Wednesday, April 24, 2024
More
    હોમપેજમિડિયામોરબીની દુર્ઘટના બાદ યુવક લાપતા થયો હોવાનો ‘દિવ્ય ભાસ્કર’નો દાવો, તપાસ કરતાં...

    મોરબીની દુર્ઘટના બાદ યુવક લાપતા થયો હોવાનો ‘દિવ્ય ભાસ્કર’નો દાવો, તપાસ કરતાં ઘરેથી જ મળી આવ્યો: પોલીસે રિપોર્ટની પોલ ખોલી નાંખી

    મોરબી પોલીસે અખબારી યાદીમાં સ્પષ્ટતા કરી, દિવ્ય ભાસ્કરે જે વ્યક્તિનું નિવેદન લીધું હતું તેણે પણ ખોટું કહ્યાની કબૂલાત કરી.

    - Advertisement -

    અખબાર ‘દિવ્ય ભાસ્કર’ ફરી એક વખત ફેક ન્યૂઝ ફેલાવતું જોવા મળ્યું છે. મોરબી ખાતે પુલ તૂટી પડવાની દુર્ઘટનાને લઈને ‘દિવ્ય ભાસ્કર’ના એક રિપોર્ટમાં ગઢડાના એક ગામનો યુવક લાપતા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો અને તંત્રના દાવા સામે સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. પરંતુ પોલીસે સ્પષ્ટતા કરી છે કે આ યુવક લાપતા થયો નથી તેના પરિવાર સાથે સુરક્ષિત છે, તેમજ જે વ્યક્તિના દાવાને આધારે અખબારે રિપોર્ટ છાપ્યો હતો તે પણ ખોટા નીકળ્યા હોવાનું પોલીસની તપાસમાં ખૂલ્યું હતું.

    અખબાર દિવ્ય ભાસ્કરની 2 નવેમ્બર 2022ની રાજકોટ એડિશનમાં બીજા પાને ‘પુલ પર ફરવા ગયેલો નિંગાળાનો યુવક લાપતા, કાકા ઠેરઠેર શોધે છે’ શીર્ષક હેઠળ સમાચાર પ્રકાશિત કરવામાં આવ્યા હતા. જેમાં મોરબીના પુલ પર ફરવા ગયેલો એક યુવક હજુ પણ લાપતા હોવાના અને તેના કાકા તેને શોધી રહ્યા હોવાના દાવા કરવામાં આવ્યા હતા. 

    દિવ્ય ભાસ્કરનો અહેવાલ, તસ્વીર: Divya Bhaskar.com

    અખબારે શક્તિસિંહ વાળા નામના વ્યક્તિ સાથે વાત કરી હોવાનો દાવો કરીને અહેવાલમાં તેમને ટાંકીને લખ્યું હતું કે, ગઢડાના નિંગાળા ગામે તેમના ભાઈ ધર્મેન્દ્રસિંહ વાળા પરિવાર સાથે રહે છે અને તેમનો દીકરો દિવાળીની રજા પર મોરબી આવ્યો હતો. દરમિયાન રવિવારે સાંજે તે મોરબીના પુલ પર ફરવા ગયો હતો. ત્યારબાદ પુલ તૂટી પડ્યો હોવાનું અને અનેક લોકો ડૂબી ગયા હોવાનું જાણવા મળતાં શક્તિસિંહ સ્થળ પર પહોંચ્યા હતા.

    - Advertisement -

    દાવો કરવામાં આવ્યો કે ત્યાં તેમને સાંભળનાર કોઈ ન હતું અને ત્યારબાદ તેઓ હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં પણ તેમણે યુવકની તસ્વીરો બતાવીને શોધવાના પ્રયાસ કર્યા હતા પરંતુ મંગળવાર સાંજ સુધી યુવકની ભાળ મળી શકી ન હતી. 

    અંતે ‘દિવ્ય ભાસ્કર’ના રિપોર્ટ અખબાર લખે છે કે, ‘દુર્ઘટનામાં હવે કોઈ લાપતા નથી તેવું સરકારે અધિકારીઓ કહી રહ્યા છે ત્યારે શક્તિસિંહ વાળાની વ્યથા હજુ પણ નદીમાં અનેક લોકો દબાયા હોવાની આશંકા વ્યક્ત કરે છે.’

    ‘દિવ્ય ભાસ્કર’ના આ રિપોર્ટથી વિપરીત સત્ય એ હતું કે યુવક ગુમ થયો ન હતો અને તેના ઘરે સલામત જ હતો. મોરબી પોલીસે એક અખબારી યાદી જારી કરીને સ્પષ્ટ કર્યું હતું કે આ અહેવાલ ખોટો છે અને યુવક ક્યાંય લાપતા થયો નથી પરંતુ તેના પરિવાર સાથે ઘરે સલામત છે. પોલીસે શક્તિસિંહ વાળાની પૂછપરછ કરતાં તેમણે સમાચાર ખોટા છપાવ્યા હોવાની કબૂલાત કરી લીધી હતી. 

    જોકે, દિવ્ય ભાસ્કરે ખોટા સમાચાર છાપ્યાનો આ પ્રથમ કિસ્સો નથી. અગાઉ અખબારે પહેલા પાને ભ્રામક હેડલાઈન છાપી ગરબા પર GST લાગુ થયો હોવાનો દાવો કર્યો હતો. જ્યારે સત્ય એ હતું કે સરકારે ગરબા પર કોઈ ટેક્સ લગાડ્યો ન હતો અને મોટાં આયોજનો ઉપર પહેલેથી જે ટેક્સ લાગુ છે એ જ વ્યવસ્થા હતી. 

    આ ઉપરાંત, ‘દિવ્ય ભાસ્કરે’ હિંમતનગરમાં રામનવમીની શોભયાત્રા પર હુમલો કરનારાઓને ‘હિંદુ’ ગણાવી દીધા હતા. જોકે, બીજા દિવસે આમ સરતચૂકથી હોવાનું જણાવ્યું હતું પરંતુ માફી માંગી ન હતી. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં