Tuesday, December 3, 2024
More
    હોમપેજદેશજ્ઞાતિ આધારિત ભેદભાવો દૂર, સ્ત્રીઓને પણ યજ્ઞ કરવાનો અધિકાર, વિધવા પુનર્વિવાહ, જન્મદિનની...

    જ્ઞાતિ આધારિત ભેદભાવો દૂર, સ્ત્રીઓને પણ યજ્ઞ કરવાનો અધિકાર, વિધવા પુનર્વિવાહ, જન્મદિનની ઉજવણી ભારતીય પરંપરા અનુસાર: 351 વર્ષો બાદ પ્રયાગ મહાકુંભમાં જારી થશે હિંદુ આચારસંહિતા

    આચારસંહિતામાં ભારતીય પરંપરા અનુસાર જન્મદિવસની ઉજવણી કરવા પર ભાર આપવામાં આવ્યો છે. સાથે જ્ઞાતિના તમામ ભેદભાવ દૂર કરીને ભાઈચારો સ્થાપિત કરવાનો નિયમ પણ ઘડાયો છે.

    - Advertisement -

    દુનિયાના તમામ પંથો કરતાં હિંદુ ધર્મ વિશેષ રીતે અલગ તરી આવે છે. હિંદુ ધર્મમાં સમયની સાથે પરિવર્તનશીલ થવાની શક્તિ છે. ઘણી સામાજિક બદીઓ ભક્તિ આંદોલન થકી નાશ પામી છે. હિંદુ ધર્મ પહેલાંથી જ પરિવર્તનશીલ છે. સમયની સાથે-સાથે નિયમોમાં ઘણા ફેરફારો કરવામાં આવતા રહ્યા છે. તેમ છતાં હિંદુ ધર્મની સાતત્યતા આજે પણ અકબંધ છે. દેશ અને દુનિયાભરના હિંદુઓ માટે આવનાર વર્ષ 2025 ખૂબ મહત્વપૂર્ણ બની રહેશે. 2025માં પ્રયાગરાજમાં મહાકુંભનું આયોજન થવા જઈ રહ્યું છે. પ્રયાગ મહાકુંભમાં હિંદુ આચારસંહિતા પર અંતિમ મહોર લગાડવામાં આવશે. 351 વર્ષો બાદ આ આચારસંહિતા બનીને તૈયાર થઈ છે.

    351 વર્ષો બાદ બનીને તૈયાર થયેલી હિંદુ આચારસંહિતા પર 2025ના પ્રયાગ મહાકુંભમાં આખરી મહોર લાગશે. વિદ્વાનો અનુસાર, હિંદુ ધર્મમાં અલગ-અલગ સ્મૃતિઓની રચના થતી આવી છે. પહેલાં મનુસ્મૃતિની રચના થઈ, તે બાદ પરાશર અને તે પછી દેવલદસ્મૃતિનું નિર્માણ કરવામાં આવ્યું. જ્યારે છેલ્લા 351 વર્ષોથી સનાતન ધર્મમાં કોઈ સ્મૃતિનું નિર્માણ થયું નથી. એટલા માટે કાશીની વિદ્વત પરિષદે હિંદુ આચારસંહિતા લખી છે. તે સંપૂર્ણ રીતે શાસ્ત્ર સંમત છે. આપણાં પ્રાચીન સાહિત્યોને ટાંકીને તેમાં દુનિયાના તમામ હિંદુ સમાજ માટે નીતિ-નિયમો ઘડવામાં આવ્યા છે.

    કાશીની વિદ્વત પરિષદ દ્વારા તૈયાર કરવામાં આવેલી આ આચારસંહિતામાં મંદિરમાં બેસવાથી લઈને પૂજા કરવા, લગ્ન વગેરે તમામ વિધિઓ માટે સામાન્ય નિયમો ઘડવામાં આવ્યા છે. જેમાં ખાસ નોંધવા જેવું એ છે કે, આચારસંહિતામાં સ્ત્રીઓને વેદ અધ્યયન અને યજ્ઞ કરવા માટેના સંપૂર્ણ અધિકાર આપવામાં આવ્યા છે. નોંધનીય છે કે, વેદોની રચનામાં સ્ત્રી સાધ્વીઓનો મહત્વનો ફાળો હતો. ગાર્ગી તથા અનેક અન્ય સ્ત્રીઓએ વેદોની ઋચાઓ લખી હતી. એટલે સનાતન ધર્મમાં આદિકાળથી લિંગ આધારિત ભેદભાવ ક્યારેય જોવા મળ્યો નથી. આ આચારસંહિતામાં પણ પુરુષની સાથે-સાથે તમામ અધિકારો સ્ત્રીઓને પણ આપવામાં આવ્યા છે.

    - Advertisement -

    સનાતન ધર્મને મજબૂત કરવા આચારસંહિતાનું નિર્માણ

    ચાર વર્ષના અભ્યાસ અને મંથન પછી, કાશી વિદ્વત પરિષદ અને દેશભરના વિદ્વાનોની ટીમ દ્વારા આ આચારસંહિતા તૈયાર કરવામાં આવી છે. પ્રયાગરાજમાં યોજાનાર મહાકુંભમાં શંકરાચાર્યો અને મહામંડલેશ્વર આના પર અંતિમ મહોર લગાવશે, ત્યારબાદ ધર્માચાર્ય દેશની જનતાને નવી હિંદુ આચારસંહિતા સ્વીકારવા વિનંતી કરશે. દેશને એક કરવા અને સનાતન ધર્મને મજબૂત કરવા માટે હિંદુ આચારસંહિતા તૈયાર કરવામાં આવી છે. પ્રધાન કર્મ અને કર્તવ્ય પર આધારિત હિંદુ આચારસંહિતા માટે સ્મૃતિઓને આધાર બનાવવામાં આવી છે. તેમાં શ્રીમદ ભગવદ ગીતા, રામાયણ, મહાભારત અને પુરાણોના અંશો સામેલ કરવામાં આવ્યા છે.

    શું હશે નવા સનાતન નિયમો?

    સનાતન ધર્મમાં 16 સંસ્કારોનું પાલન કરવામાં આવતું હતું. દરેક હિંદુને તે સોળ સંસ્કારનું પાલન કરવાનું કહેવાયું હતું. સામાન્ય રીતે તાજેતરમાં પણ અનેક સંસ્કારો પ્રચલિત છે. જેમાં સીમંત સંસ્કાર (બાળકના જન્મ સમયે થતાં શ્રીમંત સંસ્કાર), અગ્નિ સંસ્કાર, યજ્ઞોપવીત સંસ્કાર (જનોઈ ધારણ કરવાનો સંસ્કાર) જેવા સંસ્કારોનો સમાવેશ થાય છે. આ તમામ સંસ્કારોને આચારસંહિતામાં સરળ કરવામાં આવ્યા છે. ખાસ કરીને મૃત્યુભોજ સમયે આખી જ્ઞાતિને જમાડવી, તથા સમાજના તમામ લોકોને જમાડવાનાનો નિયમ કાઢી નાખવામાં આવ્યો છે. મૃત્યુભોજ માટે માત્ર 16ની સંખ્યા નિર્ધારિત કરવામાં આવી છે. એટલે કે 16 ગરીબોને ભોજન આપવાનો નિયમ ઘડવામાં આવ્યો છે.

    સાથે આચારસંહિતામાં સ્ત્રીઓને પુરુષોના તમામ અધિકારો આપવામાં આવ્યા છે. પુરુષનું અર્ધુ અંગ સ્ત્રી અને સ્ત્રીનું અર્ધુ અંગ પુરુષ છે. બંને એકબીજાના પર્યાય છે. માટે તમામને સરખો અધિકાર આપવામાં આવ્યો છે. સાથે પ્રિ-વેડિંગ ફોટોશૂટ જેવા કુરિવાજોને હટાવવા માટેના નિયમો પણ ઘડાયા છે. આ ઉપરાંત આચારસંહિતામાં ભારતીય પરંપરા અનુસાર જન્મદિવસની ઉજવણી કરવા પર ભાર આપવામાં આવ્યો છે. સાથે જ્ઞાતિના તમામ ભેદભાવ દૂર કરીને ભાઈચારો સ્થાપિત કરવાનો નિયમ પણ ઘડાયો છે.

    આ ઉપરાંત આચારસંહિતામાં સનાતન ધર્મમાંથી અન્ય મઝહબ કે પંથમાં ગયેલા લોકોના પુનરાગમન માટે ઘર વાપસી સરળ કરવામાં આવી છે. એ ઉપરાંત વિધવા પુનર્વિવાહને પણ પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. નોંધનીય છે કે, મહાકુંભમાં વિતરણ માટે પ્રથમ વખત હિંદુ આચારસંહિતાની એક લાખ નકલો છપાશે. આ પછી દેશના દરેક શહેરમાં 11 હજાર કોપીનું વિતરણ કરવામાં આવશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં