Tuesday, April 30, 2024
More
    હોમપેજવગેરે...ધર્મ/સંસ્કૃતિએક એવું શિવાલય જ્યાં ભગવાન શ્રીકૃષ્ણએ સ્વયં સ્થાપી હતી શિવ મૂર્તિ, હવે...

    એક એવું શિવાલય જ્યાં ભગવાન શ્રીકૃષ્ણએ સ્વયં સ્થાપી હતી શિવ મૂર્તિ, હવે ત્યાં બની રહ્યું છે ભવ્ય મંદિર: PM મોદીના હસ્તે થશે પ્રાણપ્રતિષ્ઠા, જાણો મહેસાણાના વાળીનાથ મહાદેવ મંદિરનો અદભૂત ઇતિહાસ

    માત્ર બ્રાહ્મણ પૂજારી જ હોય શકે તેવા મિથકને ગુજરાતના મંદિરો સદીઓથી તોડતા આવ્યા છે. વાળીનાથ મંદિરના તાજેતરના ગાદીપતિ જયરામગીરી બાપુનો જન્મ પણ રબારી સમાજમાં થયો હતો. હાલના સમયમાં તેઓ જ વાળીનાથ મંદિરના પૂજારી તરીકે સેવા આપી રહ્યા છે.

    - Advertisement -

    22 ફેબ્રુઆરી, 2024ના પવિત્ર દિવસે ગુરુપુષ્ય અમૃત સિદ્ધિ યોગમાં મહેસાણાના તરભમાં આવેલા વાળીનાથ મહાદેવના ભવ્ય મંદિર અને શિવલિંગની પ્રાણપ્રતિષ્ઠા થવા જઈ રહી છે. આ પાવન પ્રસંગે દેશના અનેક સાધુ-સંતો ઉપસ્થિત રહેવાના છે. વડાપ્રધાન મોદીના હસ્તે આ પવિત્ર કાર્ય કરવામાં આવી રહ્યું છે. વાળીનાથ મહાદેવ મંદિરનો ઇતિહાસ ખૂબ જ રોચક અને ભવ્ય હોવાનું મનાય છે. ત્યાંના સ્થાનિકોનું કહેવું છે કે, મહાભારત કાળથી લઈને હમણાં સુધી અહિયાં ભગવાન વાળીનાથની પૂજા કરવામાં આવે છે. ત્યાંનાં સ્થાનિક લોકોની આસ્થા પણ આ શિવધામ સાથે ખૂબ જોડાયેલી છે.

    મહેસાણાના વાળીનાથ મંદિરનો ભવ્ય ઇતિહાસ જાણવા માટે ઑપઇન્ડિયા સ્થાનિક લોકો સુધી પહોંચ્યું હતું. વાળીનાથ મહાદેવ પ્રત્યે રબારી સમાજની વિશેષ આસ્થા જોડાયેલી છે. તેમજ ત્યાંના સ્થાનિક હિંદુઓ પણ વાળીનાથ મહાદેવની પૂજા-અર્ચના કરે છે. ઑપઇન્ડિયાએ ત્યાંના સ્થાનિક રાજદીપભાઈ રબારીનો સંપર્ક કર્યો હતો. રાજદીપભાઈ રબારીની સાથે તેમનો આખો પરિવાર વાળીનાથ મહાદેવને પોતાના આરાધ્ય માને છે. સાથે રબારી સમાજ પણ વિશેષ રીતે આ મંદિરની જાળવણી કરે છે. રાજદીપભાઈ રબારીએ ઑપઇન્ડિયાને વાળીનાથ મહાદેવ મંદિરનો ભવ્ય ઇતિહાસ જણાવ્યો હતો.

    ભગવાન શ્રીકૃષ્ણએ સ્થાપી હતી શિવ પ્રતિમા

    રાજદીપભાઈ દેસાઈના જણાવ્યા અનુસાર, ભગવાન શ્રીકૃષ્ણ દ્વારકા સ્થાયી થયા હતા. તે દરમિયાન તેઓ અનેક સ્થળો અને જંગલોના દર્શન કરવા માટે ગુજરાત ભ્રમણ કરતાં રહેતા હતા. એકવાર તેઓ ફરતા-ફરતા ઉત્તર ગુજરાતના દર્ભના જંગલોમાં (તાજેતરનો વાળીનાથ મંદિરનો વિસ્તાર) ગયા હતા. ત્યાં ભગવાન શ્રીકૃષ્ણ સંઘ સાથે રોકાયા હતા. ત્યારે તેમણે ત્યાં ગોપીઓ સાથે ભવ્ય રાસલીલા કરી હતી. આ રાસલીલામાં કોઈ બાહરી પુરુષનો નિષેધ હતો. તે સમયે ભગવાન શ્રીકૃષ્ણની રાસલીલાના દિવ્ય દર્શન કરવાની ઈચ્છા ભગવાન મહાદેવને થઈ હતી. પરંતુ પુરુષ નિષેધ હોવાના કારણે તેમણે ગોપીના સ્વરૂપમાં આવી રાસલીલામાં ભાગ લીધો હતો.

    - Advertisement -

    ભગવાન શ્રીકૃષ્ણ સાથે ગોપીઓ અને મહાદેવ સ્વયં રાસલીલા કરી રહ્યા હતા. પરંતુ તે દરમિયાન ભગવાન શ્રીકૃષ્ણ મહાદેવને ઓળખી ગયા અને શિવજીને કહ્યું કે, “આપ તો દેવોના દેવ મહાદેવ છો, અમારા સૌના તમે આરાધ્ય છો. તમારી ઉપસ્થિતિ તો અમારા માટે સૌભાગ્યની વાત છે. તમારા માટે આ રાસલીલામાં પ્રવેશ નિષેધ કઈ રીતે હોય શકે? તમે પોતાના મૂળ રૂપમાં દર્શન આપો.” ભગવાન શ્રીકૃષ્ણના વાક્યો સાંભળીને ભગવાન મહાદેવ તેમના સનાતન સત્ય સ્વરૂપમાં પ્રગટ થાય છે. પરંતુ ગોપી તરીકે તેમણે કાનમાં પહેરેલી વાળી (કાનનું આભૂષણ) રહી જાય છે. ત્યારે સૌપ્રથમ ભગવાન શ્રીકૃષ્ણ તેમને વાળીનાથ કહીને સંબોધિત કરે છે.

    વાળીનાથ મહાદેવની મૂર્તિ

    આ સમગ્ર ઘટનાક્રમ બાદ ભગવાન શ્રીકૃષ્ણને મહાદેવનું તે વાળી ધારણ કરેલું સ્વરૂપ અલૌકિક અને દિવ્ય લાગે છે. જે પછી ભગવાન કૃષ્ણ સ્વયં મહાદેવની વાળી ધારણ કરેલી મૂર્તિની ત્યાં સ્થાપન કરે છે. ત્યારથી લઈને અત્યાર સુધી તે ભગવાન શિવની મૂર્તિને વાળીનાથ મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે. ભારતનું આ કદાચ પ્રથમ એવું મંદિર છે, જ્યાં શિવલિંગની જગ્યા પર શિવ પ્રતિમાની આરાધના કરવામાં આવતી હોય.

    રબારી સમાજ સાથે શું છે સંબંધ?

    ઉત્તર ગુજરાતનો રબારી સમાજ વાળીનાથ મહાદેવ પ્રત્યે ખૂબ જ આસ્થા ધરાવે છે. જેની પાછળ પણ વાળીનાથ મહાદેવ મંદિરનો ભવ્ય ઇતિહાસ છુપાયેલો છે. શ્રીકૃષ્ણએ મૂર્તિની સ્થાપન કરી, તે બાદ અનેક સદીઓ વીતી ગઈ. કાળચક્રની દુર્ગમ સ્થિતિ દરમિયાન વાળીનાથ મહાદેવનું મંદિર ધીરે-ધીરે જર્જરિત થઈ ગયું અને એક સમય એવો આવ્યો કે, આ મંદિરને ધરતીએ પોતાનામાં સમાવી લીધું. પરંતુ જ્યાં સત્ય શક્તિ અને દિવ્યતા છે, તે જાગ્રત થયા વગર રહેતી નથી. આજથી 9 સદી પહેલા દર્ભના જંગલો નજીક રૂપેણ નદીના કિનારે તરભોવન મોયડાવ નામનો એક રબારી ગાયો ચરાવી રહ્યો હતો. તે દરમિયાન અચાનક તેને ઊંઘ આવવા લાગે છે અને નદીના કાંઠે પ્રકૃતિની વચ્ચે તે એક ઝાડના થડ નજીક વિશ્રામ કરે છે.

    તરભોવન રબારી ઊંઘી રહ્યો હતો. તે દરમિયાન તેના સ્વપ્નમાં કોઈ દિવ્ય શક્તિએ ચેતના પૂરી અને તેને સમગ્ર મંદિર અને તેના સ્થળ વિશેની જાણ કરી. સાથે સ્વપ્નમાં કહેવામાં આવ્યું કે, તે સ્થળ પર વૃક્ષ નીચે બેઠેલા એક સન્યાસીને આ વિશે જાણ કરજે. તરભોવન રબારીએ તે સંતને સ્વપ્ન વિશેની વાત કરી. આગળ જતાં તે સંત વાળીનાથ ગાદીના પ્રથમ ગાદીપતિ મહંત વિરમગીરી બાપુ તરીકે ઓળખાયા હતા. તરભોવન રબારીએ વિરમગીરીને સ્વપ્ન વિશેની વાત કરી હતી. જે બાદ ત્યાં ખોદકામ કરવામાં આવ્યું તો ત્યાં સાક્ષાત પ્રાચીન મંદિરના અવશેષો અને વાળીનાથ મહાદેવની પ્રતિમા નીકળી હતી.

    જે બાદ તરભોવન રબારીએ ત્યાં વાળીનાથ મહાદેવની તે મૂર્તિની સ્થાપના કરી હતી. સાથે રબારીએ ત્યાં મંદિર બનાવ્યું અને તેને સંતોની ગુરૂગાદી તરીકે સ્થાપિત કર્યું હતું. રબારીએ વાળીનાથ ગાદીના પ્રથમ મહંત અને ગુરુ તરીકે વિરમગીરી બાપુને બેસાડ્યા હતા. તરભોવન રબારીએ વાળીનાથ વિસ્તારમાં ગુરુગાદીની સેવા શરૂ કરી અને ત્યાં એક ગામ વસાવી વસવાટ શરૂ કર્યો. તે ગામ એટલે મહેસાણાનું તરભ, જેને 900 વર્ષો પહેલાં તરભોવન રબારીએ વસાવ્યું હતું. આ જ કારણે રબારી સમાજના લોકોની વિશેષ આસ્થા વાળીનાથ મહાદેવ પ્રત્યે જોવા મળે છે.

    સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ, પ્રાચીન ગ્રંથમાં પણ મંદિરનો ઉલ્લેખ

    રબારીઓની ગુરુગાદી તરીકે સ્થાપિત પવિત્ર વાળીનાથ ગાદીના ગાદીપતિ મહંતો અવારનવાર ગીરનારની યાત્રા એ જતાં. એ દરમિયાન સૌરાષ્ટ્રના કાઠીઓમાં મહેમાનગતિ માણતા અને ત્યાં ધર્મઉપદેશ આપતા. આથી વર્ષો પુર્વે સૌરાષ્ટ્રનો કાઠી સમાજ પણ વાળીનાથ મહાદેવ પર રબારી સમાજ જેટલી જ આસ્થા ધરાવતો હતો. એક કાઠીએ ગાદીપતિ મહંતને ‘રેમી ઘોડી’ ભેટ કરી હતી જે ઘોડીનો વંશ પણ આજે હયાત છે. સમયાંતરે શ્રીકૃષ્ણ દ્વારા સ્થાપિત વાળીનાથ મંદિરમાં ફેરફારો થતાં રહ્યા છે. ખોદકામ કર્યા બાદ પણ દરેક ગાદીપતિ મહંતે પોતાના સમય દરમિયાન આ મંદિરની જીર્ણોદ્ધાર કરાવ્યો અને નવો આકાર આપ્યો છે.

    આજે પણ કરોડોના ખર્ચે પુર્વ ગાદીપતિ બળદેવબાપુએ ભવ્ય અને દિવ્ય વાળીનાથ મંદિરના નિર્માણનો આરંભ કરાવ્યો હતો. જે હવે વર્તમાન ગાદીપતિ જયરામગીરી બાપુએ પુર્ણ કરાવ્યો છે. ભલે વાળીનાથ રબારી સમાજની ગુરુગાદી તરીકે સ્થાપિત હોય પણ પ્રાચીન કાળથી મંદિર દરેક સમાજ માટે શ્રદ્ધાનું કેન્દ્ર રહ્યું છે અને સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ રહ્યું છે. દરેક ગાદીપતિ પણ દરેક સમાજમાં પોતાના સત્કર્મની સુવાસ ફેલાવતા આવ્યા છે. આ પરીસરમાં અનેક સંત અને સતીઓએ જીવંત સમાધિ લીધી છે. માત્ર સનાતન ધર્મ જ નહીં પણ ઘણા મુસ્લિમો પણ પુર્વકાળમાં વાળીનાથ મહાદેવમાં અપાર શ્રદ્ધા રાખતા હતા. મંદિરમાં 12 વર્ષની મુસ્લિમ કન્યા નાથીબાઈએ જીવંત સમાધિ લીધી હતી. તેનો પુરાવો આજે પણ મોજૂદ છે.

    વાળીનાથ મંદિરમાં આવેલ રુદ્રાક્ષ શિવલિંગ

    સદીઓ પુર્વે લખાયેલા કાન્હડદે પ્રબંધ નામના પદ્મનાથના પ્રાચીન ગ્રંથમાં રુપેણ કાંઠાના દર્ભના જંગલમાં વાળીનાથ મહાદેવનું મંદિર હોવાનો ઉલ્લેખ પણ છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, સર્વજ્ઞાતિના આસ્થા કેન્દ્ર એવા વાળીનાથ મહાદેવના મંદિરની પ્રાચીનતા અને ધાર્મિક તથા ઐતિહાસિક મહત્વ દરૈક શાસકો અને સ્વતંત્રતા પછી પણ દરેક મુખ્યમંત્રી જાળવતા આવ્યા છે. ઉત્તર ગુજરાતમાં એકમાત્ર વર્ષોથી ચાલતું કોઈ મોટું અન્નક્ષેત્ર હોય તો તે વાળીનાથ છે. આ ઉપરાંત વાળીનાથ ભારતવર્ષના 13 સૌથી પવિત્ર દશનામી અખાડામાં સ્થાન પામેલું છે. આ 13 અખાડા કુંભના મેળામાં શાહી સ્નાન કરે છે અને તેમનુ શાહી સન્માન પણ કરવામાં આવે છે.

    મંદિરના પૂજારી તરીકે રબારી સમાજના મહંત બજાવે છે ફરજ

    નોંધવા જેવુ છે કે, ગુજરાતના અનેક મંદિરો અને દેવસ્થાનોમાં અલગ-અલગ જ્ઞાતિના પૂજારીઓ જોવા મળે છે. માત્ર બ્રાહ્મણ પૂજારી જ હોય શકે તેવા મિથકને ગુજરાતના મંદિરો સદીઓથી તોડતા આવ્યા છે. વાળીનાથ મંદિરના તાજેતરના ગાદીપતિ જયરામગીરી બાપુનો જન્મ પણ રબારી સમાજમાં થયો હતો. જોકે, તે બાદ તેમણે દશનામી અખાડાના મહંત તરીકે સન્યાસ લીધો હતો, પરંતુ તેઓ જન્મથી બ્રાહ્મણ નથી છતાં વાળીનાથ મહાદેવ મંદિરના પૂજારી તરીકે અને મહંત તરીકે કાર્યરત છે. જે સામાજિક સમરસતાને વધુ પ્રોત્સાહન આપે છે.

    માત્ર વાળીનાથ મહાદેવ મદિર જ નહીં પરંતુ ગુજરાતમાં એવા સેંકડો મંદિરો છે, જ્યાં સમગ્ર હિંદુ સમાજમાંથી પૂજારીની પસંદગી કરવામાં આવે છે. ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ, ગુરુ આશ્રમ બગદાણામાં પણ બ્રાહ્મણ પૂજારી નથી. ત્યાં રામાનંદી પરંપરામાંથી આવતા એક વ્યક્તિને પૂજારી તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો છે.

    મહેસાણાના તરભમાં આવેલા વાળીનાથ મહાદેવ મંદિરનો ભવ્ય ઇતિહાસ ખૂબ રોચક અને પ્રચલિત છે. આ ઇતિહાસનો ઉલ્લેખ ઘણા પ્રાચીન પુસ્તકોમાં પણ કરવામાં આવ્યો છે. સ્થાનિકો અનુસાર, ભગવાન વાળીનાથ દરેક સમાજના આરાધ્ય છે. એવું નથી કે માત્ર રબારી સમાજનું જ મંદિર છે. દરેક જ્ઞાતિના શ્રદ્ધાળુઓ ભગવાનને શીશ નમાવે છે. સાથે ઘણી લોકવાયકા અને લોકસંસ્કૃતિઓ પણ વાળીનાથ મહાદેવના મંદિર સાથે જોડાયેલી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં