ઉત્તરાખંડમાં પુષ્કર સિંઘ ધામીની સરકાર 6 ફેબ્રુઆરી 2024ના રોજ વિધાનસભામાં સમાન નાગરિક સંહિતા (UCC) બિલ રજૂ કરી શકે છે. મુખ્યમંત્રી ધામીએ 5 ફેબ્રુઆરીથી 8 ફેબ્રુઆરી 2024 સુધી ઉત્તરાખંડ વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવ્યું છે. CM પુષ્કર સિંહ ધામીએ કહ્યું છે કે, ઉત્તરાખંડ UCC લાગુ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બનશે.
આ અંગે મીડિયા અહેવાલોમાં કહેવામાં આવ્યું છે, કે આ વિશેષ સત્રના બીજા દિવસે એટલે કે 6 ફેબ્રુઆરીએ ઉત્તરાખંડ વિધાનસભામાં UCC બિલ રજૂ કરવામાં આવશે. આ પછી તેના અંગે ચર્ચા થશે. બિલ રજૂ થાય તે પહેલા તેને ઉત્તરાખંડની કેબિનેટ સમક્ષ મૂકવામાં આવશે. ઉત્તરાખંડ સરકારના મંત્રી પ્રેમચંદ અગ્રવાલે પણ 6 ફેબ્રુઆરીએ UCCની રજૂઆતની પુષ્ટિ કરી છે.
#WATCH | Uttarakhand Minister Prem Chand Aggarwal says, "We are hopeful that the UCC Committee will submit its report on February 2. After this, the UCC bill will tabled in the state assembly on February 6." pic.twitter.com/TeoIz6AOAK
— ANI UP/Uttarakhand (@ANINewsUP) January 30, 2024
મીડિયા સાથેની વાતચીત દરમિયાન મુખ્યમંત્રી ધામીએ જણાવ્યું કે, રાજ્યમાં યુસીસી કાયદાનો ડ્રાફ્ટ તૈયાર કરતી સમિતિ 2 ફેબ્રુઆરી, 2024ના રોજ સરકારને તેનો રીપોર્ટ આપશે. સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં આ સમિતિની રચના કરવામાં આવી છે. વર્ષ 2022ના મેં મહિનામાં પાંચ સભ્યોની સમિતિની રચના કરવામાં આવી હતી.
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર ધામીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ x પર એક પોસ્ટમાં લખ્યું કે, “સમાન નાગરિક સંહિતાનો ડ્રાફ્ટ તૈયાર કરવા માટે બનેલી સમિતિ 2 ફેબ્રુઆરી સુધી ડ્રાફ્ટ રાજ્ય સરકારને સોપી દેશે. અમે દેવભૂમિ ઉત્તરાખંડના મૂળ સ્વરૂપને જાળવી રાખવા માટે સંકલ્પબદ્ધ છીએ.”
समान नागरिक संहिता का ड्राफ्ट तैयार करने के लिए गठित कमेटी 2 फरवरी को ड्राफ्ट प्रदेश सरकार को सौंपेगी। हम देवभूमि उत्तराखण्ड के मूल स्वरूप को बनाए रखने के लिए संकल्पित हैं।#UCCInUttarakhand pic.twitter.com/SDfIdv6azN
— Pushkar Singh Dhami (@pushkardhami) January 29, 2024
ઉલ્લેખનીય છે કે ઉત્તરાખંડમાં ઘણા સમયથી UCC લાગુ કરવાની વાત ચાલી રહી છે. ભાજપે ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણી માટે તેના મેનીફેસ્ટોમાં યુસીસીનો પણ સમાવેશ કર્યો હતો. રાજ્યમાં સરકાર બન્યા પછી તરત જ મે 2022માં સમિતિની રચના કરવામાં આવી હતી. આ સમિતિને નવેમ્બર 2022માં તેનો રિપોર્ટ આપવાનો હતો, પરંતુ તેની તારીખ લંબાતી રહી હતી.
લોકસભા ચૂંટણીમાં ઉત્તરાખંડમાં UCC લાગુ કરવાથી ભાજપને ફાયદો થઈ શકે છે. UCC લાગુ કરવા માટે ઉત્તરાખંડ જેવા નાના રાજ્યને પહેલા પસંદ કરવામાં આવ્યું છે. ઉત્તરાખંડ બાદ ભાજપા અન્ય રાજ્યોમાં પણ તેને લાગુ કરવાનું વિચારી શકે છે. આ અંગે કેન્દ્રીય સ્તરે પણ ચર્ચાઓ ચાલી રહી છે.
યુનિફોર્મ સિવિલ કોડ (UCC) શું છે?
યુનિફોર્મ સિવિલ કોડ હેઠળ પર્સનલ લો એટલે કે લગ્ન, છૂટાછેડા, મિલકતનું વિભાજન અને વારસા જેવા મુદ્દાઓ આવે છે. આ મુદ્દાઓને ઉકેલવા માટે હાલ વિવિધ ધર્મોમાં અલગ અલગ કાયદા છે. જ્યારે હિંદુ કોડ બિલ (હિંદુઓના આ મુદ્દાઓને ઉકેલવા માટે લાવવામાં આવેલા કાયદા) દેશની હિંદુ વસ્તીને લાગુ પડે છે, તો મુસ્લિમો માટે તે શરિયત કાયદા દ્વારા નક્કી કરવામાં આવે છે. આવામાં ઘણીવાર વિવાદાસ્પદ પરિસ્થિતિઓ ઊભી થાય છે. આવી સ્થિતિમાં UCC દ્વારા આ તમામ મુદ્દાઓ માટે તમામ ધર્મોના નાગરિકો માટે એક જ કાયદા બનશે. જેનાથી તમામને સમાન ન્યાય મળશે.