Tuesday, April 30, 2024
More
    હોમપેજદેશપહેલવાનોના પ્રદર્શનથી ચર્ચામાં રહેલા બજરંગ પુનિયા ઓલમ્પિક્સની રેસમાંથી બહાર, સિલેક્શન ટ્રાયલમાં રોહિત...

    પહેલવાનોના પ્રદર્શનથી ચર્ચામાં રહેલા બજરંગ પુનિયા ઓલમ્પિક્સની રેસમાંથી બહાર, સિલેક્શન ટ્રાયલમાં રોહિત કુમાર સામે 1-9થી પરાજય

    રોહિત કુમારે આ ટ્રાયલમાં બજરંગ પુનિયાને 9-1ના મોટા અંતરથી હરાવ્યા. આ બાદ તે સ્પષ્ટ થઇ ગયું કે હવે પુનિયા ક્વોલિફાયર્સમાં ભાગ નહીં લઈ શકે. આ પહેલાંના ક્વોલિફાયર્સમાં પણ બજરંગ પુનિયા માંડ-માંડ જીતીને અહીં સુધી પહોંચ્યા હતા.

    - Advertisement -

    ભારતીય કુસ્તીબાજ બજરંગ પુનિયા 2024 ઓલમ્પિક્સમાં ભાગ નહીં લઈ શકે. આ ઓલમ્પિક્સનું આયોજન ફ્રાન્સની રાજધાની પેરિસમાં થવાનું છે. બજરંગ ઓલમ્પિક્સ માટે આયોજિત ટ્રાયલ્સમાં જ હારી ગયા છે. પહેલવાન રોહિત કુમારે તેમને હરાવ્યા છે.

    પેરિસ ઓલમ્પિક્સ માટે હજુ ક્વોલિફાયર્સ મેચ થવાની બાકી છે. તે પહેલાં સોનીપતમાં ટ્રાયલ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટ્રાયલ્સ સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયાની સોનીપત એકેડમીમાં કરવામાં આવ્યાં હતાં. આ દરમિયાન બજરંગ પુનિયા રોહિત કુમાર સામે ભીડ્યા હતા.

    રોહિત કુમારે આ ટ્રાયલમાં બજરંગ પુનિયાને 9-1ના મોટા અંતરથી હરાવ્યા. આ બાદ તે સ્પષ્ટ થઇ ગયું કે હવે પુનિયા ક્વોલિફાયર્સમાં ભાગ નહીં લઈ શકે. આ પહેલાંના ક્વોલિફાયર્સમાં પણ બજરંગ પુનિયા માંડ-માંડ જીતીને અહીં સુધી પહોંચ્યા હતા. પહેલવાન રવિંદર કુમારે એક પોઈન્ટ ગુમાવતાં પુનિયાને અહીં સુધી પહોંચવાની તક મળી હતી. પરંતુ આ હાર બાદ બજરંગ પુનિયા 2024 ઓલમ્પિક્સમાં ભાગ નહીં લઇ શકે.

    - Advertisement -

    બજરંગ પુનિયાના પ્રદર્શનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. આ પહેલાં તે 2023ની એશિયન ગેમ્સમાં પણ હારી ચૂક્યા છે. તેમને જાપાનની કુસ્તીબાજ કે. યામાગુચીએ 10-0થી હરાવ્યા હતા. પુનિયા મેડલ લીધા વિના જ એશિયન ગેમ્સમાંથી ભારત પરત ફર્યા હતા.

    ઉલ્લેખનીય છે કે પુનિયા ટ્રાયલ વગર જ એશિયન ગેમ્સમાં ગયા હતા. પ્રદર્શન વખતે તેઓ સતત તેની માંગ કરી રહ્યા હતા. આ પછી કુસ્તી ફેડરેશન ઑફ ઈન્ડિયાએ તેમને કોઈ પણ પ્રકારના ટ્રાયલ વિના જ એશિયન ગેમ્સમાં મોકલી દીધા હતા. જેને લઈને કેટલાક અન્ય કુસ્તીબાજોએ આ અંગે સવાલો પણ ઉઠાવ્યા હતા.

    કુસ્તીબાજોનું પ્રદર્શન અને બજરંગ પુનિયા

    બજરંગ પુનિયાનું નામ તાજેતરની હેડલાઇન્સમાં કુસ્તીના કારણે ઓછું અને ધરણાં પ્રદર્શનને કારણે વધુ આવ્યું છે. પુનિયા, સાક્ષી મલિક અને વિનેશ ફોગાટ દિલ્હીમાં રેસલર્સ પ્રોટેસ્ટનું નેતૃત્વ કરી રહ્યાં હતાં. તેઓ કુસ્તી એસોસિએશનના તત્કાલીન પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંઘ સામે સતત વિરોધ કરી રહ્યા હતા અને તેમને હટાવવાની માગ કરી રહ્યા હતા. ત્યારબાદ બજરંગ પુનિયા રાહુલ ગાંધી સાથે પણ જોવા મળ્યા હતા. રાહુલ ગાંધી એક દિવસ અચાનક પુનિયા પાસે પહોંચી ગયા હતા અને તેમની સાથે ભોજન લીધું હતું.

    બજરંગ પુનિયાએ ડિસેમ્બર 2023માં તેમનો પદ્મશ્રી એવોર્ડ પણ પરત કરી દીધો હતો. આ એવોર્ડ તેમને 2019માં આપવામાં આવ્યો હતો. માહિતી મળી રહી છે કે આજના ટ્રાયલમાં જયારે તેમને હારનો સામનો કરવો પડ્યો, ત્યારે તેઓ ગુસ્સામાં પગ પછાડતા બહાર નીકળી ગયા હતા. તેમને SAIના અધિકારીઓએ રોકવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તે છતાં તે ત્યાંથી બહાર નીકળી ગયા હતા.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં