વર્તમાનમાં બાંગ્લાદેશમાં (Bangladesh) જે સ્થિતિ પ્રસરેલી છે કદાચ એટલી જ ભયાનક સ્થિતિ વર્ષ 1971માં પણ હતી. આ એ જ વર્ષ છે જે વર્તમાનમાં પણ ભારત (Bharat), પાકિસ્તાન (Pakistan) અને બાંગ્લાદેશ (Bangladesh) ત્રણેય માટે ખૂબ મહત્વ ધરાવે છે. ત્યારે બાંગ્લાદેશ પૂર્વ પાકિસ્તાન (East Pakistan) તરીકે ઓળખાતું હતું અને પાકિસ્તાનનો જ એક ભાગ ગણાતું હતું. પ્રવર્તમાન સમયમાં પૂર્વ પાકિસ્તાનની જનતા તેને એક સ્વતંત્ર દેશ બનાવવા માટે બળવો કરી રહી હતી અને આ બળવાને દબાવવા પાકિસ્તાની સેના જનતા પર અમાનવીય અત્યાચારો કરી હતી. આ સમયે ભારતે પૂર્વી પાકિસ્તાનની મદદ કરવાનું નક્કી કર્યું જેના ફળ સ્વરૂપ પૂર્વ પાકિસ્તાનને બાંગ્લાદેશ તરીકે નવો જન્મ મળવાનો હતો. બાંગ્લાદેશ નિર્માણમાં ભારતીય નૌસેના દ્વારા કરવામાં આવેલ ઓપરેશન ટ્રાઈડેન્ટ (Operation Trident) ખૂબ મહત્વપૂર્ણ ભાગ ભજવવાનું હતું.
ઓપરેશન ટ્રાઈડેન્ટની પૂર્વ ભૂમિકા
બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના પિતા શેખ મુજીબુર રહેમાન પાકિસ્તાનથી પૂર્વ પાકિસ્તાનને અલગ કરી એક અલગ દેશનું નિર્માણ કરવા માંગતા હતા. જે માટે તેઓ લડત પણ ચલાવી રહ્યા હતા. જેના માટે પાકિસ્તાને તેમના પર અને અન્ય બંગાળી નેતાઓ વિરુદ્ધ અલગાવવાદની લડત ચલાવવાનો કેસ ચલાવ્યો. પરિણામ સ્વરૂપ 1970ની ચૂંટણીમાં તેમની પાર્ટી આવામી લીગે પૂર્વી પાકિસ્તાનની 169 સીટમાંથી 167 સીટો જીતી પરંતુ પાકિસ્તાને તેમની કપટ કરીને સરકાર બનાવવા દીધી નહીં. જેના કારણે પૂર્વ પાકિસ્તાનની જનતામાં આક્રોશ વધ્યો અને બળવો પ્રબળ બન્યો. જેને દબાવવા પાકિસ્તાને 1973માં તેની સેના મોકલી.
પાકિસ્તાની સેના દ્વારા પૂર્વ પાકિસ્તાનની જનતા સાથે અમાનવીય કૃત્યો કરવામાં આવવા લાગ્યા, સેનાએ મહિલાઓ સાથે દુષ્કર્મ કર્યા અને સેંકડો લોકોનો નરસંહાર કર્યો. મુજીબુરની ધરપકડ કરવામાં આવી અને આવામી લીગના સભ્યો ભાગીને ભારત આવવા લાગ્યા. જેના પરિણામે ભારતમાં શરણાર્થીઓનું સંકટ વધવા લાગ્યું, જોતજોતામાં 1 કરોડથી વધુ લોકો ભારત આવી ચુક્યા હતા. બીજી તરફ ભારતમાં પણ પાકિસ્તાન વિરુદ્ધ કાર્યવાહી કરવાનું દબાણ વધી રહ્યું હતું. 29 જુલાઈ, 1971ના રોજ, પૂર્વ પાકિસ્તાનની મદદ કરવા ભારતીય સંસદમાં જાહેરમાં જાહેરાત કરવામાં આવી હતી. ભારતીય સેનાએ પોતાના તરફથી તૈયારીઓ શરૂ કરી દીધી હતી.
3 ડિસેમ્બરે પાકિસ્તાને હુમલો કર્યા બાદ શરૂ થયું ઓપરેશન ટ્રાઈડેન્ટ
પશ્ચિમ પાકિસ્તાનમાં ભારત પર હુમલો કરવાની માંગ વધવા લાગી. બીજી તરફ પૂર્વ પાકિસ્તાનની સરહદ પર ભારતીય સૈનિકો ચાંપતી નજર રાખી રહ્યા હતા. 23 નવેમ્બર, 1971ના રોજ, પાકિસ્તાનના રાષ્ટ્રપતિ યાહ્યા ખાને પાકિસ્તાનીઓને યુદ્ધ માટે તૈયાર રહેવા કહ્યું. 3 ડિસેમ્બરે પાકિસ્તાન એરફોર્સે ભારત પર હુમલો કર્યો અને અમૃતસર અને આગ્રા સહિત ભારતના ઘણા શહેરોને નિશાન બનાવવામાં આવ્યા. આ હુમલાનો જવાબ આપવા અને આ યુદ્ધમાં ઇતિહાસ રચવા ભારતીય નૌસેના અગાઉથી તૈયાર જ હતી. સમગ્ર યુદ્ધમાં ભારતીય નૌસેનાએ મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો તથા અરબ સાગર અને બંગાળાની ખાડી બંને સ્થાનો પર પૂર્ણ જીત મેળવી. જોકે આ જીતમાં ઓપરેશન ટ્રાઈડેન્ટે વિશેષ ભૂમિકા ભજવી.
4 ડિસેમ્બરે શરૂ થયું હતું ઓપરેશન ટ્રાઈડેન્ટ
પાકિસ્તાનની નાપાક હરકતોનો જવાબ આપવા માટે પાકિસ્તાનનું નાક દબાવવું આવશ્યક હતું. ત્યારે ભારતીય નૌસેનાએ પાકિસ્તાનના કરાંચી બંદર પર હુમલો કરવાની યુદ્ધનીતિ તૈયાર કરી. કરાંચી પાકિસ્તાનનું સૌથી મોટું બંદર અને મહત્વપૂર્ણ વેપાર કેન્દ્ર હતું. તે પાકિસ્તાનના નૌકાદળ અને દરિયાઈ પુરવઠાનું પણ મુખ્ય કેન્દ્ર પણ હતું. તેને લક્ષ્ય બનાવવા માટે ઓપરેશન ટ્રાઈડેન્ટ શરૂ થયું. નેવલ ફ્લીટને મુંબઈ અને ઓખા મોકલવાના આદેશ આપવામાં આવ્યા હતા. કરાંચી બંદરમાં બોમ્બ ધડાકા કરવાની ભારતની યોજના એકદમ તૈયાર હતી.
આ ઓપરેશનમાં ભારતીય નૌકાદળે 25મી મિસાઈલ બોટ સ્ક્વોડ્રનનું ‘કરાચી સ્ટ્રાઈક ગ્રુપ’, જેને ‘કિલર સ્ક્વોડ્રન’ તરીકે પણ ઓળખાય છે તેને સજ્જ કર્યું. તેમાં બે petya-ક્લાસ જહાજો કચૈલ અને કિલ્ટન ઉપરાંત INS નિર્ઘાટ, INS નિપાત અને INS વીર જેવી નાની, ઝડપી અને આધુનિક મિસાઈલ બોટનો સમાવેશ થાય છે. આ જહાજો સોવિયત યુનિયન તરફથી મળેલી અત્યાધુનિક P-15 સ્ટાઈક્સ મિસાઈલોથી સજ્જ હતા. કવર આપવા માટે દ્વારકા બંદર પર મિસાઈલ બોટ તૈનાત કરવામાં આવી. મિસાઈલ બોટમાં ચાર રશિયન સ્ટાઈક્સ સરફેસ ટુ સરફેસ મિસાઈલો લગાવવામાં આવી હતી.
આમ તો આ ઓપરેશન 3 ડિસેમ્બરે કરવાનું હતું પરંતુ પાકિસ્તાને ભારત પર હવાઈ હુમલો કરતા તારીખ બદલીને 4 ડિસેમ્બરની કરી દેવામાં આવી. કિલર સ્ક્વોડ્રનના કમાન્ડિંગ ઓફિસર કમાન્ડર બબરુ ભાન યાદવને કરાચી બંદર પર હુમલો કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. પેટ્યાને મિસાઈલ બોટ સાથે તેમના યોગ્ય રડાર સાથે, વધુ સારા લક્ષ્યાંક પૂરા પાડવા અને કટોકટીની સ્થિતિમાં બોટને ખેંચવાનું કામ સોંપવામાં આવ્યું હતું.
પાકિસ્તાની જહાજોનો વેર્યો વિનાશ
નોંધનીય છે કે યુદ્ધ પહેલા, પાકિસ્તાન નૌકાદળે કરાંચી જતા તમામ વેપારી જહાજો માટે 75-માઇલ (120 કિમી) સીમા રેખા બનાવી હતી અને તેમને સૂર્યાસ્ત અને સવારની વચ્ચે તે વિસ્તારમાં કોઈ પણ કાર્ય ન કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. ભારતીય નૌ સેનાએ રાત્રિના સમયે કરાંચી બંદર પર હુમલો કર્યો. જ્યારે ‘કિલર સ્ક્વોડ્રન’ સ્ટ્રાઈક ગ્રૂપ કરાંચીથી 112 કિલોમીટરના અંતરે પહોંચ્યું, ત્યારે ઉત્તર-પશ્ચિમમાં 70 કિલોમીટર દૂર એક ટાર્ગેટ દેખાયો. જયારે બીજું ટાર્ગેટ લગભગ 68 કિલોમીટર દૂર ઉત્તર-પૂર્વમાં દેખાયો. સ્ટ્રાઈક ગ્રૂપે આ બંને ટાર્ગેટ પર 75 કિલોમીટરની રેન્જ સાથે સ્ટાઈક્સ મિસાઈલો લોન્ચ કરવાની તૈયારી કરી લીધી.
INS નિર્ઘાટે ઉત્તર-પશ્ચિમ તરફના લક્ષ્ય પર હુમલો કર્યો અને બે સ્ટાઈક્સ મિસાઇલો છોડી. સ્ટાઈક્સે PNS ખૈબરને નષ્ટ કરી દીધું. INS નિપાતમાંથી પણ બે મિસાઇલો લોન્ચ કરવામાં આવી અને વેપારી જહાજ MV વિનસ ચેલેન્જરનો ખાત્મો બોલાવી દીધો, આ જહાજમાં પાકિસ્તાની સૈન્યના શસ્ત્રો હોવાની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી હતી. બીજી તરફ INS વીરે દરિયાકાંઠાના માઈનસ્વીપર PNS મુહાફિઝને નષ્ટ કરી નાખ્યું અને કમાન્ડર બીબી યાદવે INS નિપાત પરથી બાકીની સ્ટાઈક્સ મિસાઈલો કેમારી ઓઈલ રિફાઈનરી પર છોડી અને તેને આગ લગાવી દીધી. જેમને મહાવીર ચક્ર એનાયત કરવામાં આવ્યું હતું.
આ ઓપરેશન દરમિયાન નૌ સેનાએ કરાંચી બંદરગાહ પર એટલી તાબડતોડ હુમલા કર્યા હતા કે પાકિસ્તાન કાંઈ સમજી શકે એની પહેલાં તો તેને ₹700 કરોડનું નુકસાન થઇ ચુક્યું હતું. રાત્રે હુમલો કરવાની યોજના એટલા માટે બનાવવામાં આવી હતી કારણકે પાકિસ્તાનના વિમાનો રાત્રિ દરમિયાન યુદ્ધ કરી શકે એવી ક્ષમતા ધરાવતા નહોતા. ઓપરેશન ટ્રાઈડેન્ટ ભારતીય નૌસેના દ્વારા કરવામાં આવેલ અભૂતપૂર્વ સફળ ઓપરેશન હતું કારણકે આ ઓપરેશન દરમિયાન ઉપયોગમાં લેવાયેલા બધા જહાજ સુરક્ષિત પરત આવ્યા હતા તથા ભારતને સહેજેય નુકસાન થયું નહોતું.
ઓપરેશન ટ્રાઈડેન્ટની સફળતાના પગલે 4 ડિસેમ્બરે ઉજવાય છે ભારતીય નૌસેના દિવસ
નોંધનીય છે કે આ ઓપરેશનમાં ભારતીય નૌસેનાએ પ્રથમ વખત મિસાઈલ બોટ્સનો ઉપયોગ કર્યો હતો. આ ઓપરેશને પાકિસ્તાનને તેની જગ્યા બતાવી દીધી હતી અને ભારતીય નૌસેનાનું વૈશ્વિક સ્તરે પ્રભુત્વ ઉભું કર્યું હતું. આ ઓપરેશન ભારતીય નૌસેનાની તાકાત, સાહસ અને વીરતાનું તથા ભારતીય સરહદોની સુરક્ષામાં નૌસેનાના મહત્વને પ્રકાશિત કરે છે. ઓપરેશન ટ્રાઈડેન્ટની સફળતાના કારણે જ ભારત દર વર્ષે 4 ડિસેમ્બરે નૌસેના દિવસની (Navy Day) ઉજવણી કરે છે. નોંધનીય છે કે આ ઓપરેશનની સફળતા બાદ ભારત માટે પાકિસ્તાન વિરુદ્ધ વિજય મેળવો ઘણા અંશે સરળ બની ગયો હતો.