Wednesday, May 8, 2024
More
    હોમપેજએક્સપ્લેઇનરવિજયાદશમી પર શા માટે કરવામાં આવે છે શસ્ત્રપૂજન, શું છે તેનું મહત્વ:...

    વિજયાદશમી પર શા માટે કરવામાં આવે છે શસ્ત્રપૂજન, શું છે તેનું મહત્વ: જાણો ક્યારથી શરૂ થઈ હતી આ સનાતન પરંપરા

    કહેવાય છે કે માતાજીએ રાક્ષસનો વધ કર્યા બાદ દેવતાઓએ તેમનાં શસ્ત્રોની પૂજા કરી હતી. ત્યારથી આ પરંપરા ચાલતી આવે છે, જેને મહાભારત અને રામાયણમાં પણ અનુસરવામાં આવી હતી.

    - Advertisement -

    અધર્મ પર ધર્મના વિજયના પ્રતીક તરીકે ઉજવવામાં આવતો તહેવાર એટલે વિજયાદશમી. સતત 9 દિવસ સુધી યુદ્ધ ચાલ્યા બાદ આ જ દિવસે મા દુર્ગાએ મહિષાસુરનો વધ કર્યો હતો. આ જ દિવસે ભગવાન શ્રીરામે રાવણનો પણ અંત કર્યો હતો. જેથી હિંદુ કેલેન્ડરમાં આ દિવસ સૌથી પવિત્ર દિવસો પૈકીનો એક છે. જેને વિશ્વભરના હિંદુઓ અધર્મ પર ધર્મના અને અસત્ય પર સત્યના વિજયના દિવસ તરીકે ઉજવે છે અને માતાજી અને ભગવાનની આરાધના કરે છે. દશેરાના દિવસે શસ્ત્રપૂજન પણ કરવામાં આવે છે. 

    દશેરાના દિવસે શસ્ત્રપૂજન કરવાનું અનેરું મહત્વ છે. રાજવી પરિવારોએ આ પરંપરા આજ સુધી જાળવી રાખી છે તો પોલીસ અને સેના પણ દર વર્ષે દશેરા પર શસ્ત્રોની પૂજા કરે છે અને અસત્ય પર સત્યના વિજયની કામના કરે છે. 

    શું છે શસ્ત્રપૂજન? 

    શસ્ત્રપૂજન એટલે શસ્ત્રો, હથિયારોની પૂજા. આ વિધિમાં એક ઊંચા આસન પર શસ્ત્રો ગોઠવવામાં આવે છે. ત્યારબાદ શસ્ત્રો પર પવિત્ર ગંગાજળનો છંટકાવ કરવામાં આવે છે. ફૂલો વડે હથિયારોને સજાવવામાં આવે છે. ત્યારબાદ પૂજારીઓની ઉપસ્થિતિમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે માતાજી અને ભગવાનની આરાધના કરી શસ્ત્રોની પૂજા કરવામાં આવે છે. 

    - Advertisement -

    પૂજા દરમિયાન શસ્ત્રો પર હળદર અને સિંદૂર પણ લગાવવામાં આવે છે. જે સન્માનનાં પ્રતીક માનવામાં આવે છે. સાથે ખીજડાના વૃક્ષના પાન પણ રાખવામાં આવે છે. ઘણાં પુરાણોમાં આ વૃક્ષના પાનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને કહેવાય છે કે તે નકારાત્મક ઊર્જા ઘટાડે છે અને શનિ ગ્રહની અસર પણ ઓછી કરે છે. તેનો ઉપયોગ ભગવાન ગણેશ અને મા દુર્ગાની પૂજા કરવા માટે થાય છે. એવું પણ કહેવાય છે કે ભગવાન રામે જ્યારે લંકા પર ચડાઈ કરી હતી તે પહેલાં તેમણે આ વૃક્ષ સામે મસ્તક ઝુકાવીને વિજયની કામના કરી હતી. 

    શા માટે કરવામાં આવે છે શસ્ત્રપૂજન?

    ધાર્મિક માન્યતા અનુસાર એવું કહેવાય છે કે, એક સમયે મહિષાસુર નામનો રાક્ષસ બ્રહ્માજીની તપસ્યા કરવા બેસે છે. બ્રહ્માજી પ્રસન્ન થઈ વરદાન માંગવા કહે છે તો મહિષાસુર અમર થવાનું વરદાન માંગે છે. પણ એ પ્રકૃતિના નિયમ વિરુદ્ધ હોવાથી અન્ય વરદાન માંગવાનું બ્રહ્માજી કહે છે. ત્યારે તે રાક્ષસ વરદાન માંગતા કહે છે કે મને એવું વરદાન આપો કે મારું મૃત્યુ ન તો કોઈ દેવતા કરી શકે ન તો કોઈ અસુર કરી શકે કે ન તો કોઈ મનુષ્ય કરી શકે. મારું મૃત્યુ માત્ર કોઈ સ્ત્રીના હાથે શક્ય બને. 

    બ્રહ્માજી મહિષાસુરને વરદાન આપે છે. પણ સમય જતાં મહિષાસુર રાક્ષસોનો રાજા બની ગયો અને દેવતાઓ પર આક્રમણ શરૂ કર્યાં. દેવતાઓ એકજૂટ થઈને લડ્યા પણ મહિષાસુરને પહોંચી ન વળ્યા. દેવતાઓએ ભગવાન વિષ્ણુ અને ભગવાન શંકર પાસે મદદ માંગી. પણ બ્રહ્માજીએ આપેલા વરદાનથી મહિષાસુરનો સામનો કરવો શક્ય નહોતો. તેથી ભગવાન વિષ્ણુ સહિત અન્ય દેવતાઓએ ‘આદિશક્તિ’ની આરાધના શરૂ કરી. બધા દેવોના શરીરમાંથી એક દિવ્ય રોશની નીકળી જેમાંથી દેવી શક્તિએ સ્વરૂપ ધારણ કર્યું.

    દેવી શક્તિનું સર્જન મહિષાસુરનો સંહાર કરવા માટે થયું હતું અને થયું પણ એવું જ કે મહિષાસુરે દેવી સાથે યુદ્ધ કર્યું, જે 9 દિવસ સુધી આ યુદ્ધ ચાલ્યું અને દસમા દિવસે આદિશક્તિએ મહિષાસુરનો સંહાર કર્યો. ત્યારથી આ દિવસને વિજયાદશમી તરીકે ઉજવવામાં આવે છે અને દશેરાના આ દિવસે શસ્ત્રપૂજન કરવામાં આવે છે.

    મહાભારત, રામાયણનાં યુદ્ધ પહેલાં પણ થયું હતું શસ્ત્રપૂજન  

    કહેવાય છે કે માતાજીએ મહિષાસુરનો વધ કર્યા બાદ દેવતાઓએ તેમનાં શસ્ત્રોની પૂજા કરી હતી. ત્યારથી આ પરંપરા ચાલતી આવે છે, જેને મહાભારત અને રામાયણમાં પણ અનુસરવામાં આવી હતી. માન્યતા અનુસાર, મહાભારતના યુદ્ધ પહેલાં પાંડવોએ વિજયની કામના સાથે શસ્ત્રોની પૂજા કરી હતી. લંકામાં યુદ્ધ પહેલાં ભગવાન રામે પણ શસ્ત્રપૂજન કર્યું હતું. 

    એક માન્યતા એવી પણ છે કે પ્રાચીન કાળમાં ક્ષત્રિય રાજાઓ કોઈ પણ યુદ્ધ શરૂ કરવા પહેલાં દશેરાની રાહ જોતા હતા. કારણ કે હિંદુ માન્યતા અનુસાર આ દિવસે જે કોઇ પણ કાર્ય કે યુદ્ધ શરૂ કરવામાં આવે તેમાં સફળતા અચૂક મળે છે. યુદ્ધે ચડવા પહેલાં શસ્ત્રોની પૂજા કરવામાં આવતી હતી. 

    આ પરંપરાઓ આજે પણ જળવાઈ રહી છે અને દર વર્ષે વિજયાદશમી પર શસ્ત્રોની પૂજા કરવામાં આવે છે તો સાથોસાથ મા દુર્ગા અને પ્રભુ શ્રીરામની પણ આરાધના કરવામાં આવે છે. દેશમાં અનેક જગ્યાઓએ શસ્ત્રપૂજન સમારોહનું આયોજન થાય છે તો પોલીસ મથકો અને સેનાનાં મુખ્યમથકો ખાતે પણ શસ્ત્રપૂજન યોજાય છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં