Friday, September 20, 2024
More
    હોમપેજદેશશાળામાં ઉર્દૂ શિક્ષકની નિમણૂક વિરુદ્ધ શરૂ કર્યું હતું આંદોલન, બદલામાં મળી બંગાળ...

    શાળામાં ઉર્દૂ શિક્ષકની નિમણૂક વિરુદ્ધ શરૂ કર્યું હતું આંદોલન, બદલામાં મળી બંગાળ પોલીસની ગોળી: વાત 2 હિંદુ યુવાનોના બલિદાનની, જેમના કારણે 20 સપ્ટેમ્બરે મનાવાય છે ‘બાંગ્લા ભાષા દિવસ’

    વિદ્યાર્થીઓનું કહેવું હતું કે શાળામાં વિજ્ઞાન અને ગણિત જેવા વિષયોના શિક્ષકોની જરૂર છે, ઉર્દૂ શિક્ષકોની નહીં. વાત સરકારના કાને ન પડતાં આખરે વિદ્યાર્થીઓએ પ્રદર્શન શરૂ કર્યું અને ઉર્દૂ શિક્ષકની ભરતીનો વિરોધ કરવાનો શરૂ કર્યો. પછીથી અમુક ગામલોકો પણ તેમની સાથે જોડાયા અને વિવાદે વેગ પકડ્યો. 

    - Advertisement -

    ભારતની સ્વતંત્રતા પછી રાજ્યોનું વિભાજન મોટેભાગે ભાષાના આધારે જ થયું. આ જ આધાર પર એક રાજ્ય બન્યું હતું બંગાળ. આપણે પણ આમ તો ભાષાના આધારે જ મહારાષ્ટ્રમાંથી છૂટા પડ્યા અને ગુજરાતીઓનું ગુજરાત બન્યું, પણ ભાષા અને સાહિત્યની બાબતમાં ગુજરાત કરતાં બંગાળ અને દક્ષિણનાં રાજ્યો થોડાં વધુ સંવેદનશીલ છે એ પણ એક હકીકત છે. આ જ ભાષા મુદ્દે વર્ષ 2018માં એક ચળવળ થઈ હતી, જેમાં પછી પોલીસના ગોળીબારમાં બે યુવાનો બલિદાન થઈ ગયા. તે દિવસ હતો 20 સપ્ટેમ્બર. આ યુવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે દર વર્ષે 20 સપ્ટેમ્બરે બંગાળમાં ભાજપ અને અન્ય અમુક સંગઠનો ‘બાંગ્લા ભાષા દિવસ’ તરીકે મનાવે છે. 

    પશ્ચિમ બંગાળ ભાજપે X પર એક પોસ્ટ કરીને લખ્યું, “પશ્ચિમ બંગાળ ભાષા દિવસ’ પર ઉર્દૂ અતિક્રમણ સામે દરિવિત હાઇસ્કૂલમાં પ્રદર્શનો દરમિયાન બંગાળી ભાષા માટે બલિદાન આપનાર ભાષાવીર રાજેશ અને તાપસને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ.’

    બંગાળમાં ભાષા મુદ્દેની સંવેદનશીલતા અને તેના માટેની ચળવળોનો ઇતિહાસ જૂનો છે. 1952માં બાંગ્લાદેશનું અસ્તિત્વ ન હતું અને હાલ જે ભાગ બાંગ્લાદેશ છે (જે સ્વતંત્રતા પહેલાં પૂર્વ બંગાળ હતો) તેને પૂર્વ પાકિસ્તાન કહેવાતો. 1952માં અહીં બંગાળી મુસ્લિમો ઉર્દૂને પાકિસ્તાનની સત્તાવાર ભાષા બનાવવા સામે પડ્યા હતા. પછીથી ઢાકામાં મોટાપાયે પ્રદર્શનો પણ થયાં અને તેને ડામવા માટે પાકિસ્તાની સરકારે બળપ્રયોગ કર્યો, જેમાં ચાર લોકો મૃત્યુ પામ્યા હતા. જે દિવસે આ ગોળીબાર થયો તે દિવસ (21 ફેબ્રુઆરી) બાંગ્લાદેશમાં આજે ‘ભાષા દિવસ’ તરીકે મનાવવામાં આવે છે. 1954માં પછી ઉર્દૂ સાથે બંગાળીને પણ પાકિસ્તાનની સત્તાવાર ભાષા ઘોષિત કરવામાં આવી અને આખરે 1971માં બાંગ્લાદેશ એક સ્વતંત્ર રાષ્ટ્ર બન્યું. 

    - Advertisement -

    ઈસ્લામપુરમાં બની હતી ઘટના 

    ભાષા અને પ્રદર્શનો સંબંધિત આવી જ એક ઘટના પશ્ચિમ બંગાળ સાથે પણ જોડાયેલી છે. વાત છે પશ્ચિમ બંગાળના ઉત્તર દિનાજપુર જિલ્લાની. આ જિલ્લો 1992માં બન્યો હતો. તેની સંપૂર્ણ પૂર્વ સરહદ બાંગ્લાદેશ સાથે જોડાયેલી છે. અહીં એક તાલુકો છે ઇસ્લામપુર. તેની આગળ ચર્ચા કરીએ તે પહેલાં અહીંની ડેમોગ્રાફી સમજીએ. 

    1971માં જ્યારે બાંગ્લાદેશ બન્યું ત્યારે આ વિસ્તારની હિંદુ વસ્તી 63 ટકા અને મુસ્લિમ વસ્તી 35 ટકા જેટલી હતી. એક દાયકાના કોમ્યુનિસ્ટ શાસન પછી હિંદુ વસ્તી 54.2% થઈ ગઈ અને મુસ્લિમ વસ્તી 45.35% પર પહોંચી. પછી વર્ષો બાદ તૃણમૂલ કોંગ્રેસનું શાસન આવ્યું અને 2011 આવતાં સુધીમાં ઉત્તર દિનાજપુર મુસ્લિમ બહુલ જિલ્લો બની ગયો. 2011ની વસ્તી ગણતરીના આંકડા જોઈએ તો ઈસ્લામપુરમાં હિંદુ વસ્તી માત્ર 28% રહી છે. હવે નવેસરથી ગણતરી થશે તો નવા આંકડાઓ જાણવા મળશે. 

    આ ઇસ્લામપુરમાં બાંગ્લાદેશ સરહદેથી માત્ર 2 કિલોમીટર અંતરે એક દરિવિત હાઈસ્કૂલ સ્થિત છે. સપ્ટેમ્બર, 2018માં અહીં શિક્ષકોની ભરતીને લઈને વિવાદ થયો હતો. બન્યું હતું એવું કે આ સરકારી શાળામાં ઉર્દૂ અને સંસ્કૃતના શિક્ષકોની ભરતી કરવામાં આવી હતી. જેનો વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો હતો. તેમનું કહેવું હતું કે ઉર્દૂ માટે પૂરતા શિક્ષકો છે અને શાળામાં કોઈ ઉર્દૂ બોલતા વિદ્યાર્થીઓ પણ અભ્યાસ કરતા નથી. છતાં સ્થાનિક મુસ્લિમ નેતાઓના દબાણને વશ થઈને રાજ્યની મમતા બેનર્જી સરકારે અહીં ઉર્દૂ શિક્ષકની ભરતી કરી હતી. સંસ્કૃત શિક્ષકની ભરતી સંભવતઃ એટલા માટે કરી હોવી જોઈએ, જેથી ઉર્દૂ શિક્ષકની ભરતી સામેનો આક્રોશ થોડોઘણો ટાળી શકાય.

    પણ તેવું બન્યું નહીં અને વિરોધની આગ વધુ સળગી. વિદ્યાર્થીઓનું કહેવું હતું કે શાળામાં વિજ્ઞાન અને ગણિત જેવા વિષયોના શિક્ષકોની જરૂર છે, ઉર્દૂ શિક્ષકોની નહીં. વાત સરકારના કાને ન પડતાં આખરે વિદ્યાર્થીઓએ પ્રદર્શન શરૂ કર્યું અને ઉર્દૂ શિક્ષકની ભરતીનો વિરોધ કરવાનો શરૂ કર્યો. પછીથી અમુક ગામલોકો પણ તેમની સાથે જોડાયા અને વિવાદે વેગ પકડ્યો. 

    આખરે 20 સપ્ટેમ્બર, 2018ના રોજ વિદ્યાર્થીઓ અને પ્રદર્શનકારીઓએ ચક્કાજામ કરીને પ્રદર્શન શરૂ કર્યું. આ પ્રદર્શનનું નેતૃત્વ કરી રહ્યા હતા રાજેશ સરકાર અને તાપસ બારમન નામના બે યુવકો. આ બંને આ જ શાળામાં વિદ્યાર્થીઓ રહી ચૂક્યા હતા. ઉર્દૂ શિક્ષકની નિમણૂક રદ કરવાની માંગ સાથે શરૂ થયેલા આ પ્રદર્શનને ડામી દેવા માટે પછીથી પશ્ચિમ બંગાળ પોલીસ સક્રિય થઈ અને પહેલાં ટોળાને વિખેરવા માટે લાઠીચાર્જ કરીને ટીયરગેસના સેલ છોડ્યા અને રબર બુલેટ પણ છોડવામાં આવી. 

    અહીં બંગાળ પોલીસ કાયમ ગોળીબાર કર્યો હોવાની વાત નકારતી આવી છે. પણ એક હકીકત એ પણ છે કે શાળાના કમ્પાઉન્ડમાં ગોળીબાર થયો હતો અને તેમાં રાજેશ અને તાપસ બંનેને ગોળી વાગી હતી. તેમને પછીથી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં મૃત ઘોષિત કરવામાં આવ્યા. રાજેશને પીઠના ભાગે ગોળીઓ વાગી હતી.

    એક પ્રશ્ન એ પણ છે કે પ્રદર્શનકારીઓ પાસે ન તો કોઈ હથિયાર હતાં ન બંદૂકો, તો ગોળી ક્યાંથી ચાલે? પોલીસે કહ્યું હતું કે પથ્થર ફેંકાયા હતા. પથ્થર ફેંકાયા હોય તેમ માની પણ લેવામાં આવે તોપણ ગોળી કઈ રીતે ચાલી તેનો જવાબ બંગાળ પોલીસ આપી શકી નથી. જ્યારે પ્રદર્શનકારીઓ અને સ્થળ પર હાજર લોકોનું કહેવું હતું કે આ ગોળીબાર અન્ય કોઈ નહીં પણ પોલીસે જ કર્યો હતો. પોલીસની તાકાત બતાવી દેવાની લ્હાયમાં બે વિદ્યાર્થીઓ બલિદાન થઈ ગયા હતા. 

    બે વર્ષે પણ તપાસ ઠેરની ઠેર રહી, આખરે હાઈકોર્ટે કેસ સોંપ્યો હતો NIAને 

    ઘટના પછી મમતા બેનર્જીની સરકારે મામલાની તપાસ CID પાસે કરાવવાનું આશ્વાસન આપ્યું હતું, પણ 2020માં એક રિપોર્ટ સામે આવ્યો, જેમાં જણાવાયું કે ઘટનાનાં 2 વર્ષ પછી પણ બંને યુવકોનાં મૃત્યુ પાછળનું કારણ CID શોધી શકી નહીં. બીજી તરફ, મામલાની તપાસ કેન્દ્રીય એજન્સીઓને સોંપવાની માંગ વધતી ગઈ અને લોકોએ કહ્યું કે, મુખ્યમંત્રીને સત્ય ઉજાગર થઈ જવાનો ડર છે એટલે તેઓ એજન્સીઓને તપાસ સોંપી રહ્યાં નથી. 

    આખરે મૃતકોના પરિવારોએ કલકત્તા હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા. જ્યાં મે, 2023માં કોર્ટે કેસની તપાસ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ને સોંપી દીધી હતી. કોર્ટે ત્યારે કહ્યું હતું કે, CID આટલા વખતે પણ કેસમાં સંતોષકારક પ્રગતિ કરી શકી નથી અને આ કેસ NIAને સોંપી દેવામાં આવે. જોકે, પછી પણ બંગાળ સરકાર વિવાદમાં આવી અને આ આદેશ ન માનવા બદલ અધિકારીઓને કન્ટેમ્ટ નોટિસ પણ પાઠવવામાં આવી હતી. પછીથી ગત 16 એપ્રિલ, 2024ના રોજ બંગાળ સરકારે હાઈકોર્ટને જણાવ્યું હતું કે, તેમણે કેસને લગતા તમામ દસ્તાવેજો NIAને સોંપી દીધા છે. 

    હાલ આ કેસની તપાસ NIA કરી રહી છે. બીજી તરફ, આટલા સંવેદનશીલ વિસ્તારમાં કટ્ટરપંથી ઈસ્લામીઓના દબાણ અને પોલીસની આ હદ સુધીની કાર્યવાહી છતાં બંગાળી ભાષા બચાવવા માટે આંદોલન કરીને બલિદાન થઈ ગયેલા આ બે યુવકોને આજે પણ યાદ કરવામાં આવે છે. દર વર્ષે 20 સપ્ટેમ્બરના દિવસે ભાજપ અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જેવાં અન્ય અમુક સંગઠનો ‘બાંગ્લા ભાષા દિવસ’ મનાવે છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં