ભારતીય હૉકી (Hockey) ટીમે પેરિસ ઓલમ્પિક્સમાં (Paris Olympic) ઑસ્ટ્રેલિયા સામે ઐતિહાસિક જીત મેળવી છે. હૉકીની ગ્રુપ મેચમાં ભારતે ઑસ્ટ્રેલિયાને (Australia) 3-2થી હરાવ્યું હતું. આ સાથે કાંગારૂ દેશ સામે ઓલમ્પિક્સમાં ભારતે (Team India) 52 વર્ષ બાદ જીત મેળવી છે. આ પહેલાં ભારતીય હૉકી ટીમે 1972માં મ્યુનિક (જર્મની) ઓલમ્પિક્સમાં ઑસ્ટ્રેલિયાને હૉકીમાં હરાવ્યું હતું. આ જીત સાથે ભારતીય ટીમ ગ્રુપ Bમાં બીજા સ્થાને પહોંચી ગઈ છે.
ભારતીય હૉકી ટીમે આ જીતની રાહ ચાતક દ્રષ્ટિએ જોઈ હતી. ટીમ તરફથી અભિષેક (1) અને હરમનપ્રીત સિંહે (2) ગોલ કર્યા હતા. જ્યારે ઑસ્ટ્રેલિયા તરફથી થોમસ ક્રેગ અને બ્લેક ગોવર્સે 1–1 ગોલ કર્યા હતા. આ જીતથી હવે ભારત (10 પોઈન્ટ, 5 મેચ) પુલ Bમાં બીજા સ્થાને પહોંચ્યું છે. બેલ્જિયમ પુલમાં આગળ છે જ્યારે ઑસ્ટ્રેલિયાને ત્રીજું સ્થાન પ્રાપ્ત છે. ભારતે જીતની શરૂઆત ન્યૂઝીલેન્ડ સામેની જીત સાથે કરી હતી. ત્યારબાદ આર્જેન્ટિના સાથેની મેચ ડ્રો થઈ, અને પછીની મૅચમાં આયર્લેન્ડને હરાવ્યું.
Historic Moment | India beats Australia in Olympics Hockey after 52 years 🤩🇮🇳pic.twitter.com/S6eEOMO6Y6
— The Khel India (@TheKhelIndia) August 2, 2024
મેચમાં મેઈન સ્ટ્રાઇકર અભિષેકે મેદાનમાંથી પ્રથમ ગોલ કર્યો હતો, કારણ કે તેઓ 12મી મિનીટે ગોલપોસ્ટની નેટની પાછળ એકદમ નજીકના સ્થાને હતા. આ બાદ હરમનપ્રીતે પેનલ્ટી કોર્નર પર ગોલ માર્યો અને આ સાથે જ ભારતે આગલી જ મિનિટમાં પોતાની લીડ બમણી કરી લીધી હતી. પહેલા હાફ બાદ ભારત 2-1થી આગળ હતું.
આગલા હાફમાં પણ ભારતીય ખેલાડીઓએ આજ તીવ્રતા જાળવી રાખી હતી. હરમનપ્રીતે 32મી મિનિટે પેનલ્ટી સ્ટ્રોક પર ગોલ કરીને સ્કોર 3-1 કરી દીધો હતો. જ્યારે ઑસ્ટ્રેલિયાની ટીમમાંથી થોમસ ક્રેગે (25મી મિનિટ) અને બ્લેક ગોવર્સએ (55મી મિનિટ)એ ગોલ કર્યા હતા. અંતે 3-2થી ભારતની જીત થઈ.
પુલ-બીમાં ભારત ઉપરાંત ન્યુઝીલેન્ડ, આર્જેન્ટિના, આયર્લેન્ડ, બેલ્જિયમ અને ઑસ્ટ્રેલિયા છે. જ્યારે પુલ-એમાં નેધરલેન્ડ, જર્મની, બ્રિટન, સ્પેન, દક્ષિણ આફ્રિકા અને યજમાન દેશ ફ્રાન્સનો સમાવેશ થાય છે. બંને ગ્રુપમાંથી ચાર-ચાર ટીમો ક્વાર્ટર ફાઇનલમાં પહોંચશે. ભારત પુલ-બીમાં બીજા સ્થાને રહીને ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગયું છે. ઑસ્ટ્રેલિયા અને આર્જેન્ટિના પણ પુલ Bમાંથી ક્વાર્ટરમાં પહોંચી ચૂક્યા છે.
ઉલ્લેખનીય છે કે ઓલમ્પિક્સ ગેમ્સ 2024માં અત્યાર સુધી ભારતે કુલ ત્રણ મેડલ જીત્યા છે. ત્રણેય શૂટિંગમાં મળ્યા છે. જેમાં ભારતને પ્રથમ મેડલ મનુ ભાકરે વિમેન્સ 10 મીટર એર પિસ્ટલ શૂટિંગમાં અપાવ્યો હતો. ત્યારબાદ 10 મીટર એર પિસ્ટલ મિક્સ્ડ મૅચમાં મનુ અને સરબજોતની જોડીએ બ્રોન્ઝ જીત્યો હતો. ત્રીજો બ્રોન્ઝ મેડલ સ્વપ્નિલ કુસાલેએ રાઇફલ શૂટિંગમાં જીત્યો હતો.