Sunday, September 8, 2024
More
    હોમપેજદેશ'સિક્યોરિટીને બોલાવો અને આમને બહાર ફેંકી દો': વકીલની વાતથી ગુસ્સે ભરાયા CJI...

    ‘સિક્યોરિટીને બોલાવો અને આમને બહાર ફેંકી દો’: વકીલની વાતથી ગુસ્સે ભરાયા CJI ચંદ્રચુડ, કહ્યું- કોર્ટની પ્રક્રિયામાં દખલ કરવાની નહીં આપું મંજૂરી

    - Advertisement -

    NEET-UG પરીક્ષાના પેપર લીક મામલે મંગળવારે (23 જુલાઈ, 2024) સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી, દરમિયાન સુનાવણીમાં વિક્ષેપ નાખવા બદલ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ (CJI) ડી.વાય. ચંદ્રચૂડ વરિષ્ઠ વકીલ મેથ્યુસ નેદુમ્પરા પર ગુસ્સે ભરાયા હતા. કેસ અંગે એક અરજદારનું પ્રતિનિધિત્વ કરી રહેલા અન્ય વરિષ્ઠ વકીલ નરેન્દ્ર હુડ્ડા દલીલ કરી રહ્યા હતા. નરેન્દ્ર હુડ્ડાની દલીલોને નેદુમ્પરાએ વચ્ચે અટકાવી દીધી હતી અને તેઓ જ વચ્ચે બોલવા લાગ્યા હતા. એ પછી CJI ચંદ્રચુડ તેમના પર ગુસ્સે ભરાયા હતા. ત્યારબાદ ચીફ જસ્ટિસ અને નેદુમ્પરા વચ્ચે સુનાવણી દરમિયાન જ દલીલો થવા લાગી હતી. જે બાદ CJIએ સિક્યોરીટીને બોલાવીને તેમને બહાર કરવા માટેના નિર્દેશો પણ આપી દીધા હતા. નેદુમ્પરાએ કોર્ટની અવમાનના કરી હોય એવું આ પહેલીવાર નથી બન્યું, આ અગાઉ પણ આવી ઘટનાઓ સામે આવી હતી.

    જ્યારે નરેન્દ્ર હુડ્ડા બોલી રહ્યા હતા ત્યારે નેદુમ્પરાએ તેમને વચ્ચે અટકાવીને કહ્યું, “મારે કઈક કહેવું છે.” ત્યારે CJI ચંદ્રચુડે તેમને શાંત રહેવા અને હુડ્ડા બોલી રહે ત્યારબાદ દલીલ કરવા કહ્યું હતું. ત્યારે નેદુમ્પરાએ ચીફ જસ્ટિસને વળતો જવાબ આપ્યો અને કહ્યું કે “હું અહીં રહેલા બધા વકીલો કરતાં સિનિયર છું.” આ સાંભળીને ચીફ જસ્ટિસ ગુસ્સે થયા અને તેમણે નેદુમ્પરાને ચેતવણી આપતા કહ્યું કે “હું તમને વોર્નિંગ આપું છું. તમે વચ્ચે બોલશો નહીં. હું કોર્ટનો ઇન્ચાર્જ છું. સિક્યોરિટીને બોલાવો અને આમને બહાર ફેંકી દો.” આ બાબતે પણ નેદુમ્પરાએ કહ્યું કે, તેઓ પોતે જ બહાર જઈ રહ્યા છે.

    આ બાબતે પણ ચીફ જસ્ટિસે તેમના અનુભવને ટાંકીને કહ્યું કે “તમારે એવું કહેવાની જરૂર નથી. તમે જઈ શકો છો. મેં છેલ્લા 24 વર્ષથી ન્યાયતંત્ર જોયુ છે. હું કોઈપણ વકીલને મારી કોર્ટની પ્રક્રિયાને નિર્દેશિત કરવાની મંજૂરી નહીં આપું.” નેદુમ્પરાએ આવી ગંભીર સ્થિતિમાં પણ દલીલો કરવાનું બંધ કર્યું નહોતું અને તેમણે પણ 1979થી ન્યાયતંત્ર જોયું છે એવી દલીલ કરી હતી. ચીફ જસ્ટિસે તેમને ચેતવણી આપી હતી કે, જો તેઓ આ પ્રકારનું વર્તન બંધ નહીં કરે તો કોર્ટ દ્વારા એવી કાર્યવાહી કરવામાં આવશે કે, જે તેઓ માટે ઠીક નહીં હોય.

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે, નેદુમ્પરાએ આ પહેલી વખત ચીફ જસ્ટિસની સામે દલીલો કરી એવું નથી. આ અગાઉ પણ આ જ વર્ષે માર્ચ મહિનામાં ઇલેકટોરેલ બોન્ડ કેસની સુનાવણી સમયે નેદુમ્પરા ચાલુ સુનાવણીમાં વચ્ચે બોલવા લાગ્યા હતા. ત્યારે પણ ચીફ જસ્ટિસે તેમને ચેતવણી આપી હતી. મુખ્ય ન્યાયાધીશ તે સમયે પણ નેદુમ્પરા પર ગુસ્સે ભરાયા હતા. વર્ષ 2019માં, સુપ્રીમ કોર્ટે તેમને કોર્ટની અવમાનના માટે દોષિત ઠેરવ્યા અને તેમને ત્રણ મહિનાની જેલની સજા પણ ફટકારી હતી.

    નોંધનીય છે કે, આજે NEET-UG પેપર લીક મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી તે દરમિયાન CJI ચંદ્રચુડ વકીલ મેથ્યુસ નેદુમ્પરા પર ગુસ્સે ભરાયા હતા. સુપ્રીમ કોર્ટે NEET-UG પરીક્ષા ફરીથી ન લેવાનો નિર્ણય લીધો છે. સુપ્રીમ કોર્ટ અનુસાર પેપર લીકના પુરાવા ન મળતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં