ઇઝરાયેલી ટુરિસ્ટ સાથે ગેંગરેપ અને અમેરિકન પર્યટકની હત્યા મામલે કર્ણાટકની કોર્ટે 3 દોષીઓને સંભળાવી ફાંસીની સજા, ગણાવ્યો ‘રેયરેસ્ટ ઑફ રેયર કેસ’

કર્ણાટકના કોપ્પલ જિલ્લાની એક કોર્ટે હમ્પી પાસે 6 માર્ચ 2025ના રોજ થયેલી વિદેશી પર્યટકો સાથે જોડાયેલી ઘૃણાસ્પદ ઘટનામાં ત્રણ દોષીઓને મૃત્યુદંડની સજા સંભળાવી છે. ફર્સ્ટ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ ગંગાવતીએ સોમવારે (16 ફેબ્રુઆરી) સજાની જાહેરાત કરતાં કહ્યું કે આ ગુનો ‘રેયરેસ્ટ ઑફ રેયર’ શ્રેણીમાં આવે છે, તેથી દોષીઓને મહત્તમ સજા આપવી યોગ્ય છે. જસ્ટિસ સદાનંદ નાગપ્પા નાઇકે મલ્લેશ ઉર્ફે હંડિમલ્લ, સાઇ અને શરણપ્પાને ગેંગરેપ અને હત્યાના દોષિત ઠેરવીને ફાંસીની સજા સંભળાવી છે. કોર્ટે તેમને 6 ફેબ્રુઆરીએ જ દોષિત ઠેરવ્યા હતા.

શું હતો પૂરો મામલો?

ઘટના 6 માર્ચ 2025ની રાતની છે. હમ્પી પાસેના સનાપુર ઝીલ વિસ્તારમાં એક જૂથ ડિનર પછી તારા જોવા (સ્ટારગેઝિંગ) માટે ગયું હતું. જૂથમાં 27 વર્ષની ઇઝરાઇલી મહિલા, 29 વર્ષની હોમસ્ટે સંચાલિકા અને ત્રણ પુરુષ પર્યટકો (અમેરિકા, ઓડિશા અને મહારાષ્ટ્રથી) હતા. પર્યટકો તુંગભદ્રા નહેરના કિનારે બેસીને ગિટાર વગાડી રહ્યા હતા અને સંગીત સાંભળી રહ્યા હતા. ત્યારે બાઇક પર ત્રણ લોકો પહોંચ્યા. ફરિયાદ અનુસાર આરોપીઓએ પહેલાં પેટ્રોલ પમ્પનો રસ્તો પૂછ્યો અને પછી પૈસાની માંગ કરી. જ્યારે પર્યટકોએ ના પાડી તો તેમણે હુમલો કરી દીધો.

બાદમાં ત્રણેય પુરુષ પર્યટકોને નહેરમાં ધક્કો મારી દેવામાં આવ્યો. દરમિયાન બે આરોપીઓએ હોમસ્ટે સંચાલિકા સાથે દુષ્કર્મ આચર્યું, જ્યારે ત્રીજાએ ઇઝરાઇલી મહિલાને અલગ લઈ જઈને તેનું યૌન શોષણ કર્યું. આરોપીઓએ મોબાઇલ ફોન અને રોકડ પણ લૂંટી લીધી. નહેરમાં ધક્કો અપાયેલા ત્રણ પુરુષોમાંથી બે તરીને બહાર આવ્યા અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, પરંતુ અમેરિકન પર્યટકનું ડૂબવાથી મોત થઈ ગયું. તેનો મૃતદેહ આગળના દિવસે મળી આવ્યો. આ સાથે કેસમાં હત્યાની કલમ પણ ઉમેરવામાં આવી.

દેશભરમાં આક્રોશ, સુરક્ષા પર સવાલો

વર્લ્ડ હેરિટેજ સાઇટ હમ્પી પાસે વિદેશી નાગરિકો સાથે થયેલી આ બર્બર ઘટનાએ દેશભરમાં આક્રોશ પેદા કર્યો હતો. રાજકીય નેતાઓએ પ્રતિક્રિયા આપી હતી અને પર્યટકોની સુરક્ષા પર ગંભીર સવાલો ઉભા થયા હતા. ઘટના પછી પોલીસે તાત્કાલિક વિશેષ ટીમો બનાવી અભિયાન ચલાવ્યું  હતું કેટલાક દિવસોમાં ત્રણેય આરોપીઓની અટકાયત કરી હતી.

લગભગ 11 મહિના બાદ કોર્ટે ચુકાદો આપતાં સ્પષ્ટ કર્યું કે આ ગુનો માત્ર અત્યંત ક્રૂર જ નહીં, પરંતુ તેમાં વિદેશી નાગરિકોને ટાર્ગેટ બનાવવામાં આવ્યા અને એક વ્યક્તિનો જીવ ગયો. કોર્ટની ટિપ્પણી અનુસાર સમાજમાં એવો સંદેશ જવો જોઈએ કે આવા જઘન્ય અપરાધો માટે કાયદો સૌથી કઠોર સજા આપે છે. આ ચુકાદા સાથે હમ્પી કાંડમાં ન્યાયિક પ્રક્રિયા એક મહત્વના તબક્કે પહોંચી છે, જોકે દોષીઓ પાસે હાઇકોર્ટમાં અપીલનો વિકલ્પ ઉપલબ્ધ રહેશે.