લાગે છે કે હાર્દિક પટેલનું ભાજપમાં જોડાવું એ ભાજપ માટે નહીં નફો નહીં નુકશાન જેવું રહેશે પરંતુ હાર્દિક પટેલને પોતાનું રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવા માટે ભાજપનો સાથ જે તેના માટે અનિવાર્ય હતો તે તેને જરૂર મળી ગયો છે.

  હાર્દિક પટેલના ભાજપ જોડાણથી શું થશે તે તો આવનારો સમય જ કહેશે અને આપણે બધા બહુ જલ્દીથી એ આવનાર સમયના સાક્ષી બનીશું.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં