Sunday, May 5, 2024
More
    હોમપેજદેશજ્યાં પ્રભુ શ્રીરામે સમુદ્ર સામે ખેંચી હતી પ્રત્યંચા, જ્યાં મૂકાયો હતો 'રામસેતુ'નો...

    જ્યાં પ્રભુ શ્રીરામે સમુદ્ર સામે ખેંચી હતી પ્રત્યંચા, જ્યાં મૂકાયો હતો ‘રામસેતુ’નો પ્રથમ પથ્થર, ત્યાં પહોંચ્યા PM મોદી: જાણો અરિચલ મુનાઈ વિશેનો ભવ્ય ઇતિહાસ

    પૌરાણિક માન્યતા અનુસાર, અરિચલ મુનાઈ તે જ જગ્યા છે, જ્યાંથી પ્રભુ શ્રીરામની વાનરસેનાએ રામસેતુ નિર્માણનો પ્રારંભ કર્યો હતો. જ્યારે માતા સીતાની શોધમાં નીકળેલા ભગવાન હનુમાનજીને અશોક વાટિકા અને લંકા વિશેની માહિતી મળે છે તો તેઓ તરત જ લંકા જવાનો નિર્ણય કરે છે.

    - Advertisement -

    22 જાન્યુઆરીના રોજ રામ મંદિર અયોધ્યામાં ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. તે પહેલાં રામ મંદિર ખાતે અનેકો અનુષ્ઠાન પણ કરવામાં આવ્યા છે. વડાપ્રધાન મોદી પણ કઠોર અનુષ્ઠાનનું પાલન કરી રહ્યા છે. રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા પહેલાં PM મોદી એવા ધાર્મિક સ્થળોના દર્શન કરી રહ્યા છે, જે રામાયણ કાળ સાથે જોડાયેલા હતા. PM મોદીએ પહેલાં લેપાક્ષી સ્થિત વિરભદ્ર મંદિરના દર્શન કર્યા હતા, જ્યાં પક્ષીરાજ જટાયુ અને રાવણ વચ્ચે ભીષણ યુદ્ધ થયું હતું. તે બાદ તેઓએ કોઠંડારામસ્વામી મંદિરની મુલાકાત લીધી હતી, જ્યાં પ્રભુ શ્રીરામ અને વિભીષણ વચ્ચે મુલાકાત થઈ હતી. જ્યારે હવે PM મોદી રામાયણ કાળ સાથે જોડાયેલા અરિચલ મુનાઈ તટના દર્શને પહોંચ્યા છે. આ તે જ સ્થળ છે, જ્યાં રામસેતુ બનાવવા માટેનો પ્રથમ પથ્થર મુકાયો હતો.

    PM મોદી હાલ (21 જાન્યુઆરી) તમિલનાડુની મુલાકાતે છે. આ દરમિયાન તેઓ રામાયણ કાળ સાથે જોડાયેલા ઐતિહાસિક ધર્મસ્થાનોના દર્શન કરી રહ્યા છે. તેવું જ એક ધર્મસ્થાન છે અરિચલ મુનાઈ, જ્યાં PM મોદીએ પૂજા-અર્ચના પણ કરી હતી. અહીં તેમણે સમુદ્રના તટ પર પુષ્પ અર્પણ કરીને પૂજન કર્યું હતું. એ ઉપરાંત અહિયાં તેમણે પ્રાણાયામ પણ કર્યા હતા અને સમુદ્રનું જળ હાથમાં લઈને અર્ધ્ય અર્પણ કર્યું હતું. નોંધનીય છે કે, અરિચલ મુનાઈ ખાતે કોઈ મંદિર કે ઈમારતનું નિર્માણ કરવામાં નથી આવ્યું, પરંતુ અહિયાં સમુદ્ર તટની જ પૂજા કરવામાં આવે છે. એવું કહેવાય છે કે, રામસેતુ અહીંથી જ બનવાનો શરૂ થયો હતો.

    શું છે તેનું પૌરાણિક મહત્વ?

    પૌરાણિક માન્યતા અનુસાર, અરિચલ મુનાઈ તે જ જગ્યા છે, જ્યાંથી પ્રભુ શ્રીરામની વાનરસેનાએ રામસેતુ નિર્માણનો પ્રારંભ કર્યો હતો. જ્યારે માતા સીતાની શોધમાં નીકળેલા ભગવાન હનુમાનજીને અશોક વાટિકા અને લંકા વિશેની માહિતી મળે છે તો તેઓ તરત જ લંકા જવાનો નિર્ણય કરે છે. જ્યાં તેઓ માતા સીતાને ભગવાન રામના દુત તરીકેની ઓળખ આપે છે અને કહે છે કે, જલ્દીથી પ્રભુ શ્રીરામ રાવણનો સર્વનાશ કરીને તેમને પોતાની સાથે લઈ જશે.

    - Advertisement -

    માતા સીતાની ભાળ મેળવીને આવેલા હનુમાનજી પ્રભુ શ્રીરામ અને વાનરસેનાને લંકા વિશેની માહિતી આપે છે. પરંતુ વાનરસેના સહિત પ્રભુ રામ પણ અસમંજસમાં મુકાઈ જાય છે કે, આટલો વિશાળ સમુદ્ર પાર કરીને લંકા કઈ રીતે જવું. પ્રભુ શ્રીરામ સ્વયં પરંબ્રહ્મ હોવા છતાં સમુદ્ર દેવતાને વિનંતી કરે છે, પ્રભુ શ્રીરામ સમુદ્રને કહે છે કે, ‘હે વરુણ દેવતા, અમને લંકા સુધી જવા માટેનો રસ્તો કરી આપો.” વારંવાર વિનંતી કરી હોવા છતાં સમુદ્ર તરફથી કોઈ પ્રત્યુત્તર મળતો નથી. એ સમયે પ્રભુ શ્રીરામ પ્રથમવાર તેમનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરે છે. રામાવતાર દરમિયાન ઈશ્વરે ક્યારેય રૌદ્રરૂપ ધારણ કર્યું નહોતું. પ્રથમવાર તેમને ક્રોધિત જોઈને લક્ષ્મણ સહિત વાનરસેના પણ આશ્ચર્યમાં મુકાઈ જાય છે.

    ભગવાન રામ ક્રોધિત થઈને પોતાનું ધનુષ હાથમાં લે છે અને તેમાં દૈવિય અસ્ત્ર મૂકીને પ્રત્યંચા ખેંચે છે. તેઓ સમુદ્રને રસ્તો આપવા માટેની અંતિમ ચેતવણી આપે છે. ત્યારે ભયભીત થયેલા સમુદ્રને શ્રીરામની વાસ્તવિકતાનો ખ્યાલ આવે છે અને તેઓ પ્રત્યક્ષ થઈને પ્રભુની ક્ષમા માંગે છે. ત્યારે સમુદ્ર વાનરસેનાને કહે છે કે, “કોઈપણ પથ્થર પર ‘રામ’ લખીને પાણી પર તરતો મૂકો, તે ડૂબશે નહીં.” ત્યારે વાનરસેનાના બે બુદ્ધિશાળી વાનરો નલ અને નીલ એક પથ્થર લે છે અને હનુમાનજી તેના પર રામ નામ અંકિત કરે છે. પથ્થરને પાણીમાં મૂકે છે તો ખરેખર તે ડૂબતો નથી. વાનરસેનાએ જ્યાં પ્રથમ પથ્થર મૂક્યો હતો તે જગ્યા તાજેતરમાં અરિચલ મુનાઈ તરીકે ઓળખાય છે. અહીં જ પ્રભુ રામે સમુદ્ર દેવતાને પોતાનું રૌદ્રરૂપ દેખાડ્યું હતું.

    ત્યારબાદ એવું કહેવાય છે કે, રામકાજ માટે એક ખિસકોલીએ પણ અહિયાં જ પોતાનું યોગદાન આપીને રામસેતુ નિર્માણમાં મદદ કરી હતી. અરિચલ મુનાઈ પૌરાણિક માન્યતા અનુસાર ભારતની પવિત્ર જગ્યાઓ પૈકીની એક છે. લંકા સુધી જતાં ભવ્ય રામસેતુનું કેન્દ્ર બિંદુ તે સ્થળને માનવામાં આવે છે. ત્યાંનાં સ્થાનિકો એવું કહે છે કે, આ જગ્યા પર ક્યારેય દરિયો તોફાન કરતો નથી, કારણ કે અહિયાં જ પ્રભુ શ્રીરામે તેને રૌદ્રરૂપમાં દર્શન આપ્યા હતા.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં