
દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયામાં એક જુલૂસ દરમિયાન પેલેસ્ટાઇનના ઝંડા પ્રદર્શિત કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. ઘટનાના અમુક વિડીયો પણ સોશિયલ મીડિયામાં સામે આવ્યા, ત્યારબાદ સ્થાનિક પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ઝંડા દૂર કર્યા અને તપાસ શરૂ કરી છે.
અહેવાલ અનુસાર, 5 ઑક્ટોબરના રોજ જામખંભાળિયામાં મુસ્લિમ સમુદાયના લોકોએ 11મી શરીફની ઈદ નિમિત્તે જુલૂસ કાઢ્યું હતું. જુલૂસ દરમિયાન કેટલાક લોકો દ્વારા પેલેસ્ટાઇનના ઝંડા દર્શાવવામાં આવ્યા હતા, જેનાથી સ્થિતિ તણાવગ્રસ્ત થઈ હતી. જાણ થતાં જ પોલીસે આ મામલે તાત્કાલિક પગલાં લઈને ઝંડા દૂર કર્યા હતા.
જુલુસમાં પેલેસ્ટાઇનના ફ્લેગ દર્શાવતા વિવાદ #dwarka #gujarat #sandeshnews pic.twitter.com/4kArEMAmlm
— Sandesh (@sandeshnews) October 5, 2025
પોલીસે આ મામલે સ્વયં ફરિયાદી બનીને એક શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. જાણવા મળ્યા અનુસાર ઝંડા તે જ લાવ્યો હતો અને પછી અમુક બાળકોને પણ પકડાવી દીધા હતા. જુલૂસમાં ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચાર અને વૈમનસ્ય ફેલાય તેવા નારા લગાવવામાં આવ્યા હોવાના પણ અહેવાલો છે.
આ સમગ્ર ઘટના સંદર્ભે ખંભાળિયા પોલીસ મથકના PSI યુ.કે. જાદવની ફરિયાદના આધારે પોલીસે આમદ અબ્દુલ રૂખડા સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ તેમજ જુવેનાઇલ જસ્ટિસ એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.
ખંભાળિયા પોલીસ મથકનાં સૂત્રો પાસેથી ઑપઇન્ડિયાને પ્રાપ્ત જાણકારી અનુસાર આ મામલે ગુનો દાખલ કરીને આરોપીને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) કલમ 35 હેઠળ નોટિસ પાઠવવામાં આવી હતી. અત્યાર સુધી આ કેસમાં કોઈની ધરપકડ કરવામાં આવી નથી.

