Friday, September 13, 2024
More
    હોમપેજમંતવ્યઋષિ સુનકની અક્ષરધામ મુલાકાત, સાળંગપુર વિવાદ અને ગુજરાત સમાચારનું રિપોર્ટિંગ: સનાતનીઓને ઉશ્કેરીને...

    ઋષિ સુનકની અક્ષરધામ મુલાકાત, સાળંગપુર વિવાદ અને ગુજરાત સમાચારનું રિપોર્ટિંગ: સનાતનીઓને ઉશ્કેરીને દુકાન ચલાવતા એજન્ડાબાજોને ઓળખી લેવાની જરૂર

    ‘સનાતન v/s સંપ્રદાય’નો નેરેટિવ ચલાવવાના જે પ્રયાસો થયા છે તેને જાણી લેવા જોઈએ. આવા પ્રપંચોમાં ન ફસાઈ જઈએ એ જોવાની જવાબદારી પણ સનાતનીઓની જ છે. સ્વામિનારાયણ સંપ્રદાય એ સનાતનનો જ એક ભાગ છે. તેમની ભૂલો બતાવવાની હોય અને સમય આવ્યે કાન પણ અમળાવવાનો હોય, પરંતુ તેમ કરવા જતાં એજન્ડાબાજોના હાથા ન બનવાનું હોય.

    - Advertisement -

    કોઈ પણ વિવાદ ચાલતો હોય તે સમયે બે પક્ષો હોય છે. એક સમાધાન ઇચ્છે છે અને બીજાને સળગાવવામાં રસ હોય છે. સમાધાન થઈ જાય એ તેમને પોસાય એમ હોતું નથી. એટલે એક યા બીજી રીતે કાયમ આગ ચાંપવાના પ્રયાસો કરીને, વિવાદમાં સામેલ લોકોની ભાવનાઓ સાથે ખિલવાડ કરીને પોતાના વ્યક્તિગત હિતો સાધવા માટે એજન્ડા ચલાવતાં રહે છે. હમણાં ગયા મહિને થયેલા સાળંગપુર મંદિર વિવાદમાં આવું થયું છે. 

    સ્વામિનારાયણ સંસ્થાની વડતાલ ગાદી સંચાલિત સાળંગપુર મંદિરમાં સ્થાપવામાં આવેલી બજરંગબલીની વિરાટ પ્રતિમાની નીચે લગાવવામાં આવેલાં વિવાદિત ભીંતચિત્રોને લઈને શરૂ થયેલો વિવાદ ખાસ્સો એવો ચાલ્યો હતો. સોશિયલ મીડિયા પર પણ ઘણું લખાયું, જૂના-નવા વીડિયો-પોસ્ટ્સ ફરતાં થયાં હતા. મીડિયામાં પણ મુદ્દો બહુ ચગ્યો અને આખરે વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો ત્યારે સાધુ-સંતોએ મધ્યસ્થતા કરીને સમાધાન કર્યું અને ચિત્રો હટાવી લેવાયાં હતા. 

    શું સાળંગપુર મંદિરે યોગ્ય કર્યું હતું? ના. આરાધ્યનું અપમાન કોઇ કાળે ન થઈ શકે. સંપ્રદાયો માટે ગુરૂનું સ્થાન ઊંચું હોવાનું જ. તેમને ભગવાનનો દરજ્જો આપવા પણ તેઓ સ્વતંત્ર છે. પરંતુ તેનાથી કરોડો લોકોના આરાધ્યનું અપમાન કરવાનો પરવાનો મળી જતો નથી. સનાતનના એક અંગ તરીકે એમ કરવું પણ ન જોઈએ. એટલે સોશિયલ મીડિયાથી માંડીને જમીની સ્તર સુધી મર્યાદામાં રહીને જે અવાજ ઊઠ્યો એ બરાબર હતું અને યોગ્ય હતું. સ્વામિનારાયણ સંપ્રદાયે પણ મોડા તો મોડા પણ આગળ આવીને ચિત્રો હટાવી લઈને ખૂબ સારું કામ કર્યું. વિવાદ પૂર્ણ થઈ ગયો. પણ હવે ગુજરાતી મીડિયાનો એક વર્ગ જે કરી રહ્યો છે એ અતિશયોક્તિ છે અને જેનો આશય કોઇ પણ પ્રકારે સનાતની આસ્થાનાં માન-સન્માન જાળવવાનો નથી. 

    - Advertisement -

    સોમવારના (11 સપ્ટેમ્બર, 2023) ‘ગુજરાત સમાચાર’માં એક સમાચાર છપાયા છે. શીર્ષક છે- ‘ઋષિ સુનાકની અક્ષરધામ મુલાકાત બાદ સનાતની ભડક્યા; બ્રિટીશ વડાપ્રધાનને અન્ય મંદિરે કેમ લઇ જવાયા નહીં…: સ્વામીનારાયણ સંપ્રદાય v/s સનાતન ધર્મ.’ પહેલી નજરે જ વિવાદાસ્પદ લાગે એવી આ હેડલાઈન હેઠળ લખવામાં આવેલો આખો લેખ સંભવતઃ ધારણાઓના આધારે લખી નાખવામાં આવ્યો છે. કારણ કે ખરેખર કોઇ ‘ભડક્યું’ નથી કે ન કોઈએ વિરોધ કર્યો છે. 

    સાભાર- ગુજરાત સમાચાર, તા- 11 સપ્ટેમ્બર, 2023

    વાસ્તવમાં G-20 સમિટમાં ભાગ લેવા ભારત આવેલા યુકેના વડાપ્રધાન ઋષિ સુનકે રવિવારે (10 સપ્ટેમ્બર, 2023) દિલ્હી સ્થિત અક્ષરધામ મંદિરની મુલાકાત લીધી, જે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા સંચાલિત છે. ઋષિ ભારતીય મૂળના છે. તેમનાં પત્ની અક્ષતા મૂર્તિ પણ ભારતનાં. સુનક જાહેરમાં કહે છે કે પોતે હિંદુ આસ્થાળુ છે અને જેનો તેમને ગર્વ છે. મંદિરે જાય છે, પૂજા કરે છે, સાધુ-સંતોને મળે છે. રવિવારે પણ તેઓ પત્ની સાથે અક્ષરધામ મંદિરે ગયા, દર્શન કર્યા, પૂજા-આરતીમાં ભાગ લીધો, સંતોને મળ્યા અને લગભગ 45 મિનિટ રોકાયા. 

    ઋષિ સુનકની આ મુલાકાતને લઈને સોશિયલ મીડિયા પર ક્યાંય વિવાદ જોવા નથી મળી રહ્યો કે કોઈ સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરમાં દર્શને જવા અંગે પ્રશ્ન ઉઠાવ્યા નથી. ઉપરથી લોકોએ ઋષિ અને તેમનાં પત્નીની ભારોભાર પ્રશંસા કરી. તેમની તસવીરો પોસ્ટ કરીને એક સાચા સનાતની ગણાવ્યા. સોશિયલ મીડિયા પર ઋષિની ટીકા કરતી પોસ્ટ દેખાય રહી નથી કે ન લોકોએ એ બાબતે વાંધો ઉઠાવ્યો છે કે તેમને શા માટે સ્વામિનારાયણ મંદિરે લઇ જવાયા.

    શું ઋષિ સુનકની અક્ષરધામ મંદિરની મુલાકાતને લઈને કોઇ ‘વિવાદ’ થયો? ના.

    તેમ છતાં ગુજરાત સમાચાર શું લખે છે એ વાંચવું જોઈએ. અખબારે લખ્યું- ‘ઋષિ સુનકની આ મુલાકાત વિવાદનું કારણ બની રહી હતી. સનાતનીઓએ સવાલ કર્યો છે કે ઋષિ સુનકને અન્ય મંદિરે કેમ લઇ જવાયા નહીં? અને સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરે કેમ લઇ જવાયા? આ સવાલોને લઈને સોશિયલ મીડિયામાં કોમેન્ટોના મારા સાથે જાણે ઘમસાણ જામ્યું છે. સુનાકની અક્ષરધામ મુલાકાત બાદ સોશિયલ મીડિયામાં નવી અને જૂની ઓડિયો-વીડિયો ક્લિપ કોમેન્ટ્સમાં મૂકાઈ છે. એમાંના સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ-સંતોની નિવેદનબાજી સાથેના વિડીયો વિવાદની આગ પર જાણે ઘી હોમ્યું છે. સરકાર સાથે સમાધાન થયા બાદ પણ વિવાદની આગ હજુ શમવાનું નામ લેતી નથી. ટૂંકમાં સ્વામિનારાયણ સંપ્રદાય અને સનતાની ફરી એકવાર સામસામે આવ્યા છે.’

    ગુજરાત સમાચારે આ મુલાકાતને વિવાદ ગણાવી છે પરંતુ આખા ગુજરાતે સવારે છાપું ખોલ્યું ત્યારે જાણ્યું કે આવો કોઇ ‘વિવાદ’ પણ થયો છે! સોશિયલ મીડિયામાં ક્યાંય એવી પોસ્ટ્સ જોવા મળી રહી નથી કે ક્યાંય આવી કોઇ ચર્ચા પણ નથી. જ્યાં સુધી વાત નવી-જૂની ઓડિયો અને વીડિયો ક્લિપ્સ ફરવાની છે તો એ સાળંગપુર વિવાદ શરૂ થયો ત્યારથી જ ફરી રહી છે, તેને ઋષિ સુનકની મુલાકાત સાથે કશો જ સંબંધ નથી. વાસ્તવમાં ક્યાંય પણ કોઇ પણ સનાતનીએ આ વિવાદ શરૂ કર્યો જ નથી કે ન તેની કોઇ ચર્ચા છે. ક્યાંક છૂટીછવાઈ એકાદ-બે સોશિયલ મીડિયા પોસ્ટ્સ હોય તો તેને ‘ચર્ચા ચાલેલી’ ન કહેવાય. થોડાં વર્ષો પહેલાં ગુજરાત સમાચારે પહેલા પાને જવાનો માટે ‘ફૂંકી માર્યા’ શબ્દો વાપર્યા હતા ત્યારે લોકોએ સોશિયલ મીડિયા પર જે ફિટકાર વરસાવી હતી એને ચર્ચા ચાલેલી કહેવાય.

    સંપ્રદાય વિરુદ્ધ સનાતનના નેરેટિવમાં ન ફસાવાની જવાબદારી હિંદુઓની છે

    અહીં ગુજરાત સમાચારના લેખમાં ‘લઇ જવાયા’ શબ્દો આમ જ લખાયા નથી. એ સીધી કે આડકતરી રીતે સરકારને કઠેડામાં ઉભી કરે છે. નેરેટિવ એવો સેટ કરવાના પ્રયાસો કર્યા છે કે મોદી સરકાર જ સનાતની હિંદુઓનું સાંભળતી નથી કે તેમની ચિંતા કરતી નથી. પરંતુ અહીં સરકાર ક્યાંય ચર્ચામાં આવતી જ નથી. યુકેના વડાપ્રધાન વ્યક્તિગત રીતે ક્યાં અને કઈ મુલાકાત લેશે એનો નિર્ણય તેમનું કાર્યાલય લે છે, ભારત સરકાર માત્ર વ્યવસ્થા અને સુરક્ષા સુનિશ્ચિત કરે છે. ઋષિ સુનકે ભારત આવ્યા બાદ ન્યૂઝ એજન્સી ANIને આપેલા ઇન્ટરવ્યૂમાં પણ કહ્યું હતું કે તેઓ મંદિરની મુલાકાત લેશે. આખરે તેમણે અક્ષરધામ પસંદ કર્યું અને તેનું સ્વાગત થવું જ જોઈએ. 

    ‘સનાતન v/s સંપ્રદાય’નો નેરેટિવ ચલાવવાના જે પ્રયાસો થયા છે તેને જાણી લેવા જોઈએ. આવા પ્રપંચોમાં ન ફસાઈ જઈએ એ જોવાની જવાબદારી પણ સનાતનીઓની જ છે. સ્વામિનારાયણ સંપ્રદાય એ સનાતનનો જ એક ભાગ છે. તેમની ભૂલો બતાવવાની હોય અને સમય આવ્યે કાન પણ અમળાવવાનો હોય, પરંતુ તેમ કરવા જતાં એજન્ડાબાજોના હાથા ન બનવાનું હોય. કારણ કે તેનાથી નુકસાન આપણને જ છે. વર્ગવિગ્રહ એ ક્યારેય પણ ઉપાય ન હોય શકે. ખાસ કરીને એવા સમયે જ્યારે સામેની ટોળકી તેના માટે ભરપૂર પ્રયાસ કરી રહી હોય.

    કોઇ પણ વિવાદ સમયે બહુમતી સમુદાયને ઉશ્કેરીને તેના થકી પોતાના એજન્ડા ચલાવવા અને રાજનીતિક હિતો સાધવાં એ લેફ્ટ-લિબરલ ટોળકી અને મેઈનસ્ટ્રીમ મીડિયાના એક વર્ગની જૂની આદત રહી છે. તેમને ન તો વિવાદના સમાધાનમાં રસ હોય છે, ન ઠોસ ઉકેલ લાવવામાં. તેમને સળગાવવામાં મજા આવે છે. ભૂતકાળમાં આવા અનેક કિસ્સાઓ બન્યા છે અને હિંદુઓ જાણ્યે-અજાણ્યે આ એજન્ડાબાજોના હાથા બનતા રહ્યા છે. 

    આ રિપોર્ટિંગ માત્ર ઉદાહરણ છે, 2024 આવતાં સુધીમાં તો આવાં અનેક ‘ગુજરાત સમાચારો’ સક્રિય થવાનાં અને ઘટનાઓને મારી-મચડીને, નાહકના વિવાદો ઊભા કરીને કે તમારા મનમાં નકામી સામગ્રીઓ ઠાલવીને તમને તોડવાના પ્રયાસો કરવાના. આપણે તેમના હાથા ન બની જઈએ તે માટે આંખ-કાન ખુલ્લાં રાખીને, વિવેકબુદ્ધિથી ઘટનાઓનું આકલન અને વિશ્લેષણ કરીને અભિપ્રાય બાંધવાનો અને પોતાનો મત રજૂ કરવાનો પ્રયત્ન કરીએ એ આજના સમયમાં બહુ જરૂરી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં