Tuesday, March 19, 2024
More
    હોમપેજફેક્ટ-ચેકશું આ વર્ષથી સરકારે ‘ગરબા પર GST’ લાગુ કર્યો? ગુજરાત સરકારની સ્પષ્ટતા...

    શું આ વર્ષથી સરકારે ‘ગરબા પર GST’ લાગુ કર્યો? ગુજરાત સરકારની સ્પષ્ટતા બાદ અખબાર-પાર્ટીઓએ ફેલાવેલ પ્રોપેગેન્ડા ખુલ્લો પડ્યો; જાણીએ શું છે પૂર્ણ સત્ય

    વાસ્તવિકતા એ છે કે ગરબા ઉપર રાજ્ય સરકારે કોઈ નવો GST લાગુ કર્યો નથી. કોઈ પણ વ્યવસાયિક આયોજન માટે 500 રૂપિયા કરતાં વધુની કિંમતની ટિકિટ પર GST લાગુ પડે છે.

    - Advertisement -

    અખબાર દિવ્ય ભાસ્કરમાં ‘ગરબા પર GST’ લાગુ થવા મામલે ભ્રામક સમાચાર પ્રકાશિત થયા બાદ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પણ મુદ્દો સમજ્યા વગર વિવાદમાં કૂદી પડ્યા હતા અને રાજ્યમાં વિવિધ સ્થળોએ પ્રદર્શન કરીને સરકાર સમક્ષ ‘ગરબા પર લાગુ GST’ પરત ખેંચી લેવાની માંગ કરી હતી. અખબાર અને પાર્ટીઓએ દાવો કર્યો હતો કે સરકારે આ વર્ષથી ગરબા કાર્યક્રમો પર GST લાગુ કર્યો છે. 

    જોકે, વાસ્તવિકતા એ છે કે ગરબા ઉપર રાજ્ય સરકારે કોઈ નવો GST લાગુ કર્યો નથી. કોઈ પણ વ્યવસાયિક આયોજન માટે 500 રૂપિયા કરતાં વધુની કિંમતની ટિકિટ પર GST લાગુ પડે છે. GST લાગુ થવા પહેલાં સર્વિસ ટેક્સ અને VAT લાગુ કરવાની પ્રથા અમલમાં હતી. આ બાબતની પુષ્ટિ કર્યા વગર જ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દિવ્ય ભાસ્કર સાથે જોડાઈ ગયા હતા. 

    કોંગ્રેસના કથિત વરિષ્ઠ નેતા અમિત ચાવડાએ આ મામલે નિવેદન આપતાં દાવો કર્યો હતો કે, “ગુજરાતના લોકો બહુ ગુસ્સામાં છે. ભાજપે હિંદુઓના આશીર્વાદથી સરકાર બનાવી છે અને હવે ગરબા પર ટેક્સ લાગુ કરીને પૈસા કમાવા માંગે છે. ગરબા હિંદુ પરંપરા છે અને ગુજરાતની ઓળખ અને ગૌરવ છે. ભાજપ ગરબા પર ટેક્સ લગાવીને ગુજરાતની ઓળખ ખતમ કરવા માંગે છે.”

    - Advertisement -

    આમ આદમી પાર્ટીએ પણ મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો અને માંગ કરી હતી કે ‘ગરબા પર લાગુ કરવામાં આવેલ GST’ હટાવવામાં આવે કારણ કે આ આસ્થાનું અપમાન છે. પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે, ગરબા ગુજરાતની પરંપરા અને સંસ્કૃતિ છે અને કરોડો લોકોની આસ્થા જોડાયેલી છે. ગુજરાત ગરબાને દેવીના આશીર્વાદ માને છે પરંતુ ભાજપ સરકારે તેની ઉપર પણ 18 ટકા GST લાગુ કરી દીધો છે. 

    દિવ્ય ભાસ્કરમાં ભ્રામક સમાચાર પ્રકાશિત થયા બાદ અને વિપક્ષી પાર્ટીઓએ ખોટો વિવાદ ઉભો કર્યા બાદ રાજ્ય સરકાર તરફથી પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યું, ‘રાજકારણ પ્રેરિત માત્ર જનતાને અલગ-અલગ પ્રકારે ભડકાવવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. આ નિર્ણય નવો નથી અને વર્ષ 2017માં કરવામાં આવ્યો હતો.”

    સરકાર તરફથી જીતુ વાઘાણીએ સ્પષ્ટતા કરી કે, 2017થી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો ઉપર GST લાગુ કરવામાં આવ્યો છે. આ અંગે કેન્દ્ર સરકારે 2017માં એક ઠરાવ કર્યો હતો અને જેની ઉપર દરેક રાજ્ય સરકારે સહમતિ વ્યક્ત કરી હતી. જેમાં કોંગ્રેસ શાસિત રાજ્યો પણ સામેલ છે. આ ટેક્સ એન્ટ્રી ફી ઉપર લાગુ થાય છે. આ વિષય નવો નથી. શેરી ગરબા કે ફ્રી પાસની આમાં કોઈ વાત જ નથી કે તેની ઉપર કોઈ ટેક્સ પણ લાગુ થતો નથી. 

    2 ઓગસ્ટનો દિવ્ય ભાસ્કરનો અહેવાલ

    આ સમગ્ર મામલો ‘દિવ્ય ભાસ્કર’ દ્વારા પ્રકાશિત એક ભ્રામક સમાચારથી શરૂ થયો હતો. જેમાં અખબારે સરકારે આ વર્ષથી ગરબા પર GST લાગુ કર્યો હોવાનો દાવો કર્યો હતો. જે બાદ વડોદરા સ્થિત યુનાઇટેડ વે જેવા ગરબા આયોજકોએ પોતાની વેબસાઈટ પર GST દરોનો ઉલ્લેખ કર્યો હતો. વેબસાઈટ અનુસાર, પુરુષો માટે નવ દિવસના પાસની કિંમત 4,838 રૂપિયા હશે. જેમાં 4,100 રૂપિયા પ્રવેશ શુલ્ક અને 738 રૂપિયા GST લાગુ થશે. જયારે મહિલાઓ માટે પાસની કિંમત 1,298 રૂપિયા હશે, જેમાં 1,100 રૂપિયા પ્રવેશ પાસ અને 198 રૂપિયા GST હશે. 

    આ સમગ્ર બાબતમાં સત્ય એ છે કે રાજ્ય સરકારે ગરબા કે અન્ય કોઈ પણ આયોજન ઉપર નવેસરથી કે અલગથી GST લાગુ કર્યો નથી. GST લાગુ થયા પહેલાં આવા આયોજનોના પ્રવેશ પાસ પર સર્વિસ ટેક્સ 15 ટકાના દરે લાગુ કરવામાં આવતો હતો. જોકે, તે માટે શરત એ હતી કે ટિકિટની કિંમત 500 રૂપિયાથી વધુ હોવી જોઈએ. સર્વિસ ટેક્સ ઉપરાંત આ પ્રકારનાં આયોજનો માટે વપરાતાં સમાન પર VAT પણ લગાવવામાં આવતો હતો. 

    1 જુલાઈ 2017ના રોજ મોદી સરકારે ‘વન નેશન, વન ટેક્સ’ની નીતિ હેઠળ GST લાગુ કર્યો હતો. જેમાં 17 મોટા ટેક્સ અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવેલ 13 સેસ જેવા કે વેર, લગ્ઝરી ટેક્સ, પરચેઝ ટેક્સ અને સર્વિસ ટેક્સ, સેન્ટર એક્સાઈઝ ડ્યુટી, કસ્ટમ ડ્યુટી વગેરે સેન્ટ્રલ ટેક્સ પણ સામેલ કરવામાં આવ્યા હતા. 

    વર્ષ 2018થી કોઈ પણ સાંસ્કૃતિક કાર્યક્રમના આયોજન માટે જો વ્યક્તિ દીઠ ટિકિટ 500 રૂપિયાથી વધુ હોય તો પ્રવેશ ટિકિટ પર 18 ટકા GST લાગુ પડે છે. જે બાદ આ નિયમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જેથી આ ટેક્સ મોટાપાયે આયોજિત થતા પ્રોફેશનલ ગરબા કાર્યક્રમો, જ્યાં ટિકિટ 500થી વધુ હોય ત્યાં લાગુ કરવામાં આવે છે. નાનાં આયોજનો (જ્યાં ટિકિટ 500થી ઓછી હોય) અને શેરી ગરબામાં ક્યાંય ટેક્સ લાગુ થતો નથી. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં