Sunday, October 13, 2024
More
    હોમપેજઇન્ડોલોજીજ્યાં મળ્યા હતા પ્રભુ રામ અને વિભીષણ, ત્યાં જ બન્યું છે પવિત્ર...

    જ્યાં મળ્યા હતા પ્રભુ રામ અને વિભીષણ, ત્યાં જ બન્યું છે પવિત્ર કોઠંડારામસ્વામી મંદિર, આજે PM મોદી કરશે દર્શન: વાંચો તેના ઇતિહાસ અને ધાર્મિક મહત્ત્વ વિશે

    રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પહેલાં રવિવારે (21 જાન્યુઆરી) PM મોદી ધનુષકોડીમાં સ્થિત પ્રાચીન કોઠંડારામસ્વામી મંદિરના દર્શન કરવા જશે. આ મંદિર તમિલનાડુના ધનુષકોડીમાં સ્થિત છે.

    - Advertisement -

    22 જાન્યુઆરીના શુભ દિવસે અયોધ્યા રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાનો ભવ્યાતિભવ્ય સમારોહ યોજાવા જઈ રહ્યો છે. તેના માટેની તમામ તૈયારીઓ ચાલી રહી છે. આ મહોત્સવ પહેલાં પ્રાણપ્રતિષ્ઠાના અનુષ્ઠાનો પણ કરવામાં આવી રહ્યા છે. રામલલાની પ્રાણપ્રતિષ્ઠા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થવા જઈ રહી છે. તે પહેલાં PM મોદી રામાયણ કાળ સાથે જોડાયેલા અતિપ્રાચીન મંદિરોના દર્શન કરી રહ્યા છે. તાજેતરમાં જ તેમણે તમિલનાડુના શ્રી રંગનાથસ્વામી મંદિરના દર્શન કર્યા હતા. જ્યારે હવે તેઓ ધનુષકોડીના કોઠંડારામસ્વામી મંદિરના દર્શન કરશે. આ મંદિર ખૂબ પ્રાચીન હોવાનું મનાય છે અને આ સ્થળનો ઇતિહાસ પણ રામાયણ કાળ સાથે જોડાયેલો છે.

    રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પહેલાં રવિવારે (21 જાન્યુઆરી) PM મોદી ધનુષકોડીમાં સ્થિત પ્રાચીન કોઠંડારામસ્વામી મંદિરના દર્શન કરવા જશે. આ મંદિર તમિલનાડુના ધનુષકોડીમાં સ્થિત છે. કોઠંડારામનો શાબ્દિક અર્થ ‘ધનુષધારી રામ’ થાય છે. આ તે જ મંદિર છે જ્યાં સ્વામી વિવેકાનંદે પણ દર્શન કર્યા હતા. 1000 વર્ષોથી પણ વધુ પ્રાચીન આ મંદિર ભગવાન વિષ્ણુના અવતાર પ્રભુ શ્રીરામને સમર્પિત છે. આ મંદિરની દીવાલો પર રામાયણની અનેક ઘટનાઓના ચિત્રો કંડારવામાં આવ્યાં છે. સાથે જ આ મંદિરમાં ભગવાન રામની મૂર્તિને ધનુષ સાથે દર્શાવવામાં આવી છે.

    જાણો મંદિરની પૌરાણિક માન્યતા અને ઇતિહાસ

    પૌરાણિક માન્યતા અનુસાર, જ્યારે લંકાપતિ રાવણે દેવી સીતાનું અપહરણ કર્યું ત્યારે રાવણના નાના ભાઈ વિભીષણે રાવણને સમજાવવાના અનેક પ્રયત્નો કર્યા હતા. તેમણે રાવણને કહ્યું હતું કે, તે માતા સીતાને પ્રભુ શ્રીરામની પાસે પરત મોકલે નહીં તો તેનું પરિણામ ખૂબ જ ઘાતક આવી શકે તેમ છે. પરંતુ તમામ ગ્રહોને પોતાના નિયંત્રણમાં રાખનારા અતિઅભિમાની રાવણે વિભીષણની એકપણ વાત સાંભળી નહોતી. આ ઉપરાંત રાવણે વિભીષણને અપમાનિત કરીને દેશનિકાલ પણ આપ્યો હતો.

    - Advertisement -

    જે બાદ વિભીષણે લંકા અને રાવણને છોડી દીધા હતા અને પ્રભુ શ્રીરામને મળવા માટે ચાલ્યા ગયા હતા. વિભીષણ પ્રભુ શ્રીરામને જે સ્થાને મળ્યા હતા તે સ્થાન તાજેતરમાં કોઠંડારામસ્વામી તરીકે ઓળખાય છે. સાથે અમુક દંતકથામાં તો એવું પણ કહેવાયું છે કે, પ્રભુ શ્રીરામે વિભીષણનો રાજ્યાભિષેક પણ આ જ સ્થળે કર્યો હતો. તેથી રામાયણ કાળ સાથે જોડાયેલી આ જગ્યા પર જ ભગવાન રામનું કોઠંડારામસ્વામી મંદિર બનાવવામાં આવ્યું હતું.

    કોઠંડારામ સ્વામી મંદિરનું મુખ્ય આકર્ષણ પણ અહીં સ્થિત એક પ્રાચીન વૃક્ષ છે. આ વૃક્ષ સ્થાનિક ભાષામાં મારમ વૃક્ષ તરીકે ઓળખાય છે. આ વૃક્ષ સૌથી પ્રાચીન વૃક્ષ હોવાનું માનવામાં આવે છે. સાથે જ અહીં મંદિરની નજીક નંદમબક્કમ છે, જ્યાં પ્રભુ રામે ઋષિ ભ્રૂંગીના આશ્રમમાં કેટલાક દિવસો વીતાવ્યા હતા.

    વાસ્તુકળાનો બેજોડ નમૂનો

    કોઠંડારામાસ્વામી મંદિરમાં ભગવાન શ્રીરામની પૂજા-અર્ચના કરવામાં આવે છે. આ મંદિરને વૈષ્ણવ પરંપરાના 108 ક્ષેત્રો પૈકીના એક ક્ષેત્રમાં વર્ગીકૃત કરવામાં આવ્યું છે. આ મંદિર રામેશ્વર મંદિરથી માત્ર 13 કિલોમીટરનું અંતર ધરાવે છે. આ ધાર્મિક સ્થળ વાસ્તુકલાનો તે એકમાત્ર નમૂનો છે જે 1964ના વિનાશકારી ચક્રવાત બાદ પણ અડીખમ છે. આ ચક્રવાતે ધનુષકોડીને સંપૂર્ણ રીતે નષ્ટ કરી દીધું હતું. તેમ છતાં મંદિરને કોઈપણ પ્રકારનું નુકસાન થયું નહોતું.

    મંદિરમાં વિભીષણ, હનુમાન, લક્ષ્મણ, માતા સીતા અને પ્રભુ શ્રીરામની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી છે. આ મંદિરની ચારે તરફ સમુદ્ર છે. મંદિર પોતાના ભવ્ય ઇતિહાસ, ધાર્મિક મહત્વ અને રામેશ્વર મંદિરના કેન્દ્રથી નજીક હોવાથી લોકપ્રિય સ્થળ તરીકે ઊભરી આવ્યું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં