Sunday, April 28, 2024
More
    હોમપેજદેશ495 વર્ષ બાદ જન્મભૂમિ પર રામલલાએ રમી હોળી, રંગોત્સવમાં ઉડાવાયું વિશેષ ગુલાલ:...

    495 વર્ષ બાદ જન્મભૂમિ પર રામલલાએ રમી હોળી, રંગોત્સવમાં ઉડાવાયું વિશેષ ગુલાલ: અયોધ્યા અને શ્રદ્ધાળુઓ બંને રંગાયા રામના રંગે

    સમગ્ર અયોધ્યા નગરી રંગોત્સવના આનંદમાં ડૂબી ગઈ હતી. રામલલાના દરબારમાં પૂજારીઓએ રામલલા પર ફૂલોની વર્ષા કરી પોતાના આરાધ્ય સાથે ધૂળેટી રમી હતી.

    - Advertisement -

    અયોધ્યા નગરીમાં આ વખતે હોળી ખૂબ જ ખાસ રહી છે. ભગવાન રામલલાએ 495 વર્ષ પછી તેમના જન્મસ્થળના ભવ્ય મહેલમાં હોળી રમી છે. આ દરમિયાન ભક્તોએ રંગોત્સવની ઉજવણી કરી હતી. રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા સમારોહ પછી હનુમાનગઢી મંદિરમાં ભગવાનને રંગો લગાવીને રંગોનો તહેવાર ‘રંગોત્સવ’ પ્રથમ ‘રંગભરી એકાદશી’ પર શરૂ થયો હતો. સોમવારે (25 માર્ચ 2024) હોળીના અવસર પર મોટી સંખ્યામાં ભક્તો રામ મંદિરમાં રામલલાના દર્શન કરવા પહોંચ્યા હતા. આ ખાસ પ્રસંગ માટે વિશેષ ગુલાલ પણ મંગાવવામાં આવ્યું હતું.

    અયોધ્યા નગરીમાં હોળી પર્વની સવારે સૌથી પહેલાં મઠના મંદિરોમાં બિરાજમાન ભગવાનને અબીલ-ગુલાલ ચઢાવીને હોળી રમવાની પરવાનગી માંગવામાં આવી હતી. આ પછી સમગ્ર અયોધ્યા નગરી રંગોત્સવના આનંદમાં ડૂબી ગઈ હતી. રામલલાના દરબારમાં પૂજારીઓએ રામલલા પર ફૂલોની વર્ષા કરી પોતાના આરાધ્ય સાથે ધૂળેટી રમી હતી. અબીલ-ગુલાલ તેમને તેમના રાગ ભોગ અને શૃંગારના ભાગરૂપે અર્પણ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત રામલલાને 56 પ્રકારની વાનગીઓ અર્પણ કરવામાં આવી હતી. પૂજારીએ રામલલાને હોળીના ગીતો પણ સંભળાવ્યા હતા. જે બાદ રામલલાએ પણ ભક્તો સાથે હોળી રમી.

    અયોધ્યામાં પ્રાણપ્રતિષ્ઠા બાદ રામલલાની પહેલી હોળી દરમિયાન તેમનો વિશેષ શૃંગાર કરવામાં આવ્યો હતો. તેમના મસ્તક પર ગુલાલ લગાવવામાં આવ્યું હતું. રામલલાએ હોળીના શુભ અવસર પર ગુલાબી વસ્ત્રો ધારણ કર્યા હતા. આ સાથે જ રામજન્મભૂમિ પરિસરમાં રામલલાના દર્શન કરવા પહોંચેલા ભક્તો પણ હોળીના ગીતો પર નાચતા, ઝૂમતા અને ગાતા જોવા મળ્યા હતા. આવી રીતે સમગ્ર રામનગરીમાં હોળીનો આનંદ છવાયો હતો. આ સાથે અનેક શ્રદ્ધાળુઓની આંખોમાં હર્ષાશ્રુ પણ જોવા મળ્યા હતા. રામલલાએ 495 વર્ષ પછી પોતાના ઘરે પ્રથમ તહેવાર મનાવ્યો તેની ખુશીમાં લોકો ભાવુક થયા હતા.

    - Advertisement -

    રામલલા માટે બનાવવામાં આવ્યું હતું સ્પેશ્યલ ગુલાલ

    નોંધનીય છે કે, CSIR-NBRIના વૈજ્ઞાનિકોએ બે ખાસ હર્બલ ગુલાલ તૈયાર કર્યા હતા , જેમાંથી એક કાચનારમાંથી (ગુજરાતીમાં કોવિદરના વૃક્ષ તરીકે ઓળખાતી વનસ્પતિ) બને છે. રામલલાને કાચનારમાંથી બનાવવામાં આવેલું ગુલાલ લગાવવામાં આવ્યું હતું. ત્રેતાયુગમાં કાચનારને અયોધ્યાનું રાજ્ય વૃક્ષ માનવામાં આવતું હતું અને તે આપણી આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિમાં એક સુસ્થાપિત દવા તરીકે ઉપયોગમાં લેવાય છે. તેમાં બળતરા વિરોધી, એન્ટિ-બેક્ટેરિયલ, એન્ટિ-ફંગલ વગેરે ગુણો પણ છે. થોડા દિવસો પહેલાં આ ગુલાલ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને આપવામાં આવ્યું હતું. તેમણે આ ગુલાલને વિશેષ અને ઉપયોગી ગણાવ્યું હતું.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં