Saturday, September 7, 2024
More
    હોમપેજમિડિયાઉદ્ધવ સરકારે રિપબ્લિક ટીવી સામે કરેલો ફેક TRPનો કેસ કોર્ટમાં ન ટક્યો,...

    ઉદ્ધવ સરકારે રિપબ્લિક ટીવી સામે કરેલો ફેક TRPનો કેસ કોર્ટમાં ન ટક્યો, બંધ કરવાનો કોર્ટનો આદેશ, કહ્યું- ચેનલ સામે કોઇ પુરાવા ન મળ્યા, સાક્ષીઓને ધમકાવાયા હતા

    કોર્ટે આદેશ પસાર કરતાં નોંધ્યું કે તથાકથિત TRP કૌભાંડ મામલાની તપાસમાં રિપબ્લિક ટીવી સામે કોઇ પણ પ્રકારના પુરાવા મળ્યા નથી. આ જ વાત કેન્દ્રીય એજન્સી EDએ સ્પેશિયલ કોર્ટ સમક્ષ દાખલ કરેલી ચાર્જશીટમાં પણ જણાવી હતી.

    - Advertisement -

    સાડા ત્રણ વર્ષ પહેલાં ઉદ્ધવ ઠાકરે સરકાર વખતે રિપબ્લિક ટીવી સામે થયેલો ફેક TRP કેસ બંધ કરવાનો મુંબઈની કોર્ટે આદેશ આપ્યો છે. રાજ્ય સરકારે કેસ બંધ કરવાની રજૂઆત સાથે એક અરજી દાખલ કરી હતી, જે કોર્ટે સ્વીકારી લીધી છે અને સાથે નોંધ્યું કે રિપબ્લિક સામે કોઇ પણ પ્રકારના પુરાવા મળ્યા નથી. 

    કોર્ટે આદેશ પસાર કરતાં નોંધ્યું કે તથાકથિત TRP કૌભાંડ મામલાની તપાસમાં રિપબ્લિક ટીવી સામે કોઇ પણ પ્રકારના પુરાવા મળ્યા નથી. આ જ વાત કેન્દ્રીય એજન્સી EDએ સ્પેશિયલ કોર્ટ સમક્ષ દાખલ કરેલી ચાર્જશીટમાં પણ જણાવી હતી. તાજેતરના આદેશમાં કોર્ટે એ પણ નોંધ્યું કે સાક્ષીઓને ધમકાવવામાં આવ્યા હતા અને બળજબરી પણ કરવામાં આવી હતી. 

    હાલ વિસ્તૃત આદેશની રાહ જોવામાં આવી રહી છે. 

    - Advertisement -

    મહારાષ્ટ્ર સરકારે કોર્ટને કહ્યું- રિપબ્લિક વિરુદ્ધ કોઇ પુરાવા ન મળ્યા, સાક્ષીઓને ધમકાવવામાં આવ્યા હતા 

    આ મામલે ગત નવેમ્બર મહિનામાં મહારાષ્ટ્ર સરકારે કોર્ટમાં એક અરજી દાખલ કરીને કેસ બંધ કરવા માટે રજૂઆત કરી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે આ કેસમાં ત્રણ જુદી-જુદી એજન્સીઓએ કથિત આરોપોની તપાસ કરીને ચાર્જશીટ દાખલ કરી છે. સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર આ તમામ ચાર્જશીટ અને તપાસને લગતા અન્ય દસ્તાવેજોનો અભ્યાસ કર્યા બાદ નિષ્કર્ષ પર પહોંચે છે કે આ કેસ બંધ કરવાનો રાજ્ય સરકારનો નિર્ણય સાચો, યોગ્ય અને કાયદાકીય રીતે બરાબર છે. ઑપઇન્ડિયા પાસે આ અરજીની નકલ ઉપલબ્ધ છે.

    આ અરજીમાં એમ પણ જણાવવામાં આવ્યું કે, મુંબઈ પોલીસ દ્વારા શરૂઆતના તબક્કાની તપાસ દરમિયાન જેમનાં નિવેદનો નોંધવામાં આવ્યાં તે સાક્ષીઓએ ED અને CBI સમક્ષ જણાવ્યું હતું કે આ નિવેદનો ખોટી રીતે નોંધવામાં આવ્યાં હતાં. જ્યારે ઘણા સાક્ષીઓએ પોતાના નિવેદનમાં એવું પણ જણાવ્યું હતું કે (તત્કાલીન) રાજ્ય સરકારના આદેશ હેઠળ કામ કરતી પોલીસના અધિકારીઓએ તેમને ધમકાવીને અને બળજબરીથી નિવેદનો નોંધ્યાં હતાં. 

    આ ઉપરાંત જણાવવામાં આવ્યું હતું કે આ ગુનામાં BARC એકમાત્ર એવી ઑથોરિટી હતી, જે વ્યૂઅરશિપનો ટેકનિકલ ડેટા એકઠો કરે છે, પરંતુ આ સંસ્થા દ્વારા ક્યારેય કોઇ બાબતની ફરિયાદ કરવામાં આવી ન હતી. જેની ઉપર કેસ ચાલી રહ્યો છે તે ફરિયાદ કોઇ સરકારી ઑથોરિટીએ પણ કરી ન હતી. અરજી કહે છે કે, આ કેસમાં ઘણા બધા લોકોને કોઇ પણ પ્રકારના પુરાવા આપ્યા વગર આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા. 

    ઉપરોક્ત કારણોને આધારે સરકારે કોર્ટને અરજ કરી હતી કે સરકારની ભલામણ અને અત્યાર સુધીની તપાસના આધારે CrPCની કલમ 321 હેઠળ આ કેસ બંધ કરવામાં આવે. આ અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવ્યા બાદ આખરે બુધવારે (6 માર્ચ, 2024) કોર્ટે તેને સ્વીકારીને કેસ બંધ કરી દીધો હતો. 

    શું હતો કથિત ફેક TRP સ્કેમ કેસ? 

    ઑક્ટોબર, 2020માં મુંબઈ પોલીસના તત્કાલીન પોલીસ કમિશનર પરમબીર સિંઘે એક પ્રેસ કોન્ફરન્સ કરીને સ્ફોટક દાવાઓ કર્યા હતા અને રિપબ્લિક ટીવી પર TRP રેન્કિંગ સાથે ચેડાં કરવાનો આરોપ લગાવ્યો હતો. અર્નબ ગોસ્વામી અને તેમની ચેનલ વિરુદ્ધ આરોપો એવા લગાવવામાં આવ્યા હતા કે તેમણે અમુક ઘરોને તેમની ચેનલ ચાલુ રાખવા માટે પૈસા આપ્યા હતા, જેથી ચેનલની TRP વધી શકે. નોંધવું જોઈએ કે ચેનલોની TRP માપવા માટે અમુક ઘરોમાં મીટર લગાવવામાં આવે છે. 

    આ મામલે પછીથી મુંબઈ પોલીસે રિપબ્લિક અને અન્ય 2 ચેનલો વિરૂદ્ધ TRP સાથે ચેડાં કરવાના આરોપસર ફરિયાદ દાખલ કરીને તપાસ શરૂ કરી હતી. જોકે, પછીથી સામે આવ્યું હતું કે જે મૂળ FIR હતી તેમાં ક્યાંય રિપબ્લિકનું નામ ન હતું અને ઇન્ડિયા ટુડેનો ઉલ્લેખ મૂળ FIRમાં કરવામાં આવ્યો હતો. જે હંસા રિસર્ચ ગ્રુપે મૂળ ફરિયાદ કરી હતી, તેમાં જણાવવામાં આવ્યું હતું કે ઇન્ડિયા ટુડે અને કેટલીક અન્ય સ્થાનિક ચેનલો આ કૌભાંડમાં સામેલ હતી. રિપબ્લિકનું નામ ક્યાંય ન હતું. 

    આ મામલે સપ્ટેમ્બર, 2022માં EDએ મુંબઈ પોલીસ સમક્ષ ચાર્જશીટ દાખલ કરીને જણાવ્યું હતું કે આ કેસમાં રિપબ્લિક મીડિયા નેટવર્ક સામે કોઇ પુરાવા મળ્યા નથી. એજન્સીએ કહ્યું કે, મુંબઈ પોલીસની તપાસ તેમની તપાસ સાથે મેળ ખાતી નથી. જ્યારે ઘરોની તપાસ કરવામાં આવી ત્યારે તેમણે રિપબ્લિક પાસેથી કોઇ પણ પ્રકારના પૈસા લીધા હોવાની વાતનો ઇનકાર કરી દીધો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં