વિદેશી મીડિયા હાઉસ BBC ભારતમાં પોતાની કાર્યપ્રણાલીમાં મોટો ફેરબદલ કરવા જઈ રહ્યું છે. BBCએ ભારતમાં પોતાના યુનિટને અલગ કરી દીધું છે. અર્થાત તેનું સંચાલન પહેલાંની જેમ જ ચાલુ રહેશે, પરંતુ માલિકી ભારતીય કંપની પાસે રહેશે. જોકે આ કંપની BBCના જ કેટલાક પૂર્વ કર્મચારીઓ દ્વારા બનાવવામાં આવી છે. નોંધનીય છે કે ગયા વર્ષે BBC પર ટેક્સ ચોરીના આરોપ લાગ્યા હતા અને તેને લઈને ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા તેમની ઑફિસમાં સર્ચ ઑપરેશન પણ હાથ ધરવામાં આવ્યું હતું.
અહેવાલોમાં જણાવ્યા અનુસાર, BBCના ઇતિહાસમાં આ પ્રથમવાર થઈ રહ્યું છે કે, કોઈ દેશમાં તે પોતાના યુનિટને તે દેશની કંપની હેઠળ લાવીને કામકાજ સંભાળશે. કહેવામાં આવી રહ્યું છે કે, લગભગ એક સપ્તાહની અંદર જ આ નવું યુનિટ બનીને તૈયાર થઈ જશે. જાણવા મળ્યા અનુસાર, આ ભારતીય કંપનીનું નામ ‘કલેક્ટિવ ન્યુઝરૂમ’ છે, જેને BBCના જ 4 જૂના કર્મચારીઓએ ભેગા થઈને બનાવી છે. આ કંપની થકી BBC ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, મરાઠી, પંજાબી, તમિલ અને તેલુગુ ભાષામાં કામ કરવાનું ચાલુ રાખશે.
મળતી માહિતી અનુસાર, BBC દ્વારા ભારત સરકારને આવેદન કરીને જરૂરી પરવાનગી માંગી છે. કહેવામાં આવી રહ્યું છે કે નવી ભારતીય કંપનીમાં 26% શેર ખરીદવા માટે પણ કંપનીએ પ્રક્રિયા શરૂ કરી દીધી છે. દરમિયાન ‘ઈન્ડિયન એક્સપ્રેસ‘ સાથે વાત કરતાં કલેક્ટિવ ન્યૂઝરૂમના CEO રૂપા ઝાએ કહ્યું હતું કે આવું પ્રથમ વાર થઈ રહ્યું છે કે BBC પોતાનું કન્ટેન્ટ પ્રસારિત કરવા માટે અન્ય કોઈ કંપની પર નિર્ભર થઈ હોય. તેમણે એમ પણ કહ્યું કે, અમે અમારા પત્રકારત્વ સાથે કોઈ જ બાંધછોડ નહીં કરીએ. નોંધનીય છે કે રૂપા ઝા BBCમાં સિનિયર એડિટર પદે પર રહી ચૂક્યાં છે. તેઓ કલેક્ટિવ ન્યુઝરૂમનાં 4 સ્થાપકો પૈકીનાં છે.
BBC's Collective Newsroom pic.twitter.com/SfL1CnNDxX
— Bijal (@literarybee) April 7, 2024
ઉલ્લેખનીય છે કે વર્ષ 2020માં લાગુ કરવામાં આવેલા નવા FDA નિયમ મુજબ કોઈ પણ ભારતીય કંપનીમાં માત્ર 26% જ વિદેશી રોકાણ લાવી શકાય છે. આ પહેલાં BBC ઇન્ડિયા ભારતમાં BBCનું તમામ કામકાજ સંભાળતી હતી, BBC ઇન્ડિયાના 99%થી વધુ શૅર બ્રિટન સ્થિત BBC પાસે હતા. BBC ભારતમાં સૌથી મોટું સંચાલન કરતી હતી, ભારતમાં તેના કુલ 200 કર્મચારીઓ છે.
BBC 1940થી ભારતમાં કાર્યરત
BBC 1940થી ભારતમાં કાર્યરત છે. તેણે 2002ના ગુજરાત રમખાણોને લઈને એક પ્રોપગેન્ડા ડૉક્યુમેન્ટરી બનાવી હતી. રૂપ ઝાએ કહ્યું છે કે BBC ભારતમાં પોતાનું અસ્તિત્વ ખત્મ નથી કરવા ઈચ્છતી અને ન તો તે પોતાના કર્મચારીઓને કાઢવા માંગે છે, માટે કાયદાકીય સલાહ-સૂચન બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. BBCના ડેપ્યુટી CEO જોનાથન મુનરોએ કહ્યું છે કે નવી કંપનીના ગઠનનું અમે સ્વાગત કરીએ છીએ.