Monday, April 29, 2024
More
    હોમપેજદેશલોકસભા ચૂંટણી પહેલાં અંતિમ રોજગાર મેળો: PM મોદીએ 1 લાખથી વધુ યુવાનોને...

    લોકસભા ચૂંટણી પહેલાં અંતિમ રોજગાર મેળો: PM મોદીએ 1 લાખથી વધુ યુવાનોને નિયુક્તિ પત્રો એનાયત કર્યા, અત્યાર સુધીમાં લાખોને મળી નોકરી

    સંબોધનમાં PM મોદીએ કહ્યું કે, અમે ભારત સરકારમાં ભરતી પ્રક્રિયાને હવે સંપૂર્ણ રીતે પારદર્શી બનાવી દીધી છે. એટલું જ નહીં સરકાર ભાર આપી રહી છે કે ભરતી પ્રક્રિયા એક નક્કી કરેલી સમયસીમાની અંદર પૂર્ણ કરી લેવામાં આવે. જેથી દરેક યુવાનને પોતાની યોગ્યતા સાબિત કરવાનો સમાન અવસર મળી રહ્યો છે.

    - Advertisement -

    લોકસભા ચૂંટણી પહેલાં અંતિમ રોજગાર મેળો સોમવારે (12 ફેબ્રુઆરી) યોજાયો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 1 લાખથી વધુ નવનિયુકત ઉમેદવારોને નિયુક્તિ પત્ર એનાયત કર્યા. આ લોકસભા ચૂંટણી પહેલાંનો આ છેલ્લો અને 12મો રોજગાર મેળો હતો. આ પહેલાં 11 રોજગાર મેળા યોજાઈ ચૂક્યા છે. દેશભરમાં 47 સ્થળોએ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે PM નરેન્દ્ર મોદીએ નિયુક્તિ પત્ર મેળવનારા યુવાનોને માર્ગદર્શન આપવા માટે સંબોધિત પણ કર્યા.

    કાર્યક્રમમાં PM મોદી વર્ચ્યુઅલી ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં તેમણે 1 લાખથી વધુ યુવાનોને નિયુક્તિ પત્ર એનાયત કર્યા. આ કાર્યક્રમ દરમિયાન જ PM મોદી દિલ્હી ખાતે કર્મયોગી ભવનની આધારશિલા પણ મૂકી. આ પરિસર મિશન કર્મયોગી વચ્ચે સહયોગ અને તાલમેલને પ્રોત્સાહન આપશે. વડાપ્રધાન દ્વારા જે યુવાનોને નિયુક્તિ પત્ર આપવામાં આવ્યા તે યુવાનો અલગ-અલગ સરકારી વિભાગો અને સંસ્થાઓના પદ પર નિયુકત થશે. આ કાર્યક્રમની શરૂઆત 12 ફેબ્રુઆરીએ સવારે 10:30 કલાકે થઈ હતી.

    સંબોધનમાં PM મોદીએ કહ્યું કે, અમે ભારત સરકારમાં ભરતી પ્રક્રિયાને હવે સંપૂર્ણ રીતે પારદર્શી બનાવી દીધી છે. એટલું જ નહીં સરકાર ભાર આપી રહી છે કે ભરતી પ્રક્રિયા એક નક્કી કરેલી સમયસીમાની અંદર પૂર્ણ કરી લેવામાં આવે. જેથી દરેક યુવાનને પોતાની યોગ્યતા સાબિત કરવાનો સમાન અવસર મળી રહ્યો છે. તેમણે ઉમેર્યું કે, 2014થી જ અમારા પ્રયાસ રહ્યા છે કે નવયુવાનોને ભારત સરકાર સાથે જોડીને રાખીએ અને રાષ્ટ્રનિર્માણમાં સહભાગી બનાવીએ.

    - Advertisement -

    દેશમાં વધતી જતી કનેક્ટિવિટી અંગે વાત કરતાં વડાપ્રધાને કહ્યું કે, કનેક્ટિવિટી વધવાથી નવા વ્યવસાયો તૈયાર થાય છે અને તેનાથી રોજગારના અવસરો મળે છે. એટલે કે કનેક્ટિવિટી સારી હોય તો તેની અસર દેશના વિકાસ પર પડે છે.

    વિભિન્ન વિભાગો અને સંસ્થાઓમાં મળશે નોકરી

    આ એક લાખ નોકરીઓ કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગો અને કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા આપવામાં આવી છે. તેમાં મહેસૂલ વિભાગ, ગૃહ મંત્રાલય, ઉચ્ચ શિક્ષણ, અણુ ઊર્જા, સંરક્ષણ વિભાગ, નાણાકીય સેવાઓ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, આદિજાતિ બાબતોનું મંત્રાલય અને રેલવેનો સમાવેશ થાય છે. PMOના જણાવ્યા અનુસાર, રોજગાર મેળા દ્વારા યુવાનોને વધુ તકો મળવાની અપેક્ષા છે. આ કાર્યક્રમ તેમને રાષ્ટ્રીય વિકાસ સાથે જોડવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

    નવનિયુક્ત કર્મચારીઓ ઓનલાઈન મોડ્યુલ કર્મયોગી પ્રારંભ (Karmayogi Prarambh) દ્વારા તાલીમ પણ મેળવશે. આ પ્રોગ્રામ હેઠળ કર્મયોગી પોર્ટલ પર 880થી વધુ ઈ-લર્નિંગ કોર્સ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. આ કોઈપણ ઉપકરણ પર વાપરી શકાય છે.

    કર્મયોગી ભવનના નિર્માણની શરૂઆત

    આ પ્રસંગે વડાપ્રધાન મોદી કર્મયોગી ભવનના સંકલિત સંકુલના નિર્માણનું ખાતમુહૂર્ત પણ કર્યું. આ સંકુલ દ્વારા મિશન કર્મયોગીના વિવિધ કાર્યક્રમોને એક છત નીચે લાવી શકાશે. મિશન કર્મયોગી હેઠળ, કર્મચારીઓને નૈતિક મૂલ્યોની તાલીમ આપવામાં આવશે અને સમાજના વિવિધ વર્ગો અને ભૌગોલિક વિસ્તારોની જરૂરિયાતો અનુસાર તેમની જવાબદારીઓ નક્કી કરવામાં આવશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં