Wednesday, April 24, 2024
More
  હોમપેજવગેરે...ધર્મ/સંસ્કૃતિગુજરાતનું એક એવું દેવસ્થાન કે જ્યાં ક્યારેય નથી લાગતાં તાળા: જાણો શું...

  ગુજરાતનું એક એવું દેવસ્થાન કે જ્યાં ક્યારેય નથી લાગતાં તાળા: જાણો શું છે મોગલધામ ભગુડાનો ઇતિહાસ અને શા માટે ભગવતી મોગલ પર લોકોની આસ્થા છે અતૂટ

  સાથે એકવાત ખૂબ જ નોંધવા લાયક છે કે મોગલ માતાજીનો કોઈ ભુવો નથી અને મંદિરના પ્રાંગણમાં પણ સ્પષ્ટ શબ્દોમાં લખવામાં આવ્યું છે કે, "મોગલધામ ભગુડામાં સૌનું સ્વાગત છે. આ દેવસ્થાન પર કોઈપણ અંધશ્રદ્ધા, ડાક-ડમરુ તથા ભુવાને સ્થાન નથી." લોકો પણ મંદિરની આ પરંપરાને અનુસરે છે.

  - Advertisement -

  શું તમે એવા કોઈ ધાર્મિક સ્થળ અથવા તો ગામ વિશે જાણો છો કે જ્યાં ક્યારેય મંદિર, દુકાનો, મકાનોમાં તાળા ન મરાયા હોય? ઘણા લોકોને યાદ આવશે મહારાષ્ટ્રનું શનિ શિંગણાપુર. પરંતુ ભારતમાં બીજું પણ એક એવું ગામ છે જ્યાં ક્યારેય તાળા નથી લાગતા. આ ગામનું નામ છે ભગુડા. તે ભગુડા કે જ્યાં ભગવતી મોગલના બેસણા છે. ભગુડા ગામ અને મા મોગલ વિશેનો ઇતિહાસ ઘણો લાંબો અને રોચક છે. એક સામાન્ય લોકદેવીમાંથી આજે વિશ્વભરમાં પૂંજાતા થયેલા દેવી વિશે જાણવું ખૂબ જરૂરી છે. તો ચાલો નવરાત્રિના ઉત્સવ વચ્ચે આપણે મા મોગલના દર્શન કરી, જઈએ કાઠિયાવાડના એક અતિતના એક ખાસ ચેપ્ટરની સફરે. તે ચેપ્ટર કે જેને લોકો મોગલધામ ભગુડા તરીકે ઓળખે છે.

  લોક સંસ્કૃતિમાં આગવું સ્થાન ધરાવે છે ભગુડાધામ

  ભગુડાધામ અને મોગલ માતા વિશે જાણ્યા પહેલાં એ સમજવું જરૂરી છે કે લોક સંસ્કૃતિ શું છે અને તેમાં દૈવીય આસ્થાઓ ક્યાં પ્રકારની છે. આપણે સૌ જાણીએ છીએ કે ભારતીય સંસ્કૃતિ ભાતીગળ સંસ્કૃતિ છે. આ સંસ્કૃતિને ઉન્નત બનાવવા માટે ભારતની ઘણી લોક સંસ્કૃતિઓનું મહત્વનું યોગદાન છે. જેમાં ગુજરાતની પણ બે મુખ્ય લોક સંસ્કૃતિઓએ મહત્વની ભૂમિકા ભજવી છે. ગુજરાતમાં 2 મુખ્ય લોકસંસ્કૃતિઓ અસ્તિત્વમાં છે. એક આદિવાસી સંસ્કૃતિ અને એક કાઠિયાવાડી સંસ્કૃતિ. સાથે એ જાણવું પણ જરૂરી છે કે કોઈપણ લોક સંસ્કૃતિમાં કુળદેવતા, સ્થાનદેવતા, લોકદેવી, લોકદેવતા અને ગ્રામદેવતાનું ખૂબ મહત્વ હોય છે. જે સનાતન વૈદિક પરંપરાનો એક ભાગ છે.

  ભગુડા મંદિર

  વૈદિક પરંપરા અનુસાર દેવતાઓની ઘણી શ્રેણીઓ હોય છે. જે અનુક્રમે આ રીતે જોવા મળે છે. કુળદેવતા, ગ્રામદેવતા, સ્થાનદેવતા, લોકદેવતા અને ઇષ્ટ દેવતા. આ બધા દેવતાઓ ઈશ્વરના અલગ-અલગ સ્વરૂપનું શક્તિપુંજ છે. જેને જે-તે સમાજની લોક સંસ્કૃતિમાં પૂજવામાં આવે છે.

  - Advertisement -

  મોગલ માતા પણ પણ કાઠિયાવાડી સંસ્કૃતિમાં લોકદેવી તરીકે પૂજાય છે. લોકોની ગાઢ આસ્થા મા મોગલ સાથે જોડાયેલી છે. અઢારે વર્ણ મા મોગલની ઉપાસના કરે છે અને મા મોગલ સૌની મનોકામના પૂર્ણ કરે છે. ભગુડાધામ કાઠિયાવાડી લોક સંસ્કૃતિમાં મહત્વનું સ્થાન ધરાવે છે. લોકો ભગુડા ગામને પવિત્ર ગણે છે અને મોગલમા આજેપણ ત્યાં જીવંત સ્વરૂપે હાજર છે તેવો ગાઢ વિશ્વાસ ધરાવે છે. ભગુડા ગામ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં આવેલું છે અને તળાજા તાલુકાથી લગભગ 16 કિલોમીટરનું અંતર છે. લોક સંસ્કૃતિમાં ભગુડા ગામ અતિ મહત્વનું છે. તે ગામ સાથે ઘણા લોકોની લાગણીઓ અને આસ્થાઓ જોડાયેલી છે.

  મોગલ મા અને ભગુડા સાથે જોડાયેલી લોકવાયકાઓ

  મોગલધામ ભગુડા સાથે ઘણીબધી દંતકથાઓ અને ઇતિહાસ જોડાયેલા છે. મોગલધામ ભગુડાના ટ્રસ્ટ મંડળ સાથે ઑપઇન્ડિયાની ખાસ વાતચીત થઈ હતી જેમાં મોગલ મા અને ભગુડા ગામ સાથે સંકળાયેલી 2 દંતકથા ખૂબ પ્રચલિત હોવાનું જાણવા મળ્યું હતું.

  પહેલી દંતકથા કઈક એવી છે કે આજથી લગભગ ઘણા વર્ષો પહેલાં ગુજરાતમાં મુસ્લિમોનું શાસન હતું. દિલ્હીની મોગલ સલ્તનતથી ગુજરાતનો વહીવટ થતો હતો. તેમાં કડી પ્રદેશનો એક મુસ્લિમ સુબો કડીના વિસ્તારમાં પોતાનું શાસન ચલાવતો હતો. તે સુબો એક દિવસ ફરતો-ફરતો સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવી ચડે છે. સૌરાષ્ટ્રના લીલા ખેતરોમાંથી તે પસાર થઈ રહ્યો હતો ત્યારે તેની નજર એક યુવાન રાજપૂત કન્યા પર પડે છે. જે તેના પિતા માટે ખેતરે ભાતું લઈને જતી હોય છે. એ કન્યાની માતાનું મૃત્યુ થઈ ગયું હોય છે. તેને જોઈને મુસ્લિમ સુબાની દાનત બગડે છે અને તે યુવાન કન્યાને નિકાહ માટે દબાણ કરે છે અને ઘણી ન કહેવાની વાતો કહે છે.

  જુવાનજોધ કન્યા સુબાનું કારસ્તાન પારખી જાય છે અને જાણે સાક્ષાત જગદંબા હુંકાર ભરીને બોલતી હોય તેવા ખુમારીભર્યા શબ્દો ઉચ્ચારે છે. તે કહે છે કે, “મલેચ્છ, હું હિંદવાણી છું, રાજપુતાણી છું. મારો હાથ માંગવો હોય તો મારા બાપની પાસે જા.” સુબો પોતાના અભિમાનમાં અને વાસનામાં એટલો રત હોય છે કે તે તેજ ક્ષણે તે કન્યાના પિતા પાસે જાય છે અને તે હિંદુ દીકરીનો હાથ માંગે છે. કન્યાના પિતા પણ તે પ્રસ્તાવને સખત શબ્દોમાં નકારી કાઢે છે. કન્યાના પિતા કહે છે કે, “અમે હિંદુ છીએ અને વળી રાજપૂત. અમારી કન્યા વીર સાથે પરણે. આ કાઠિયાવાડ છે, કંઈક કેટલાય પાળિયા ઉભા છે, હું પાળિયો થઈ જઈશ તો તેમાં સંકોચ નથી. પરંતુ મારી દીકરીને કોઈ મલેચ્છ સાથે તો ક્યારેય નહિ પરણાવું.” સુબો આવી વાત સાંભળીને ઉશ્કેરાય જાય છે અને એ એકલા રાજપૂતને યુદ્ધ માટેની તૈયારી કરવાનું કહીને જતો રહે છે.

  યુવાન કન્યા અને તેના પિતા હતાશ થઈને બેસે છે. પિતા તેમની દીકરીને ઘણું આશ્વાસન આપે છે અને કહે છે કે સાક્ષાત ભવાની આપણી રક્ષા કરશે. ત્યારે દીકરીને યાદ આવે છે કે જ્યારે તેની માતા જીવતી હતી ત્યારે દ્વારકા તરફ એક દીવો પ્રગટાવીને હંમેશા કહેતી કે, હે આઈમા અમારી ખુમારી અને વંશ વારસાના રખોપા (રક્ષણ) કરજે. તે યુવાન કન્યા તેના પિતાને કહે છે કે જ્યારે મા જીવતી હતી ત્યારે દ્વારકા તરફ દીવો પ્રગટાવીને કોઈ દેવીને પ્રાર્થના કરતી. દીકરી કહે છે, “બાપુ, હું પણ એજ દેવીનું આહવાન કરીશ, એ દેવી આપણી રક્ષા કરશે.” આટલું કહી દીકરી દીવો પ્રગટાવીને ચોધાર આંસુએ રડી પડે છે. બોલવું ઘણું હોય છે પણ તે યુવાન કન્યા બોલી શકતી નથી. બસ મુખમાંથી એટલા શબ્દો નીકળે છે કે, “હે મા, મારી આબરૂ હવે તારા હાથમાં છે. તારે તોય તું અને મા મારે તોય તું.” આટલું કહી દીકરી રડતી રડતી સુઈ જાય છે.

  બીજા દિવસે જાણે ચંડ-મુંડને મારવા માટે સાક્ષાત ચામુંડા ઉતરી આવી હોય તેમ દ્વારકાની એક દેવી કડી વિસ્તાર સામે ડગ માંડે છે. દેવીનું સ્વરૂપ વિકરાળ છે. એક હાથમાં ખુલ્લી તલવાર અને બીજા હાથમાં જીવતી નાગણ લઈને દેવી જાણે રાક્ષસોનો સંહાર કરવા ઉતરી આવી હોય તે રીતે કડીના સુબાની ડેલીએ આવી પહોંચે છે. કડીનો મુસ્લિમ સુબો સૂતો હોય છે. દેવી મહેલમાં પ્રવેશ કરીને સીધા અંદર પ્રવેશે છે. સુતેલા સુબાની છાતી પર પગ મૂકી માતાજી કહે છે કે, “મલેચ્છ, તારી હિંમત કેમ થઈ મારી દીકરી સામે નજર માંડવાની.” સુબો કઈ બોલી શકતો નથી. સુબો કહે છે, “કૌન હો તુમ?” ત્યારે દેવી તેનું વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે. આંખમાંથી જાણે લોહી ટપકતું હોય તેવું વિકરાળ સ્વરૂપ. સુબો કઈ બોલી શકતો નથી અને ‘માફી, અમ્મા, માફી અમ્મા’ કરતો કરતો દોડવા લાગે છે. આગળ-આગળ સુબો દોડી જાય છે અને તેની પાછળ સાક્ષાત જગદંબા ચાલ્યા જાય છે.

  મોગલધામ ભગુડા ઇતિહાસ
  ભગવતી મોગલ માતા

  સુબો ભટકતો ભટકતો તળાજા પાસેના આહીરોના નેસડામાં આવી પહોંચે છે. નેસડામાં પહોંચીને તે ધ્રૂજતો-ધ્રૂજતો મદદની વિનંતી કરે છે. આહીરોની એક ટેક હોય છે કે કોઈપણ વ્યક્તિ આશરો માંગે તો તેને પોતાનો જીવ આપીને પણ આશરો આપવો. આશરાધર્મને લીધે આહીરો તે સુબાને નેસડામાં છુપાવે છે અને ઘરને તાળા લગાવી દે છે. કોપાયમાન થયેલા દેવી તે ગામમાં આવી પહોંચે છે. દેવી આહીરોને હાંકલ કરે છે કે, “મારા ચોરને જ્યાં પણ છુપાવ્યો છે તેને મારી નજર સામે હાજર કરો.” આહીરો માતાજીની વાત માનતા નથી અને મુકબધીર થઈ બંને હાથ જોડીને કહે છે કે, “હે આઈ, અમે આહીર છી, અમેં શરણે આવેલાને મરવા દઈએ તો અમારો આશરોધર્મ લાજે મા. કૃપા કરો અમારા પર.” કોપાયમાન ભગવતી નેસડામાં નજર માંડે છે અને બધા ઘરના તાળાઓ તૂટવા લાગે છે.

  સુબો ડરનો માર્યો દોડતો આવીને ભગવતીના શરણમાં પડે છે. “માફી, અમ્મા” જેવા વિનંતીભર્યા ઉદગાર સાથે રડવા લાગે છે. આહીરો પણ મા જગદંબાના શરણમાં પડી જાય છે અને વિનંતી કરે છે કે, “હે ભગવતી, તું તો દયાળી છે મા દયા કર. અમારા આશરાધર્મની લાજ રાખ મા” જગદંબાની વારંવાર આજીજી કરવાથી માતાજીનો કોપ શાંત પડે છે અને સુબાને જીવતો મૂકે છે. સાથે જ આઈમાતા સુબાને ચેતવણી આપે છે કે, “હવે પછી જો કોઈપણ બહેન-દીકરી સામે કુદ્રષ્ટિ કરી છે તો તલવારના એક જ ઝાટકે મસ્તકથી ધડ અલગ થઈ જશે.” સુબો ડરના માર્યો વારંવાર એક જ શબ્દો ઉચ્ચારી ત્યાંથી દોડવા માંડે છે.

  ત્યારબાદ નેસડાના આહીરો માતાજીની ક્ષમા માંગી પૂજા કરે છે. માતાજી કહે છે કે, “આ ભાગેડુ સુબો, ભાગતો-ભાગતો અહીં સુધી પહોંચ્યો એટલે આજથી આ ગામનું નામ ભગુડા રાખજો અને હે આહીરો, તમે ઘરને તાળા લગાવી પાપના ભાગીદાર બન્યા એટલે આજ પછી ક્યારેય આ ગામમાં તાળા નહિ લાગે. તમે તમારો આશરાધર્મ નિભાવ્યો એટલે આજથી હું ભગુડા ગામના પાદરે મારા બેસણા કરું છું. જ્યારે તમારા પર સંકટ આવશે અને તમે મારુ નામ મુખમાંથી ઉચ્ચારશો ત્યારે હું તમારી તમામ મનોકામના પૂર્ણ કરીશ. આજથી હું ભગુડાવાળી મોગલ તરીકે ઓળખાઈશ.” આટલું કહીને દેવી એકાએક અદ્રશ્ય થઈ ગયા અને માતાજીના પ્રસાદ સ્વરૂપે એક ફળુ ત્યાં મુકતા ગયા. ત્યારથી આહીરોએ એક જર્જરિત ઓરડામાં મોગલમાતાના ફળાની સ્થાપના કરી અને એ જર્જરિત ઓરડામાંથી આજે ત્યાં એક ભવ્ય મંદિર બન્યું છે. જેને લોકો મોગલધામ ભગુડા તરીકે ઓળખે છે.

  અન્ય એક કથા

  મોગલધામ ભગુડા સાથે અન્ય એક ઇતિહાસ પણ છે. જેમાં જણાવાયું છે કે, 500 વર્ષ પહેલાં ભગુડા વિસ્તારમાં દુષ્કાળ પડવાથી આહીરો સ્થળાંતર કરી જૂનાગઢ જાય છે. આહીરોની સાથે એક વૃદ્ધ માતા પણ સ્થળાંતર કરે છે. જૂનાગઢ વિસ્તારના દુષ્કાળ ગાળ્યા બાદ જ્યારે આહીરો પરત ફરવા તૈયારી કરે છે. ત્યારે આહીરોના તે વૃદ્ધ માતાને એક ચારણ આઈ મોગલ માતાજીનું ફળુ ભેટ સ્વરૂપે આપે છે અને કહે છે કે જ્યારે પણ કોઈ સંકટ આવે ત્યારે માતાજીને પ્રાર્થના કરજો. તમારા સંકટો દૂર થશે. ફળુ લઈને તે વૃદ્ધ માતા અને આહીરો સૌ ભગુડા પરત ફરે છે અને ત્યાં જઈને માતાજીના તે ફળાની સ્થાપના કરે છે. જે આજે ભવ્ય મોગલધામ તરીકે ઓળખાય છે.

  આ સિવાય પણ મોગલધામ ભગુડા સાથે અનેક ઇતિહાસ અને દંતકથાઓ સંકળાયેલી છે. ચારણી સાહિત્યમાં આવી અનેક કથાઓનો ઉલ્લેખ મળે છે. એ ઘણી કથાઓ આજે લેખિત સ્વરૂપે પણ જોવા મળે છે

  આજેપણ ભગુડા ગામમાં નથી લાગતા તાળા

  સદીઓથી ચાલી આવતી પરંપરા પ્રમાણે આજેપણ ભગુડા ગામના મોગલ માતાજીના મંદિરથી લઈને સામાન્ય લોકોના ઘર સુધી ક્યાંય પણ તાળા નથી લગાવવામાં આવતાં. મોગલધામ ભગુડા સાથે જોડાયેલા ઇતિહાસ અનુસાર, મોગલ માતાજી ગામના તમામ લોકો રક્ષા કરે છે. જેના લીધે લોકો કોઈપણ સંજોગોમાં તાળા લગાવતા નથી. તે છતાં પણ ક્યારેય તે ગામમાં ચોરીની ઘટના પણ નથી બની. ચોરે ચોરી કરવાના ઘણા પ્રયાસો કર્યા પણ ક્યારેય તેને સફળતા નથી મળી. એકવાર ચોર ગામમાંથી કોઈ વસ્તુ ચોરી ગયો તો સવારે મોઢામાં ચપ્પલ લઈને માતાજીની ક્ષમા માંગવા માટે આવ્યો હતો અને ચોરેલી તમામ વસ્તુઓ ત્યાં મૂકીને જતો રહ્યો હતો.

  બીજી એક ઘટના પણ સામે આવી હતી જેમાં ભગુડા ગામના બસ-સ્ટોપ પર રાત્રે એક બસ પડી હોય છે. અંધારું જોઈને ચોર તે બસમાંથી ઈંધણ કાઢી જતાં રહે છે. સવારે જ્યારે ડ્રાઈવર જુએ છે તો બસમાં ઈંધણ હોતું નથી એટલે તે મંદિર ટ્રસ્ટમાં આ વિશેની વાતચીત કરે છે. તેવામાં એક આધેડ વ્યક્તિ રડતો આવીને ઓફિસમાં ઈંધણ મૂકી જાય છે અને મંદિરમાં જઈને માતાજીની ક્ષમા માંગે છે. ત્યારથી લઈને આજ સુધી ક્યારેય ચોરી થયાનો કિસ્સો પણ ભગુડા ખાતે બન્યો નથી.

  ધજાના દર્શન માત્રથી દુઃખોનો નાશ થાય છે

  સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, મોગલધામ ભગુડા ખાતે ફરકતી ધજાના દર્શન કરવાથી પણ સઘળા દુઃખોમાંથી મુક્તિ મળે છે. ઇતિહાસ જોઈએ તો કાઠીયાવાડમાં એવી ઘણી કથાઓ મોગલધામની ધજા સાથે જોડાયેલી છે. એકવાર સાચા હૃદયથી જો ધ્વજ પતાકાના દર્શન કરવામાં આવે તો ભક્તોની તમામ મનોકામના પૂર્ણ થાય છે. સ્થાનિક લોકો માતાજીના મંદિર પર ફરકતી ધજાને જોઈને કોઈપણ શુભ કાર્યની શરૂઆત કરે છે. મોગલધામ ભગુડામાં ભગવા રંગની ધજા ચડાવવા આવે છે, જેના પર ‘જય મોગલ’ લખેલું હોય છે. આ ધજા મંદિરથી 7 કિલોમીટર દૂર સુધી દેખાઈ શકે છે.

  મોગલધામમાં ફરકતી ધ્વજ પતાકા

  લાખો માઈભક્તો દેશભરમાંથી આવે છે

  મોગલધામ ભગુડામાં ભક્તોનો ઘસારો દિનપ્રતિદિન વધતો જઈ રહ્યો છે. ખાસ કરીને રવિવાર અને મંગળવારે લાખો માઈભક્તો માતાજીના દર્શન કરવા માટે પધારે છે. એ સિવાય નવરાત્રિમાં પણ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. ભગુડા ખાતે મંદિરનો પાટોત્સવ ઉજવવામાં આવે છે. જે વર્ષનો સૌથી મોટો ઉત્સવ ગણાય છે. પાટોત્સવના દિવસે લાખોની સંખ્યામાં દેશભરમાંથી શ્રદ્ધાળુઓ આવે છે. તે દિવસે રાત્રે લોકસાહિત્યના ડાયરાનું આયોજન પણ કરવામાં આવે છે. જેમાં મુખ્ય અતિથિ તરીકે વિશ્વ વિખ્યાત સંત મોરારી બાપુ ઉપસ્થિત રહે છે. એ સિવાય ગુજરાતભરના નામી કલાકારો અને લોક સાહિત્યકારો પાટોત્સવના દિવસે માતાજીના સાનિધ્યમાં પધારે છે. લાખો ભક્તોનું માનવ મહેરામણ ઉમટી પડે છે. દેવસ્થાનની સામે એક નાનો પર્વત પણ આવેલો છે.

  પાટોત્સવની રાત્રે થતાં ડાયરાનો નજારો (ફોટો: ભૂમિ સ્ટુડિયો-ભગુડા)

  પાટોત્સવના દિવસે એ પર્વતની ટોચ સુધી ભક્તો બેસીને ડાયરાનો આનંદ ઉઠાવે છે. લગભગ 10 જેટલી વિશાળ LED સ્ક્રીન પર ડાયરાનું જીવંત પ્રસારણ પણ રજૂ કરવામાં આવે છે.

  મંદિર ટ્રસ્ટ ભક્તોને આપે છે વિશેષ સુવિધાઓ

  મોગલધામ ભગુડા ટ્રસ્ટના પ્રમુખ ગુજરાતના જાણીતા સાહિત્યકાર માયાભાઈ આહીર છે અને એ સિવાય 10 વ્યક્તિઓનું એક ટ્રસ્ટી મંડળ છે. મંદિર ટ્રસ્ટ તરફથી ભક્તોને તમામ સુવિધાઓ પુરી પાડવામાં આવે છે. દૂરથી મુસાફરી કરીને આવતા લોકોને રહેવા, જમવાની ઉત્તમ સુવિધાઓ પુરી પાડવામાં આવે છે. દરરોજ ભોજનશાળામાં હજારો લોકો વિનામૂલ્યે ભોજનની પ્રસાદીનો લાભ લે છે. દરરોજ ત્રણ ટાઈમ જમવાની સુવિધા પણ ટ્રસ્ટ મંડળ તરફથી કરવામાં આવી છે. એ સિવાય સેલ્ફી પોઇન્ટ જેવી ફોટો પડાવવા માટેની સુવિધાઓ પણ વિકસાવવામાં આવી છે. એ ઉપરાંત દૂરથી પદયાત્રા કરીને આવતા શ્રદ્ધાળુઓને વિશેષ સુવિધાઓ પણ પુરી પાડવામાં આવે છે.

  અદભૂત પ્રાકૃતિક સૌંદર્ય

  તળાજામહુવા હાઈવેથી લગભગ 10 કિલોમીટર અંદર આવેલું આ દેવસ્થાન પ્રાકૃતિક સૌંદર્યમાં આગવું સ્થાન ધરાવે છે. ડુંગરાળ વિસ્તારની તળેટીમાં હરિયાળીની વચ્ચે એક ખોબા જેવડું ગામ આવેલું છે. કોઈપણ વ્યક્તિ ત્યાં જવાની સાથે પરમ શાંતિનો અનુભવ કરે છે. ત્યાં જવા માટેનો રસ્તો પણ લીલા ખેતરો વચ્ચે હોવાથી મુસાફરીનો અનેરો આનંદ ઉઠાવી શકાય છે. મોગલધામથી ગુરુ આશ્રમ બગદાણા પણ ખૂબ નજીક છે. લગભગ 15 KMની મુસાફરી કરવાથી ગુરુ આશ્રમ બગદાણાના દર્શનનો લાહ્વો પણ લઈ શકાય છે.

  પ્રકૃતિના સાનિધ્યમાં આવેલું મોગલધામ

  મોગલધામ ડુંગરાળ વિસ્તારમાં છે. જાણે પર્વતોની ગોદમાં એક બાળક રમતું હોય તેવો નજારો જોવા મળે છે. ઉપરથી રસ્તામાં સુંદર અને મનમોહક ઝરણા અને તળાવો જોવા મળે છે. ભગુડા ગામ સાવ જ અંતરિયાળ વિસ્તારમાં આવેલું છે તેમ છતાં ત્યાં કોઈપણ ભેદભાગ વગર દર્શન થઈ શકે છે. મોગલધામનું પ્રાકૃતિક સૌંદર્ય એટલું શુદ્ધ અને સાત્વિક છે કે તેને શબ્દોમાં વર્ણવવું મુશ્કેલ બની જાય છે.

  મોગલધામ સાથે જોડાયેલી લોક માન્યતાઓ

  કોઈપણ લોક સંસ્કૃતિમાં લોકદેવતા અને લોક માન્યતાનું સ્થાન વિશેષ જોવા મળે છે. મોગલધામ ભગુડા ઇતિહાસ અને પરંપરાથી ભરપૂર એક લોકદેવીનું સ્થાનક છે. જે આજે ખુબ જ જાણીતું થયું છે. ઘણીબધી લોકમાન્યતાઓ મોગલધામ સાથે જોડાયેલી છે. આ વિસ્તારના લોકો એવી માન્યતા ધરાવે છે કે કોઈપણ સંજોગોમાં મોગલ માતાની સોગંધ ન ખાવી જોઈએ. જો કોઈ વ્યક્તિ માતાજીની જૂઠી કસમ ખાય તો તેનું પરિણામ ભયાનક આવે છે. એ સિવાય મોગલ માતા શુદ્ધ અને સાત્વિક દેવી હોવાથી તેનો ફોટો કોઈપણ મકાન કે ઓફિસમાં રાખવામાં આવતો નથી. ઘણા સ્થાનિક લોકો ફોટો ખરીદે છે પણ થોડા સમય પછી તે ફોટા સાથે ભગુડા આવી માતાજીની ક્ષમા-યાચના કરે છે. મોગલધામમાં લગભગ લાખો ફોટાઓ ભેગા થયા છે, જેને ટ્રસ્ટ મંડળ દ્વારા અલગ-અલગ રૂમોમાં મૂકવામાં આવ્યા છે.

  સાથે એકવાત ખૂબ જ નોંધવા લાયક છે કે મોગલ માતાજીનો કોઈ ભુવો નથી અને મંદિરના પ્રાંગણમાં પણ સ્પષ્ટ શબ્દોમાં લખવામાં આવ્યું છે કે, “મોગલધામ ભગુડામાં સૌનું સ્વાગત છે. આ દેવસ્થાન પર કોઈપણ અંધશ્રદ્ધા, ડાક-ડમરુ તથા ભુવાને સ્થાન નથી.” લોકો પણ મંદિરની આ પરંપરાને અનુસરે છે. કાઠીયાવાડના લોકોની ગાઢ આસ્થા મોગલધામ સાથે જોડાયેલી છે. મોગલ માતાને સ્થાનિક લોકો માંગલ મા તરીકે ઓળખે છે. એ સિવાય આઈ મોગલ તથા ભેળિયાવાળી મા તરીકે ઓળખે છે. વાસ્તવમાં મોગલ માતાના 24 નામો છે.

  મોગલ માતાનું મુખ્ય દેવસ્થાન છે ઓખાધરા

  દ્વારકા નજીકના અંતરિયાળ વિસ્તારમાં ઓખાધરા નામનું એક ગામ આવેલું છે. એવું માનવામાં આવે છે કે મોગલ માતાજીનો જન્મ આ ગામમાં થયો હતો. તેથી ત્યાં પણ એક મોગલધામ આવેલું છે. મોગલ માતાજીનું મુખ્ય મંદિર ઓખાધરા છે પણ ભગુડા સૌથી વધારે પ્રસિદ્ધિ પામ્યું છે. એ સિવાય કચ્છના કબરાઉમાં પણ મોગલધામ આવેલું છે. જ્યાં માતાજીના રૌદ્ર સ્વરૂપની પૂજા-અર્ચના કરવામાં આવે છે. એ ઉપરાંત ઘણીબધી જગ્યાએ મોગલ માતાના નાના-મોટા મંદિરો આવેલા છે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં