Sunday, May 5, 2024
More
    હોમપેજદેશUCC માટે તૈયાર ઉત્તરાખંડ, ધામી સરકારની કેબિનેટે ડ્રાફ્ટને આપી સત્તાવાર મંજૂરી: 5...

    UCC માટે તૈયાર ઉત્તરાખંડ, ધામી સરકારની કેબિનેટે ડ્રાફ્ટને આપી સત્તાવાર મંજૂરી: 5 ફેબ્રુઆરીથી શરૂ થતા વિશેષ સત્રમાં બિલ લવાશે

    આ બિલ આગામી 6 ફેબ્રુઆરી, 2024 (મંગળવાર)ના રોજ ઉત્તરાખંડ વિધાનસભામાં રજૂ થઈ શકે છે. રાજ્ય સરકારે આ માટે 5 ફેબ્રુઆરીથી 4 દિવસનું વિશેષ સત્ર બોલાવ્યું છે.

    - Advertisement -

    ઉત્તરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાનો તખ્તો ઘડાઈ ચૂક્યો છે. રવિવારે (4 ફેબ્રુઆરી, 2024) રાજ્યની પુષ્કર સિંઘ ધામી સરકારે રિપોર્ટને સત્તાવાર મંજૂરી આપી હતી અને હવે વિધાનસભામાં રજૂ કરવાની તૈયારી ચાલી રહી છે. વિધાનસભામાં પસાર થતાંની સાથે જ UCC લાગુ કરનારું ઉત્તરાખંડ પ્રથમ રાજ્ય બનશે.

    રવિવારે મુખ્યમંત્રી પુષ્કર સિંઘ ધામીના નિવાસસ્થાને કેબિનેટ બેઠક મળી હતી, જેમાં UCCના ડ્રાફ્ટને મંજૂરી આપવામાં આવી. રાજ્ય સરકારે અધિકારિક રીતે આ બાબતની જાણકારી આપી છે. નોંધવું જોઈએ કે ગત શુક્રવારે જ UCCનો ડ્રાફ્ટ તૈયાર કરવા માટે બનેલી સમિતિએ પોતાનો રિપોર્ટ CM પુષ્કર સિંઘ ધામીને સોંપ્યો હતો. 

    મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો આ બિલ આગામી 6 ફેબ્રુઆરી, 2024 (મંગળવાર)ના રોજ ઉત્તરાખંડ વિધાનસભામાં રજૂ થઈ શકે છે. રાજ્ય સરકારે આ માટે 5 ફેબ્રુઆરીથી 4 દિવસનું વિશેષ સત્ર બોલાવ્યું છે. સત્રના બીજા દિવસે UCC રજૂ કરીને પસાર કરવામાં આવી શકે. 70 સભ્યોની વિધાનસભામાં ભાજપના કુલ 47 ધારાસભ્યો છે, જેથી બિલ સરળતાથી પસાર થઈ જશે. ખરડો પસાર થયા બાદ તેને રાજ્યપાલને મોકલવામાં આવશે, જેમની મંજૂરી બાદ કાયદો બનશે.

    - Advertisement -

    UCCમાં રાજ્યમાં તમામ સમુદાયો માટે એક જ પ્રકારના સિવિલ લૉની જોગવાઇ કરવાનો પ્રસ્તાવ છે. ભારતીય જનતા પાર્ટીના એજન્ડમાં UCCનો સમાવેશ કાયમ થતો રહ્યો છે. 2022ની ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણી પહેલાં પણ ભાજપે વાયદો કર્યો હતો. ત્યારબાદ પુષ્કર સિંઘ ધામીના નેતૃત્વમાં બનેલી નવી સરકારે સુપ્રીમ કોર્ટનાં નિવૃત્ત ન્યાયાધીશ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં એક પાંચ સભ્યોની સમિતિની રચના કરી હતી અને UCCનો ડ્રાફ્ટ બનાવવા માટે કહ્યું હતું. ચાર એક્સટેન્શન અને મહિનાઓની મહેનત બાદ આખરે સમિતિએ ડ્રાફ્ટ તૈયાર કરીને સરકારને સોંપી દીધો છે. 

    CM ધામીના જણાવ્યા અનુસાર, ડ્રાફ્ટ કુલ 740 પાનાંનો છે અને 4 ખંડોમાં વહેંચાયેલો છે. રાજ્યમાંથી કુલ 2, 33, 000 લોકોનાં મંતવ્યો તેમાં મેળવવામાં આવ્યાં છે.

    UCC લાગુ થતાંની સાથે જ રાજ્યમાં તમામ ધર્મ, મઝહબ કે જાતિના સમુદાયો માટે સમાન નાગરિક કાયદા લાગુ પડશે. જેથી વિવાહ, તલાક, વારસાઈ, સંપત્તિ વગેરે મામલા માટે એક જ કાયદાકીય માળખું હશે અને જુદા-જુદા ધર્મ કે સમુદાયો માટે જુદા કાયદા નહીં હોય. UCC લાગુ પડતાંની સાથે જ ભારતીય જનતા પાર્ટીની સરકારે આપેલો એક મોટો વાયદો પૂર્ણ થશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં