Sunday, April 28, 2024
More
    હોમપેજદેશ'આ પ્રકારનું કૃત્ય અયોગ્ય, નિંદનીય': માતા સીતાનું અપમાન કરતા નાટક બદલ પુણેની...

    ‘આ પ્રકારનું કૃત્ય અયોગ્ય, નિંદનીય’: માતા સીતાનું અપમાન કરતા નાટક બદલ પુણેની યુનિવર્સિટીએ માફી માંગી, વિદ્યાર્થીઓ-HODને ધરપકડ બાદ જામીન

    યુનિવર્સિટીએ કહ્યું, “કોઈપણ દંતકથા કે ઐતિહાસિક પાત્રની પેરોડી (મશ્કરી) કરવી સંપૂર્ણપણે અયોગ્ય અને નિંદનીય છે. આ મામલાની તપાસ માટે યુનિવર્સિટીએ નિવૃત્ત જિલ્લા ન્યાયાધીશની અધ્યક્ષતામાં 'ફેક્ટ ફાઈન્ડિંગ કમિટી' રચના કરી છે."

    - Advertisement -

    સોશિયલ મીડિયામાં પુણેની સાવિત્રીબાઈ ફૂલે પુણે યુનિવર્સિટી (SPPU)નો ભગવાન રામ અને માતા સીતાનું અપમાન કરતા નાટકનો વિડીયો વાયરલ થયો હતો, જે પછી લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. બીજી તરફ, વિદ્યાર્થી સંગઠન ABVPએ નાટકને રોકી વિરોધમાં ઉગ્ર પ્રદર્શન કરી આયોજકો સામે ફરિયાદ પણ નોંધાવી હતી. ત્યારબાદ પોલીસે કાર્યવાહી કરતાં યુનિવર્સિટીના HOD સાથે અન્ય પાંચ વિદ્યાર્થીઓની ધરપકડ કરી હતી. જોકે, પછીથી તેમને જામીન આપી દેવામાં આવ્યા છે. આ તરફ સમગ્ર મામલે યુનિવર્સિટીએ પ્રેસ રીલીઝ જારી કરીને માંફી માંગી છે.

    આ સમગ્ર મામલે માફી માંગતા સાવિત્રીબાઈ ફૂલે પુણે યુનિવર્સિટીએ (SPPU)એક પ્રેસ રીલીઝમાં જણાવ્યું હતું કે, “કોઈપણ દંતકથા કે ઐતિહાસિક પાત્રની પેરોડી (મશ્કરી) કરવી સંપૂર્ણપણે અયોગ્ય અને નિંદનીય છે. આ મામલાની તપાસ માટે યુનિવર્સિટીએ નિવૃત્ત જિલ્લા ન્યાયાધીશની અધ્યક્ષતામાં ‘ફેક્ટ ફાઈન્ડિંગ કમિટી’ રચના કરી છે.” યુનિવર્સિટીએ જણાવ્યું કે, કમિટીના રિપોર્ટ આવ્યા બાદ આ મામલે જે-તે પગલાં લેવામાં આવશે અને ઉમેર્યું કે કોઈને પણ કાયદો હાથમાં લેવાની સત્તા નથી.

    યુનિવર્સિટીએ પ્રેસ રીલીઝમાં ઘટનાની પુષ્ટિ કરતાં કહ્યું કે, “નાટકની રજૂઆતમાં કેટલીક સામગ્રી/ભાષણ વાંધાજનક જોવા મળે છે. આ બાબતે વિદ્યાર્થીઓ વચ્ચે શાબ્દિક બોલાચાલી થઈ હોવાનું પણ જાણવા મળ્યું છે. જેમાં સુરક્ષા કર્મચારીઓએ હસ્તક્ષેપ કર્યા બાદ પોલીસને બોલાવવામાં આવી અને જે પછી ફરિયાદ દાખલ થઇ. આ અંગે પોલીસ પ્રશાસન દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. કોઈ પણ વ્યક્તિ કાયદો પોતાના હાથમાં ન લે તે સુનિશ્ચિત કરવાની જવાબદારી યુનિવર્સિટીની છે.”

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે, શુક્રવારે (02 જાન્યુઆરી 2024) બનેલી ઘટનામાં ABVPએ ચતુર્શૃંગી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પુણે ABVPનાં નેતા હર્ષવર્ધન હરપુડેએ યુનિવર્સિટીના લલિત કલા અને કેન્દ્ર દ્વારા આયોજિત ‘જબ વી મેટ’ નાટકમાં ભગવાન રામ અને સીતાના અભદ્ર ચિત્રણ સામે વાંધો ઉઠાવ્યો હતો. હર્ષવર્ધન હરપુડે સહિત ABVP કાર્યકરોએ શુક્રવારે રાત્રે નાટકના રિહર્સલ દરમિયાન નાટકને રોકી ઉગ્ર વિરોધ કર્યો હતો. નાટકમાં માતા સીતાનું પાત્ર ભજવતા વ્યક્તિને સિગારેટ પીતી અને અપશબ્દોનો ઉપયોગ કરતી દર્શાવવામાં આવી હતી.

    આ નાટક પુણે યુનિવર્સિટીના લલિત કલા કેન્દ્ર દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું. જેથી પોલીસે HOD અને થિયેટર આર્ટ્સના પ્રોફેસર ડૉ. પ્રવિણ દત્તાત્રય ભોલે સાથે બીજા પાંચ વિદ્યાર્થીઓ ભાવેશ રાજેન્દ્ર પાટીલ, જય પેડાનેકર, પ્રથમેશ સાવંત, હૃષિકેશ દળવી, યશ ચીખલેની ધરપકડ કરી હતી. માહિતી પ્રમાણે આ નાટકનું લેખન અને દિગ્દર્શન રાજેન્દ્ર પાટીલે કર્યું હતું, જ્યારે અન્ય વિદ્યાર્થીઓ તેના કલાકારો હતા.

    આ મામલે HOD અને અન્ય પાંચ વિદ્યાર્થીઓ સામે IPCની કલમ 295A, 294, 143/149, 147 અને 323 તેમજ COTPAની સુસંગત કલમ હેઠળ ગુનો દાખલ કર્યા બાદ તમામની ધરપકડ કરી લેવામાં આવી હતી. પછીથી તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં કોર્ટે તેમને શરતી જામીન આપ્યા હતા. તેમને અઠવાડિયામાં 2 વખત પોલીસ મથકે હાજરી આપવાની શરતે કોર્ટે જામીન પર મુક્ત કર્યા છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં