Thursday, April 18, 2024
More
  હોમપેજગુજરાતએ નવરાત્રિની વાત જેનો જર્મન યુનિવર્સિટીમાં કરાવાય છે અભ્યાસ: સુરેન્દ્રનગરમાં 123 વર્ષોથી...

  એ નવરાત્રિની વાત જેનો જર્મન યુનિવર્સિટીમાં કરાવાય છે અભ્યાસ: સુરેન્દ્રનગરમાં 123 વર્ષોથી પુરુષો સ્ત્રી બનીને ઘૂમે છે ગરબે, જાણો આ નારી વંદનાની પરંપરા વિશે વધુ

  નવરાત્રિ દરમિયાન મા તુળજા ભવાની અને જગદંબા બાળા બહુચરની ભક્તિમાં લીન થતા લીલાપુરની આ અનોખી પરંપરા પાછળ પણ એક ઉજળો ઈતિહાસ છે. કહેવામાં આવે છે કે કોઈ પણ પ્રકારની પરિસ્થિતિમાં માઈ ભક્તોએ આ પરંપરાને તૂટવા નથી દીધી અને સવા-સો વર્ષથી પેઢી-દરપેઢી પોતાની પરંપરા અને સંસ્કૃતિનું જતન કરતા આવ્યા છે.

  - Advertisement -

  મા જગદંબાની આરાધના માટેનું શ્રેષ્ઠ પર્વ એટલે નવરાત્રિ. આખા વિશ્વમાં વસતા હિંદુઓ આ મહાપર્વને ખૂબ આસ્થા અને ભક્તિભાવથી ઉજવે છે. બાળકોથી માંડીને વડીલો માતાજીની ભક્તિમાં લીન થઈને ગરબે ઘૂમે છે. તેમાં પણ અલગ-અલગ સ્થળોની પરંપરાઓ મુજબ યોજાતા ગરવા ગરબા આ પર્વનું મહત્વ અનેકગણું વધારી દે. નવરાત્રિ પર્વે ગરબા ઘૂમવું એ તો આપણી સંસ્કૃતિ કહેવાય અને ગુજરાતભરમાં તે માટે મસમોટાં આયોજનો પણ થાય છે. પરંતુ સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના લીલાપુર ગામમાં છેલ્લાં 123 વર્ષથી આગવી પરંપરા મુજબ અનોખી રીતે મા જગદંબાની આરાધના કરવામાં આવે છે. લીલાપુરના પુરુષો છેલ્લાં 123 વર્ષથી સ્ત્રી વેશ ધારણ કરી ગરબે ઘૂમે છે.

  નવરાત્રિ દરમિયાન મા તુળજા ભવાની અને જગદંબા બાળા બહુચરની ભક્તિમાં લીન થતા લીલાપુરની આ અનોખી પરંપરા પાછળ પણ એક ઉજળો ઈતિહાસ છે. કહેવામાં આવે છે કે કોઈ પણ પ્રકારની પરિસ્થિતિમાં માઈ ભક્તોએ આ પરંપરાને તૂટવા નથી દીધી અને સવા-સો વર્ષથી પેઢી-દરપેઢી પોતાની પરંપરા અને સંસ્કૃતિનું જતન કરતા આવ્યા છે. આ વર્ષે પણ પરંપરા મુજબ સુરેન્દ્રનગરના લીલાપુરના પુરુષો સ્ત્રી વેશ ધારણ કરી ગરબે ઘૂમશે અને આપણે આ લેખ દ્વારા આ પરંપરાગત નોરતાના મહાપર્વ પાછળના ભવ્ય ઈતિહાસમાં ડોકિયું કરીશું.

  123 વર્ષથી અખંડ રીતે ચાલી આવી છે આ પરંપરા

  આ અનોખી પરંપરા વિશે માહિતી મેળવવા ઑપઇન્ડિયાએ લીલાપુરના મહાશક્તિ સેવા મંડળ ટ્રસ્ટના સભ્ય અને ખજાનચી રાજેન્દ્ર રાવલનો સંપર્ક કર્યો. તેમણે વાતચીતમાં આ પરંપરા અને તેના ઈતિહાસ વિશે વિસ્તારપૂર્વક માહિતી આપી. પરંપરા કેટલા સમયથી ચાલુ છે અને કઈ રીતે માતાજીની આરાધના કરવામાં આવે છે તે વિશે માહિતી આપતાં તેમણે જણાવ્યું હતું કે, “ભગવાન શિવના નટરાજરૂપ ધારણ કર્યા બાદ કળા ક્ષેત્રે જે શિવશક્તિની આરાધના કરવામાં આવતી તે ભવાઈ દ્વારા કરવામાં આવતી, આ ભવાઈનું વિશેષ માળખું અસાયત ઠાકરે તૈયાર કર્યું અને તે જ સંસ્કૃતિનું જતન કરતી અમારી આ સંસ્થાને 123 વર્ષ થયાં. આ 123 વર્ષમાં અમારી આ પરંપરા ક્યારેય ખંડિત નથી થઇ.”

  - Advertisement -

  આ પરંપરા વિશે જણાવતા રાજેન્દ્ર જણાવે છે કે, “અમે લોકો તમામ મર્યાદાઓનું પાલન કરીને સવાસો વર્ષથી ચાલી આવતી આ પરંપરાનું જતન કરીએ છીએ, સામાન્ય રીતે એકમથી નોમ સુધી આપણે નવરાત્રિ ઉજવીએ છીએ. અમે પરંપરાગત રીતે નવરાત્રિ પહેલાં જ માતાજીના માણેક સ્તંભ રોપીને તેના પર ધજા ચઢાવીએ છીએ. ત્યારબાદ માતાજીનો માંડવો રોપાય છે અને એકમે અંબાજી, બહુચરાજી અને ગ્રામ દેવી તુળજા ભવાની માતાનું સ્થાપન થાય છે. સ્થાપન બાદ છઠ સુધી ત્રણ ટંક માતાજીની વૈદિક મંત્રોચ્ચારથી આરતી કરવામાં આવે છે. આ આખું આયોજન અમારા ગ્રામજનોને સાથે રહીને કરવામાં આવે છે. ત્યારબાદ સાતમના દિવસે સંધ્યા પહેલાં માતા બહુચરાજીના સામૈયા થાય છે. જે અમારી પરંપરાનું મુખ્ય અનુષ્ઠાન છે.”

  અનુષ્ઠાન બાદ યોજાય છે જાતર, પુરુષો ધારણ કરે છે સ્ત્રી વેશ

  આ અનુષ્ઠાન બાદ લીલાપુરમાં માતાજીની જાતરનું આયોજન કરવામાં આવે છે. આ જાતરમાં માતા બહુચરાજીનું આહ્વાન કરવામાં આવે છે અને ત્યારબાદ પુરુષો સ્ત્રી વેશ ધારણ કરીને માતાજીના ગરબા રમે છે. અહીં પુરુષો દ્વારા સ્ત્રી વેશ જ શા માટે ધારણ કરવામાં આવે છે તેના જવાબમાં રાજેન્દ્ર રાવલ જણાવે છે કે, “આ એકદમ સરળ બાબત છે. આપણી હિંદુ સંસ્કૃતિમાં દરેક દેવીઓનાં આગવાં સ્વરૂપ છે. જેમકે મહાકાળી માતા રૌદ્ર સ્વરૂપમાં છે. મા અંબાજી પ્રૌઢ સ્વરૂપે દર્શન આપે છે. પરંતુ માતા બહુચર એ બાળા સ્વરૂપે છે અને જ્યારે આપણે માતા બહુચરની ઝાંખી કરતા હોઈએ ત્યારે ત્યાં પુરૂષપણું ન હોવું જોઈએ. પુરૂષ કહેતા અહમ આવે, એટલે જગદંબાના સન્મુખ જવું હોય ત્યારે પુરૂષે તેના પુરૂષત્વનો ત્યાગ કરવો પડે છે.”

  રાવલ આગળ જણાવે છે કે, “અહીં જ્યારે પુરૂષ જગદંબાના શરણે જાય ત્યારે પોતાના પુરૂષત્વને ત્યાગીને સ્ત્રી બનીને માતાજીના ચરણોમાં જાય છે. આ વાતની અમને લજ્જા પણ નથી કારણકે અમે માતાના ખોળે રમવા જતા હોઈએ છીએ.” આ દરમિયાન તેમણે અમદાવાદના શાહપુરમાં પણ પુરુષો સ્ત્રી વેશે ગરબા રમે છે તેનો દાખલો પણ આપ્યો. આ સાથે જ લીલાપુરને લઈને એક લોકવાયકા પણ છે કે અહીં સ્ત્રી વેશે ગરબા રમવાની માનતા પણ લોકો રાખે છે, જેના વિશે જણાવતા રાજેન્દ્રએ જણાવ્યું કે, “અમારે ત્યાં કોઈ દોર ધાગા કે અંધશ્રધ્ધા નથી ફેલાવવામાં આવતી. લોકો પોતાનાં વિઘ્નો અને કાર્યો પાર પડે તે માટે મનની આસ્થાથી માનતા રાખે છે અને કાર્ય પૂર્ણ થતાં તેઓ અહીં આવીને સ્ત્રી વેશે ગરબા ગાઈને માતાજીની ભક્તિ કરી ધન્યતા અનુભવે છે.”

  ડૉકટરો, એન્જીન્યરો, પ્રોફેસર અને મોટા વેપારીઓ પણ જોડાયેલા છે આ પરંપરા સાથે

  લીલાપુર ગામની આ અનોખી અને અલૌકિક પરંપરા વિશે જણાવતા રાવલે કહ્યું હતું કે, તેમની સાથે જોડાયેલા લોકોમાં વ્યવસાયે કોઈ ડૉકટર છે, એન્જિનિયરો છે અને પ્રોફેસર પણ છે. તેઓ આખા વર્ષ દરમિયાન પોતાના વ્યવસાય સાથે સંકળાયેલા રહે છે પરંતુ આ પવિત્ર દિવસોમાં તેઓ માતાજીના આ અનુષ્ઠાનમાં જોડાય છે. તેઓ માતાજીને રાજી કરવા ધાર્મિક ઉત્સવો કરે છે. ગુજરાત યુનિવર્સીટીમાં શરૂ કરવામાં આવેલી સાંસ્કૃત જન સીટી શરૂ કરવામાં આવી હતી તેના પૂર્વ કુલપતિ જયશંકર રાવલ પણ અમારી સાથે જોડાયેલા છે. સાથે જ પત્રકારત્વ સાથે જોડાયેલા નિવૃત્ત અભય રાવલ અને તેમના પિતાજી તેમના પિતાજીનું પણ આ પરંપરામાં યોગદાન છે. બ્રિટીશ શાસન દરમિયાન જામનગરમાં રેલ્વેનું વડુમથક હતું અને આ વડા મથકના વડા વિશ્વંભર નરભેરામ રાવલ પણ આ સંસ્કૃતિ સાથે જોડાયેલા હતા.

  સાતમના દિવસે લીલાપૂરમાં વેદિક મંત્રોચ્ચાર સાથે માતાજીનું અનુષ્ઠાન કરવામાં આવે છે, પૂર્ણ પવિત્રતાથી ભવાઈ સંસ્કૃતિ અને પુરુષો સ્ત્રી વેશ ધારણ કરી અલગ અલગ સ્વાંગ રચીને ભવાઈ રમે છે. આઠમની સાંજની આરતીનું ચાચર ચોક જેટલું જ મહત્વ છે, તેના વિશે રાવલે જણાવ્યું કે, “સાતમના રોજ હજારો લોકો અહીં માતાજીનો પ્રસાદ પામે છે. ગામની વસ્તી માત્ર ત્રણેક હજારની છે, પરંતુ દર વર્ષે 25થી 30 હજાર લોકો પ્રસાદ પામીને ધન્યતા અનુભવે છે. ત્યારબાદ રાત્રે માતા બહુચરની આરાધના કરે છે અને સવાર સુધી પુરુષો ગરબે રમે છે. લોકો પોતાની આસ્થા અનુસાર દાઢી-મૂંછ ઉતારી સંપૂર્ણ સ્ત્રીવેશ ધારણ કરીને બાળા સ્વરૂપ જગદંબાના દર્શન કરીને માતાજીના ગરબા ગાય છે. લોકો માનતાઓ પૂરી કરે છે.”

  જર્મનીની યુનિવર્સીટીમાં ભણાવાય છે લીલાપુરની ભવાઈના પાઠ, નરેન્દ્ર મોદી પણ મોકલી ચૂક્યા છે શુભેચ્છા સંદેશ

  પોતાની વાતને આગળ લઇ જતા રાજેન્દ્ર આગળ જણાવે છે કે, “જે ભવાઈ સંસ્કૃતિની પરંપરાને અહીં જાળવી રાખવાનો પ્રયત્ન અમે કરી રહ્યા છીએ તેનો ઉલ્લેખ જર્મનીની યુનિવર્સીટીમાં ભવાઈને લઈને ભણાવવામાં આવતા પાઠમાં પણ છે.” સાથે જ તેમણે વડાપ્રધાન મોદીનું નામ લઈને જણાવ્યું કે, “નરેન્દ્ર મોદી પણ નવરાત્રિની આરાધના કરે છે તે તમામને જાણ છે. તેઓ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયથી અમને શુભેચ્છા સંદેશ પાઠવતા આવ્યા છે. ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલા કેટલાક કાર્યક્રમોમાં પણ અમારા ગરબાના વિડીયોને સરકારે જાહેરમાં બતાવ્યા છે. વિશ્વ ગુજરાતી સમાજે પણ અમારા આ કાર્યની નોંધ લીધી છે.”

  નોંધનીય છે કે હવે અમુક ઠેકાણે કેટલાક લોકોએ નવરાત્રિને માત્ર મનોરંજન કે નાચ-ગાન સાથે જોડાયેલો તહેવાર તરીકે સીમિત કરી રાખ્યો છે, પણ નવરાત્રિનું આધ્યાત્મની દુનિયામાં ઘણું વિશેષ મહત્વ છે. શક્તિના ઉપાસકો નવ દિવસનું વ્રત ધારણ કરીને નવ રાત્રિ દરમિયાન ગરબા દ્વારા શક્તિની ઉપાસના કરે છે. નવરાત્રિ મા પરાશક્તિની ઉપાસનાનું પર્વ છે અને સુરેન્દ્રનગરનું લીલાપુર પોતાની આગવી પરંપરાઓ થકી આ ધાર્મિક મહાપર્વની પવિત્રતાના જતન માટે કાર્ય કરી રહ્યું છે અને તેના માટે જ લીલાપુરના પુરુષો માતા બહુચરાજીની ભક્તિમાં લીન થઈને સ્ત્રી વેશ ધારણ કરી પરંપરાગત રીતે ગરબે ઘૂમે છે. નવરાત્રિ એ માત્ર તહેવાર જ નહીં પરંતુ તેનું આગવું સંસ્કૃતિક અને ધાર્મિક મહત્વ સાથે સાથે વૈજ્ઞાનિક મહત્વ પણ ધરાવે છે. મા જગદંબાના આ મહાપર્વની વિશેષતા અહીં આ લિંક પર ક્લિક કરીને વાંચી શકો છો.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં