Thursday, December 5, 2024
More

    બાંગ્લાદેશમાં હિંદુઓ પર થઈ રહેલા અત્યાચારના ગુજરાતમાં પણ પડ્યા પડઘા: સુરતમાં હિંદુ સંગઠનોએ કર્યું વિરોધ પ્રદર્શન

    બાંગ્લાદેશમાં (Bangladesh) છેલ્લા ઘણા સમયથી હિંદુવિરોધી હિંસા (Anti-Hindu Violence) આચરવામાં આવી રહી છે. વીણીવીણીને હિંદુઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. ત્યારે બાંગ્લાદેશની આ હિંદુવિરોધી હિંસાના પડઘા હવે ગુજરાતમાં પણ પડ્યા છે. જાણવા મળી રહ્યું છે કે, સુરતમાં (Surat) વિશ્વ હિંદુ પરિષદ (VHP) અને અન્ય હિંદુ સંગઠનોએ વિરોધ પ્રદર્શન (Protest) કરીને બાંગ્લાદેશમાં હિંદુઓ પર થઈ રહેલા અત્યાચારનો વિરોધ કર્યો છે.

    બાંગ્લાદેશમાં હિંદુઓ પર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં સુરતમાં આવેલા રેલવે સ્ટેશન વિસ્તારમાં હિંદુ સંગઠનોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. હિંદુ સંગઠનોએ કહ્યું છે કે, સાધુસંતો પર અત્યાચાર સહન કરવામાં આવશે નહીં. હિંદુ સંગઠનોએ માંગણી કરી છે કે, બાંગ્લાદેશમાં ધરપકડ કરાયેલા ઈસ્કોનના સંતોને પણ મુક્ત કરવામાં આવે.

    નોંધવા જેવું છે કે, છેલ્લા કેટલાક દિવસોથી બાંગ્લાદેશમાં હિંદુવિરોધી હિંસાનો વેગ વધ્યો છે. ઈસ્કોનના પ્રતિષ્ઠિત સંતોને વોરંટ વગર જ પોલીસ પકડીને લઈ જઈ રહી છે અને રાષ્ટ્રદ્રોહ તથા ઇશનિંદા જેવા ખોટા આરોપો પણ લગાવવામાં આવી રહ્યા છે. તાજેતરમાં જ હિંદુઓના પવિત્ર ત્રણ મંદિરો પર ઇસ્લામી ટોળાંએ હુમલો પણ કર્યો હતો.