સંયુકત આરબ અમીરાતના (UAEના) સૌથી મોટા હિંદુ મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા માટેની વિધિ શરૂ થઈ ચૂકી છે. BAPS સંસ્થા દ્વારા નિર્માણ પામેલા આ ભવ્ય અક્ષરધામ મંદિરનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે. તે પહેલાં પ્રાણપ્રતિષ્ઠા અનુષ્ઠાન પણ કરવામાં આવી રહ્યું છે. BAPS સંસ્થામાં મહંત સ્વામી મહારાજ દ્વારા પ્રાણપ્રતિષ્ઠા વિધિ કરવામાં આવી રહી છે. આ દરમિયાન ત્યાં સ્વામિનારાયણ સંપ્રદાયના અનેક સંતો પણ ઉપસ્થિત રહ્યા છે.
#WATCH | UAE | Consecration ceremony of BAPS Hindu Mandir, Abu Dhabi being done ahead of its inauguration by Prime Minister Narendra Modi, later today.
— ANI (@ANI) February 14, 2024
(Video: BAPS Swaminarayan Sanstha) pic.twitter.com/qHYUc8ZNhF
બુધવાર (14 ફેબ્રુઆરી, 2024)ના રોજ વસંત પંચમી અને સરસ્વતી પૂજન દિવસના પવિત્ર દિવસે અબુ ધાબીના પ્રથમ હિંદુ મંદિરનું લોકાર્પણ કરવામાં આવશે. UAEના BAPS હિંદુ મંદિરમાં તે પહેલાં જરૂરી અનુષ્ઠાનો અને પ્રાણપ્રતિષ્ઠા વિધિ કરવામાં આવી રહ્યા છે. સાંજના સમયે વડાપ્રધાન મોદી દ્વારા મંદિરનું લોકાર્પણ કરવામાં આવશે. વર્ષ 2019માં મહંત સ્વામી અને PM મોદીએ આ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો. જે બાદ પાંચ વર્ષે મહંત સ્વામી અને PM મોદી જ આ મંદિરનું લોકાર્પણ પણ કરશે.
શું છે મંદિરની વિશેષતાઓ?
BAPS હિંદુ મંદિરમાં સ્થાપત્યથી લઈને નકશીકામ સુધીની સુંદર કળાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ એક મંદિરમાં જ અનેક દેવતાઓના મંદિર બનાવવામાં આવ્યા છે. મંદિરમાં કુલ સાત અલગ-અલગ પેટા મંદિરો બનાવવામાં આવ્યા છે. તેમાં ભગવાન રામ અને માતા સીતા, ભગવાન જગન્નાથ, અક્ષર પુરુષોત્તમ મહારાજ, તિરૂપતિ બાલાજી અને ભગવાન અયપ્પાનું મંદિર પણ સામેલ છે. સમગ્ર મંદિર ભવન 27 એકર જમીનમાં ફેલાયેલું છે. મંદિરની બહાર રાજસ્થાનના ગુલાબી પથ્થરોનો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે. સાથે ગર્ભગૃહ અને મંદિરના અંદરના ભાગમાં ઈટાલિયન માર્બલ પણ વાપરવામાં આવ્યું છે.
મંદિર તરફ જતાં પથની આસપાસ આ મંદિરના સંકલપમૂર્તિ એવા પ્રમુખસ્વામી મહારાજના 96 વર્ષના પરોપકારી જીવનની અંજલિ રૂપે 96 ઘંટ લગાવવામાં આવ્યા છે. સાથે મંદિર પરિસરમાં નેનો ટાઈલ્સનો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે. જે ગરમ વાતાવરણમાં પણ દર્શનાર્થીઓને ચાલવામાં મદદ કરશે. મંદિરમાં ઉપર ડાબી બાજુએ 1997માં પ્રમુખસ્વામી મહારાજે અબુધાબીમાં મંદિરનો સકલ્પ કરેલો, તે દ્રશ્યને પથ્થરોમાં કંડારવામાં આવ્યું છે.
આ ઉપરાંત મંદિરમાં જમણી બાજુએ 2019માં મહંત સ્વામી મહારાજ શિલાન્યાસ પ્રસંગે પધાર્યા હતા તે સમયની સ્મૃતિને પથ્થરોમાં કંડારવામાં આવી છે. મંદિરમાં કોઈ Ferrous મટિરિયલ એટલે કે સ્ટીલ વગેરેનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. મંદિરમાં વિવિધ પ્રકારના સ્તંભ પણ દેખાઈ આવે છે. જેમ કે, વર્તુળાકાર, ષટ્કોણકાર. સાથે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ,આકાશ વગેરે મૂળભૂત પંચ તત્વોની કોતરણી દ્વારા એક ડોમમાં માનવ સહ-અસ્તિત્વ અને સંવાદિતા પણ દર્શાવવામાં આવી છે.
આ મંદિર પરિસરમાં એક વિશિષ્ટ સ્તંભ છે, જેને ‘Pillar of Pillars’ કહેવામાં આવે છે. તેમાં 1400 જેટલાં નાના-નાના સ્તંભ કોતરવામાં આવ્યા છે. આ સ્તંભને તૈયાર કરવામાં 12 કારીગરોને એક વર્ષ લાગ્યું હતું. આ ઉપરાંત મંદિરનું બાંધકામ પણ ખૂબ જ સુંદર રીતે કરવામાં આવ્યું છે. તેનો આકાશી નજારો પણ આકર્ષણ પમાડે છે.