સંદેશખાલીની ઘટનાઓના મુખ્ય આરોપી શેખ શાહજહાંની બંગાળ પોલીસ દ્વારા ધરપકડ બાદ મંગળવારે (5 માર્ચ, 2024) કલકત્તા હાઈકોર્ટે આદેશ આપીને તેને CBIને સોંપવા માટે જણાવ્યું હતું. પરંતુ આ આદેશની સામે પશ્ચિમ બંગાળ સરકાર સુપ્રીમ કોર્ટ પહોંચી હતી. હવે સુપ્રીમ કોર્ટે તાત્કાલિક સુનાવણી કરવાની ના પાડી દીધી છે. બીજી તરફ, PM મોદી પણ પશ્ચિમ બંગાળમાં છે, જ્યાં તેમણે મમતા સરકાર પર સંદેશખાલીની ઘટનાઓને લઈને પ્રહાર કર્યા હતા.
શેખ શાહજહાંને CBIને સોંપવાના હાઈકોર્ટના આદેશ બાદ મમતા સરકાર સુપ્રીમ કોર્ટ પહોંચી હતી. અભિષેક મનુ સિંઘવીએ બે જજની બેન્ચ સમક્ષ અરજી કરી હતી અને તાત્કાલિક સુનાવણીની માંગ કરી હતી. પરંતુ કોર્ટે તેમને ચીફ જસ્ટિસની બેન્ચ સમક્ષ મામલો રજૂ કરવા માટે કહ્યું હતું. બંગાળ સરકારે અરજીમાં દલીલ કરી છે કે CBIને તપાસ સોંપવાનો આદેશ એ સર્વોચ્ચ અદાલતના જ નિયમોનું ઉલ્લંઘન છે.
મંગળવારે (5 માર્ચ) કલકત્તા હાઈકોર્ટે 5 જાન્યુઆરીના રોજ EDની ટીમ પર થયેલા હુમલા મામલેનો કેસ કેન્દ્રીય એજન્સી CBIને સોંપીને આરોપી શેખ શાહજહાંની કસ્ટડી એજન્સીને સોંપવાનો આદેશ કર્યો હતો. શાહજહાંની 29 ફેબ્રુઆરીએ ધરપકડ થયા બાદ તે બંગાળ પોલીસની કસ્ટડીમાં છે. હાઈકોર્ટના આદેશ બાદ CBIની એક ટીમ બંગાળ પોલીસ CIDના હેડક્વાર્ટર પહોંચી હતી, પરંતુ 2 કલાક બાદ પણ કસ્ટડી આપવામાં આવી ન હતી અને કારણ જણાવવામાં આવ્યું છે કે હાઈકોર્ટના આદેશ વિરુદ્ધ બંગાળ સરકાર સુપ્રીમ કોર્ટ ગઈ છે, જેથી એજન્સી રાહ જુએ. આખરે CBIની ટીમ ખાલી હાથ પરત ફરી હતી.
TMCને અત્યાચારી નેતાઓ પર વિશ્વાસ, બંગાળની બેન-દીકરીઓ પર નહીં: મોદી
હવે સુપ્રીમ કોર્ટ શું કહેશે તેની ઉપર સૌની નજર છે. બીજી તરફ શેખ શાહજહાંને બચાવવાના બંગાળ સરકારના પ્રયાસો બદલ વડાપ્રધાન મોદીએ પણ ફટકાર લગાવી છે. એક જાહેર સભા સંબોધતાં તેમણે કહ્યું કે, TMC સરકાર બંગાળની મહિલાઓના ગુનેગારને બચાવવા માટે પૂરેપૂરી શક્તિ લગાવી રહી છે.
PM મોદીએ કહ્યું, “આ જ ધરતી પર TMCના શાસનમાં નારીશક્તિ પર અત્યાચારનું ઘોર પાપ થયું છે. સંદેશખાલીમાં જે કંઈ પણ થયું તેનાથી કોઈનું પણ માથું શરમથી ઝૂકી જાય છે. પરંતુ અહીંની TMC સરકારને તમારા દુઃખથી કોઇ ફેર નથી પડતો. TMC સરકાર બંગાળની મહિલાઓના ગુનેગારને બચાવવા માટે પૂરેપૂરી શક્તિ લગાવી રહી છે. પરંતુ પહેલાં હાઇકોર્ટ અને પછી સુપ્રીમ કોર્ટમાંથી પણ રાજ્ય સરકારને ઝાટકો લાગ્યો છે. ગરીબ, દલિત, વંચિત, આદિવાસી પરિવારોની બહેન-દિકરીઓ સાથે TMCના નેતાઓ અત્યાચાર કરી રહ્યા છે, પણ TMC સરકારને પોતાના અત્યાચારી નેતા પર ભરોસો છે, બંગાળની બેન-દીકરીઓ પર નથી.”
#WATCH | West Bengal: At the women's rally in Barasat, North 24 Parganas district, PM Modi says "Under TMC's rule, the women of this land have been tortured. Whatever happened in Sandeshkhali will put anyone to shame but the TMC govt does not care about your issues. TMC is… pic.twitter.com/vDxCJra5ir
— ANI (@ANI) March 6, 2024
તેમણે આગળ કહ્યું કે, “આ વ્યવહારથી બંગાળ અને દેશની મહિલાઓ આક્રોશમાં છે. TMCના માફિયારાજને ધ્વસ્ત કરવા માટે બંગાળની નારીશક્તિ નીકળી ચૂકી છે. સંદેશખાલીએ દર્શાવ્યું છે કે બંગાળની બેન-દીકરીઓનો બુલંદ અવાજ માત્ર ભાજપ જ છે. તુષ્ટિકરણ અને તોડબાજોના દબાણમાં કામ કરનારી TMC સરકાર ક્યારેય પણ બેન-દીકરીઓને સુરક્ષા ન આપી શકે. ત્યાં બીજી તરફ ભાજપની કેન્દ્ર સરકાર છે, જેણે બળાત્કાર જેવા ગુનાઓ માટે ફાંસીની સજાની જોગવાઈ કરી છે.
નોંધવું જોઈએ કે બંગાળમાં છેલ્લા ઘણા દિવસોથી સંદેશખાલીની ઘટનાઓ ચર્ચામાં છે. 5 જાન્યુઆરીના રોજ રાશન કૌભાંડ મામલે TMC નેતા શેખ શાહજહાંના ઘરે દરોડા પાડવા ગયેલી EDની ટીમ પર શાહજહાંના માણસોએ જીવલેણ હુમલો કરી દીધો હતો. તેના થોડા દિવસ બાદ સ્થાનિકો અને ખાસ કરીને મહિલાઓએ આરોપ લગાવ્યા હતા કે શાહજહાં અને તેના માણસો તેમની સાથે અત્યાચાર કરે છે. ત્યારબાદ મમતા સરકારનો ખૂબ વિરોધ થયો. આખરે મામલો કોર્ટ પહોંચતાં કોર્ટે એજન્સીઓને શાહજહાંની ધરપકડ કરવાના આદેશ આપ્યા, તેના બીજા જ દિવસે બંગાળ પોલીસે શાહજહાંની ધરપકડ કરી લીધી હતી. જોકે, તેને ED પર થયેલા હુમલા મામલે પકડવામાં આવ્યો છે, મહિલાઓના શોષણ મામલેની કલમ હેઠળના કેસમાં નહીં.