વર્લ્ડ કપમાં ભારતનું શ્રેષ્ઠ પ્રદર્શન જોઈને પાકિસ્તાની ક્રિકેટરો અને પૂર્વ ક્રિકેટરો ધૂઆંપૂઆં થઈ ગયા છે અને ઉટપટાંગ નિવેદનો આપી રહ્યા છે. થોડા દિવસ પહેલાં જ પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર હસન રઝાએ આરોપ લગાવ્યા હતા કે BCCI ભારતીય બોલરોને અલગ પ્રકારના બોલ આપે છે, જેના કારણે વિપક્ષી બેટ્સમેન રન બનાવી શકતા નથી. હવે તેમણે DRS (ડિસીઝન રિવ્યુ સિસ્ટમ) પર સવાલ ઉઠાવ્યા છે.
ડિસીઝન રિવ્યુ સિસ્ટમ ક્રિકેટ મેચમાં અમ્પાયરના નિર્ણય પર પુનર્વિચાર કરવા માટે વપરાય છે. એટલે કે ગ્રાઉન્ડ અમ્પાયરના કોઇ નિર્ણય સાથે સહમત ન હોય તો જે-તે ટીમના કેપ્ટન DRSનો ઉપયોગ કરીને ટીવી અમ્પાયર પાસે તેની ખરાઈ કરાવી શકે છે. દરેક ટીમને આવા 2 ચાન્સ મળે છે.
હસન રઝાએ રવિવારે (5 નવેમ્બર) ભારત અને આફ્રિકા વચ્ચે રમાયેલી મેચમાં DRSના ઉપયોગને લઈને સવાલ ઉઠાવ્યા. તેમણે જાડેજાના સ્પિન થતા બોલ પર શંકા વ્યક્ત કરીને કહ્યું કે, લેફ્ટ ઑફ સ્પિનરના જે બોલ પર વૉન ડેર ડુસૈનને DRS પર આઉટ જાહેર કરવામાં આવ્યા, તે બોલ રાઈટ હેન્ડ બેટર માટે લેગ સ્ટમ્પની બહાર ગયો હોત, ફરીને લેગ સ્ટમ્પ પર નહીં. તેમણે કહ્યું કે, BCCI ડીઆરએસ સિસ્ટમને પોતાની રીતે ચલાવે છે, કારણ કે ગ્રાઉન્ડ પણ તેમનું છે, બ્રોડકાસ્ટર પણ તેમના છે અને સિસ્ટમ પણ તેમની જ છે.
તેમણે ABN ન્યૂઝ સાથેની વાતચીતમાં આ વાતો કહી હતી. જોકે, આ વખતે તેમણે બોલ પર તો સવાલ ન ઉઠાવ્યા પણ એટલું જરૂર કહ્યું કે, તેના વજનમાં થોડું પણ અંતર આવે તો વધુ ફરે છે. તેમણે કહ્યું કે, રવિન્દ્ર જાડેજાના જે બોલ પર વૉન ડેર હુસૈનને આઉટ આપવામાં આવ્યો તે બોલ લેગ સ્ટમ્પની બહાર ગયો હોત.
પોતે બહુ ક્રિકેટ રમી હોવાનો દાવો કરીને હસન રઝા કહે છે કે, DRSએ જેવું બતાવ્યું તેવું હકીકતે બનતું હોતું નથી. એમ પણ કહ્યું કે, ડુસૈન પણ પોતે આઉટ ઘોષિત થઈને અચંબામાં પડી ગયા હતા.
આ પહેલાં રઝાએ ભારત-શ્રીલંકાની મેચ બાદ આરોપ લગાવ્યો હતો કે BCCI ભારતીય બોલરોને અલગ પ્રકારના બોલ આપે છે, જેના કારણે સામેની ટીમના બેટ્સમેન રન બનાવી શકતા નથી. તેમના દાવાની ભારતમાં ખૂબ મજાક ઉડી હતી. હસન રઝાએ કહ્યું હતું કે, મોહમ્મદ શમી, સિરાજ કે જસપ્રીત બુમરાહ સીમ કે સ્વિંગ કરી શકે છે તો તેની પાછળનું કારણ છે તેમને આપવામાં આવતા અલગ બોલ.
ICC Might Give Different Ball to Indian Bowlers thats why they are Getting Seam and Swing More Than Others.Ex Test Cricketer Hasan Raza.#CWC23 #INDvSL pic.twitter.com/7KCQoaz0Qs
— Hasnain Liaquat (@iHasnainLiaquat) November 2, 2023
તેમના અનુસાર, તેમને અપાતા અલગ બોલ પર એકસ્ટ્રા કોટિંગ કરવામાં આવી છે. એવું પણ કહ્યું હતું કે, તેની પાછળ અમ્પાયર, ICC કે BCCI કોઈનો પણ હાથ હોય શકે છે.