Thursday, December 5, 2024
More
    હોમપેજદુનિયાઅદાણી જૂથને ટાર્ગેટ કરનાર OCCRPને એ અમેરિકન એજન્સીઓ પાસેથી મળે છે તગડું...

    અદાણી જૂથને ટાર્ગેટ કરનાર OCCRPને એ અમેરિકન એજન્સીઓ પાસેથી મળે છે તગડું ભંડોળ, જે છે ભારતમાં હસ્તક્ષેપ કરવા માટે કુખ્યાત: ફ્રેન્ચ અખબારનો ઘટસ્ફોટ

    ‘ધ હિડન લિંક્સ બિટવિન આ જાયન્ટ ઑફ ઇન્વેસ્ટિગેટિવ જર્નલિઝમ એન્ડ ધ યુએસ ગવર્નમેન્ટ’ શીર્ષક હેઠળ પ્રકાશિત રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે કઈ રીતે OCCRPના કામ ઉપર અમેરિકન સરકારનો પ્રભાવ રહે છે. 

    - Advertisement -

    ભારતીય ઉદ્યોગસમૂહ અદાણી જૂથને (Adani Group) ટાર્ગેટ કરી ચૂકેલી વિદેશી સંસ્થા ‘ધ ઑર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એન્ડ કરપ્શન રિપોર્ટિંગ પ્રોજેક્ટ’ (OCCRP) વિશે તાજેતરમાં એક મોટો ઘટસ્ફોટ થયો છે. એક સ્વતંત્ર એકમ તરીકે કામ કરતી હોવાનો દાવો કરતી આ સંસ્થાને વાસ્તવમાં અમેરિકન સરકારની એજન્સીઓ (US Government Agencies) તરફથી તગડું ભંડોળ મળતું હોવાનું જાણવા મળ્યું છે. 

    તાજેતરમાં ફ્રાન્સના એક અખબાર ‘મીડિયાપાર્ટ’ દ્વારા એક સંશોધનાત્મક અહેવાલમાં આ બાબતો જગજાહેર કરવામાં આવી છે. સોમવારે (2 ડિસેમ્બર) પ્રકાશિત કરવામાં આવેલા આ રિપોર્ટમાં વિગતવાર જણાવવામાં આવ્યું છે કે કઈ રીતે OCCRP અમેરિકન એજન્સીઓ સાથે જોડાણ ધરાવે છે. 

    ‘ધ હિડન લિંક્સ બિટવિન આ જાયન્ટ ઑફ ઇન્વેસ્ટિગેટિવ જર્નલિઝમ એન્ડ ધ યુએસ ગવર્નમેન્ટ’ શીર્ષક હેઠળ પ્રકાશિત રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે કઈ રીતે OCCRPના કામ ઉપર અમેરિકન સરકારનો પ્રભાવ રહે છે. 

    - Advertisement -

    રિપોર્ટ કહે છે, “OCCRP પોતાને એક સ્વતંત્ર સંસ્થા તરીકે રજૂ કરે છે, પણ અમારી તપાસમાં જાણવા મળ્યું છે કે, તેના મેનેજમેન્ટે આ સંસ્થાને અમેરિકી સરકાર પર નિર્ભર બનાવી દીધી છે.” ઉલ્લેખનીય છે કે OCCRPની સ્થાપના વર્ષ 2007માં થઈ હતી અને તેમનો દાવો છે કે તેઓ વિશ્વભરમાં પત્રકારોનું નેટવર્ક ધરાવે છે, જેઓ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ અને કરપ્શન પર રિપોર્ટિંગ કરે છે.  

    મીડિયા પાર્ટ અનુસાર, OCCRPની સ્થાપના જ અમેરિકન બ્યુરો ઑફ ઇન્ટરનેશનલ નાર્કોટિક્સ એન્ડ લૉ એન્ફોર્સમેન્ટ અફેર્સ તરફથી મળેલી આર્થિક સહાયના કારણે કરવામાં આવી હતી. રિપોર્ટ કહે છે કે, “આજે પણ OCCRPનું અડધું બજેટ તો અમેરિકન સરકાર જ પૂરું પાડે છે અને તેના કારણે સરકાર પાસે NGOમાં મુખ્ય કર્મચારીઓને નીમવા માટેનો વીટો પણ છે. 

    ફ્રેન્ચ અખબાર આગળ જણાવે છે કે, “OCCRP આમ તો પોતાની વેબસાઈટ પર જણાવે છે કે તેઓ યુએસ ડિપાર્ટમેન્ટ ઑફ સ્ટેટ પાસેથી ભંડોળ મેળવે છે અને ખાસ કરીને યુએસ એજન્સી ફૉર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ (USAID) પાસેથી ખાસ્સું ફંડ આવે છે. પરંતુ તે કેટલા પ્રમાણમાં મળે છે અને ખરેખર જોડાણ શું છે તે ક્યારેય જણાવવામાં આવ્યું નથી. ઉપરાંત, અમેરિકી સરકાર દ્વારા જે આર્થિક સહાય આપવામાં આવે છે તેનો ઉલ્લેખ ક્યારેય લેખોમાં કરવામાં આવતો નથી.”

    અખબારનું કહેવું છે કે OCCRPએ પોતાની સ્થાપના સમયથી જ તેની રચના પાછળ અમેરિકન સરકારની જે ભૂમિકા છે તેને બહાર આવવા દીધી નથી અને માત્ર એટલો જ ઉલ્લેખ કરવામાં આવે છે કે તેમને સંયુક્ત રાષ્ટ્ર તરફથી ભંડોળ મળે છે. જે જાણકારી બહાર આવી છે તે અનુસાર, OCCRPને અત્યાર સુધીમાં અમેરિકન સરકાર તરફથી 47 મિલિયન ડોલર, યુરોપિયન દેશો પાસેથી 14 મિલિયન ડોલર અને યુરોપિયન યુનિયન પાસેથી 1.1 મિલિયન ડોલરની સહાય પ્રાપ્ત થઈ છે. 

    આ થઈ ભંડોળની વાત. ફ્રેન્ચ અખબારની તપાસમાં જાણવા મળ્યું છે કે, OCCRPના રિપોર્ટિંગ ઉપર પણ અમેરિકન એજન્સીઓનો પ્રભાવ રહે છે. 

    મીડિયાપાર્ટના રિપોર્ટ અનુસાર, OCCRP એવા પ્રોગ્રામને ભંડોળ પૂરું પાડે છે, જે પછીથી OCCRPના રિપોર્ટના આધારે આગળની પ્રક્રિયાઓ અને ન્યાયિક તપાસ શરૂ કરવા માટે સરકાર પર દબાણ લાવે છે. પણ રસપ્રદ વાત એ પણ છે કે પોતાને ‘સ્વતંત્ર એકમ’ તરીકે રજૂ કરતી આ સંસ્થા અમેરિકાની બાબતમાં ક્યારેય ચંચૂપાત કરતી નથી અને કાયમ એવા જ દેશોમાં ડહાપણ ડહોળે છે, જેમને અમેરિકા સાથે રાજદ્વારી સંબંધો એટલા સારા હોતા નથી. ઉદાહરણ તરીકે, રશિયા, સાયપ્રસ, વેનેઝુએલા, માલ્ટા વગેરે. 

    અમેરિકન ડિપાર્ટમેન્ટ ઑફ સ્ટેટ દ્વારા OCCRPને વેનેઝુએલામાં એક મિશન પાર પાડવા માટે 1,73,324 ડોલરની સહાય પૂરી પાડી હતી. અહીંના રાષ્ટ્રપતિ અમેરિકાના હાઇપ્રોફાઇલ શત્રુઓ પૈકીના એક છે. મીડિયાપાર્ટનો રિપોર્ટ કહે છે કે, “એક પત્રકારત્વ કરતું સંગઠન જો અમેરિકાના આગ્રહ અને ભંડોળ પર આ પ્રકારની ગતિવિધિઓ કરતું હોય તો તે ગંભીર પ્રશ્નો સર્જે છે.”

    ભારતમાં અદાણી જૂથને પણ ટાર્ગેટ બનાવી ચૂકી છે આ સંસ્થા

    OCCRPએ ભારતમાં પણ આવાં નાટક કર્યાં છે. તેમનો મુખ્ય ટાર્ગેટ અગ્રણી ઉદ્યોગસમૂહ અદાણી જૂથ જ રહ્યું છે. અમેરિકન શોર્ટસેલર ફર્મ હિંડનબર્ગના ડગલે ચાલતાં આ સંગઠને અત્યાર સુધીમાં અદાણી પર બે આર્ટિકલ કર્યા છે. પહેલો ઑગસ્ટ, 2023માં અને બીજો મે, 2024માં. આ બંનેમાં લગાવવામાં આવેલા આરોપોને અદાણી જૂથે નકારી દીધા હતા. સુપ્રીમ કોર્ટે પણ પોતાના આદેશમાં કહ્યું હતું કે, OCCRPના રિપોર્ટ માત્રથી SEBIની તપાસ પર શંકા કરી શકાય નહીં. કોઈ થર્ડ પાર્ટી ઓર્ગેનાઈઝેશને કોઈ પણ પ્રકારની ખરાઈ વગર રિપોર્ટ છાપી દીધો હોય તો તેને પુરાવા તરીકે લઈ શકાય નહીં એવું કોર્ટ પણ કહી ચૂકી છે. 

    ઑગસ્ટ, 2023માં OCCRPએ એક રિપોર્ટ પ્રકાશિત કર્યા બાદ ઑપઇન્ડિયાએ પણ એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે આ કારસ્તાન ભારતના નાણાકીય બજારને અસર કરવા માટે કરવામાં આવ્યું હોય શકે અને તેની પાછળ જ્યોર્જ સોરોસના ફાઉન્ડેશનનો હાથ હોય શકે. નોંધવું જોઈએ કે, OCCRPને સોરોસના ઓપન સોસાયટી ફાઉન્ડેશન તેમજ ફોર્ડ અને રોકફેલર બ્રધર્સ ફાઉન્ડેશન તરફથી પણ ભંડોળ મળે છે. સોરોસની સંસ્થાએ OCCRPને 8 લાખ અમેરિકન ડોલર (ભારતીય ચલણ પ્રમાણે 6 કરોડ રૂપિયા)ની સહાય કરી હતી. 

    હવે આ ઘટસ્ફોટ એવા સમયે થયો છે, જ્યારે અમેરિકન ન્યાય વિભાગે અદાણી જૂથ પર લાંચ-રૂશ્વતના આરોપો લગાવ્યા છે. જે ઘણું બધું કહી જાય છે. 

    USAID અનેક દેશોમાં હસ્તક્ષેપ કરવા માટે કુખ્યાત

    અહીં જે USAIDનો ઉલ્લેખ છે, જેની પાસેથી OCCRP તગડું ભંડોળ મેળવે છે, તે એજન્સીએ કઈ રીતે બાંગ્લાદેશમાં વિદ્યાર્થી આંદોલનની આડમાં સત્તા પરિવર્તન કરાવવામાં મોટો ભાગ ભજવ્યો તે વિશે પણ ઑપઇન્ડિયાએ વિશેષ અહેવાલો પ્રકાશિત કર્યા છે. 

    બાંગ્લાદેશ જ નહીં પરંતુ આ એજન્સી ભૂતકાળમાં નિકારાગુઆથી માંડીને વેનેઝુએલા જેવા દેશોના આંતરિક મામલામાં પણ હસ્તક્ષેપ કરી ચૂકી છે અને સુનિયોજિત ષડ્યંત્રના ભાગરૂપે અરાજકતા અને અવ્યવસ્થા સર્જીને સત્તાપલટા કરાવવામાં આવ્યા હતા. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં