Thursday, April 25, 2024
More
  હોમપેજદેશદિલ્હી: મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ પહોંચ્યા PM મોદી, એશિયન પેરા ગેમ્સમાં ભારતનો...

  દિલ્હી: મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ પહોંચ્યા PM મોદી, એશિયન પેરા ગેમ્સમાં ભારતનો ધ્વજ લહેરાવનાર દિવ્યાંગ રમતવીરોની લીધી મુલાકાત

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, "બાકી બધી રમતોમાં જયારે એક ખેલાડી મેડલ લઈને આવે છે, ત્યારે રમતની દુનિયામાં તે અન્ય ખેલાડીઓ માટે પ્રેરણા બને છે. પરંતુ જયારે એક દિવ્યાંગ જીતીને આવે છે ત્યારે તે માત્ર રમત જગત માટે જ નહીં, પરંતુ જીવનના દરેક ક્ષેત્રો માટે પ્રેરણારૂપ બની જાય છે.

  - Advertisement -

  બુધવારે (1 નવેમ્બર 2023) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમમાં દિવ્યાંગ રમતવીરો સાથે ખાસ મુલાકાત કરી હતી. એશિયન પેરા ગેમ્સમાં ભારત તરફથી અભૂતપૂર્વ પ્રદર્શન કરનાર આ દિવ્યાંગ ખેલાડીઓની મુલાકાત લઈને વડાપ્રધાને તેમને શુભકામનાઓ પાઠવી હતી, સાથે જ તેમને આગામી પ્રતિયોગીતાઓ માટે પણ પ્રોત્સાહિત કર્યા હતા. આ દરમિયાન પીએમ મોદી સાથે ખેલ મંત્રી અનુરાગ ઠાકુર પણ હાજર રહ્યા હતા.

  PM નરેન્દ્ર મોદીએ દિલ્હીના મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમમાં દિવ્યાંગ રમતવીરો સાથે મુલાકાત કરી તે દરમિયાન તેમને સંબોધિત પણ કર્યા હતા. વડાપ્રધાને ખેલાડીઓની સફળતાને લઈને કહ્યું હતું કે, “તમે બધા ભારતથી બહાર ચીનમાં દેશ માટે રમી રહ્યા હતા અને હું અહીં બેસીને દરેક ક્ષણ આપના પ્રયત્નો અને આત્મવિશ્વાસને જીવી રહ્યો હતો.” સાથે જ વડાપ્રધાને તમામ ખેલાડીઓને દેશ માટે જીતીની ક્ષણને અભૂતપૂર્વ ગણાવી હતી.

  કોઈ જીતીને આવ્યું તો કોઈ શીખીને, એક પણ ખેલાડી હારીને નથી આવ્યો: વડાપ્રધાન મોદી

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિવ્યાંગ ખેલાડીઓને સંબોધતા કહ્યું હતું કે, “અહીં જે ખેલાડીઓને રમત માટે સિલેક્ટ કરવામાં આવ્યા હતા, તેમાંથી કેટલાક ત્યાં જીતીને આવ્યા છે તો કેટલાક શીખીને. આપમાંથી એક પણ રમતવીર હારીને પરત નથી આવ્યો. રમતમાં હંમેશા બે વસ્તુ થાય છે- જીતવું અને શીખવું.” આ સાથે જ વડાપ્રધાને જણાવ્યું હતું કે વર્ષ 2014માં પેરા ગેમ્સમાં ભારતે જીતેલા મેડલ કરતા આ વખતે 3 ગણા વધારે મેડલ જીત્ય છે.

  - Advertisement -

  તેમણે કહ્યું કે, “2014માં એશિયન પેરા ગેમ્સમાં ભારત જેટલા મેડલ જીત્યું તેના કરતા આ વખતે આપ બધા ત્રણ ગણા મેડલ જીતીને આવ્યા છો. 2014ની અપેક્ષાએ આપણે આ વખતે લગભગ 10 ગણા વધુ ગોલ્ડ મેડલ મેળવ્યા છે, 2014માં આપણે આખા પ્રદર્શનમાં 15માં સ્થાને હતા, પરંતુ આ વખતે તમે તમામે દેશને ટોપ 5માં સ્થાન અપાવ્યું છે.”

  આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, “બાકી બધી રમતોમાં જયારે એક ખેલાડી મેડલ લઈને આવે છે, ત્યારે રમતની દુનિયામાં તે અન્ય ખેલાડીઓ માટે પ્રેરણા બને છે. પરંતુ જયારે એક દિવ્યાંગ જીતીને આવે છે ત્યારે તે માત્ર રમત જગત માટે જ નહીં, પરંતુ જીવનના દરેક ક્ષેત્રો માટે પ્રેરણારૂપ બની જાય છે.”

  કેન્દ્રીય રમત મંત્રી અનુરાગ ઠાકુરે સફળતાને ગણાવ્યો નવો કીર્તિમાન

  નોંધનીય છે કે મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડીયમમાં વડાપ્રધાન મોદી સાથે કેન્દ્રીય ખેલ મંત્રી અનુરાગ ઠાકુર પણ ઉપસ્થિત હતા. તેમણે પણ આ દિવ્યાંગ રમતવીરોને તેમની ઉપલબ્ધિઓ બદલ બિરદાવ્યા હતા. અનુરાગ ઠાકુરે દિવ્યાંગ ખેલાડીઓને સંબોધિત કરતા કહ્યું હતું કે, “પાછલા 2 વર્ષોમાં ટોક્યો ઓલેમ્પિક, પેરા ઓલેમ્પિકથી માંડીને થોમસ કપ, કોમનવેલ્થ ગેમ્સ અને એશિયન ગેમ્સમાં 100 મેડલ મેળવ્યા અને હવે પેરા રમતોમાં પણ 100 પાર કરવાનો આ નવો કીર્તિમાન સ્થાપિત થયો છે. અત્યાર સુધીમાં સહુથી વધારે મેડલ આપણે આ 2 વર્ષમાં જીત્યા છે.”

  એશિયન પેરા ગેમ્સમાં પ્રથમવાર, સો પાર..

  એશિયન પેરા ગેમ્સ 2023માં દિલીપ મહાદુ ગાવિતે પુરુષોની 400 મીટર T47 સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. જેની સાથે ભારતે 100 મેડલ પૂર્ણ કર્યા હતા. તેમણે 49.48 સેકન્ડના શાનદાર સમય સાથે ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. પેરા ગેમ્સમાં ભારતે પ્રથમ વખત 100થી વધુ મેડલ જીત્યા છે. ઉલ્લેખનીય છે કે આ વખતે ચીનમાં યોજાયેલા એશિયન ગેમ્સમાં ભરતીય દિવ્યાંગ રમતવીરોએ નવો વિક્રમ પ્રસ્થાપિત કર્યો છે. તેમણે હાંગઝોઉ એશીયાઇ પેરા રમતોમાં કુલ 111 પદક જીત્ય હતા, જે અત્યારસુધીની દીવ્યંગો માટેની ઇન્ટરનેશનલ ગેમ્સ કોમ્પિટિશનમાં દેશની સહુથી મોટી ઉપલબ્ધી છે. આ વખતે ભારતના દિવ્યાંગ રમતવીરોએ 29 સુવર્ણ, 31 રજત અને 51 કાંસ્ય પદકો સાથે કુલ 111 મેડલ્સ જીત્યા છે.

  નોંધનીય છે કે આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એશિયન ગેમ્સમાં ભારતને 107 પદકો જીતાડનાર ખેલાડીઓ સાથે પણ રૂબરૂ મુલાકાત લીધી હતી અને તેમને તેમના ઉમદા પ્રદર્શન માટે બિરદાવ્યા હતા.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં