Thursday, October 31, 2024
More

    PM મોદીએ 18 રાજ્યોમાં ₹12,850 કરોડના હેલ્થ પ્રોજેક્ટ કર્યા લૉન્ચ, સિનિયર સિટીઝનોને આપી દિવાળીની વિશેષ ભેટ

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) મંગળવારે (29 ઑક્ટોબર) આયુષ્માન ભારત યોજનાના નવા તબક્કા ‘આયુષ્માન ભારત નિરામયમ’ની શરૂઆત કરી છે. PM મોદીએ દિલ્હીના ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ આયુર્વેદ (AIIA) ખાતે આયોજિત એક કાર્યક્રમમાં લગભગ 18 રાજ્યોમાં ₹12,850 કરોડની વિકાસ પરિયોજનાઓનો (Health Care Project) શુભારંભ કર્યો છે. આ ઉપરાંત હવે 70 વર્ષ અને તેનાથી વધુ વયના તમામ વૃદ્ધો મુખ્ય આરોગ્ય વીમા યોજના આયુષ્માન ભારત હેઠળ ફ્રીમાં સારવાર મેળવી શકશે.

    આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (AB PM-JAY) હેઠળ 70 વર્ષ અને તેનાથી વધુ વયના તમામ વૃદ્ધોને આરોગ્ય કવરેજ (હેલ્થ કવરેજ) મળશે. આ સુવિધા કોઈપણ આવક જૂથના વૃદ્ધો માટે ઉપલબ્ધ હશે. તેઓને દર વર્ષે ₹5 લાખ સુધીની મફત સારવાર મળશે. આ ઉપરાંત જે પરિવારો પહેલાંથી જ આયુષ્માન યોજનાનો લાભ લઈ રહ્યા છે, તેઓ તેમના પરિવારના વૃદ્ધ સભ્યો માટે અલગથી વાર્ષિક 5 લાખ રૂપિયા સુધીની સારવાર મેળવી શકશે.

    આ સાથે જ વડાપ્રધાન મોદીએ સંબોધન પણ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, આ વખતની દિવાળી તમામ માટે ઐતિહાસિક બનાવવામાં આવી રહી છે. ઉપરાંત પોતાની યોજનામાં પશ્ચિમ બંગાળ અને દિલ્હી જેવા રાજ્યો ન જોડાતા તેમણે અફસોસ પણ વ્યક્ત કર્યો હતો.