હમાસ ચીફ યાહ્યા સિનવારને ઇઝરાયેલી સેનાએ ઠાર કર્યા બાદ તાજા ઘટનાક્રમમાં ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુના (Benjamin Netanyahu) નિવાસસ્થાન નજીક એક ડ્રોન હુમલો (Drone Attack) થયો હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે.
ઇઝરાયેલ સરકાર તરફથી આ બાબતની પુષ્ટિ કરવામાં આવી અને કહેવામાં આવ્યું કે પીએમ અને તેમનો પરિવાર સુરક્ષિત છે. આ ડ્રોન અટેક ઇઝરાયેલના કેસેરિયા સ્થિત PMના અંગત નિવાસસ્થાન પર કરવામાં આવ્યો હતો.
વડાપ્રધાન કાર્યાલયે જણાવ્યું કે, હુમલો થયો ત્યારે પીએમ નેતન્યાહુ કે તેમનાં પત્ની સારા નેતન્યાહુ ઘરે હાજર ન હતાં અને હુમલામાં કોઈને ઈજા પણ પહોંચી નથી.
વધુ વિગતો પ્રમાણે, લેબનાનમાંથી સવારે ઇઝરાયેલના તેલ અવીવ શહેર પર હુમલો કરવા માટે બે ડ્રોન મોકલવામાં આવ્યાં હતાં, પરંતુ એર ડિફેન્સ સિસ્ટમે હવામાં જ નષ્ટ કરી દીધાં હતાં.
નોંધવું જોઈએ કે તાજેતમાં જ ઇઝરાયેલની સેનાએ હમાસના ચીફ આતંકવાદી યાહ્યા સિનવારને એક ઑપરેશનમાં ઠાર કર્યો હતો. તે પહેલાં હિઝબુલ્લાહ ચીફ નસરલ્લાહને પણ તાજેતરમાં જ મારવામાં આવ્યો.