Sunday, April 28, 2024
More
    હોમપેજદેશસંસદ હુમલો: દેશમાં અરાજકતા પેદા કરવા માંગતા હતા આરોપીઓ, પહેલાં ભવનની બહાર...

    સંસદ હુમલો: દેશમાં અરાજકતા પેદા કરવા માંગતા હતા આરોપીઓ, પહેલાં ભવનની બહાર પોતાને સળગાવી દેવાનો હતો પ્લાન; પોલીસને ફોરેન ફન્ડિંગની આશંકા

    દિલ્હી પોલીસે શુક્રવારે (15 ડિસેમ્બર) આ કેસના માસ્ટરમાઇન્ડ લલિત ઝાને કોર્ટમાં રજૂ કર્યો હતો. આ સાથે જે રિમાન્ડ અરજી મૂકવામાં આવી, તેમાં આ બાબતો જણાવવામાં આવી છે.

    - Advertisement -

    સંસદ ભવનમાં ઘૂસી જઈને હોબાળો મચાવવાના કેસમાં હવે એક પછી એક ઘટસ્ફોટ થઈ રહ્યા છે. હવે જાણવા મળ્યું છે કે આરોપીઓ દેશભરમાં અરાજકતા પેદા કરવા માંગતા હતા અને સરકારને તેમની માંગ પૂરી કરવા માટે મજબૂર કરવાનો ઈરાદો હતો. એટલું જ નહીં, અગાઉ તેમણે સંસદ ભવનની બહાર આત્મદાહ કરવાનો પણ પ્લાન બનાવ્યો હતો, પણ છેલ્લી ઘડીએ રદ કરી દીધો હતો. આ સિવાય ફોરેન ફન્ડિંગની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે. 

    દિલ્હી પોલીસે શુક્રવારે (15 ડિસેમ્બર) આ કેસના માસ્ટરમાઇન્ડ લલિત ઝાને કોર્ટમાં રજૂ કર્યો હતો. આ સાથે જે રિમાન્ડ અરજી મૂકવામાં આવી, તેમાં આ બાબતો જણાવવામાં આવી છે. પોલીસે કોર્ટને જણાવ્યું કે તેઓ આ હુમલા પાછળનો મૂળ ઉદ્દેશ્ય જાણવાના પ્રયાસ કરી રહ્યા છે તેમજ અન્ય કોઇ દુશ્મન દેશો કે આતંકવાદી સંગઠન સાથે આરોપીઓનું કોઇ જોડાણ છે કે નહીં તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે. 

    અહીં નોંધનીય છે કે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે લલિત ઝાને 7 દિવસ માટે પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો છે, જ્યારે બાકીના આરોપીઓ પહેલેથી જ પકડાઈ ચૂક્યા છે અને હાલ રિમાન્ડ હેઠળ છે. 

    - Advertisement -

    સંસદની બહાર આત્મદાહ કરવાનો પ્લાન હતો

    હિંદુસ્તાન ટાઇમ્સના રિપોર્ટ અનુસાર, આરોપીઓ પૈકીના એક સાગરે પોલીસને જણાવ્યું હતું કે તેમણે પહેલાં સંસદ ભવનની બહાર પોતાને સળગાવવાની યોજના બનાવી હતી અને આ માટે જેલ જેવો પદાર્થ પણ ખરીદવાના હતા, જેથી તેઓ ખરેખર સળગી ન જાય અને માત્ર તમાશો કરી શકે. આ માટે ઓનલાઈન જેલ ખરીદવા માટે પૈસા પણ એકઠા કર્યા હતા પરંતુ પછી ખરીદી ન શક્યા. પછીથી તેમણે વિચાર્યું કે તેનાથી મીડિયાનું ધ્યાન વધુ ખેંચી શકાશે નહીં અને પ્લાન પડતો મૂક્યો હતો. 

    બીજી તરફ, આરોપીઓ પાસેથી એવું પણ જાણવા મળ્યું છે કે તેઓ એક રાજકીય પાર્ટી પણ બનાવવાનું વિચારી રહ્યા હતા. તેનું પણ કારણ મીડિયા અટેન્શન જ હતું. આરોપીઓએ કહ્યું કે, તેઓ અન્ય કોઇ રાજકીય પાર્ટી સાથે જોડાવા માંગતા ન હતા કારણ કે વિચારધારા મેળ ખાતી ન હતી. 

    તપાસ કરતી ટીમને આ કૃત્ય માટે વિદેશી ભંડોળ મળ્યું હોય તેવી પણ આશંકા છે. કારણ કે આરોપીઓએ એક વિસ્તૃત યોજના બનાવી રાખી હતી અને તે માટે અવારનવાર દિલ્હી પણ આવા હતા. લલિત ઝાએ પૂછપરછમાં જણાવ્યું હતું કે તે અને તેના સાથીઓ આ પ્લાન માટે ઘણી વખત મળ્યા હતા. આ માટે તેમને કોઇ નાણાકીય સહાય કરવામાં આવી હતી કે કેમ તે તપાસનો વિષય છે. 

    એવું પણ જાણવા મળ્યું છે કે દિલ્હી પોલીસ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરી શકે છે, જે માટે સંસદ ભવન પાસેથી પરવાનગી માંગવામાં આવશે. જોકે, હાલ સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. પોલીસ અધિકારીએ એજન્સી PTIને જણાવ્યું હતું કે, “અમે ભવનની અંદર અને બહાર ક્રાઇમ સીન રીક્રિએટ કરવા માટે સંસદની પરવાનગી માંગીશું.” 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં