Friday, November 22, 2024
More
    હોમપેજગુજરાતઅમેઠી છોડીને રાયબરેલીથી ચૂંટણી લડવાના રાહુલ ગાંધીના નિર્ણયમાં ગુજરાત સમાચારને દેખાયો ‘માસ્ટરસ્ટ્રોક’:...

    અમેઠી છોડીને રાયબરેલીથી ચૂંટણી લડવાના રાહુલ ગાંધીના નિર્ણયમાં ગુજરાત સમાચારને દેખાયો ‘માસ્ટરસ્ટ્રોક’: વાંચો કેમ લેખમાં આપવામાં આવેલી મોટાભાગની દલીલો હાસ્યાસ્પદ છે 

    લેખમાં રાહુલ ગાંધીને રાયબરેલીથી લડાવવાના નિર્ણયને કોંગ્રેસની સમજી-વિચારીને અમલમાં મૂકવામાં આવેલી વ્યૂહરચના ગણાવવામાં આવ્યો છે તો સાથે પ્રિયંકા ગાંધી કેમ ચૂંટણી મેદાનમાં ન ઉતર્યાં તેની પણ દલીલો આપવામાં આવી છે.

    - Advertisement -

    જે બેઠક પરથી ત્રણ ટર્મ જીતીને આવ્યા હોઈએ ત્યાં એક વખત હાર મળ્યા બાદ ફરી ચૂંટણી લડવાની હિંમત ન કરવી આમ તો કોઇ રીતે હિંમતભર્યું કામ ન કહેવાય, પણ રાહુલ ગાંધીએ અમેઠી છોડીને રાયબરેલી બેઠક પરથી લોકસભા ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે ત્યારથી મીડિયાનો એક વર્ગ મારી-મચેડીને આને ‘માસ્ટરસ્ટ્રોક’ સાબિત કરવામાં વ્યસ્ત થઈ ગયો છે. ગુજરાતી મીડિયા પણ તેમાં પાછળ પડે તેવું નથી. 

    અખબાર ગુજરાત સમાચારે એક લેખ પ્રકાશિત કરીને રાહુલ ગાંધીના રાયબરેલીથી લડવાના નિર્ણયને ‘ક્રાંતિકારી’ સાબિત કરવાના પ્રયાસો કર્યા છે. જેમાં રાહુલ ગાંધીને રાયબરેલીથી લડાવવાના નિર્ણયને કોંગ્રેસની સમજી-વિચારીને અમલમાં મૂકવામાં આવેલી વ્યૂહરચના ગણાવવામાં આવ્યો છે તો સાથે પ્રિયંકા ગાંધી કેમ ચૂંટણી મેદાનમાં ન ઉતર્યાં તેની પણ દલીલો આપવામાં આવી છે. પણ મોટાભાગની દલીલો ગળે ઉતરતી નથી. 

    ‘ગુજરાત સમાચાર’નો લેખ કહે છે કે, રાયબરેલીથી ચૂંટણી લડવાનો રાહુલ ગાંધીનો નિર્ણય હારના ડરના કારણે નહીં પણ ભાજપની રણનીતિને નિષ્ફળ બનાવવાનો ઇરાદો હોવાનું માનવામાં આવે છે. આગળ લખવામાં આવ્યું છે કે, “2024ની ચૂંટણીનો માહોલ સંપૂર્ણપણે મોદી વિરુદ્ધ રાહુલની આસપાસ જ લાગે છે. આવી સ્થિતિમાં જો રાહુલ ગાંધી અમેઠી બેઠક પરથી લડ્યા હોત તો આ નેરેટિવ રાહુલ વિરુદ્ધ ઈરાનીમાં બદલાઈ ગયો હોત. આ પ્રકારના કોઇ વિચાર પેદા ન થાય તે માટે કોંગ્રેસે રાહુલ ગાંધીને અમેઠીને બદલે રાયબરેલીથી મેદાનમાં ઉતારવાનો નિર્ણય કર્યો હોય તેવું લાગે છે.”

    - Advertisement -

    પહેલી વાત તો એમ કહેવું કે આ ચૂંટણી મોદી વિરૂદ્ધ રાહુલ છે, તે જ ખોટું છે. કોઇ રીતે નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધીની સરખામણી થઈ શકે નહીં. મોદીની પ્રચંડ લોકપ્રિયતાના જોરે ભાજપ હારેલી ચૂંટણી પણ જીતી લાવે છે અને રાહુલ ગાંધીનો આ બાબતમાં ટ્રેકરેકોર્ડ અત્યંત ખરાબ છે. મોદી આખી ભારતીય જનતા પાર્ટી અને NDAને એકસૂત્રમાં બાંધવામાં બહુ મોટી ભૂમિકા ભજવી રહ્યા છે, બીજી તરફ રાહુલ INDI ગઠબંધનના સાથીઓ વચ્ચે પાર્ટીની સીટ શૅરિંગ પણ સફળતાપૂર્વક કરી શક્યા નથી. આ ચૂંટણીમાં કોંગ્રેસ ઇકોસિસ્ટમ ગમે તેમ કરીને મોદી વિ. રાહુલ કરવા માંગે છે, પણ તે કોઇ કાળે શક્ય નહીં બને. રાહુલ ગાંધીએ મોદીનો મુકાબલો કરવા હજુ ઘણું શીખવાનું છે. 

    વધુમાં, રાહુલ ગાંધી જો અમેઠીથી લડ્યા હોત તો નેરેટિવ રાહુલ ગાંધી વિરુદ્ધ સ્મૃતિ ઈરાનીમાં ફેરવાઈ ગયો હોત એ દલીલ પણ ગળે ઉતરતી નથી. જો એવી સ્પર્ધા થઈ પણ હોત તો શું છે? તેનાથી બાકીના કેમ્પેઇન ઉપર શું અસર પડી શકે? અસર પડે તોપણ શું કોંગ્રેસને એટલો આત્મવિશ્વાસ નથી કે રાહુલ ગાંધી જીતી શકશે? 

    પ્રિયંકા ગાંધી ચૂંટણીમાં કેમ ન ઊતર્યાં? 

    આ લેખમાં પ્રિયંકા ગાંધીના ચૂંટણી ન લડવાના નિર્ણય પાછળ પણ હાસ્યાસ્પદ કારણ આપવામાં આવ્યાં છે. પહેલું કારણ એ આપવામાં આવ્યું કે જો પ્રિયંકા ચૂંટણીમાં ઉતર્યાં હોત તો ભાજપને પરિવારવાદ મુદ્દે કોંગ્રેસને ઘેરવાની તક મળી હોત. પરંતુ તે તો આમ પણ ભાજપ ગાંધી પરિવાર પર આરોપ લગાવતો જ રહે છે અને પ્રિયંકા લડે કે ન લડે તેનાથી આ નેરેટિવમાં કોઇ બહુ મોટો ફેર પડી જતો નથી. 

    સાથે એવું કહેવામાં આવ્યું કે જો રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી બંને ચૂંટણી લડ્યાં હોત તો તેમણે પોતપોતાની બેઠકો પર વ્યસ્ત રહેવું પડત અને આ સ્થિતિમાં દેશના અન્ય ભાગમાં કોંગ્રેસના ચૂંટણી પ્રચારને અસર થઈ હોત. પરંતુ હકીકત એ છે કે જ્યાં આ બંને પ્રચાર કરે છે ત્યાં કોંગ્રેસ પાર્ટી મજબૂત અને ક્રાંતિકારી પ્રદર્શન કરશે તેવું માનવાને કોઇ કારણ નથી. 

    પ્રિયંકા ગાંધીને 2022ની ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીની જવાબદારી સોંપવામાં આવી હતી. આ જ ચૂંટણીમાં તેઓ ‘લડકી હું, લડ સકતી હું’ કેમ્પેઈન લાવ્યાં હતાં. UP વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની એવી ખરાબ હાલત થઈ હતી કે માત્ર 1 જ બેઠક જીતી શકી, એ પણ કુલ 403 બેઠકોમાંથી. સાથ 97% બેઠકો પર ડિપોઝીટ ગુમાવી. આ આખી ચૂંટણી પ્રિયંકા ગાંધીના હાથમાં હતી. રાહુલ ગાંધી પોતે 2019ની લોકસભા ચૂંટણી વખતે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા. પરિણામો શું આવ્યાં હતાં તે વાચકો જાણે છે. 

    ભારતીય જનતા પાર્ટીના લગભગ તમામ મોટા નેતાઓ ચૂંટણી લડી રહ્યા છે. સ્વયં વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી શાહ પણ ચૂંટણી લડી રહ્યા છે, ત્યાં કેમ આ તર્ક વાપરવામાં આવતા નથી? ખરેખર તો આવા મોટા કદ ધરાવતા નેતાઓએ પોતાના વિસ્તારમાં બહુ પ્રચારની જરૂર રહેતી જ નથી. પણ ગાંધી પરિવારના કિસ્સામાં એવું છે કે તેઓ જીતશે કે નહીં તે જ નક્કી નહીં હોય ત્યાં પ્રચારની શું વાત કરવી! પણ તેમાં આવું કારણ ન અપાય કે તેઓ જો ચૂંટણી લડે તો બીજી બેઠકો પર પણ અસર થાય. 

    તેઓ સ્મૃતિને બહુ રાજકીય મહત્વ આપવા માંગતા નથી? ખરેખર? 

    સમાચાર આગળ લખે છે કે, રાહુલ ગાંધી આ વખતે અમેઠીથી ચૂંટણી લડ્યા હોત તોપણ જીતી શકે તેમ છે. તો સરળ પ્રશ્ન એ છે કે ઊતર્યા કેમ નહિ? જેના જવાબમાં લખવામાં આવ્યું છે કે, ‘તેમને ન લડાવવા પાછળનું બીજું મોટું કારણ એ છે કે સ્મૃતિ ઇરાની સામે ચૂંટણી લડીને તેઓ સ્મૃતિને બહુ રાજકીય મહત્વ આપવા માંગતા નથી.’ 

    આ બહુ મોટી હાસ્યાસ્પદ વાત થઈ. સ્મૃતિ ઇરાનીનું રાજકીય કદ આમ પણ હમણાં મોટું જ છે. રાહુલ ગાંધી એકમાત્ર સાંસદ છે, જેઓ એક બેઠક પરથી ચૂંટણી હારી ચૂક્યા છે. સ્મૃતિ કેન્દ્ર મંત્રી છે. રાહુલ ગાંધી ભલે કોંગ્રેસ પાર્ટી કે તેમના માનીતા પત્રકારો માટે ઈશ્વરનો અવતાર પણ હોય, પરંતુ સામાન્ય રાજકારણમાં તો તેઓ એક સાંસદ છે. બીજું કે, આવા તર્ક વાપરવા જઈએ તો દેશની અડધી બેઠકો ખાલી રહે. સ્વયં મોદી કે શાહ જેવા નેતાઓ ચૂંટણી લડવા ન જાય, કારણ કે ત્યાં તેમના જે હરીફ ઉમેદવારો છે તેમનું કદ તેમના કરતાં અનેકગણું નાનું છે. 

    સ્મૃતિ ઇરાની વિશે કહેવાયું છે કે તેમને રાજકીય ઓળખ માત્ર એટલા માટે મળી છે કારણ કે અમેઠીથી ચૂંટણીમાં રાહુલ ગાંધીએ હરાવ્યા હતા. જો રાહુલે ફરી ચૂંટણી લડી હોત તો સ્મૃતિ ઈરાનીનું આકર્ષણ વધી જાત અને તેમનું રાજકીય કદ ગાંધી પરિવારની સમકક્ષ બની ગયું હોત. આ દલીલ પણ ગજબની છે! સ્મૃતિ ઇરાની 2019માં લોકસભા ચૂંટણી જીત્યાં તે પહેલાં પણ કેન્દ્રીય મંત્રી હતાં જ. તે પહેલાં વર્ષોથી રાજકારણમાં છે. એક ચૂંટણી જીતવાથી તેમનું કદ વધ્યું હોવાની વાતો જ પાયાવિહોણી છે. ખરેખર તો તેમની લોકપ્રિયતા અને પ્રતિષ્ઠા ગાંધી પરિવાર કરતાં અનેકગણી છે. 

    મૂળ વાત એ છે કે કોંગ્રેસ પાર્ટી અને તેમની ઈકોસિસ્ટમ ગમે તેટલા ધમપછાડા કરે, સામાન્ય લોકોમાં એક સંદેશ પહોંચી ચૂક્યો છે કે રાહુલ ગાંધી હવે અમેઠીમાં સ્મૃતિ ઈરાનીનો સામનો કરવા માંગતા નથી. ગમે તેટલા લેખો લખાય કે યુ-ટ્યુબ વિડીયો બને, તેમાં હવે કોઇ ફેર પડવાનો નથી. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં