Sunday, April 28, 2024
More
    હોમપેજવગેરે...સ્પોર્ટ્સએશિયન પેરા ગેમ્સમાં પ્રથમવાર 100 પાર...: મેડલોની સદી સાથે ભારતીય ખેલાડીઓએ રચી...

    એશિયન પેરા ગેમ્સમાં પ્રથમવાર 100 પાર…: મેડલોની સદી સાથે ભારતીય ખેલાડીઓએ રચી દીધો ઈતિહાસ, PM મોદીએ પાઠવી શુભેચ્છાઓ

    શુક્રવાર (27 ઓક્ટોબર) સુધીમાં ભારતે 99 મેડલ્સ જીતી લીધા હતા, જેમાં 25 ગોલ્ડ મેડલ હતા. જે બાદ શનિવારે (28 ઓક્ટોબરે) ભારતે 100મો ગોલ્ડ મેડલ જીતીને સદી પૂર્ણ કરી હતી.

    - Advertisement -

    ભારતના ખેલાડીઓ સતત પોતાની સિદ્ધિઓનું પ્રદર્શન કરી રહ્યા છે. એશિયન ગેમ્સ 2023માં શાનદાર પ્રદર્શન બાદ હવે એશિયન પેરા ગેમ્સ 2023માં પણ ભારત જબરદસ્ત પ્રદર્શન કરી રહ્યું છે. શનિવારે (28 ઓક્ટોબરે) ભારતે 100 મેડલોનો આંકડો પાર કર્યો હતો. આ સાથે ભારતે એશિયન પેરા ગેમ્સમાં પોતાના મેડલોની સદી પણ પૂર્ણ કરી છે. ભારતે પ્રથમ વખત આ ગેમ્સમાં આટલી મોટી સંખ્યામાં મેડલ જીત્યા છે. દેશની આ ઉપલબ્ધિ પર PM નરેન્દ્ર મોદી પણ ઉત્સાહિત થયા છે. તેમણે X પર પોસ્ટ કરીને આ વિશે ખુશી વ્યક્ત કરી છે.

    ચીનના હાંગઝોઉમાં એશિયન પેરા ગેમ્સ 2023ની શરૂઆત થઈ હતી. શરૂઆતથી જ આ ગેમ્સમાં ભારતનું પ્રદર્શન સારું રહ્યું હતું. શુક્રવાર (27 ઓક્ટોબર) સુધીમાં ભારતે 99 મેડલ્સ જીતી લીધા હતા, જેમાં 25 ગોલ્ડ મેડલ હતા. જે બાદ શનિવારે (28 ઓક્ટોબરે) ભારતે 100મો ગોલ્ડ મેડલ જીતીને સદી પૂર્ણ કરી હતી. મહાદુ ગાવિત નામના ખેલાડીએ તે મેડલ જીત્યો હતો.

    એશિયન પેરા ગેમ્સમાં પ્રથમવાર, સો પાર..

    એશિયન પેરા ગેમ્સ 2023માં દિલીપ મહાદુ ગાવિતે પુરુષોની 400 મીટર T47 સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો છે. જેની સાથે ભારતે 100 મેડલ પૂર્ણ કર્યા હતા. તેમણે 49.48 સેકન્ડના શાનદાર સમય સાથે ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. પેરા ગેમ્સમાં ભારતે પ્રથમ વખત 100થી વધુ મેડલ જીત્યા છે. સમાચાર લખાઈ રહ્યા છે ત્યાં સુધીમાં ભારતે 28 ગોલ્ડ, 31 સિલ્વર અને 51 બ્રોન્ઝ મેડલ સાથે કુલ 110 મેડલ પોતાને નામ કર્યા છે.

    - Advertisement -

    PM મોદીએ કરી પ્રશંસા

    ભારતની આ ઉપલબ્ધિ પર PM નરેન્દ્ર મોદીએ પણ ખુશી વ્યક્ત કરી છે. તેમણે X પર પોસ્ટ કરીને લખ્યું છે કે, “એશિયન પેરા ગેમ્સમાં 100 મેડલ! અદ્વિતીય ખુશીની ક્ષણ છે. આ સફળતા આપણાં ખેલાડીઓની પ્રતિભા, સખત પરિશ્રમ અને દ્રઢ સંકલ્પનું પરિણામ છે. આ નોંધપાત્ર માઈલસ્ટોન આપણાં હ્રદયને અપાર ગર્વથી ભરી દે છે.” PM મોદીએ વધુમાં જણાવ્યું કે, “હું આપણાં ખેલાડીઓ, કોચ અને તેમની સાથે કામ કરતી સમગ્ર સપોર્ટ સિસ્ટમ પ્રત્યે મારી ઊંડી પ્રશંસા અને કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. આ મેડલ આપણને સૌને પ્રેરિત કરે છે. તે યાદ અપાવે છે કે આપણાં યુવાનો માટે કંઈપણ અસંભવ નથી.”

    ઉલ્લેખનીય છે કે એશિયન પેરા ગેમ્સ 2023માં ભારતે પોતાનું સૌથી મોટું ખેલાડી દળ મેદાનમાં ઉતાર્યું છે. તમામ ખેલાડીઓ શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. સાથે એ પણ નોંધવું જોઈએ કે આ એશિયન પેરા ગેમ્સનું આયોજન ચોથી વાર થયું છે. આ પહેલાં ત્રણ એશિયન પેરા ગેમ્સનું આયોજન થઈ ચૂક્યું છે. ભારતે આ વખતે 100નો આંકડો પાર કરી લીધો છે. આ પહેલાં એશિયન ગેમ્સ 2023માં પણ ભારતે શાનદાર પ્રદર્શન કરી શતક પૂર્ણ કર્યું હતું.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં