Tuesday, April 23, 2024
More
  હોમપેજમંતવ્યકોઈએ ગણાવ્યો ‘રોબિનહૂડ’ તો કોઈએ લખ્યું ‘પૂર્વ સાંસદ’: વિદેશી મીડિયામાં અતીકના આતંક...

  કોઈએ ગણાવ્યો ‘રોબિનહૂડ’ તો કોઈએ લખ્યું ‘પૂર્વ સાંસદ’: વિદેશી મીડિયામાં અતીકના આતંક પર ઓછો અને રાજકીય કારકિર્દી પર વધુ ભાર, જય શ્રીરામના નારા પર ચલાવ્યો પ્રોપેગેન્ડા

  આવા વ્યક્તિની ઓળખ આપવાની હોય તો શું માત્ર ‘પૂર્વ રાજકારણી’ લખીને વીંટો વાળી દેવાય? વિદેશી મીડિયામાં મોટાભાગે આવું જ જોવા મળ્યું.

  - Advertisement -

  ઉત્તર પ્રદેશના કુખ્યાત ગેંગસ્ટર, માફિયા અતીક અહમદના 40 વર્ષના આતંકનો શનિવારે (15 એપ્રિલ, 2023) ચાળીસ સેકન્ડમાં અંત આવી ગયો. અતીક અને તેના ભાઈ અશરફને પ્રયાગરાજની એક હોસ્પિટલમાં મેડિકલ ટેસ્ટ માટે લઇ જવામાં આવી રહ્યા હતા અને ત્યારે પત્રકાર બનીને આવેલા ત્રણ વ્યક્તિઓએ આવીને અચાનક ગોળીઓ ધરબી દીધી અને બંને સ્થળ પર જ મૃત્યુ પામ્યા

  આ આખી ઘટના ટીવીના કેમેરાની સામે બની. બંને ભાઈઓને મેડિકલ ટેસ્ટ માટે લઇ જવામાં આવી રહ્યા હોવાની જાણ થયા બાદ પત્રકારો પણ હોસ્પિટલ પહોંચીને આ બંનેની બાઈટ લેવાની મથામણમાં હતા. બંને મીડિયા સાથે થોડીઘણી વાતચીત પણ કરી રહ્યા હતા અને આ જ સમયે ગોળીઓ ચાલી, અફરાતરફી મચી ગઈ અને બંને માર્યા ગયા. ફટાફટ ઘટનાના વિડીયો ફરતા થઇ ગયા અને હવે તો લગભગ દરેક મોબાઈલ સુધી પહોંચી ગયા હશે. 

  આ પ્રકારની ઘટનાઓ જૂજ છે. કદાચ ભારતમાં તો પહેલી વખત બન્યું હશે. ભારતીય મીડિયાએ તો ફૂલ ફ્લેજ કવરેજ કર્યું જ પણ વિદેશી મીડિયાએ પણ ઠીકઠાક ધ્યાન આપ્યું. અલ જઝીરાથી માંડીને, બીબીસી, સીએનએન, ન્યૂ યોર્ક પોસ્ટ વગેરે અનેક ‘મોટાં’ વિદેશી મીડિયા હાઉસોએ આ ઘટનાની નોંધ લીધી. 

  - Advertisement -

  અતીક સામે હતા 100થી વધુ કેસ, ચાળીસ વર્ષ સુધી આતંક મચાવતો રહ્યો

  પરંતુ મૂળ વાત હવે આવે છે. અતીક અહમદ એક માફિયા હતો, ગેંગસ્ટર હતો, જેની સામે એક, બે કે ત્રણ નહીં પણ હત્યા, અપહરણ, ખંડણી સહિતના 100થી વધારે કેસ નોંધાયેલા હતા. હમણાં તેને જે કેસમાં પૂછપરછ માટે યુપી લાવવામાં આવ્યો તે પણ એક હત્યાનો જ કેસ હતો. 

  2005માં અતીક અહમદે બસપા ધારાસભ્ય રાજુ પાલની હત્યા કરાવી નાંખી હતી. તેમને 5 કિલોમીટર સુધી દોડાવી-દોડાવીને મારવામાં આવ્યા અને જ્યારે તેમને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા તો અતીકના માણસોએ ત્યાં જઈને ગોળી મારીને હત્યા કરી નાંખી હતી. આ જ રાજુ પાલ હત્યા કેસના સાક્ષી હતા ઉમેશ પાલ, જેમની તાજેતરમાં અતીકના પુત્ર અસદે તેના સાગરીતો સાથે મળીને હત્યા કરી નાંખી હતી. 

  1996માં અતીકે અશોક સાહુ નામના એક વેપારીની હત્યા કરાવી નાંખી હતી. તેમનો ‘ગુનો’ શું હતો? એટલો જ કે તેમણે અતીકના ભાઈ અશરફની ગાડીને ઓવરટેક કરી હતી. તેઓ પછીથી અતીકના ઘરે પણ ગયા હતા અને માફી પણ માંગી લીધી હતી. પણ બે દિવસ પછી તેમની હત્યા કરી નાંખવામાં આવી. એ જ રીતે જયશ્રી કુશ્વાહા નામની એક મહિલાના પતિને તેને ગાયબ કરાવી દીધો હતો અને તેના પુત્ર પર ગોળી ચલાવાઈ હતી. 

  અતીક જેલમાં બેઠાં-બેઠાં પણ લોકોની હત્યા કરાવી નાંખતો હતો. સત્તાના સીધા સંરક્ષણ હેઠળ આ બધાં કારસ્તાનો કરવાના કારણે કોઈ તેનું કંઈ બગાડી શકતું ન હતું. કોઈ તેની સામે અવાજ ઉઠાવે તો તેનું શું થતું, તેનાં થોડાં ઉદાહરણો ઉપર આપ્યાં. એક સમયે તેનો ખૌફ એટલો હતો કે એક કેસમાં તેની જામીન અરજી પર સુનાવણી કરવા માટે એકસાથે 10 ન્યાયાધીશોએ પોતાને અલગ કરી લીધા હતા અને ત્યારબાદ 11મા જજે સુનાવણી કરીને તેને જામીન આપ્યા હતા. 

  રાજકીય સંરક્ષણ પણ મળતું રહ્યું

  અતીક માફિયા હતો પણ વર્ષો સુધી તેને રાજકીય સંરક્ષણ મળતું રહ્યું. 1989માં તે પહેલી વખત અપક્ષ લડીને વિધાનસભા ચૂંટણી જીત્યો હતો. ત્યારબાદ સતત પાંચ વખત ચૂંટણી જીત્યો. ત્રણ વખત અપક્ષ તરીકે ચૂંટાયા બાદ સમાજવાદી પાર્ટીમાં જોડાયો હતો અને ચોથી ચૂંટણી સપાની ટિકિટ પર લડીને જીત્યો હતો. 2004માં તે સપાની ટિકિટ પર લોકસભા ચૂંટણી લડ્યો અને જીત્યો હતો.  જોકે, 2008માં રાજુ પાલ હત્યા કેસમાં તેણે સરેન્ડર કર્યા બાદ સપાએ તેને કાઢી મૂક્યો હતો. પરંતુ 2014માં તે ફરીથી પાર્ટીમાં જોડાયો અને લોકસભા ચૂંટણી લડ્યો હતો પરંતુ હારી ગયો હતો. 

  આવા વ્યક્તિની ઓળખ આપવાની હોય તો શું માત્ર ‘પૂર્વ રાજકારણી’ લખીને વીંટો વાળી દેવાય? વિદેશી મીડિયા રિપોર્ટ્સમાં મોટાભાગે આવું જ જોવા મળ્યું. જેમાં અતીક અહમદના ગુનાહિત ભૂતકાળ પર ઓછું અને રાજકીય કારકિર્દી પર વધુ ભાર મૂકવામાં આવ્યો. મોટાભાગની હેડલાઈન્સ કંઈક એ જ પ્રકારની હતી કે ભારતમાં પૂર્વ સાંસદ કે પૂર્વ રાજકારણી અને તેના ભાઈની લાઈવ ટીવી પર હત્યા. 

  હેડલાઈન્સમાં ક્યાંય ‘ગુંડા-માફિયા’નો ઉલ્લેખ નહીં, તેની જગ્યાએ ગણાવાયો ‘પૂર્ણ રાજકારણી’

  વિદેશી મીડિયા રિપોર્ટ્સમાં અતીક અહમદને એક ગુંડા-માફિયા કરતાં પૂર્વ રાજકારણી ગણાવવામાં આવ્યો અને આટલાં વર્ષોમાં તેણે શું આતંક મચાવ્યો હતો તેનો ઉલ્લેખ નહિંવત જોવા મળ્યો. એવું લખવામાં આવ્યું કે તેને કિડનેપિંગ માટે દોષી ઠેરવાયો હતો અને અન્ય કેટલાક આરોપો હતા. પરંતુ કોઈ એક કિડનેપિંગ કેસમાં દોષી ઠેરવાવું અને કેટલાય નિર્દોષોની હત્યા કરાવવી, ગાયબ કરાવી દેવા અને આતંક મચાવવો- આ બંને વચ્ચે જમીન આસમાનનો ફેર છે. 

  બીબીસીએ રિપોર્ટમાં યુપી પોલીસનાં એનકાઉન્ટર પર પણ સવાલ ઉઠાવ્યા તો એક રિપોર્ટમાં યુપીના પૂર્ણ DGPને ટાંકીને તેને ‘રોબિનહૂડ’ પણ ગણાવી દેવામાં આવ્યો. બીબીસીએ રિપોર્ટમાં લખ્યું કે, અતીક ગરીબોની મદદ કરતો હતો, ઈદ અને લગ્ન પ્રસંગોએ પૈસા આપતો અને ગરબા મહિલાઓ અને તેમનાં બાળકોનાં શિક્ષણ માટે યુનિફોર્મ અને પુસ્તકો ખરીદવામાં પણ મદદ કરતો હતો.

  જયશ્રી રામના નારા પર પ્રોપેગેન્ડા

  અલ જઝીરાએ ‘ભારતમાં પૂર્વ સાંસદ અતીક અહમદ અને તેના ભાઈની લાઈવ ટીવી પર હત્યા’ શીર્ષક હેઠળના રિપોર્ટમાં ‘જય શ્રીરામ’ના નારાને વચ્ચે લાવતાં લખ્યું કે, શૂટિંગ બાદ ત્રણ સંદિગ્ધોએ આત્મસમર્પણ કરી દીધું હતું અને તેમાંથી એકે ‘જય શ્રીરામ’ના નારા લગાવ્યા હતા. અહીં મીડિયા હાઉસે જય શ્રીરામના નારાની વ્યાખ્યા કઈ રીતે કરી તે જાણવું ખાસ જરૂરી છે. રિપોર્ટમાં લખવામાં આવ્યું કે, જય શ્રીરામનો નારો હિંદુઓ માટે મુસ્લિમો વિરુદ્ધના તેમના અભિયાનનું એક બેટલ ક્રાય બની ગયો છે!

  જય શ્રીરામના નારા પર આ જ પ્રકારનો પ્રોપેગેન્ડા કેટલાક અન્ય રિપોર્ટ્સમાં પણ જોવા મળ્યો. જ્યારે સત્ય એ છે કે ‘જય શ્રીરામ’ના નારા સાથે કોઈ આતંકવાદી હુમલો કરવામાં આવ્યો હોય તેવી ઘટના આજ સુધી બની નથી. 

  સાથે અલ જઝીરાએ અતીક અને અશરફને પીડિતો ગણાવીને કહ્યું કે તેઓ મુસ્લિમ લઘુમતી સમાજમાંથી આવતા હતા. મજાની વાત એ છે કે ઘણી વખત લિબરલ લૉબી કહેતી રહે છે કે આતંકીઓ કે ગુંડાઓનો કોઈ ધર્મ-મઝહબ નથી હોતો. સાથે રિપોર્ટમાં ઓવૈસી અને અખિલેશ-મમતા જેવા વિપક્ષી નેતાઓને ટાંકીને યુપીમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ કથળી હોવાના દાવાને પણ આગળ વધારવામાં આવ્યો. 

  અમેરિકાના ન્યૂ યોર્ક પોસ્ટના રિપોર્ટમાં અતીક અહમદને પૂર્વ રાજકારણી અને કિડનેપિંગ કેસમાં દોષી ઠેરવવામાં આવેલો અને હત્યા અને હુમલાના કેસનો આરોપી ગણાવવામાં આવ્યો પરંતુ ત્યારબાદ તેના ગુનાહિત ભૂતકાળનો ઉલ્લેખ નહિંવત કરવામાં આવ્યો. બીજી તરફ, આ વિદેશી મીડિયા હાઉસ દ્વારા અતીક અહમદના પુત્ર અને ઉમેશ પાલ હત્યાકાંડના આરોપી અસદના એનકાઉન્ટરને લઈને શું લખવામાં આવ્યું તેની ઉપર પણ ધ્યાન આપવાની જરૂર છે. 

  ન્યૂયોર્ક પોસ્ટ લખે છે કે ગુરુવારે અતીક અહમદના તરૂણ પુત્ર અને અન્ય એક વ્યક્તિ, જેઓ બંને પર તાજેતરની એક હત્યાનો આરોપ લાગ્યો હતો તેમને પોલીસ દ્વારા મારી નાંખવામાં આવ્યા હતા અને તેને એનકાઉન્ટર તરીકે બતાવવામાં આવ્યું હતું. પરંતુ એ વાત જગજાહેર છે કે અસદ અહમદ ઉમેશ પાલ પર ગોળી ચલાવતો સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયો હતો. 

  જોકે, વિદેશી મીડિયા ભારત વિશે સારું લખે એ પહેલાં પણ શક્ય ન હતું અને હવે પણ નથી, જેનું આ અતીક અહમદની હત્યા મામલેનું રિપોર્ટિંગ વધુ એક ઉદાહરણ છે. આનો ભારતમાં કોઈને કોઈ ફેર પડે છે? ના. પરંતુ તેની ચર્ચા થાય એ જરૂરી છે. 

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં