દેશભરમાં વક્ફ બોર્ડની ચર્ચા ચાલી રહી છે. રવિવારે (4 ઑગસ્ટ) સમાચાર સામે આવ્યા કે, મોદી સરકાર વક્ફ બોર્ડની અનિયંત્રિત સત્તા પર લગામ લગાવવા માટે વક્ફ એક્ટ, 1995માં સંશોધન કરી રહી છે અને તેના માટે આગામી અઠવાડિયામાં સંસદમાં બિલ પણ રજૂ કરવામાં આવી શકે છે. અહેવાલો અનુસાર, મોદી સરકારની કેબિનેટે આ કાયદામાં કુલ 40 સંશોધનોને મંજૂરી આપી છે, જેના કારણે સ્વછંદી બનતું વક્ફ બોર્ડ હવે મર્યાદા નહીં છોડી શકે. જોકે, કેન્દ્ર સરકાર તરફથી આ વિશેની આધિકારિક જાહેરાત નથી થઈ. તેવું પણ બને કે, બિલ સીધું સંસદમાં જ રજૂ થાય. પરંતુ આ સમાચારથી દેશભરમાં વક્ફ બોર્ડની ચર્ચા ચાલુ થઈ ગઈ છે. ત્યારે તેની ચર્ચા વચ્ચે વક્ફ બોર્ડ દ્વારા ભૂતકાળમાં થયેલા સ્વછંદી વ્યવહાર વિશે જાણવું પણ ખૂબ જરૂરી છે. ઘટના છે 2022ની, જ્યારે વક્ફ બોર્ડે રાતોરાત તમિલનાડુના એક આખેઆખા ગામને પોતાની સંપત્તિ જાહેર કરી દીધી હતી, જે ગામમાં મોટા ભાગની વસ્તી હિંદુઓની હતી અને 1500 વર્ષ પ્રાચીન મંદિર પણ હતું.
વાત થઈ રહી છે, તમિલનાડમાં ત્રિચીની નજીક આવેલા તિરુચેંથુરઈ ગામની. આ ગામને વક્ફ બોર્ડે પોતાની સંપત્તિ જાહેર કરી દીધી હતી. આ સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો હતો. જ્યારે રાજગોપાલ નામના વ્યક્તિએ તેની 1 એકર 2 સેન્ટ જમીન રાજરાજેશ્વરી નામની વ્યક્તિને વેચવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે રાજગોપાલ પોતાની જમીન વેચવા માટે રજિસ્ટ્રાર ઓફિસ પહોંચ્યા હતા ત્યારે તેમને ખબર પડી હતી કે, તેઓ જે જમીન વેચવાનું વિચારી રહ્યા હતા તે તેમની જમીન છે જ નહીં, તે જમીન વક્ફ થઈ ચૂકી હતી અને તેની માલિકી પણ વક્ફ બોર્ડની થઈ ગઈ હતી.
રાજગોપાલે તે સમયે જણાવ્યું હતું કે, રજિસ્ટ્રાર મુરલીએ તેમને કહ્યું હતું કે, તેઓ જે જમીન વેચવા આવ્યા છે તેનો માલિક હક્ક વક્ફ બોર્ડ પાસે છે. વક્ફ બોર્ડના નિર્દેશો મુજબ, આ જમીન વેચી શકાય નહીં. રજિસ્ટ્રારે તેમને સલાહ આપતા જણાવ્યું હતું કે, ચેન્નાઈના વક્ફ બોર્ડ પાસેથી ‘નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ’ (NOC) મેળવવું પડશે. તેના પર રાજગોપાલે પૂછ્યું હતું કે, 1992માં ખરીદેલી પોતાની જમીન વેચવા માટે વક્ફ બોર્ડ પાસેથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) લેવાની જરૂર જ કેમ છે?
રાજગોપાલના પ્રશ્નના જવાબમાં, તમિલનાડુ વક્ફ બોર્ડ તરફથી રાજગોપાલને 250 પાનાંનો પત્ર બતાવતા, રજિસ્ટ્રારે કહ્યું હતું કે, તિરુચેંથુરઈ ગામમાં કોઈપણ જમીનના વેચાણ માટે ચેન્નાઈમાં સ્થિત વક્ફ બોર્ડ તરફથી ‘નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ’ની જરૂર પડે છે. વક્ફ બોર્ડે લેન્ડ રેકર્ડ વિભાગને પત્રો અને દસ્તાવેજો દ્વારા જાણ કરી છે કે, આ આખેઆખું ગામ તેનું છે. સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે, જે વ્યક્તિ ગામની જમીન માટે નોંધણી કરાવવા આવે તો તેને ચેન્નાઈ વક્ફ બોર્ડ પાસેથી ‘નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ મેળવવું પડશે.
ત્યારબાદ રાજગોપાલે ગામ પરત ફરીને ગ્રામીણોને પોતાની આપવીતી સંભળાવી હતી. ત્યારે આખું ગામ એ જાણીને ચોંકી ગયું હતું કે, તે જે જમીન પર વર્ષોથી રહેતા હતા તે જમીન તેમની નથી. ગ્રામજનોને આશ્ચર્ય થયું હતું કે વક્ફ બોર્ડ આખેઆખા ગામનો માલિક હોવાનો દાવો કેવી રીતે કરી શકે, જ્યારે જરૂરી તમામ દસ્તાવેજો ગ્રામજનો પાસે ઉપલબ્ધ પણ હતા. તેમ છતાં વક્ફ બોર્ડે તે આખા ગામ પર કબજો કરી દીધો હતો. હેરાન થઈ ગયેલા ગ્રામીણોએ કલેકટરનો પણ સંપર્ક કર્યો હતો. કલેકટરે કહ્યું હતું કે, આ કેસમાં જરૂરી તપાસ કરીને કાર્યવાહી થશે.
ત્રિચી જિલ્લાના ભાજપ નેતા અલ્લૂર પ્રકાશે આ ઘટનાને લઈને કહ્યું હતું કે, “ત્રિચી પાસે આવેલું તિરુચેંથુરઈ ગામ, હિંદુઓનો કૃષિ વિસ્તાર છે. વક્ફ બોર્ડનો આ ગામ સાથે વળી શું સંબંધ હોય શકે છે?” આ સાથે તેમણે જણાવ્યું હતું કે, ગામમાં માનેદિયાવલ્લી સમીથા ચંદ્રશેખર સ્વામી મંદિર છે. ઘણા દસ્તાવેજો અને પુરાવા અનુસાર, તે મંદિર 1500 વર્ષ પ્રાચીન છે. મંદિર પાસે તિરુચેંથુરઈ ગામ અને આસપાસની 369 એક્ટની સંપત્તિ છે. તેમણે પ્રશ્ન કર્યા હતા કે, શું આ મંદિરની સંપત્તિ પણ વક્ફ બોર્ડના સ્વામિત્વની થઈ ગઈ? તેના પુરાવા શું છે? વક્ફ બોર્ડ કોઈપણ આધારભૂત પુરાવા વગર કેવી રીતે ઘોષણા કરી શકે કે, તે જમીન તેના માલિકીની છે. જોકે, ગ્રામીણો પાસે તો આવશ્યક તમામ દસ્તાવેજો પણ ઉપલબ્ધ હતા.
ઉપરોક્ત ઘટના, વર્ષ 2022ની છે અને હાલ પણ તેનો વિવાદ ચાલી રહ્યો છે. હજુ પણ તપાસ ચાલી રહી છે કે, ખરેખર તે જમીન કોની છે. જે ગામમાં 1500 વર્ષ પ્રાચીન મંદિર હોય, તે મંદિરને આસપાસની સંપત્તિ દાનમાં મળી હોય, આખેઆખું ગામ હિંદુઓનું હોય, વર્ષોથી તેઓ તે જ જમીન પર રહેતા હોય, તમામ પુરાવા અને દસ્તાવેજો પણ ઉપલબ્ધ હોય…તેમ છતાં વક્ફ બોર્ડ રાતોરાત તે સંપત્તિ પર દાવો કરી શકે. આટલી વ્યાપક સત્તાને હવે ડામવી પણ ખૂબ જરૂરી છે. જોકે, ચર્ચા ચાલી રહી છે કે, મોદી સરકાર વક્ફ એક્ટમાં સંશોધન કરી રહી છે અને આગામી અઠવાડિયામાં સંસદમાં બિલ પણ રજૂ કરી શકે છે.