બુધવારે (13 ડિસેમ્બર) લોકસભામાં વિઝિટર ગેલેરીમાંથી અચાનક 2 વ્યક્તિઓ કૂદી આવ્યા હતા અને પીળો ધુમાડો છોડ્યો હતો, જેના કારણે ગૃહમાં અફરાતફરી મચી ગઈ અને કાર્યવાહી સ્થગિત કરવી પડી હતી. બીજી તરફ, સંસદ ભવનની બહાર પણ 2 વ્યક્તિઓ પકડાયા હતા, જેમાંથી એક મહિલા સામેલ છે. તેઓ ‘સંવિધાન બચાઓ’, ‘જય ભીમ’ અને ‘તાનાશાહી નહીં ચલેગી’ જેવા નારાબાજી કરતાં જોવા મળ્યાં હતાં.
ઝી 24 કલાકે અપલોડ કરેલા વીડિયોમાં મહિલા નારાબાજી કરતી જોવા મળે છે. તે ‘તાનાશાહી નહીં ચલેગી’; ‘મણિપુર કો ઇન્સાફ દો’; ‘મહિલાઓ પે અત્યાચાર નહીં ચલેગા’; ‘જય ભીમ, જય ભારત’; ‘સંવિધાન બચાઓ’ વગેરે નારા લગાવતી જોવા મળે છે.
સંસદની બહાર "તાનાશાહી નહી ચલેગી" ના નારા લગાવતા આરોપીઓ…..
— Zee 24 Kalak (@Zee24Kalak) December 13, 2023
#ParliamentAttack #SecurityBreach #LokSabha #Securitylapse #Zee24kalakOriginaVideo pic.twitter.com/11BfBatJ3E
રિપોર્ટ અનુસાર, સંસદ ભવનની બહારથી પકડાયેલા 2 વ્યક્તિઓમાં એક મહિલા અને એક પુરુષનો સમાવેશ થાય છે. મહિલાનું નામ નીલમ છે, જે હરિયાણાના હિસ્સારની રહેવાસી છે. પુરુષ અનમોલ શિંદે છે, જે મહારાષ્ટ્રના લાતૂરનો રહેવાસી છે. આ બંનેએ સંસદ ભવનની બહાર ટ્રાન્સપોર્ટ ભવન પાસે નારાબાજી કરી, પીળા રંગનો ધુમાડો છોડીને હોબાળો મચાવ્યો હતો. ત્યારબાદ દિલ્હી પોલીસે તાત્કાલિક તેમને પકડી લીધાં હતાં. બંનેને સંસદ ભવન પોલીસ મથકે લઇ જવામાં આવ્યાં હતાં, જ્યાં તેમની પૂછપરછ ચાલી રહી છે.
दो लोग संसद में घुस गए। दो बाहर प्रदर्शन कर रहे थे जिनमें एक लड़की नीलम भी है।
— Krishna Kant (@kkjourno) December 13, 2023
नीलम को सुना जाए। #SecurityBreach #LokSabha pic.twitter.com/HIh44YAB8N
અન્ય એક વિડીયોમાં મહિલા કહેતી સંભળાય છે કે, “અમારી ભારત સરકાર છે, અમારી ઉપર અત્યાચાર થઈ રહ્યા છે, અમે હકોની વાત કરીએ છીએ, લાઠીચાર્જ કરીને અમને જેલમાં નાખવામાં આવે છે, ટોર્ચર કરવામાં આવે છે……અમે કોઇ સંગઠન સાથે સંકળાયેલા નથી, સામાન્ય જનતા છીએ, અમે બેરોજગાર છીએ.” આગળ તે ખેડૂતો, મજૂરો, ગરીબોનો અવાજ દબાવવાના પ્રયાસ કરવામાં આવતા હોવાની વાતો કહીને ‘તાનાશાહી નહીં ચલેગી’ના નારા લગાવતી સંભળાય છે.
સંસદ ભવનની અંદર બનેલી ઘટના બાદ 2 વાગ્યે ફરીથી કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. સ્પીકર ઓમ બિરલાએ ગૃહને જણાવ્યું હતું કે, બંને વ્યક્તિને પકડી લેવામાં આવ્યા છે તેમજ બહારથી પણ બંને લોકો પકડાઇ ગયા છે અને તપાસ કરવામાં આવી રહી છે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે જે ધુમાડો છોડવામાં આવ્યો હતો તે ઝેરી ન હતો, જેથી સાંસદોના સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ચિંતાની વાત નથી. હાલ મામલાની વિસ્તૃત તપાસ કરવામાં આવી રહી છે.