Wednesday, March 12, 2025
More

    હરિયાણામાં સૂટકેસમાંથી મળી મહિલાની લાશ, મૃતક કોંગ્રેસની કાર્યકર્તા: માતાએ કહ્યું- હત્યારા પાર્ટીમાંથી પણ હોય શકે

    હરિયાણાના રોહતક નજીક એક 22 વર્ષીય યુવતીની લાશ મળી આવી છે. રોહતક-દિલ્હી હાઈ-વે પર સાંપલા બસ સ્ટેન્ડ નજીક એક સૂટકેસમાં આ મૃતદેહ મળી આવ્યો હતો. આ મામલે પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. 

    મહિલાની ઓળખ હિમાની નરવાલ તરીકે થઈ છે, જે કોંગ્રેસ પાર્ટીની કાર્યકર્તા હતી. મૂળ સોનેપતઆ કથૂરા ગામની વતની આ યુવતી ભૂતકાળમાં અનેક કોંગ્રેસ નેતાઓ સાથે કામ કરી ચૂકી છે. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ યોજેલી ‘ભારત જોડો યાત્રા’માં પણ તે જોવા મળી હતી. રોહતકના સાંસદ દીપેન્દ્ર હુડ્ડાના પણ ઘણા કાર્યક્રમોમાં જોવા મળી હતી. 

    તેની હત્યા કરવામાં આવી હોય તેવી આશંકા છે. વધુ વિગતો અનુસાર, નજીકથી પસાર થતા લોકોને બસ સ્ટેન્ડથી 200 મીટર દૂર એક સૂટકેસ મળી આવ્યું હતું, ત્યારબાદ તેમણે પોલીસને જાણ કરી. તેને ખોલતાં અંદર એક યુવતીની લાશ મળી આવી, જેના શરીર પર ઘાનાં નિશાન પણ જોવા મળ્યાં. તેનું ગળું દબાવવામાં આવ્યું હોય તેવું પ્રાથમિક અનુમાન છે. 

    ત્યારબાદ સ્થળ પર ફોરેન્સિકની ટીમને બોલાવવામાં આવી, જેમણે પુરાવાઓ એકઠા કર્યા હતા. પોલીસનું કહેવું છે કે યુવતીની અન્યત્ર ક્યાંક હત્યા કરીને અહીં લાશ છોડી દેવામાં આવી હોય શકે. હાલ આ મામલે CCTV ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. 

    કોંગ્રેસ નેતાઓએ આ મામલે કડકમાં કડક તપાસની માંગ કરી છે અને પોલીસને એક SIT બનાવીને તપાસ કરવા માટે અરજ થઈ રહી છે. પોલીસનું કહેવું છે કે હાલ તેઓ જુદી-જુદી ટીમો બનાવીને કેસની તપાસ કરી રહ્યા છે. 

    બીજી તરફ, પરિવારનું કહેવું છે કે પાર્ટીના કારણે જ તેમની પુત્રીના દુશ્મનો વધી ગયા હતા અને હત્યાને અંજામ આપનારા પાર્ટીમાંથી પણ હોય શકે અથવા તેના મિત્રો પણ હોય શકે. માતાએ કહ્યું કે, જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી તેઓ અંતિમ સંસ્કાર કરશે નહીં.