Tuesday, June 18, 2024
More
  હોમપેજદેશરાષ્ટ્રપતિના સંબોધન સાથે સંસદના બજેટ સત્રની શરૂઆત, રામ મંદિરનો પણ કર્યો ઉલ્લેખ:...

  રાષ્ટ્રપતિના સંબોધન સાથે સંસદના બજેટ સત્રની શરૂઆત, રામ મંદિરનો પણ કર્યો ઉલ્લેખ: PM મોદીએ ‘હુડદંગી સાંસદો’ને આપી આત્મનિરીક્ષણની સલાહ

  - Advertisement -

  સંસદમાં બુધવારથી (31 જાન્યુઆરી, 2024) બજેટ સત્રની શરૂઆત થઇ રહી છે. PM મોદીની આગેવાની હેઠળની સરકારના બીજા કાર્યકાળનું આ અંતિમ સત્ર છે. સત્રની શરૂઆત રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુના અભિભાષણથી થઈ. સત્રની શરૂઆત પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પરંપરા અનુસાર સંસદ ભવનની બહાર મીડિયા સાથે વાતચીત કરી હતી.

  સંસદમાં બજેટ સત્રની શરૂઆત કરતાં રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુએ કહ્યું કે, “અમૃત કાળની શરૂઆતમાં આ ભવન બન્યું છે. અહીં ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની મહેક પણ છે. આ નવા સંસદ ભવનમાં મારું પ્રથમ સંબોધન છે. આપણા બંધારણના અમલનું પણ આ 75મુ વર્ષ છે. ગત વર્ષ ભારત માટે ઐતિહાસિક સિદ્ધિઓથી ભરેલું રહ્યું છે. ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ધ્વજ ફરકાવનાર પ્રથમ દેશ બન્યો. G20ની સફળતાએ સમગ્ર વિશ્વમાં ભારતની ભૂમિકાને મજબૂત બનાવી છે. સરકારે લાખો યુવાનોને સરકારી નોકરીઓ આપી છે. નારીશક્તિ વંદન અધિનિયમ લોકસભા અને રાજ્યસભામાં મહિલાઓની ભાગીદારી વધારશે. રામ મંદિરના નિર્માણની વર્ષોથી રાહ જોવાઈ રહી હતી. હવે તે પૂર્ણ થઈ ગયું છે.”

  આ ઉપરાંત ભારતની સિદ્ધિઓ ગણાવતાં તેમણે કહ્યું કે, “એશિયન ગેમ્સમાં ભારતે 100થી વધુ મેડલ જીત્યા છે. 5G શરૂ કરનાર પ્રથમ દેશ બન્યો છે. RTI ફાઇલ કરનારા લોકોની સંખ્યા 3.25 કરોડથી વધીને 8 કરોડથી વધુ થઈ ગઈ છે. આ સિદ્ધિઓ 10 વર્ષની મહેનતનું પરિણામ છે. કલમ 370 પરની આશંકા હવે ઈતિહાસ બની ગઈ છે. આજે એક લાખથી વધુ સ્ટાર્ટઅપ્સ છે. એક કરોડ 40 લાખ લોકો GST ભરી રહ્યા છે.”

  - Advertisement -

  રાષ્ટ્રપતિ મૂર્મુએ વૈશ્વિક મુદ્દાઓ પર વાત કરતાં કહ્યું કે, “ગત વર્ષોમાં દુનિયાએ બે મોટાં યુદ્ધ જોયાં અને કોરોના જેવી મહામારીનો સામનો પણ કર્યો. આવાં વૈશ્વિક સંકટો હોવા છતાં મારી સરકારે દેશમાં મોંઘવારીને કાબૂમાં રાખી, સામાન્ય ભારતીય નાગરિક પર તેની અસર થવા દીધી નહીં.” સંબોધન દરમિયાન રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુએ રામમંદિર, નારી શક્તિ વંદન કાયદો, ટ્રિપલ તલાક વગેરનો પણ ઉલ્લેખ કર્યો હતો. જ્યારે તેમણે આ વિષયોનો ઉલ્લેખ કર્યો ત્યારે સંસદ ગૃહમાં બેઠેલા સભ્યોએ તાળીઓના ગડગડાટથી તેને વધાવી લીધો હતો.

  સત્રની શરૂઆત પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદની બહાર મીડિયાને સંબોધન કરતા કહ્યું કે, “હું આશા રાખું છું કે છેલ્લાં 10 વર્ષમાં જેમને જે રસ્તો સૂઝ્યો એ પ્રમાણે સંસદમાં પોતાના કાર્યો કર્યાં. પરંતુ જેમનો સ્વભાવ આદતવશ ઉપદ્રવી થઇ ગયો છે, જે લોકોએ આદતવશ લોકતાંત્રિક મૂલ્યોનું ચીરહરણ કર્યું છે, તેવા બધા સાંસદો આત્મનિરીક્ષણ કરે કે, તેઓએ છેલ્લાં દસ વર્ષમાં શું-શું કર્યું છે. પોતાના જ વિસ્તારના 100 લોકોને પૂછે, જો કામ કર્યું હશે તો યાદ લોકો યાદ કરશે અને નહીં કર્યું હોય તો ઓળખશે પણ નહીં. જે લોકોએ ગૃહને ઉત્તમ વિચારોથી લાભ પહોંચાડ્યો હશે, એક મોટો વર્ગ આજે પણ તેમની પ્રશંસા કરતો હશે.”

  આ ઉપરાંત બજેટ વિશે વાત કરતાં કહ્યું કે, “જ્યારે ચૂંટણીનો સમય નજીક આવે ત્યારે સંપૂર્ણ બજેટ રજૂ કરવામાં આવતું નથી. અમે પણ આ જ પરંપરા અનુસરીશું અને નવી સરકારની રચના પછી સંપૂર્ણ બજેટ રજૂ કરીશું. મંત્રી નિર્મલા સીતારમણ આવતીકાલે બજેટ રજૂ કરવા જઈ રહ્યાં છે, મને વિશ્વાસ છે કે દેશ રોજ પ્રગતિની નવી ઊંચાઈઓ પાર કરી આગળ વધી રહ્યો છે.”

  નોંધવું જોઈએ કે નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી, 2024ના રોજ વચગાળાનું બજેટ રજૂ કરશે. PM મોદીની આગેવાની હેઠળની સરકારનું આ બીજા કાર્યકાળનું છેલ્લું સત્ર હશે. સંસદમાં 31 જાન્યુઆરીથી શરૂ થનાર આ બજેટ સત્ર 9 ફેબ્રુઆરી સુધી ચાલશે. 

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં