કોંગ્રેસ કે વિપક્ષી ગઠબંધનની કોઇ પણ પાર્ટીમાંથી ચૂંટાયેલાં કોઈ મહિલા સાંસદ સાથે ચંડીગઢ એરપોર્ટ પર થપ્પડ જ નહીં પણ સામાન્ય દુર્વ્યવહાર પણ થયો હોત તો લેફ્ટ ઈકોસિસ્ટમે રડારોળ કરી મૂકી હોત. પણ કંગના રણૌત ભારતીય જનતા પાર્ટીનાં સાંસદ છે તો પછી ત્યાં વચ્ચે ‘પણ’ અને ‘પરંતુ’ આવી જાય છે. આ ટોળકીની એક ખાસિયત છે કે તેઓ આવી ઘટનાઓ વખતે ‘તટસ્થ’ દેખાવા માટે કશુંક બોલશે ખરા, પણ તરત ‘પણ’ કહીને પોતાનો એજન્ડા પણ ચાલી જાય એવી વાત મૂકી દેશે. આને બદમાશી જ કહેવાય એક રીતે. ઘણા પછી પોતે પણ બુદ્ધિજીવી અને તટસ્થ દેખાવા માટે આવું કરતા હોય છે.
એક સમયે બહુ વંચાતા મેગેઝીન ચિત્રલેખાના ટ્વિટર અકાઉન્ટ પર નાનકડો તંત્રી લેખ લખાયો છે. 100 શબ્દોના આ લેખનું શીર્ષક છે- ‘કંગના રણૌતને થપ્પડની ઘટનાનાં મૂળ શેમાં?’ શીર્ષક વાંચીને આપણને થાય કે અહીં ઘટનાની કડક શબ્દોમાં ટીકા કરીને ખતરનાક માનસિકતા ધરાવનારી મહિલા CISF કોન્સ્ટેબલ અને તેને પ્રોત્સાહન આપનારાઓની ઝાટકણી કાઢી હશે. પણ ના. અહીં જે કરવામાં આવ્યું છે તેને સરળ ભાષામાં બદમાશી કહેવાય છે. ના. બૌદ્ધિક બદમાશી.
Nutshell In 99 #Nutshell #chitralekha #ChitralekhaNews #nutshell pic.twitter.com/s0UN7fWHhN
— chitralekha (@chitralekhamag) June 7, 2024
લેખમાં પહેલું વાક્ય છે કે, ‘કંગનાને થપ્પડ મરવાની ઘટનાનો બચાવ ન થઈ શકે અને CISF કોન્સ્ટેલેબ કુલવિન્દર કૌરની દલીલો સાચી હોય તોપણ તેનું કૃત્ય વ્યાજબી નથી.’ અહીં સુધી ઠીક વાત થઈ. પણ અહીંથી દહીં અને દૂધમાં પગ રાખીને વાત કરવાની શરૂ થાય છે.
આગળ લખવામાં આવ્યું છે કે, ‘વાસ્તવમાં આ ઘટનાનાં મૂળ વિરોધ કરનારાઓ વિશે રાજકારણીઓ દ્વારા અપાતાં અધકચરાં અને બેફામ નિવેદનોમાં છે.’ અહીં બહુ ચાલાકીપૂર્વક ઘટનાનો દોષ પેલી મહિલા કોન્સ્ટેબલ, તેની વિચારધારા, માનસિકતા અને તેની ટોળકી પરથી ઉઠાવી લઈને સીધો રાજકારણીઓ પર નાખી દેવામાં આવ્યો છે. કારણ કે દેશમાં કંઈ પણ થાય એટલે દોષ આપવા માટે રાજકારણીઓ સરળ સાધન છે. રાજકારણીઓને ગાળો દો તો તરત તમારી સાથે હૈસો-હૈસો કરનારાઓની ફોજ આવીને ઊભી રહી જાય છે.
રાજકારણીઓ અને તેમનાં નિવેદનો એ બધી ગૌણ બાબતો થઈ ગઈ. મુખ્ય વાત એ છે કે પેલી મહિલા કોન્સ્ટેબલ, જેના હાથમાં સુરક્ષાનું કામ હતું, તેણે આવીને એક મહિલા સાંસદને તમાચો મારી દીધો. તેના હાથમાં જો બંદૂક કે કોઇ હથિયાર હોત તો? શું આ બાબત ગંભીર નથી? અહીં રાજકારણીઓ પણ ક્યાંથી આવ્યા અને નિવેદનો પણ ક્યાંથી? ઘટનાના મૂળમાં શું એ ખતરનાક માનસિકતા નથી, જે આ પ્રકારે કોઇને પણ ક્યાંય પણ માત્ર અસહમતિના કારણે હુમલો કરી દેવાની સ્વતંત્રતા આપે છે અને પછી તેને યોગ્ય ઠેરવે છે?
તેનાથી આગળનું વાક્ય હજુ મજાનું છે. આગળ લેખક લખે છે, ‘એમાંથી પ્રગટતો સામાન્ય લોકોનો આક્રોશ ક્યારેય આવું સ્વરૂપ લઇ લે છે.’ અહીં પહેલી લીટીમાં ભલે લખવામાં આવ્યું હોય કે ઘટનાનો બચાવ ન થઈ શકે, પણ આ વાક્ય તો સીધી રીતે ઘટનાને વ્યાજબી ઠેરવી રહ્યું છે. લોકોનો આક્રોશ ગમે તેટલો હોય તેનાથી વળી શું આમ કોઈને સરજાહેર તમાચો મારી દેવાય? અહીં દર ત્રીજા માણસને કોઇની અને કોઇની સામે આક્રોશ હોય, તો શું દરેક માણસ એકબીજાને તમાચો મારતો ફરે? આક્રોશ તો આ વાંચીને ચિત્રલેખાના લેખક વિરુદ્ધ પણ ઘણાને આવશે? તો આ ભાઈસાહેબ પોતાનો ગાલ ક્યારેય ધરી રહ્યા છે?
આગળ લખે છે કે, વિરોધીઓનો દ્રષ્ટિકોણ સમજ્યા વિના જ એમના વિશે બેફામ બોલનારા તમામ પક્ષના રાજકારણીઓને આ લાગુ પડે છે. આગળ મોદી સરકારને મફતની સલાહ આપતાં કહેવાયું છે કે ત્રીજી ટર્મમાં મોદી સરકારે કંગના રણૌત જેવા બોલકાં નેતાઓ અગાઉની ટર્મના પ્રજ્ઞા ઠાકુરની જેમ લાયેબિલીટી પુરવાર થાય તે પહેલાં જ તેમને કાબૂમાં રાખવા પડશે.
અહીં ક્યાંય એક શબ્દ પણ પેલી CISF મહિલા કોન્સ્ટેબલની માનસિકતા પર લખવામાં આવ્યો નથી અને બધો જ દોષ લાવીને નેતાઓ અને છેલ્લે તો ભાજપના જ નેતાઓ ઉપર ઢોળી દેવામાં આવ્યો. કેમ મોદી સરકારે જ પોતાના નેતાઓને કાબૂમાં રાખવા પડશે? એટલે કોંગ્રેસથી માંડીને અન્ય વિપક્ષના નેતાઓ વિવાદિત અને નફરતભર્યાં ભાષણો આપતા જ નથી? અહીં પ્રજ્ઞા ઠાકુર અને મોદી સરકારનો ઉલ્લેખ સ્પષ્ટ સૂચવે છે કે વાત માત્ર ભાજપ નેતાઓની જ છે અને આ તરફ જ એવા નેતાઓ છે જેઓ નિવેદનો કરીને માહોલ બગાડે છે. જ્યારે હકીકત એ છે કે આવાં કારસ્તાનો સૌથી વધારે સામેની ટોળકીમાંથી થાય છે.
મીડિયા કાયમ આ પ્રકારનાં જ ફાલતુ અને વાહિયાત વિશ્લેષણો આપણા માથે મારીને આપણા વિચારોને આકાર આપતું રહ્યું છે. દહીંમાં અને દૂધમાં બંનેમાં પગ રાખીને પોચું ભાળીને સળી કરીને બહાદુર બનવા મથતા પત્રકારો વિશ્લેષણના નામે ક્યાં બદમાશી કરી જાય એની આપણને ખબર રહેતી નથી. પરંતુ થોડી આંખ ખુલ્લી રાખીને જોઈએ તો આ કામ અઘરું પણ નથી.